Anant Safarna Sathi - 39 books and stories free download online pdf in Gujarati

અનંત સફરનાં સાથી - 39

૩૯.ઢળતાં સુર્યની સંગાથે અમુક પ્રેમની ક્ષણો

આજે આર્યનને ડિસ્ચાર્જ મળી ગયું હતું. બધાં એને ઘરે લઈ જવાની તૈયારી કરી રહ્યાં હતાં. શિવાંશ બધી ફોર્માલીટિ પૂરી કરીને આવ્યો એટલે રાધિકા અને આયશા શિવાંશને લઈને બહાર આવી. શિવાંશ ડ્રાઈવર સીટ પર ગોઠવાયો, રાધિકા એની બાજુની સીટમાં બેઠી અને આયશા આર્યન સાથે પાછળ બેઠી. શિવાંશની ગાડી અમદાવાદની પાક્કી સડક પર દોડવા લાગી. થોડીવારમાં બધાં ઘરે પહોંચી ગયાં. ગૌરીબેને આર્યનની નજર ઉતારીને એને ઘરમાં આવકાર્યો. મહાદેવભાઈએ આર્યન સાથે જે થયું એ છુપાવીને એનાં પરિવારને રાહી અને શિવાંશની સગાઈનો આમંત્રણ આપતો ફોન કરીને અમેરિકાથી અમદાવાદ આવવાં જાણ કરી દીધી હતી.
આયશા આર્યનને એનાં રૂમમાં આરામ કરવાં મૂકી આવી. એ હજું પણ પરેશાન અને ગુસ્સે હતી. ગૌરીબેન એની પાસે ગયાં અને પ્રેમથી એનાં માથે હાથ મૂક્યો. આયશા એમને ભેટીને રડવા લાગી. ગૌરીબેન પ્રેમથી એનાં માથે હાથ પસવારી રહ્યાં. આયશા થોડીવાર સુધી મન મૂકીને રડતી રહી. એનાં શાંત થતાં જ ગૌરીબેને પરાણે એને ચા નાસ્તો કરાવ્યો. આયશા નાં પાડતી રહી પણ ગૌરીબેને એને પોતાનાં હાથે ખવડાવી દીધું. આયશાની આંખો ભરાઈ આવી. શિવાંશ મહાદેવભાઈ સાથે વાત કરી રહ્યો હતો. એ બંને પણ આયશા પાસે આવ્યાં. મહાદેવભાઈ એની પાસે બેસી ગયાં.
"હવે આર્યન બિલકુલ સ્વસ્થ છે તો રડવા જેવી વાત જ નથી."મહાદેવભાઈએ આયશાનાં માથે હાથ મૂક્યો, "હવે રાહી અને શિવાંશની સગાઈની તૈયારી કરો અને જો તું અને આર્યન એકબીજાને પસંદ કરતાં હશો તો હું તમારી સગાઈ કરાવીશ." એમણે સહેજ શરારતી સ્મિત કર્યું, "તારો બાપ જ્વેલરી શોરૂમનો માલિક હોય તો શું થયું? હું પણ મીઠાઈની દુકાનનો માલિક છું. કોઈ સારાં પ્રસંગે લોકો દાગીના પહેલાં મીઠાઈ ખરીદતાં હોય છે. આપણે પણ તારાં બાપને મીઠાઈ ખવડાવીને તમારાં સંબંધ માટે મનાવી લઈશું."
મહાદેવભાઈની વાત સાંભળીને આયશા હસવા લાગી. એ મહાદેવભાઈને વળગી પડી. એણે સામે ઉભેલાં શિવાંશ સામે એક નજર કરી. એણે પણ પાંપણો જપકાવીને પોતે એની સાથે છે એવું જણાવ્યું. હવે આયશા એકદમ નિશ્ચિત હતી. ઘણાં વર્ષોથી પ્રેમ માટે તરસતી આયશાને અમદાવાદ આવીને અજાણ્યાં લોકો પાસેથી આટલો પ્રેમ મળશે એવું એણે સપનામાં પણ વિચાર્યું ન હતું. આજે એને ખુદ પર ગર્વ થતો હતો અને એણે શિવાંશ સાથે દોસ્તી કરવાનો નિર્ણય લીધો એ નિર્ણય ઉપર પણ ગર્વ મહેસૂસ થતો હતો. એક વ્યક્તિ ખરાબ નીકળે તો આખી દુનિયા ખરાબ નાં હોય. એ વાત પર આજે આયશાને વિશ્વાસ આવી ગયો હતો.
"હવે રોવાનો પિરિયડ ખતમ કરો અને ચાલો શોપિંગ પર જઈએ." રાધિકા આવીને આયશાને લઈને જતી રહી. આયશા, રાહી અને રાધિકા ત્રણેય તૈયાર થઈને નીચે આવી. શિવાંશ ડાઇનિંગ પર બેસીને ચા પીતો હતો. રાધિકા એની પાસે ગઈ.
"અરે મારાં ફ્યુચર જીજાજી! ચા પીવાનું છોડો અને અમારી સાથે શોપિંગ પર ચાલો. દીદી સગાઈમાં તમારી પસંદની વસ્તુઓ જ પહેરશે ને!" એ શિવાંશને પકડીને ચાલતી થઈ. રાહી શરમાઈ રહી હતી.
"હવે શરમાવાનું છોડી દો. તમારાં બંનેનાં લગ્ન થવાનાં છે." આયશાએ રાહીનાં ખંભા સાથે ખંભો અથડાવીને કહ્યું. રાહી એની સામે આંખો કાઢતી ગાયત્રીબેન પાસે ગઈ.
"આન્ટી! તમે પણ અમારી સાથે ચાલો." રાહીએ કહ્યું.
"અરે નાં નાં..તમે છોકરાંવ જાવ. આમ પણ અમારે સગાઈની રસમોમા વસ્તુઓ જોશે એની તૈયારી કરવાની છે." એમણે પ્રેમથી રાહીનાં ગાલ પર હાથ મૂકીને કહ્યું, "આમ પણ શિવાંશ મારી પસંદ જાણે છે. એટલે તો એણે તને પસંદ કરી. હવે તારી ઉપર જે સારી લાગે એવી સાડી અને જ્વેલરી પણ એ જ પસંદ કરી લેશે." રાહીએ શરમાઈને નજર નીચી કરી લીધી, "અને હવે મને મમ્મી કહેવાની આદત પાડી લે." એમણે પ્રેમથી કહ્યું. રાહી માત્ર ડોક હલાવીને જતી રહી. બહાર બધાં ગાડીમાં ગોઠવાઈ ગયાં હતાં. શિવાંશ ફરી એકવાર ડ્રાઈવર સીટ પર અને આયશા, તન્વી અને રાધિકા સાથે પાછળ બેઠી હતી એ જોઈને રાહી શિવાંશની બાજુની સીટમાં ગોઠવાઈ ગઈ. રાધિકાની ગાઈડ લાઈન મુજબ શિવાંશે ગાડીને ઓપૉઝિટ લેન, લેમન ટ્રી હોટેલ, મીઠાખળી પાસે આવેલી શ્યામલ એન્ડ ભૂમિકા બૂટિક સ્ટોર તરફ લઈ લીધી. રાધિકાએ શ્યામને પણ ત્યાં આવવાં જણાવી દીધું હતું. શિવાંશે બૂટિકની સામે ગાડી રોકી. શ્યામ પહેલેથી જ ત્યાં હાજર હતો. બધાં સાથે જ અંદર ગયાં.
રાધિકા, તન્વી અને આયશા તો બૂટિકમાં ચક્કર લગાવવા લાગી પણ રાહી એક તરફ ઉભી રહી ગઈ. શ્યામને પણ રાધિકા પોતાની સાથે જ લઈ ગઈ હતી. શિવાંશ રાહી પાસે ગયો. એ બધાં લહેંગા જોઈને અસમંજસની સ્થિતિમાં મૂકાઈ ગઈ હોય એવું લાગતું હતું.
"શું થયું? તારે કંઈ નથી જોવું?" શિવાંશે ધીરેથી પૂછ્યું.
"શું લઉં કંઈ સમજાતું નથી." રાહીએ બધાં લહેંગા પર નજર દોડાવીને કહ્યું. શિવાંશ પણ સહેજ હસીને ચારેતરફ જોવાં લાગ્યો. એની નજર એક બેબી પિંક લહેંગા પર જઈને અટકી. એ રાહીનો હાથ પકડીને એને એ લહેંગા પાસે લઈ ગયો. રાહી ધ્યાનથી લહેંગો જોવાં લાગી. બારીક કામ કરેલો, નેટની ઢળકતી સ્લીવવાળો બેબી પિંક લહેંગો ખરેખર ખૂબ જ સુંદર હતો. રાહીનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. એણે શિવાંશ સામે ચમકતી આંખોએ જોયું. શિવાંશ એ આંખોમાં રહેલી રાહીની સહમતિ સમજી ગયો. એણે એ લહેંગો રાહીને ટ્રાય કરવા આપ્યો. જાણે એ રાહી માટે જ બન્યો હોય એમ રાહીને પરફેક્ટ રીતે થઈ ગયો. લહેંગો ફાઈનલ કર્યા પછી લહેંગાને મેચિંગ જ બેબી પિંક શેરવાની અને ક્રીમ કલરની ચુડીદાર રાહીએ શિવાંશ માટે પસંદ કરી. ખરેખર બંનેની ચોઈસ અને સમજણ એટલી અદ્ભૂત હતી કે બધાંની પહેલાં એમની શોપિંગ પૂરી થઈ ગઈ. રાધિકા અને શ્યામ તો શું લેવું એ બાબતે લડી રહ્યાં હતાં. આખરે રાહીએ જ એ બંનેને શોપિંગ કરાવી આપી.
"તમારે બંનેને કંઈ નથી લેવું?" તન્વી અને આયશાનાં ખાલી હાથ જોઈને રાહીએ પૂછ્યું.
"મેં તન્વી અને આર્યને તો નક્કી કર્યું છે કે અમે તમે ડિઝાઈન કરેલાં કપડાં જ પહેરીશું." આયશાએ સ્મિત સાથે કહ્યું. રાહીને પણ ખુશી થઈ. ત્યાંથી બધાં અંગૂઠી ખરીદવાં ભરતજી સિન્સ ૧૯૭૫ નામની જ્વેલરી શોપ પર આવી પહોંચ્યાં. બધાંએ અંગૂઠી ખરીદી ત્યાં સુધીમાં બપોર થઈ ગયાં. પછી ત્યાંથી સીધાં ઘરે આવી ગયાં. ઘરે આવીને રાધિકા ગાયત્રીબેન અને ગૌરીબેનને બધું બતાવવા લાગી. મલયભાઈ અને મહાદેવભાઈ પણ સોફાની ખુરશી પર બેઠાં બધું જોઈને હરખાતાં હતાં.
"આ વખતે તો‌ મેં પણ ચલાવી લીધું પણ લગ્નમાં તો હું અને શ્યામ દીદુના ડિઝાઇન કરેલાં કપડાં જ પહેરીશું." રાધિકાએ પોતાની ઈચ્છા બધાં સમક્ષ રજુ કરી.
"હાં, અમારાં લગ્નમાં પણ રાહીએ જ અમારા બંને માટે કપડાં ડિઝાઈન કરવા પડશે." શિવાંશે પણ રાધિકાની વાતમાં સૂર પૂરાવ્યો.
"તો પછી તો રાહીએ આજથી જ તૈયારી શરૂ કરવી પડશે કારણ કે મેં આવતાં મહિનાની શરૂઆતમાં જ રાહી અને શિવાંશનાં લગ્નનું મુહૂર્ત કઢાવી લીધું છે." અચાનક જ મહાદેવભાઈ કહ્યું તો બધાં એમની સામે જોવાં લાગ્યાં. એમણે એવું કંઈ નક્કી કર્યું હતું. એ વાતની કોઈને કંઈ જાણકારી ન હતી. શિવાંશ બધાંની સાથે શોપિંગ પર ગયો એ પછી મહાદેવભાઈ મલયભાઈ સાથે બહાર ગયાં હતાં. એ વાતનો મતલબ અત્યારે ગૌરીબેનને સમજાયો. એ મહાદેવભાઈનાં નિર્ણયથી ખુશ તો હતાં પણ થોડાં જ સમયમાં તૈયારી કેવી રીતે થાશે? એ વાતે થોડાં પરેશાન પણ હતાં.
"કોઈને કંઈ વાંધો તો નથી ને?" ગૌરીબેનનો ચિંતાજનક ચહેરો જોઈને મહાદેવભાઈએ બધાં તરફ એક નજર કરીને પૂછ્યું.
"એમાં વાંધો શું હોય? એકવાર તો લગ્ન કરવાનાં જ છે. તો એક મહિના પછી થાય કે એક વર્ષ પછી શું ફેર પડવાનો!?" મલયભાઈ શિવાંશ તરફ જોઈને બોલ્યાં. શિવાંશ અને રાહી એકબીજા સામે જોવાં લાગ્યાં. એ બંને મહાદેવભાઈ અને મલયભાઈની ચિંતા સમજતાં હતાં એટલે એ બંને કંઈ નાં બોલ્યાં.
"તો સગાઈ પછી તૈયારી શરૂ કરી દઈએ. મારે અને શ્યામને તો આમ પણ સ્ટડી ખતમ કરીને લગ્ન કરવાં છે. તો પહેલાં દીદુના લગ્નની મજા માણી લઈએ." રાધિકાએ ખુશ થતાં કહ્યું. બધાંને એની વાત યોગ્ય લાગી. બધી ચર્ચા કરીને બધાં જમવા બેઠાં. જમીને રાહી પોતાનાં રૂમમાં જતી રહી. બાકી બધાં સગાઈની તૈયારીમાં લાગી ગયાં. રાહીએ રૂમમાં આવીને અંકિતાને ફોન જોડ્યો.
"તો મેડમ આખરે સગાઈ કરી રહ્યાં છે એમ ને!" અંકિતાએ કોલ રિસીવ કરતાંની સાથે જ કહ્યું. રાધિકાએ દર વખતની જેમ આજે પણ બધી માહિતી અંકિતા સુધી પહોંચાડી દીધી હતી.
"એક અઠવાડિયામાં સગાઈ અને એક મહિનામાં લગ્ન પણ કરી રહી છું. તું આજે જ તારાં બંને પરિવાર સાથે અમદાવાદ આવવાં નીકળી જા." રાહીની ખુશી એનાં અવાજમાં જ છલકતી હતી.
"સોરી યાર! મમ્મી-પપ્પા કે મારાં સાસુ સસરા કોઈ નહીં આવી શકે. પણ હું અને અભિનવ જરૂર આવશું. આજે જ પેકિંગ કરીને પહેલી ફ્લાઈટમાં જ નીકળી જાશું." અંકિતાએ કહ્યું અને થોડી આડીઅવળી વાતો કરીને રાહીએ ફોન મૂક્યો. શિવાંશે શુભમને પણ ફોન કરીને એનાં મમ્મી સાથે આવવાં જણાવી દીધું હતું. એ પોતાની સગાઈમાં જ તન્વી અને શુભમની વાત પણ કરવાં માંગતો હતો.
રાહી અંકિતા સાથે વાત કરીને પોતાનો લહેંગો જોવાં લાગી. લહેંગા પર હાથ ફેરવતી વખતે એનાં ચહેરાં પર ગજબની ખુશી અને આંખોમાં એક ચમક છવાઈ ગઈ. એ સમયે જ ગાયત્રીબેન, તન્વી અને શિવાંશ એનાં રૂમમાં આવ્યાં. એમનાં હાથમાં બહું બધાં જ્વેલરી બોક્સિસ હતાં. એ એમણે રાહીનાં હાથમાં આપતાં કહ્યું, "આ હું તારાં માટે લાવી છું. સગાઈ અને લગ્નમાં તને જે પસંદ આવે એ પહેરી લેજે."
રાહીએ જોયાં વગર જ બધાં બોક્સ બેડ પર મૂકી દીધાં અને સ્મિત સાથે ગાયત્રીબેનને ગળે વળગી ગઈ. ગાયત્રીબેન આજે બહું ખુશ હતાં. એમનાં દિકરાનો વર્ષો જૂનો પ્રેમ એને મળી ગયો હતો. શિવાંશની અને રાહીની તપસ્યા આખરે રંગ લાવી હતી. શિવાંશ પોતાની મમ્મી અને વહુને એ રીતે ગળે મળતાં અને ખુશ જોઈને એકદમ નિશ્ચિત થઈ ગયો હતો.
"ભાભી! તમારી નણંદ તો રહી ગઈ." તન્વીએ મોઢું બગાડીને કહ્યું તો રાહી એને પણ ભેટી પડી.
"બેટા હવે તું બધાં દાગીના જોઈ લે. તને કંઈ નાં ગમે તો આપણે બદલાવી લાવીએ." ગાયત્રીબેને કહ્યું તો રાહી એમનાં બંને હાથ પકડીને કહેવા લાગી, "તમારી પસંદગી ખરાબ હોઈ જ નાં શકે. મારે કંઈ જોવું નથી અને બદલવાની પણ કોઈ જરૂર નથી." એણે સ્મિત કરતાં ઉમેર્યું, "અત્યારે તમે આ બધું તમારી પાસે જ રાખો. જ્યારે મારે પહેરવાનું હશે હું તમારી પાસેથી લઈ લઈશ."
રાહીની વાતથી ગાયત્રીબેનને એક સારી વહું મળ્યાનો સંતોષ થયો. જે એમની દરેક વાત માનીને એમને પૂરતો આદર આપવાનું જાણતી હતી. એમણે પ્રેમથી રાહીનાં માથાં પર હાથ મૂક્યો, "મને તારી ઉપર વિશ્વાસ છે. જો તારે આ દાગીના તારી પાસે નાં રાખવાં હોય તો તારી મમ્મીને આપી દે. મારી ફરજ હવે પૂરી થઈ." કહીને ગાયત્રીબેન અને તન્વી જતાં રહ્યાં. શિવાંશ ત્યાં જ રાહીનાં બેડ પર બેસી ગયો. રાહીએ એની હરકતો જોઈને રૂમનો દરવાજો બંધ કરી દીધો અને શિવાંશ સામે જઈને ઉભી રહી ગઈ.
"તારે નથી જવું? તું કેમ અહીં બેસી ગયો?" રાહી કમરે હાથ રાખીને પૂછવા લાગી.
શિવાંશ હસીને ઉભો થઈ ગયો. એ બેડ પર રહેલાં બોક્સ ખોલીને એમાં રહેલાં દાગીના રાહીને પહેરાવવા લાગ્યો. એક બહું જ સુંદર વ્હાઈટ મોતી અને હિરા જડિત નેકલેસ પહેરાવીને શિવાંશે રાહીને અરીસા સામે ઉભી રાખી. એ નેકલેસ તેનાં રૂપમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. શિવાંશ અરિસાની સામે રાહીની પાછળ ઉભો રાહીને એ નેકલેસ પહેરેલી રાહીને જોઈને સ્મિત કરી રહ્યો હતો. રાહીનાં ચહેરાં ઉપર પણ સ્મિત ફરી વળ્યું. જે ગણતરીની સેકન્ડમાં જ ગાયબ થઈ ગયું.
"શું થયું? નેકલેસ પસંદ નાં આવ્યો?" શિવાંશ રાહીને પોતાની તરફ ફેરવીને એનો ચહેરો પોતાનાં બંને હાથે પકડીને પૂછવા લાગ્યો.
"નેકલેસ તો પસંદ આવ્યો પણ હવે તો આપણાં લગ્નમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે ને?" એ કંઈક વિચારી રહી હતી. કોઈ વાતે ડરી રહી હતી, "પન્ના અંકલ કંઈ કરશે તો નહીં ને? એ બહું મોટાં આદમી છે. આયશા આર્યનને પસંદ કરે છે એ વાત કદાચ એમને પસંદ નથી આવી. એ વાતનાં લીધે એ આપણાં લગ્નમાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરશે તો?"
રાહીની ચિંતા પણ વ્યાજબી હતી. શિવાંશ પણ એની વાતો સાંભળીને કંઈક વિચારવા લાગ્યો. એક-બે મિનિટ કંઈક વિચાર્યા પછી એ રાહીનાં બંને હાથ પકડીને કહેવા લાગ્યો, "હવે હું કંઈ નહીં થવા દઉં. આપણાં લગ્નની કોઈ પણ રસમોમા હું કોઈ સમસ્યા ઉભી થવા નહીં દઉં." શિવાંશની વાત સાંભળીને રાહી એને ગળે વળગી ગઈ. શિવાંશે પણ પ્રેમથી એને પોતાની બાહોમાં સમાવી લીધી. બંને થોડીવાર એમ જ એકબીજાને મહેસૂસ કરતાં રહ્યાં. રાહીને બંધ આંખોએ ફરી એકવાર બનારસનાં અસ્સી ઘાટનાં દ્રશ્યો આંખો સામે તરવરવા લાગ્યાં. એનાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઝડપી બની ગઈ. શિવાંશ એનાં વાળમાં હાથ પસવારીને એને શાંત કરવાં લાગ્યો. થોડીવાર પછી બંને નીચે ગયાં.
આજનો દિવસ તો શોપિંગ અને મહેમાનોને આમંત્રણ આપવામાં જ નીકળી ગયો. ઘરનાં બધાં લોકો ઉત્સાહભેર સગાઈની તૈયારી કરવામાં લાગ્યાં હતાં. મહાદેવભાઈએ એક દિવસ અગાઉ જ ઘરને સજાવવા માટે એક આખી ડેકોરેશન ટીમને બોલાવી લીધી હતી. સાંજે બધાં જમીને સૂઈ ગયાં.
બીજાં દિવસે બપોર થતાં તો અંકિતા પોતાનાં પતિ અભિનવ અને શુભમ અને એનાં મમ્મી સાથે નીલકંઠ વિલામાં આવી પહોંચી. એમની પાછળ જ આર્યનનાં મમ્મી-પપ્પા પણ આવી ગયાં. ગૌરીબેને હોંશે હોંશે બધાંને ઘરમાં આવકાર્યા. બધાનાં આવતાં જ ઘર ખરેખર લગ્નનું ઘર લાગવા લાગ્યું હતું. બધાંએ આવતાંની સાથે જ એક એક કામ પકડી લીધું. આજે મહાદેવભાઈ એકદમ નિશ્ચિત થઈ ગયાં. અંકિતા તો રાહી, તન્વી અને રાધિકા પાસે જઈને બેસી ગઈ. એ બહું જ ખુશ જણાતી હતી.
"જેમ તમે બંનેએ મને મારાં લગ્નમાં તૈયાર કરી હતી. એમ જ હું તમને બંનેને તમારી સગાઈમાં તૈયાર કરીશ." એણે રાધિકા અને તન્વી સામે જોયું, "અને રાહીનાં લગ્નમાં આપણે ત્રણેય મળીને એને તૈયાર કરીશું." અંકિતા તો આવતાંની સાથે જ પ્લાનિંગમાં લાગી ગઈ. બધાંને મળ્યાં પછી એ શિવાંશને એકલામાં મળવાં એનાં રૂમમાં ગઈ.
"તો જનાબનો ઈંતેજાર આખરે ખતમ થઈ ગયો એમ ને!" અંકિતાએ શિવાંશનાં રૂમમાં દાખલ થતાં જ કહ્યું. શિવાંશે હસીને એની સામે જોયું અને તરત જ કંઈક વિચારવા લાગ્યો.
અંકિતાએ ઈશારામાં પૂછ્યું તો કહેવા લાગ્યો, "રાહી તો મળી ગઈ. પણ જેમ વિચાર્યું હતું એમ નાં થયું." એ થોડોક ગંભીર થઈ ગયો, "હજું તો એનાં બનારસથી અમદાવાદ આવ્યાં પછી બનારસમાં મારી સાથે જે થયું એ પણ મેં તેને કહ્યું નથી. સાથે જ હું મારો બિઝનેસ છોડી ચુક્યો છું. એ પણ જણાવ્યું નથી."
"જો શિવાંશ! જીવનમાં આપણે જેવું ધારીએ એવું થતું નથી. ક્યાંક ને ક્યાંક આપણું જીવન પણ એક સસ્પેન્સ સ્ટોરી જેવું જ છે." એ શિવાંશને સમજાવવા લાગી, "હાલ તું અને રાહી સાથે છો એ જરૂરી છે. બાકી તું એને એનાં ગયાં પછી બનારસમાં જે થયું એ તો જણાવી જ શકે છે. મને નથી લાગતું કે એ તને ખોટો સમજે કે પછી એ વાતનાં લીધે એનાં દિમાગ પર કોઈ અસર થાય."
"પણ ડોક્ટરે એનાં દિમાગ પર જોર પડે કે એને કોઈ સ્ટ્રેસ થાય એવી વાતો એની સામે કરવાની નાં પાડી છે." શિવાંશે રાહી પ્રત્યેની ચિંતા વ્યક્ત કરી.
"રાહી એ બાબતે એક પણ કિસ્સો જાણતી નથી. આમ પણ એને એનું બનારસનું કૉમ્પિટિશન તો યાદ જ છે. તો મને નથી લાગતું કે એને હકીકત જણાવવામાં કંઈ પ્રોબ્લેમ થાય." એ શિવાંશને સમજાવવા લાગી. એની જગ્યાએ એ સાચી પણ હતી, "તું મોકો જોઈને બધું જણાવી દે. એ તને સારી રીતે સમજશે અને તારો થોડો ઘણો ગિલ્ટ પણ ઓછો થશે અને બિઝનેસ તો લગ્ન પછી તું ફરી સંભાળી જ રહ્યો છે. તો એ વિશે નાં જણાવે તો ચાલે. તમે જૂનું ભૂલીને એક નવી શરૂઆત કરો." એ શિવાંશને સમજાવીને જતી રહી. શિવાંશને પણ એની વાત ક્યાંકને ક્યાંક સાચી લાગી. એણે રાહીને મેસેજ કરીને સાંજે છ વાગ્યે વસ્ત્રાપુર તળાવ પર મળવાં બોલાવી લીધી.
શિવાંશ પાંચ વાગ્યે જ કામનું બહાનું બનાવીને વસ્ત્રાપુર તળાવ પહોંચી ગયો. રાહીએ હમણાં બૂટિક બંધ રાખ્યું હોવાથી એ ઘરે જ હતી તો બધાં વચ્ચેથી જલ્દી નીકળી નાં શકી. આખરે છ વાગ્યે એ પણ જેમતેમ કરીને રાધિકા અને અંકિતાની મદદથી શિવાંશ પાસે જવાં નીકળી ગઈ. એને આવેલી જોઈને શિવાંશે રાહતનો શ્વાસ લીધો. બાકી ઘરે બધાં હોવાથી રાહી આવશે કે નહીં? એ વાતે એ પણ ચોક્કસ ન હતો.
"અહીં કેમ બોલાવી? કોઈ ગરબડ તો નથી થઈ ને?" રાહીએ આવતાંની સાથે જ પૂછ્યું. એને પરેશાન જોઈને શિવાંશે એનો હાથ પકડીને એને બેન્ચ પર બેસાડી. પછી પોતે પણ એની પાસે બેસી ગયો.
"કોઈ ગરબડ નથી થઈ બસ કંઈક જણાવવું હતું. જે મેં તને જણાવ્યું નથી." શિવાંશે રાહીનો હાથ પોતાની બંને હથેળીઓ વચ્ચે દબાવીને કહ્યું. એનો ચહેરો રાહીને થોડો ગંભીર જણાયો. જાણે વાતની શરૂઆત ક્યાંથી કરવી? એ હજું સમજી શક્યો ન હતો. રાહીએ પોતાનાં બીજાં હાથની હથેળી એનાં હાથ પર મુકીને, એની આંખોમાં જોઈને એને પોતાની વાત રજુ કરવા હિંમત બંધાવી. શિવાંશે રાહીની આંખોમાં જોઈને, પોતાની આંખો બંધ કરીને અખિલેશ ચતુર્વેદીનાં મર્ડર વખતે જે કિસ્સો બન્યો એ આખો કિસ્સો રાહીને કહી સંભળાવ્યો. બધું સાંભળીને રાહીએ શિવાંશનાં ગાલ પર પ્રેમથી હાથ મૂક્યો. એ સાથે જ શિવાંશે તરત જ પોતાની આંખો ખોલી.
"પાગલ! આટલું જણાવવા તમે મને અહીં સુધી બોલાવી. મને તમારી ઉપર પૂરો વિશ્વાસ છે." રાહીએ પોતાનો વિશ્વાસ સાબિત કરવાની જરૂર ન હતી. છતાંય શિવાંશની ચિંતા હળવી કરવાં અને એનાં મનની દુવિધા દૂર કરવાં એ કહેવા લાગી, "તમે કંઈ કર્યું જ ન હતું. તો મને આ બાબતે જણાવવાની કોઈ જરૂર ન હતી. મને કદાચ કોઈ બીજાએ આ વાત કરી હોત તો પણ હું તમને કંઈ નાં પુછતી. આપણો પ્રેમ શરીર નહીં આત્માનો છે. જેમાં કંઈ સાબિત કરવાની જરૂર જ નથી હોતી."
શિવાંશે તરત જ રાહીને પોતાની બાહોમાં સમાવી લીધી. એક બનારસની એ સવાર હતી જ્યારે રાહીએ શિવાંશને પોતાનાં સપનાંની હકીકત જણાવી અને શિવાંશે એને પોતાની બાહોમાં સમાવી લીધી અને ત્યાંનો સુરજ અસ્સી ઘાટનાં પાણીમાં પોતાનાં કિરણો વડે એ પાણીને ચમકાવીને એમનાં પ્રેમની સાક્ષી પૂરાવી રહ્યો હતો અને આજે અમદાવાદની આ સંધ્યા છે જ્યારે વસ્ત્રાપુર તળાવનાં પાણીમાં ડૂબીને આકાશને પોતાની કેસરી લાલીમાથી લાલ કરીને તળાવનાં પાણીને પણ પોતાની સંધ્યાના અનેક રંગોથી સજાવીને બંનેના પ્રેમની સાક્ષી પુરાવી રહી હતી. બંને એકબીજાની નજીક રહીને ક્યાંય સુધી એ કેસરી લાલીમા સર્જાયેલાં આકાશ અને તળાવનાં પાણીને જોઈ રહ્યાં. બંનેનાં ચહેરાં પર ગજબની ખુશી હતી. સુરજ સંપૂર્ણપણે ડૂબી ગયો અને અંધારું થવા લાગ્યું એટલે બંને ઘરે જવાં નીકળી ગયાં.


(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ