Our Excellencies - Part 16 - Hansaben Mehta Part 1 in Gujarati Biography by Tr. Mrs. Snehal Jani books and stories PDF | આપણાં મહાનુભાવો - ભાગ 16 - હંસાબેન મહેતા ભાગ 1

આપણાં મહાનુભાવો - ભાગ 16 - હંસાબેન મહેતા ભાગ 1

ધારાવાહિક:-આપણાં મહાનુભાવો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


ભારતનાં ઘડવૈયા એવા ક્રાંતિકારીઓમાં માત્ર પુરુષો જ નહીં સ્ત્રીઓએ પણ પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. આવા જ એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં સન્નારી શ્રીમતી હંસા મહેતા વિશે આજે જાણીશું.

ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાનાં પત્ની હંસા મહેતાનો જન્મ 3 જુલાઈ 1897નાં રોજ સુરતનાં ધનાઢ્ય નાગર પરિવારમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મનુભાઈ મહેતા અને માતાનું નામ હર્ષદકુમારી હતું. તેમનાં પિતા વડોદરાના દીવાન હતા. ઉપરાંત સયાજીરાવ ગાયકવાડનાં અંગત વિશ્વાસુઓમાં સ્થાન ધરાવતા હતા. તેમનાં દાદા શ્રી નંદશંકર તુળજાશંકર મહેતા હતા. જેઓ ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત લેખકોમાંના એક હતા. ગુજરાતની પ્રથમ ઐતિહાસિક નવલકથા 'કરણઘેલો' તેમણે જ લખી હતી.

દાદાનો સાહિત્ય વારસો અને પિતાની તીવ્ર બુદ્ધિશક્તિ તથા સ્મરણશક્તિનો વારસો જાળવતા તેઓ ઈ. સ. 1913માં બહેનોની શ્રેણીમાં મેટ્રીકની પરીક્ષામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયાં. આથી 'ચેટફિલ્ડ પ્રાઈસ' અને 'નારાયણ પરમાનંદ ઈનામ' મળ્યા. ગણિત અને તેમાં પણ ભૂમિતિ એ તેમનો ખાસ વિષય હતો. છતાં પણ મનગમતો વિષય તો તત્ત્વજ્ઞાન જ હતો.

ઈ. સ. 1918માં પોતાનાં પ્રિય વિષય તત્ત્વજ્ઞાન સાથે સ્નાતક થયાં. ત્યારબાદ ઈ. સ. 1919માં પત્રકારિત્વનું ભણવા માટે તેઓ ઈંગ્લેન્ડ ગયા. ત્યાં તેમની મુલાકાત સરોજિની નાયડુ અને રાજકુમારી અમૃતાકૌર સાથે થઈ. ત્યારે સરોજિની નાયડુએ તેમણે સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેવા સમજાવ્યા અને મનાવી પણ લીધાં.

નાનપણથી જ તેમનામાં નેતૃત્વનાં ગુણો તો હતાં જ. ગુજરાતી વિશ્વકોષ ખંડ 15ની એક નોંધ પ્રમાણે જોઈએ તો 'નેતૃત્વશક્તિને લીધે તેઓ બૉમ્બે પ્રેસિડન્સી સ્ટુડન્ટ્સ ફેડરેશનની વડોદરા શાખાનાં પ્રમુખ બન્યાં હતાં.'

સ્વાતંત્ર્ય ચળવળની ભાવનામાં રંગાઈને તેમણે આગળ પડીને વિદ્યાર્થીસમાજની પણ સ્થાપના કરી.

ઉપરોક્ત નોંધો તેમની અને તેમના પરિવારની વિકસિત અને અભ્યાસપ્રિય વિચારસરણીનું ઉદાહરણ પૂરું પાડે છે.

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગનાં ઍસોસિયેટ પ્રોફેસર મૈત્રી વૈદ્ય સરોજિની નાયડુને હંસા મહેતા પોતાનાં રાજકીય ગુરુ માનતાં હોવાની વાત જણાવે છે.

મહિલાશક્તિ-સામર્થ્યનું સ્મરણ' પુસ્તકમાં આગળ નોંધાયું છે કે, 'સરોજિની નાયડુએ મહિલાઓની સભામાં તેમને સતત સાથે રાખ્યાં. શિક્ષણ અને સમાજશાસ્ત્રની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે તેઓ અમેરિકા ગયાં. વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અને આંદોલનો સાથે જોડાયેલા અનેક સામાજિક નેતાઓ સાથે અહીં મુલાકાત થઈ, પ્રવાસ થયો.

સાનફ્રાન્સિસ્કોથી જાપાન ગયાં. જ્યાં તેઓ ભયંકર ભૂકંપમાં અટવાયાં, દૈવયોગે તેમનો બચાવ થયો અને શાંઘાઈ, સિંગાપોર, કોલંબો એમ સમગ્ર વિશ્વનું ભ્રમણ કરી હેમખેમ સ્વદેશ આવ્યાં.

ગુજરાત યુનિવર્સિટી ભાષાભવનના અંગ્રેજી વિભાગનાં ભૂતપૂર્વ અધ્યક્ષા અને જાણીતાં નારીવાદી ડૉ. રંજનાબહેન હરીશ હંસાબહેનના જીવન વિશે વાત કરતાં જણાવે છે કે,
વિદેશમાં અભ્યાસ દરમિયાન મળેલાં સાથીદારોને કારણે ન માત્ર તેઓ ભારતની સ્વતંત્રતાના ધ્યેય સાથે જોડાયાં, પરંતુ ભારતમાં સ્ત્રીઓના મુદ્દાઓ તરફ કામ કરવાની તેમને પ્રેરણા મળી. તેઓ પણ એ સમયની અન્ય મહિલા સ્વતંત્રતા સેનાનીઓની માફક ગાંધીજીને અનુસરતા.

ઈન્ડિયન એક્સપ્રેસ ડોટ કોમના એક અહેવાલમાં હંસાબહેન મહેતાની પુસ્તક 'ઈન્ડિયન વુમન'માં ગાંધીજી સાથે તેમની પહેલી મુલાકાત વિશે લખાયું છે. તે મુજબ, જ્યારે વર્ષ 1922માં ગાંધીજીની ધરપકડ થઈ હતી, ત્યારે સરોજિની નાયડુ સ્ત્રીઓના એક જૂથ સાથે બૉમ્બેથી ગાંધીજીની મુલાકાત લેવા આવ્યાં હતાં. આ દરમિયાન સરોજિની નાયડુએ ગાંધીજીને હંસા મહેતાની ઓળખાણ આપી. આ મુલાકાત દરમિયાન જ તેઓ તેમનાથી ઘણાં પ્રભાવિત થઈ ગયા હતા.

ત્યારબાદ તેઓ ગાંધીજીના રંગે એવાં રંગાયાં કે તેમણે સોંપેલી નાની કે મોટી દરેક જવાબદારી સંપૂર્ણપણે નિભાવી. પિકેટિંગ અને વિદેશી કાપડની હોળી જેવાં કાર્યોમાં તેમનો જુસ્સો ચરમસીમાએ રહેતો.


ગાંધીજીનાં અનુયાયી અને એક દ્દઢ નિશ્ચયી એવા હંસાબેન મહેતા વિશેની વધુ માહિતી આવતાં અંકમાં જોઈશું.


આ તમામ માહિતી ઈન્ટરનેટના વિવિધ વેબ પેજ્ની મદદથી તૈયાર કરી લખેલ છે.


વાંચવા બદલ આભાર.

- સ્નેહલ જાની.

Rate & Review

jd

jd 2 years ago

Tr. Mrs. Snehal Jani

ખૂબ સુંદર માહિતી

Share