Anant Safarna Sathi - 41 in Gujarati Novel Episodes by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 41

અનંત સફરનાં સાથી - 41

૪૧.ષડયંત્ર

સવારે શિવાંશ પોતાનાં બેગ સાથે રાહીનાં રૂમમાં આવ્યો. રાહી બૂટિક પર જવાં તૈયાર થઈ રહી હતી. શિવાંશનાં હાથમાં બેગ જોઈને એ કાનમાં ઝુમખા પહેરતી પહેરતી શિવાંશ તરફ પલટી. એની આંખોમાં એક સવાલ હતો. એ જોઈને શિવાંશ બેગ મૂકીને એની પાસે ગયો અને એનાં કાનમાં ઝૂમખાં પહેરાવવા લાગ્યો.
"આ બેગ લઈને ક્યાં ચાલ્યાં?" રાહીએ ત્રાંસી નજરે શિવાંશ સામે જોઈને પૂછયું.
"ઘણાં સમયથી અમદાવાદ છું. હવે તો ઋષભ પણ અહીં હતો. એટલે હવે ફરી બિઝનેસ સંભાળવા મુંબઈ જવું પડશે." શિવાંશે રાહીનો હાથ પોતાનાં હાથમાં લઈ લીધો, "લગ્નને થોડાં દિવસોની વાર હશે. ત્યારે અમદાવાદ આવી જઈશ‌."
"જવું જરૂરી છે?" રાહીએ ઉદાસ ચહેરે પૂછ્યું. શિવાંશે માત્ર હકારમા ડોક હલાવી. રાહી આગળ કંઈ બોલી નાં શકી. માત્ર એની આંખો ભીની થઈ ગઈ.
"હું જલ્દી જ પાછો આવીશ." શિવાંશે એની આંખોમાં જોયું, "ત્યાં સુધી તું આપણાં બંનેનાં લગ્ન માટેનાં કપડાં તૈયાર કર."
રાહી શિવાંશને ગળે વળગી ગઈ. જાણે એ ફરી પાછો આવવાનો જ નાં હોય. એમ રાહી શિવાંશને ચોંટી ગઈ હતી. શિવાંશ પ્રેમથી એનાં વાળમાં હાથ ફેરવતો રહ્યો. એ સમયે રાધિકા આવી અને બંનેને એ રીતે જોઈને જતી રહી. થોડીવાર પછી શિવાંશે રાહીને હળવેથી દૂર કરી અને એ બંને પણ નીચે આવ્યાં. એમની સાથે-સાથે અભિનવ, ઋષભ, શુભમ, શારદાબેન, તન્વી અને શિવાંશનાં મમ્મી-પપ્પા, બધાં પોતપોતાનાં બેગ લઈને નીચે આવ્યાં. જ્યારે એ બધાં આવ્યાં ત્યારે બધાં જેટલાં ખુશ હતાં. એટલાં જ અત્યારે જતી વખતે ઉદાસ હતાં. અંકિતા રાહી અને રાધિકાનાં લગ્ન સુધી અહીં જ રોકાવાની હતી. બધાંએ જતાં પહેલાં સાથે નાસ્તો કર્યો. નાસ્તો કરીને શુભમ મલયભાઈ સામે જઈને ઉભો રહી ગયો.
"અંકલ! કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો." એણે પોતાનાં હાથ જોડી લીધાં, "આગળ જતાં કોઈ શિકાયતનો મોકો નહીં આપું." એ હાથ જોડેલા જ રાખીને મહાદેવભાઈ સામે ગયો, "તમારી સાથે રહીને બહું ખુશી થઈ. નાનપણથી જ પપ્પાને ખોઈ બેઠો છું. પણ આજે તમારી પાસેથી એક પપ્પાનો પ્રેમ મળ્યો." એણે મહાદેવભાઈ અને મલયભાઈ બંનેનાં પગે લાગીને આશીર્વાદ લીધાં. બંનેએ પ્રેમથી એનાં માથે હાથ મૂક્યો. શારદાબેનની આંખોના ખૂણા ભીનાં થઈ ગયાં. શુભમનું આજનું વર્તન જોઈને મલયભાઈનો કાલ રાતનો ગુસ્સો તરત જ હવામાં ઉડી ગયો. એમણે શુભમને ગળે લગાવી લીધો. શિવાંશ અને તન્વી પણ બધાંને મળ્યાં, બધાનાં આશીર્વાદ લીધાં અને પછી બધાં પોતપોતાનાં બેગ લઈને ચાલતાં થયાં. બધાનાં ગયાં પછી રાહી એનાં બૂટિક પર અને રાધિકા એની કોલેજે જતી રહી. કોલેજ પછી એણે એમ.બી.એ શરૂ કર્યું હતું. હવે એનું પણ આ છેલ્લું વર્ષ હતું.
હવે અંકિતા, આર્યન અને આયશા જ વધ્યાં હતાં. આર્યનનાં હાથનો પાટો હજું હટ્યો ન હતો. એટલે એ થોડાં દિવસ ઓફિસ જઈ શકવાનો નાં હોવાથી અહીં જ અમુક કામોમાં મદદ કરવાં રોકાઈ ગયો હતો. જેનાં લીધે આયશા પણ નીલકંઠ વિલામાં જ રોકાઈ હતી. થોડાં સમય પહેલાં હર્યું ભર્યું ઘર એકદમ જ ખાલી થઈ ગયું હતું. બધાં પોતપોતાનાં કામમાં લાગી ગયાં. હવે લગ્નને પણ થોડાં દિવસો જ બાકી હતાં.

રાહી બૂટિક પર આવીને પોતાનાં કામમાં લાગી ગઈ હતી. ઘણાં સમયથી બૂટિક બંધ હોવાથી કામ પણ વધું હતું. એ કામ કરતાં કરતાં જ એણે પોતાનાં અને શિવાંશનાં લગ્નનાં કપડાં માટેની ડિઝાઈન તૈયાર કરવાનું કામ પણ શરૂ કરી દીધું. થોડાં દિવસોની મજા માણ્યા પછી બધાનું કામ વધી ગયું હતું. રાહીની દવાઓ હજું ચાલું હોવાથી એને સમયસર દવા આપવાની અને જમાડવાની જવાબદારી શિવાંશે કાલે જ રચનાને સોંપી હતી.
રચના બપોર થતાં જ રાહીનું જમવાનું અને દવા લઈને એની કેબિનમાં પહોંચી ગઈ. રાહી સંપૂર્ણપણે કામમાં ડૂબેલી હતી. એને રચના ક્યારે આવી? એની પણ જાણ ન હતી. રચનાએ એની પાસે જઈને એનું લેપટોપ બંધ કરી દીધું. ત્યારે રાહીનું ધ્યાન રચના પર ગયું. રચના લેપટૉપ એક તરફ મૂકીને ચેર પર બેસીને પોતાની ઘરેથી લાવેલું ટિફિન ખોલવા લાગી.
"તું તો આવતાંની સાથે જ કામમાં લાગી ગઈ. હજું થોડાં દિવસ તારે તારી તબિયતનું પણ ધ્યાન રાખવાનું છે." રચના ટિફિન ખોલીને જમવાનું પ્લેટમાં મૂકવાં લાગી.
ઘણાં સમય પછી રચનાને આ રીતે કેબિનમાં જોઈને અને એનો અવાજ સાંભળીને ફરી રાહીનો મગજ ફરવા લાગ્યો. એનાં કાનમાં રચના અને પોતાનાં સંવાદો ગુંજવા લાગ્યાં. જે સ્પષ્ટ ન હતાં. રચના અને રાહીએ આ જ કેબિનમાં રાહીને આવતાં શિવાંશનાં સપનાં વિશે ઘણી વખત ચર્ચાઓ કરી હતી. આજે એ જ ચર્ચાઓ રાહીનાં કાનમાં ગુંજી રહી હતી. જે સ્પષ્ટ નાં હોવાથી એનું માથું દુખવા લાગ્યું.
"શું થયું? જમવાનું ચાલુ કર." રાહીને માથું પકડીને બેઠેલી જોઈને રચનાએ એનો હાથ પકડીને કહ્યું. રાહી ચુપચાપ જમવા લાગી. રાહીનાં જમી લીધાં પછી રચના એને દવા આપીને પોતાનું કામ કરવાં જતી રહી.
રાહી રચનાનાં ગયાં પછી પણ ઘણી વાર એ અવાજો વિશે વિચારતી રહી પણ એને કંઈ સમજમાં નાં આવ્યું. આખરે એણે કામમાં મન લગાવ્યું. પણ બધું વ્યર્થ નીવડ્યું. રાહીનું કામમાં મન જ નાં લાગ્યું. એ થોડીવાર રિવૉલ્વિંગ ચેર સાથે માથું ટેકવીને, આંખો બંધ કરીને બેસી ગઈ. તો ફરી એને બનારસનાં અસ્સી ઘાટવાળા દ્રશ્યો દેખાવા લાગ્યાં. એણે એક ઝાટકે આંખો ખોલી નાંખી અને કેબિનની વિન્ડો સામે જઈને ઉભી રહી ગઈ અને બહાર અવરજવર કરતાં વાહનોને જોવાં લાગી.
રાહી સાથે સર્જરી પછી આ બધું બની રહ્યું હતું. એ પરથી એને એટલું તો સમજાઈ ગયું હતું કે એ સર્જરી પછી અમુક યાદો ભૂલી ગઈ છે. પણ શું ભૂલી ગઈ છે? એ એની સમજમાં આવતું ન હતું. ખાસ કરીને બનારસનો અસ્સી ઘાટ જ્યારે પણ એને દેખાતો અને એનાં કાનમાં જે અવાજો ગુંજતા એમાં એક અવાજ શિવાંશનો હતો. એ પણ એ સમજી ગઈ હતી. છતાંય હજું કંઈ સ્પષ્ટ ન હતું. જેણે રાહીને પરેશાન કરી મૂકી હતી.
રાહી વિન્ડો પાસે ઉભી હતી. એ સમયે એનાં ફોનમાં મેસેજની ટૉન વાગી. રાહી ફોન લઈને ફરી વિન્ડો પાસે આવી ગઈ અને મેસેજ ખોલીને જોવાં લાગી, "હું મુંબઈ પહોંચી ગયો છું. સાંજે ફ્રી થઈને વાત કરીએ." મેસેજ શિવાંશનો હતો. એ બધાં મુંબઈ પહોંચી ગયાં હતાં. રાહીએ 'ઓકે' લખીને, મેસેજ મોકલી દીધો અને ફરી લેપટૉપ સામે જઈને બેસી ગઈ.

મુંબઈ, મહારાષ્ટ્ર

શિવાંશ મુંબઈ પહોંચીને તરત એની સાડીની દુકાને આવ્યો હતો. એની ગેરહાજરીમાં પણ દુકાન બંધ ન હતી. એની સાથે કામ કરતાં એનાં કર્મચારી રાજુએ શિવાંશની ગેરહાજરીમાં પણ દુકાન સારી રીતે સંભાળી હતી. દુકાનની સામે ઉભાં રહેતાં જ શિવાંશની નજર દુકાનની ઉપર લાગેલાં બોર્ડ પર ગઈ. 'રાશિ સાડી એમ્પોરિયમ' રાહીનો 'રા' અને શિવાંશનો 'શિ' એમ કરીને બનતું એક નામ એટલે 'રાશિ સાડી એમ્પોરિયમ' જેમાં આજે પણ સારી એવી ભીડ જામી હતી.
શિવાંશ ચહેરાં પર સ્માઈલ સાથે અંદર ગયો. આજે એ એનાં બિઝનેસ ટાયકૂનનાં લૂકમાં હતો. વ્હાઈટ શર્ટની ઉપર બ્લેક બ્લેઝર અને બ્લેક પેન્ટ, સરસ રીતે સેટ કરેલી માપસરની દાઢી, અને પગમાં બાટાના શૂઝમાં શિવાંશ એક પાક્કો બિઝનેસમેન લાગી રહ્યો હતો. એને આમ અચાનક દુકાનમાં જોઈને રાજુ તરત જ એની પાસે દોડી ગયો. શિવાંશને આજે ફરી એકવાર એનાં જૂનાં રૂપમાં જોઈને રાજુની ખુશીનો પાર નાં રહ્યો. શિવાંશે એને ગળે લગાવવા પોતાનાં બંને હાથ ફેલાવ્યા. રાજુ તરત જ શિવાંશને ગળે વળગી ગયો. શિવાંશે પ્રેમથી એનાં માથે હાથ મૂક્યો અને એનાં હાથમાં એક ફાઈલ પકડાવી. રાજુએ આશ્ચર્યવશ એ ફાઈલ હાથમાં લઈને પૂછ્યું, "આ શું છે?"
"આ દુકાનનાં પેપર છે. મેં દુકાન તારાં નામે કરી દીધી છે. હું ફરી મારો બિઝનેસ સંભાળી રહ્યો છું અને આ દુકાન હવે તારી જવાબદારી છે." શિવાંશે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું. રાજુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. એને એ દિવસ યાદ આવી ગયો જ્યારે શિવાંશે એને કામ પર રાખ્યો હતો. શિવાંશ સાથે કામ કરીને રાજુ ઘણું બધું શીખ્યો હતો. આજે શિવાંશે દુકાન એનાં નામે કરી દીધી એની ખુશી કરતાં એને શિવાંશ હવે દુકાને નહીં આવે એ વાતનું દુઃખ હતું. શિવાંશે પ્રેમથી એનાં માથે હાથ મૂક્યો. રાજુએ બે ચા મંગાવી. બંનેએ સાથે ચા પીધી અને શિવાંશ જવાં લાગ્યો તો રાજુએ પૂછ્યું, "ફરી મને મળવાં આવશો ને?" શિવાંશ સ્મિત સાથે ડોક હકારમા હલાવીને જતો રહ્યો.
દુકાનેથી શિવાંશ સીધો ઓફિસે પહોંચી ગયો. બધાં એને ફરી ઓફિસમાં જોઈને ખુશ હતાં. ઋષભે અગાઉ જ બધાંને જાણ કરી દીધી હતી તો ઓફિસના બધાં કર્મચારીઓ શિવાંશ માટે એનાં સ્વાગત માટે ફુલોના ગુલદસ્તા લઈને આવ્યાં હતાં. બધાંએ શિવાંશનું ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું. એ સમયે જ મલયભાઈ પણ ઓફિસે આવ્યાં. શિવાંશને ફરી એકવાર બધી જીમ્મેદારી પોતાનાં ખંભે લેતાં જોઈને મલયભાઈ પણ ખુશ હતાં. શિવાંશ બધાંને મળીને પોતાની કેબિનમાં ગયો. ઋષભ પણ એની પાછળ પાછળ ગયો.
"હવે બધી જ ફાઈલો અને મીટિંગો વિશે મને જણાવી દે. ફરી અમદાવાદ જવાનું થાય ત્યાં સુધીમાં બધું કામ પૂરું કરવું છે મારે." શિવાંશે કહ્યું એટલે ઋષભ એને બધું સમજાવવામાં લાગી ગયો. બપોરથી સાંજ સુધી શિવાંશે એની ગેરહાજરીમાં કેટલી ડીલ થઈ? કંપનીને કેટલો નફો થયો? કંપની કેટલાં નવાં લોકો સાથે જોડાઈ? એ બધું જ ઋષભ પાસેથી જાણી લીધું. આખરે શિવાંશે એક નજર એનાં હાથનાં કાંડે બાંધેલી વૉચ પર કરી. રાતનાં નવ વાગેલા જોઈને એણે ફાઈલ બંધ કરીને ઋષભને કહ્યું, "હવે કાલે આગળનું કામ કેવી રીતે આગળ વધારવું? એ અંગે ચર્ચા કરીશું." ઋષભ 'ઓકે' કહીને જતો રહ્યો. શિવા‍ંશ પણ કેબિન બંધ કરીને ઘરે જવાં નીકળી ગયો. એનાં ગયાં પછી ઋષભે આખી ઓફિસ બંધ કરી અને એ ટીનાને મળવાં જતો રહ્યો. એક અઠવાડિયા પછી એ બંનેનાં કોર્ટ મેરેજ હતાં. બંનેને એની તૈયારી પણ કરવાની હતી.

શિવાંશ ઘરે આવ્યો ત્યારે બધાં એની જ રાહ જોઈ રહ્યાં હતાં. એ ફ્રેશ થઈને ડીનર માટે આવ્યો. એની આંખોમાં આજે પહેલાં જેવી જ ચમક અને ચહેરાં પર કામનું થોડું ટેન્શન જોઈને ગાયત્રીબેન અને તન્વીનો ચહેરો પણ ચમકી ઉઠ્યો. શિવાંશ ડીનર કરીને તરત જ પોતાનાં રૂમમાં આવી ગયો અને રાહીને ફોન જોડ્યો.
"તો જનાબ હવે ફ્રી થયાં." રાહીએ કોલ રિસીવ કરીને તરત જ કહ્યું. એનો અવાજ સાંભળીને શિવાંશનાં ચહેરાં પર સ્મિત આવી ગયું.
"હવે થોડાં દિવસો બહું કામ છે. લગ્ન પછી તને પણ સમય આપવો પડશે તો બધું કામ અત્યારે જ સમેટવાનું શરૂ કરી દીધું છે." શિવાંશે કહ્યું.
"ઓહ! પણ કામમાં ક્યારેક તમારી ફ્યુચર વાઈફને પણ યાદ કરી લેજો." રાહીએ શરારત સાથે કહ્યું, "મેં સાંભળ્યું છે કે મુંબઈની છોકરીઓ તમારી પાછળ પાગલ છે. તો ક્યાંક એમનાં ચક્કરમાં મને ભૂલી નાં જતાં."
"પાગલ તો લોકો ઘણાં પાછળ હોય પણ એ બધી તારી જેમ મને પ્રેમ તો નાં કરતી હોય ને!" શિવાંશે પણ પોતાની ભાવિ પત્ની પર પોતાનો જાદું ચલાવવાનું શરૂ કરી દીધું. એમ જ બંનેએ એક કલાક વાત કરી અને શિવાંશ લેપટૉપ પર થોડું કામ કરીને સૂઈ ગયો. હવેથી શિવાંશની સવાર અને રાત લેપટૉપ સાથે જ થવા લાગી. એક અઠવાડિયું તો આમ જ પસાર થઈ ગયું.
એક અઠવાડિયા પછી એક દિવસ ઋષભે શિવાંશને કોર્ટમાં આવવાં કહ્યું. જ્યાં એનાં અને ટીનાના લગ્ન હતાં. કોર્ટ મેરેજમાં બે સાક્ષીનુ હોવું જરૂરી હોવાથી ઋષભે શિવાંશને બોલાવ્યો હતો. ટીના તરફથી એનો કાકાનો છોકરો એક જ હતો એટલે ઋષભે શિવાંશને ટીનાના સાક્ષી તરીકે બોલાવ્યો હતો. ઋષભ તરફથી એનાં મોટાં પપ્પા અને એમનાં છોકરાએ હસ્તાક્ષર કર્યા અને ટીના તરફથી એનાં કાકાના છોકરાંએ અને શિવાંશે હસ્તાક્ષર કર્યા. એમ બંનેના લગ્ન સંપન્ન થયાં. ઋષભનાં મમ્મી-પપ્પા એનાં નાનીની તબિયત ખરાબ હોવાથી ત્યાં ગયાં હતાં અને સગાઈ પછી ટીનાના કાકાએ એને વધું હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. જેનાં લીધે ઋષભે ઉતાવળમાં ધામધૂમથી લગ્ન નાં કરીને કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો. અચાનક એનાં મમ્મી-પપ્પાને જવાનું થયું અને ઋષભ લગ્ન ટાળવા માંગતો ન હતો અને એનાં મમ્મી-પપ્પાની પણ ઈચ્છા હતી કે માઁ બાપ વગરની છોકરી ઋષભના કારણે વધું હેરાન નાં થવી જોઈએ એટલે ઋષભે એનાં મોટાં પપ્પાનાં આશીર્વાદથી લગ્ન કરી લીધાં.
ઋષભ અને ટીના લગ્ન કરીને શિવાંશની ઘરે એનાં મમ્મી-પપ્પાનાં આશીર્વાદ લેવાં આવ્યાં. મલયભાઈ અને ગાયત્રીબેને બંનેને આશીર્વાદ અને ભેટ સ્વરૂપે ઋષભને સોનાનો ચેઈન અને ટીનાને કંગન આપ્યાં અને કહ્યું, "અમે બંને ભલે ઋષભનાં અંકલ આન્ટી હોઈએ પણ તારાં તો મમ્મી-પપ્પા જ છીએ." કહીને ગાયત્રીબેને ટીનાના માથે હાથ મૂક્યો તો ટીના એમને ભેટીને બહું રડી.
"હવે રડવાનો વારો તમારો નહીં ઋષભનો છે. એને ખૂબ હેરાન કરજો." તન્વીએ વચ્ચે કૂદતાં કહ્યું તો બધાં હસવા લાગ્યાં, "અને હું તમારી બહેન છું. આ બદમાશ ઋષભ જ્યારે પણ તમને હેરાન કરે મને જણાવી દેજો. હું સારી રીતે એનાં કાન ખેંચીશ." તન્વીની વાતોએ ટીનાને પણ હસાવી દીધી.
"હવે પંદર દિવસ પછી તમારે બંનેએ મારી સાથે અમદાવાદ આવવાનું છે અને મારાં લગ્નની જે રસમો થાય એમાં સામિલ થવાનું છે." શિવાંશે ઋષભ અને ટીનાને કહ્યું. બંને ખુશી ખુશી હાં પાડીને પોતાની ઘરે જવાં નીકળી ગયાં. એમનાં ગયાં પછી ગાયત્રીબેન એમનાં કામોમાં લાગી ગયાં અને તન્વી પોતાનાં રૂમમાં જતી રહી. એ ગઈ ત્યારે મલયભાઈ એને અલગ જ નજરોથી જોતાં હતાં. એ જોઈને શિવાંશ એમની પાસે ગયો‌, "શું થયું પપ્પા?" શિવાંશે એનાં પપ્પા પાસે બેસીને પૂછ્યું.
"તન્વી બહું મોટી થઈ ગઈ છે. આજે એને જોઈને એમ થયું કે જાણે દુનિયાની બધી સમજદારી એનામાં જ આવી ગઈ છે." મલયભાઈ ભીનાં અવાજે બોલ્યાં.
"મારી એક વાત માનશો? પપ્પા." શિવાંશે મલયભાઈનો હાથ પોતાનાં હાથમાં લઈને પૂછ્યું.
"મને ખબર છે તું શું કહેવા માંગે છે? પણ મેં એ બાબતે હજું કોઈ વિચાર કર્યો નથી." આટલાં દિવસોમાં મલયભાઈ થોડાં ઢીલાં પડ્યાં હતાં, "શુભમ સારો છોકરો છે. છતાંય નિર્ણય બહું મોટો છે. મારે વિચારવા સમય જોશે."
"તમે પૂરતો સમય લઈ લો. બસ અંતિમ નિર્ણય મારી બહેનની ખુશીને ધ્યાનમાં રાખીને કરજો." એટલું કહીને શિવાંશ ઓફિસે જવા નીકળી ગયો. રસ્તામાં એને કોઈકનો ફોન આવતાં એણે ગાડીને હોસ્પિટલ જતાં રસ્તે વાળી દીધી. એ ફુલ સ્પીડમાં ગાડી રસ્તા પર ભગાવી રહ્યો હતો. થોડીવાર થતાં જ ગાડી મારોલ મારોશી રોડ પરથી પસાર થઈને અંધેરી ઈસ્ટનાં સેવનહીલ હોસ્પિટલ સામે ઉભી રહી. શિવાંશ દરવાજો ખોલીને પવનવેગે દોડતો અંદર ગયો. અંદર પહોંચતા જ એને પન્નાલાલ મળી ગયાં. જેમની આંખોમાં આંસું હતાં અને આખું શરીર ધ્રુજી રહ્યું હતું. એમનાં કપડાં પર લોહીનાં દાગ હતાં. અચાનક એમનાં પગ લથડિયાં ખાવાં લાગ્યાં તો શિવાંશે દોડીને એમને પકડી લીધાં અને ત્યાં પડેલી ચેર પર બેસાડ્યાં.
"અંકલ! હિંમત રાખો. નાગજી અંકલને કંઈ નહીં થાય." શિવાંશે પન્નાલાલને પાણી પીવડાવીને એમને શાંત કર્યા.
"એનું ઓપરેશન ચાલું છે. એક સાથે ત્રણ ગોળી વાગી છે." પન્નાલાલના ગળે ડુમો ભરાઈ આવ્યો, "ડોક્ટર કહે છે એનું બચવું બહું મુશ્કેલ છે."
પન્નાલાલના મોંઢેથી ત્રણ ગોળી સાંભળ્યાં પછી તો શિવાંશ પણ ડરી ગયો. ઉંમરના એક પડાવ પર પહોંચ્યા પછી શરીરનાં અમુક અંગો કામ કરતાં બંધ થઈ જાય છે. એવામાં નાગજીને ત્રણ ગોળી વાગી હતી. તો સંભવિત એનું બચવું મુશ્કેલ હતું. છતાંય શિવાંશ પન્નાલાલને ઉમ્મીદ બંધાવતો રહ્યો. ત્યાં જ ડોક્ટરે કહ્યું, "જલ્દીથી બી પોઝિટિવ બ્લડની જરૂર છે. તમે વ્યવસ્થા કરી આપો ત્યાં સુધીમાં અમે સારવાર કરીએ છીએ." શિવાંશ ફટાફટ બ્લડની વ્યવસ્થા કરવા ગયો. બી પોઝિટિવ બ્લડ હોવાથી જલ્દી મળી ગયું અને શિવાંશ તરત જ હોસ્પિટલમાં આવ્યો. ત્યાં જ એણે પન્નાલાલને ફર્શ પર બેસીને રડતાં જોયાં. એ તરત જ દોડીને એમની પાસે ગયો. શિવાંશને જોઈને એ માત્ર એટલું જ બોલી શક્યાં, "નાગજી મને છોડીને જતો રહ્યો." એટલું સાંભળતાં જ શિવાંશને પણ બહું દુઃખ થયું. એને તરત જ આયશાનો વિચાર આવ્યો.
"આયશાને જણાવવાનું છે?" શિવાંશે જેવું પૂછ્યું એવાં જ પન્નાલાલ આંસુ સાફ કરીને થોડાં સ્વસ્થ થયાં. નાગજી આયશા માટે શું મહત્વ ધરાવતો હતો? એ વાત પન્નાલાલ જાણતાં હતાં. એવામાં આયશાને કંઈ જાણ નાં કરીને પન્નાલાલ ફરી એકવાર આયશાથી દૂર થવા માંગતા ન હતાં.
"એને ફોન કરીને બોલાવી લે અને ત્યાં કોઈને પણ જાણ નાં કરવાં જણાવી દે. લગ્નનું ઘર છે તો બધાં પરેશાન થઈ જાશે." પન્નાલાલે કહ્યું. શિવાંશે તરત જ હોસ્પિટલની બહાર આવીને આયશાને ફોન જોડ્યો.
"આયશા! એક જરૂરી કામ છે. આર્યનની તબિયત સારી હોય તો અત્યારે જ પહેલી ફ્લાઈટ પકડીને એની સાથે મુંબઈ આવવાં નીકળી જા." આયશાએ કોલ રિસીવ કર્યો એટલે શિવાંશે કહ્યું.
"પણ શું કામ છે? કે આટલી જલ્દી બોલાવે છે તું!" આયશાએ પૂછ્યું.
"બસ બહું જરૂરી કામ છે એટલું જાણી લે અને હવે કોઈ સવાલ કર્યા વગર આર્યન સાથે મુંબઈ આવી જા. ફ્લાઈટમાં બેસીને એક કોલ કરી દેજે મને." શિવાંશે ફોનમાં હકીકત નાં કહીને ફોન ડિસક્નેકટ કરી નાંખ્યો અને પન્નાલાલ પાસે આવી ગયો. બધું એટલું અચાનક થયું કે શિવાંશ કંઈ પૂછી પણ નાં શક્યો. બંને એમ્બ્યુલન્સ મારફતે નાગજીને લઈને પન્નાલાલનાં બંગલા પર આવ્યાં. નાગજીની સફેદ કપડું ઢાંકેલી બોડી જોઈને સોનાક્ષીબેન પણ પોંક મૂકીને રડવા લાગ્યાં. આજુબાજુનાં થોડાંક લોકો આવીને એમને સંભાળવામાં લાગી ગયાં. પન્નાલાલ તરત જ પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. શિવાંશનાં મમ્મી-પપ્પા આવી ગયાં એટલે શિવાંશ પણ પન્નાલાલ પાછળ એમનાં રૂમમાં ગયો. થોડીવાર પહેલાં રડી રહેલાં પન્નાલાલની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. શિવાંશને જોઈને એમણે રાડ પાડીને કહ્યું, "હું એ અશોકને છોડીશ નહીં. એણે મારી પીઠ પાછળ વાર કર્યો છે."
"અશોક જાનીની વાત કરો છો તમે? જેનાં છોકરાંએ આયશા પર એસિડ ફેંક્યું હતું એનો બાપ અશોક જાની? એણે નાગજીને માર્યો?" શિવાંશે એકસાથે જ પોતાનાં મનમાં ચાલી રહેલાં બધાં સવાલો પૂછી લીધાં.
"હાં, એ જ અશોક જાની! મેં એનાં દિકરાને છોડાવવાની નાં પાડી દીધી. તો એણે જેલમાં બેઠાં બેઠાં જ મારાં વિરુદ્ધ ષડયંત્ર રચ્યું." એ થોડાં ગંભીર થયાં, "પોતાનાં માણસોને અચાનક જ મારાં શોરૂમ પર મોકલી દીધાં. કસ્ટમર સમજીને સિક્યોરિટી ગાર્ડે પણ એમને અંદર આવવાં દીધાં. અંદર આવીને એનાં માણસોએ મારી જ રિવૉલ્વરથી મને મારવાની કોશિશ કરી અને એ સમયે નાગજી વચ્ચે આવી ગયો અને મારાં નામની બધી ગોળી મારી જ નજરની સામે એની છાતીમાં ખૂંપી ગઈ." કહેતાં જ ફરી એમની આંખો છલકી ગઈ.
"આયશાને આ વાતની જાણ નાં કરતાં. નહીંતર એને તમે જાણો છો. એને કોઈ નહીં રોકી શકે." શિવાંશે પન્નાલાલને સમજાવ્યાં. પણ પન્નાલાલ અત્યારે કંઈ સમજવાની હાલતમાં ન હતાં. એ એમને એમનાં રૂમમાં જ મૂકીને નીચે નાગજીનાં અંતિમ સંસ્કારની તૈયારી કરવા પહોંચ્યો. એણે પન્નાલાલનાં બધાં આદમીઓ પર એક ઉડતી નજર કરી. બધાં ખૂબ જ ગુસ્સામાં હતાં. પણ પન્નાલાલનાં હુકમ અને નાગજીનાં અંતિમ સંસ્કાર માટે જ રોકાયાં હતાં.
થોડીવાર થતાં શિવાંશને આયશા પ્લેનમાં બેસી ગઈ છે એવો મેસેજ આવ્યો. એ બધી તૈયારી કરીને એને લેવાં એરપોર્ટ જવાં નીકળી ગયો. શિવાંશ એરપોર્ટ પર પહોંચ્યો એની દશ જ મિનિટમાં ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ. આયશા અને આર્યન તરત જ બહાર આવ્યાં. શિવાંશે બંનેને ઈશારાથી જ અંદર બેસવા જણાવ્યું. બંને બેસી તો ગયાં પણ આખાં રસ્તે આયશાનાં સવાલોનાં હથોડા શિવાંશનાં મગજ પર ઝીંકાતા રહ્યાં. છતાંય શિવાંશે કોઈ જવાબ નાં આપ્યો. સ્વાગત બંગલોની સામે શિવાંશની ગાડી ઉભી રહી. બહારથી જ સફેદ વસ્ત્રોમાં સજ્જ માણસો આયશાની નજરે ચડ્યાં. આયશાને કંઈક અજૂગતું બનવાનો અંદાજ આવી ગયો. એ દોડીને અંદ, ગઈ અને ફર્શ પર પડેલી નાગજીની બેજાન લાશ જોઈને એની પાસે ઢળી પડી અને રડવા લાગી. એનો રડવાનો અવાજ સાંભળીને પન્નાલાલ તરત જ નીચે આવ્યાં. એમને નીચે આવેલાં જોઈને આયશા એમની પાસે જઈને એમને ઝંઝોળીને ચિલ્લાઈ ઉઠી, "કોણે આ બધું કર્યું? જવાબ આપો મને તમારાં હોવાં છતાંય કોણે તમારાં ખાસ આદમી ગણાતાં તમારાં ભાઈની આવી હાલત કરી? મારે અત્યારે જ એનું નામ જોઈએ."
શિવાંશને જે વાતનો ડર હતો. એ જ થઈ રહ્યું હતું. આર્યન પણ આયશાને આટલી ગુસ્સે જોઈને કંઈ સમજી નાં શક્યો. શિવાંશે એને આયશાને સમજાવવા ઈશારો કર્યો. આર્યન આયશા પાસે ગયો અને એનો હાથ પકડ્યો. ત્યાં જ આયશાએ આગ ઝરતી નજરે એની સામે જોઈને કહ્યું, "આજ મને રોકવાની હિંમત કોઈ નાં કરતું. નાગજી અંકલ ડરપોક, કમજોર કે કાયર ન હતાં કે કોઈ એટલી આસાનીથી જંગના મેદાનમાં એમનો જીવ લઈ શકે." એનો અવાજ ઉંચો થયો, "આ એક ષડયંત્ર હતું. અને મને ખબર છે આવી ઓછી હરકત કોણ કરી શકે. મારે બસ પપ્પા પાસેથી હાં કે નાં નો જવાબ જ જોઈતો છે." એણે પન્નાલાલની આંખોમાં જોયું, "શું નાગજી અંકલની મોતનું કારણ અશોક જાની અને માલવ જાની છે?"
શિવાંશ આજે આયશાનાં દિમાગને સમજી ગયો. એને ખૂન ખરાબા પસંદ ન હતાં. પણ એ માત્ર પરિસ્થિતિ જોઈને જ આખી ઘટના સમજી જતી. આમ તો પન્નાલાલનાં ઘણાં દુશ્મનો હતાં. છતાંય આજે જે થયું એ કોણ કરી શકે? એ બધું આયશા એક જ ક્ષણમાં જાણી ગઈ. એ પન્નાલાલ સામે ઉભી એમનાં જવાબની રાહ જોઈ રહી હતી. કોઈ જવાબ નાં મળતાં એણે ફરી એકવાર ઉંચા અવાજે પૂછ્યું, "શું આ અશોક જાની અને માલવ જાનીએ કર્યું છે? હાં કે નાં."
"હાં, આ બધું એ હરામખોરોએ જ કર્યું છે." પન્નાલાલ પણ આખરે ઉંચા અવાજે બોલી ગયાં. સ્વાગત બંગલોમાં અમુક મિનિટોના શોરબકોર પછી નિરવ શાંતિ છવાઈ ગઈ.(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ

Rate & Review

JAGDISH.D. JABUANI
Jayshree Thaker

Jayshree Thaker 10 months ago

Parul

Parul 10 months ago

SHEETAL SANGHVI

SHEETAL SANGHVI 10 months ago

Saiju

Saiju 10 months ago