My home is my first school books and stories free download online pdf in Gujarati

મારું ઘર મારી પ્રથમ શાળા

દેવેશભાઈના પત્ની દિવ્યાબહેન ફલોર પર પોતું લગાવી રહ્યા હતા ત્યાં અચાનક રસોડામાંથી કાંઈક અવાજ આવવાથી તે રસોડામાં દોડી ગયા. ત્યારે તેના પતિ દેવેશભાઈ એક બીજી રૂમ તરફ જઈ રહ્યા હતા. ઉતાવળમાં તેનું ધ્યાન નહીં રહેવાને કારણે ફલોર પર રહેલી ડોલ સાથે અથડાયા તેથી ડોલ આડી પડી ગઈ અને ડોલમાંં રહેલું પાણી આખા ફલોર પર ફરી વળ્યું.

દિવ્યાબહેન રસોડામાંથી પાછા બહાર આવ્યા અને આ દૃશ્ય જોઈને તરત પોતાના પતિ દેવેશભાઈ પ્રત્યે બોલ્યા, આઈ એમ સોરી. આ મારી ભૂલના કારણે આવું થયું કે મેં જ અહીં રસ્તામાંથી ડોલ દૂર ન મુકી ને અહીં વચ્ચેજ મુકીને જતી રહી. સોરી. તમે ચિંતા ન કરશો, હું હમણાં જ સાફ કરી દઉં છું. એમ કહી તે દિવ્યાબહેન સફાઈ કરવા લાગી ગયા. દેવેશભાઈને વચ્ચે બોલવાનો ચાન્સ જ ન આપ્યો. દિવ્યાબહેન બોલી રહ્યા એટલે દેવેશભાઈએ કહ્યું, નહીં..નહીં.. દિવ્યા ! આઈ એમ સોરી, કેમકે મારે ધ્યાન દઈને ચાલવું જોઈએ પણ ધ્યાન ન અપાયું. તેથી ડોલ ઢોળાઈ ગઈ.

દૂર ઊભો ઊભો તેમનો નાનકડો દિકરો પૂજન આ જોઈ રહ્યો હતો તેને પણ શીખ મળી કે ફેમિલીમાં દરેક મેમ્બર્સ પોતાની ભૂલના અને પોતાના કર્તવ્યના જવાબદાર બને છે અને પોતાની ભૂલ માનવા-સ્વીકારવા તૈયાર રહે છે અને બીજાની ભૂલ માટે પણ પોતે જવાબદાર બનવા તત્પર રહે છે માટે મારે પણ એવા જ બનવું પડશે.

એકવાર પૂજન કંઈક જીદ કરવા લાગ્યો.તેમાં એની મમ્મીની સામે બોલ્યો.મમ્મીએ બે શબ્દો કહ્યા તો રિસાઈ ગયો. દેવેશભાઈએ આ વાત જાણી ત્યારે દિવ્યાબેનને કહ્યું કે,જો તારે એને બગાડવો ન હોય તો હવે હું કહું એમ કર.પૂજન જ્યારે આવી રીતે ખાય નહિ અને રિસાઈ જાય ત્યારે એને ખાવા માટે મનાવવો નહીં.જો તું ખવરાવવા માટે આજીજી કરીશ તો એને એવો ખ્યાલ આવી જશે કે હું રિસાઈ જઈશ એટલે મમ્મી-પપ્પા માની જશે.

પછી એકવાર પૂજન રિસાઈ ગયો એટલે દેવેશભાઈ કે દિવ્યાબેને ખવરાવવા માટે આગ્રહ કર્યો નહીં એટલે પૂજન સમજી ગયો કે મારી જીદ ખોટી છે અને પૂરી થશે નહીં એટલે સામેથી આવીને "હવે ફરી ક્યારેય આવું નહીં કરું,મને માફ કરી દો."કહીને મમ્મી-પપ્પાને ભેટી પડ્યો.

જ્યારે પણ પૂજનને કંઈક વિકટ પરિસ્થિતિ આવે ત્યારે દેવેશભાઈ અને દિવ્યાબેન કેવી રીતે તેનો સામનો કરવો એ શીખવતા પરિણામે આજે ગમે તેવી મુશ્કેલી આવે તો પણ પૂજન નાસીપાસ થતો નથી.

પૂજનને જ્યારે તેની ગમતી કોલેજમાં એડમિશન ના થયું ત્યારે તે ખુબ દુ:ખી થઈ ગયો પણ મમ્મી-પપ્પા હંમેશાં જે મળે એમાં આંનદમાં રહેવાનું શીખવતા આજે એનાથી પણ સારી કોલેજમાંથી પૂજને ડૉક્ટરની ડીગ્રી લીધી.

પૂજનને ક્યારેક કોઈ વડીલ બોલે ત્યારે તે કેમ બોલ્યા અને મારી શું ભૂલ હતી તે શોધવાનું શીખવાડ્યું હતું તેના મમ્મી- પપ્પાએ માટે આજે પણ કોઈ બોલે તો પૂજન પોતાની ક્યાં ભૂલ હતી અને ફરી એવી ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખે છે.

ચારેબાજુથી મુશ્કેલી ઘેરી વળે, પ્રયાસો વામણા પડે, નિરાશા જ મળે ત્યારે તેના મમ્મી-પપ્પાએ ધૈર્ય અને શાંતિ રાખવાની કહ્યું હતું તેના લીધે કોરાનામાં રાત-દિવસ દર્દીઓની સેવા કરી અને કોઈનું મૃત્યુ પૂજનના હાથે થયું નથી અને બધા સાજા થઈ ગયા પરિણામે પૂજનને બેસ્ટ ડૉકટર ઈન કોવિડ ડ્યુટી ઓફ ધ સ્ટેટનો ખિતાબ પણ મલ્યો.

દેવેશભાઈ અને દિવ્યાબેન ક્યારેય પૂજનના સામે ઝઘડતા નહીં પરિણામે આજે પૂજન પણ તેની પત્ની રિધ્ધી સાથે ક્યારેય ઝઘડતો નથી.

પૂજનને પોતાના માટે શું સારું છે અને શું ખરાબ છે તેની સૌપ્રથમ સમજ પૂજનને માતા-પિતાના વાણી વર્તનથી અને ઘરમાંથી જ જાણવા મળી.

એટલે જ તો કહેવાય છે કે , "બાળકની પ્રથમ શાળા તેનું ઘર."