Which one - 1 books and stories free download online pdf in Gujarati

વીચ one?? - (પાર્ટ 1 જંગલ પ્રવેશ )

ભારત પાકિસ્તાન ભાગલાં પડી રહ્યા હતાં. લોકો પોતાનો જીવ બચાવવાં નાસી રહ્યા હતાં. ધર્મોના લોકો પોતાનું આધિપત્ય જમાવવા નિર્દોષ લોકોની હત્યાં કરી રહ્યા હતાં. એમાં જ એક ફેમિલી પોતાનાં બાળકોને લઈને દોડી રહી હતી.

"નગ્મા, રોકાઈ જા. એ જંગલ શ્રાપિત છે."

"જીવ બચાવવાં દોડવું જ પડશે. મરવા કરતાં શ્રાપિત જીવન જીવવું બહેતર રહેશે." નગ્મા તેની બે વર્ષની બાળકી સામું જોતાં બોલી.

રહીમ પણ તેનાં ખભે બેસાડેલ બાળક તરફ નજર કરતાં બોલ્યો, "ઠીક છે પણ જોડે રહેજે. બ્લુ વેલી જંગલ દિવસમાં પણ અંધકાર જ ધરાવતું હોય છે."

"હા, ચલ રૂકસાના આગળ ચાલ. હાથ પકડો બધા એકબીજાનો." નગ્માએ પોતાની વીસ વર્ષની દીકરીને હાથ પકડવા કહ્યું.

છ જીવો તે જંગલનાં અંધકારમાં સમાતાં દેખાઈ રહ્યા હતાં. આગળ મંઝિલ તેમને કેવો મોડ દેવાની હતી તેનાથી તેઓ તદ્દન અજાણ હતાં.

(બાર દિવસ બાદ)

"રહીમ, આપ હવે કંઈક કામ શોધો. આમ વર્ષો નથી કાઢવાના આ વેરાન જંગલમાં."

"નગ્મા, અહીં આવવાનો નિર્ણય તારો હતો. જીવન જીવવાની વ્યવસ્થા હવે અહીં જ કરવી પડશે. હું કશું કામ નથી કરવાનો." રહીમ ગુસ્સામાં બોલી રહ્યો.

નગ્મા ગુસ્સે ભરાઈને જંગલ તરફ ચાલવા લાગી. ચાલતાં ચાલતાં તે જંગલની બહાર આવી ગઈ. ઘણાં દિવસે સૂર્યનો તાપ શરીર પર પડતાં જ તેની આંખો અંજાઈ ગઈ. શરીરે બળતરા થવાં લાગી. તે પાણી માટે આસપાસ જોવા લાગી. ત્યાંજ તેનું ધ્યાન સામે એક બંધ મકાન તરફ પડ્યું. તેણે આ પહેલાં કયારેય આ પ્રકારનું મકાન અહીં જોયું નહોતું. તે પાણી લેવાના આશયે પોતાનાં ચહેરાં પર દુપટ્ટો નાખીને તે મકાન તરફ ચાલવા લાગી.

આકાશમાં દિવસનાં સમયમાં પણ ચામાંચીડિયા આમથી તેમ ઉડી રહ્યા હતાં એ જોઈને નગ્માને ખૂબ નવાઈ લાગી. બે કાળીયા કુતરા તેને જોઈને ખૂબજ ભસી રહ્યા હતાં પણ બેમાંથી એકેય આગળ આવીને કાંઈ કરી રહ્યા નહોતાં. નગ્મા ધીરે ધીરે મકાન તરફ ચાલતી હતી. તેણે દરવાજા પાસે આવીને આસપાસ નજર કરી પણ કોઈ ત્યાં આસપાસ નહોતું દેખાતું. તેણે દરવાજા પર હાથથી બે ત્રણ ટકોરા માર્યા પણ અંદરથી ઘણીવાર થવાં છતાં કોઈ ખોલી નહોતું રહ્યું. નગ્મા કંટાળીને પાછળ વળીને ત્યાંથી નીકળી જ હતી કે ત્યાં જ દરવાજો આપોઆપ થોડો ખુલી ગયો. નગ્મા ધીરે ધીરે અંદર પ્રવેશી. અંદર પણ સૂર્યનાં તાપ સિવાયનો ભાગ અંધારિયા ચંદ્ર જેવો હતો. ઓરડામાં ખૂબજ ઠંડક પ્રસરાયેલી હતી. દરેક સામાન ઉપર કપડાં ઢાંકેલા હતાં.

નગ્માએ જોરથી બુમ મારી, "કોઈ છે??"
તેને પોતાનો જ અવાજ પડઘાઈને ફરી સંભળાયો. તે ડરતી ડરતી આગળ વધી. અંદર કોઈક રૂમમાંથી અચાનક નાના બાળકની ચીસો સંભળાવા લાગી. નગ્મા અવાજ સાંભળીને ખૂબ ડરી ગઈ. તે ઉપર અવાજની દિશામાં સીડીઓ ચઢવા લાગી. બાળકની ચીસો ઘડીક રોકાઈ જતી તો ઘડીક તીવ્ર અવાજે વધતી જતી. નગ્મા ઉપર સીડીઓ ચઢીને રોકાઈ ગઈ. ત્યાં બે ઓરડા પડતાં હતાં. અવાજ ઘડીક રોકાઈ ગયો હતો. નગ્મા એક ઓરડામાં પ્રવેશી.

ઓરડામાં માત્ર એક જ વસ્તુ રાખેલી હતી. ત્યાં સૂર્યનો તાપ બારી વાટે પ્રકાશમાન થતો હતો. તે વસ્તુ ઉપર પણ કપડું ઢાંકેલું હતું. નગ્મા આગળ વધી અને તે કપડાને પોતાનાં હાથ વડે દૂર કર્યું. સામે એક આલીશાન અરીસો હતો. નગ્મા ઘડીક તો ડરી ગઈ પણ તેને તે અરીસામાં પોતાનું દિવસો બાદ જોયેલું તન જોઈને શાતા વળી. તેની આંખોમાં આંસુ આવી ગયાં. તે પોતાનાં પ્રતિબિંબ પર હાથ રાખવા ગઈ કે ત્યાં જ તેને વીજળીનો કરંટ લાગ્યો હોય એવો ઝાટકો વાગ્યો. તેણે હાથ તરત પાછો ખેંચી લીધો.

અરીસામાં વિચિત્ર આકૃતિઓ દેખાવા લાગી. નગ્મા આંસુ રોકીને તે અરીસામાં એકધારું જોવા લાગી. કોઈક સ્ત્રી જંગલમાં એક બાળકને જમીન પર ધસડીને લઈ જતી હતી. લોહીથી લીલીછમ ધરતી લાલ રંગ વડે ખરડાતી હતી.
તે સ્ત્રીએ બાળકને ખેંચવાનું પડતું મૂક્યું અને આકાશમાં બે હાથ ફેલાવીને કંઈક મંત્રોચ્ચાર કરવા લાગી. તેનાં મંત્રોચ્ચાર થતાં જ આકાશમાં એક તેજ લિસોટો તે સ્ત્રી પર પડ્યો. અંધારામાં કેટલીય વાર સુધી ચહેરો ન જોઈ શકનાર નગ્મા તે લિસોટામાં પ્રકાશિત ચહેરો જોઈને ફફડી ઉઠી. ત્યાંજ ફરી બાળકની ચીસ હવામાં ગુંજવા લાગી. નગ્મા ડરીને પાછળ હટી ગઈ. તેનું ધ્યાનભગ્ન થતાં જ તે પાછી હટી ગઈ અને અરીસો પાછો પહેલાંની માફક તેનો પ્રતિબિંબ દેખાડવા લાગ્યો.

નગ્માનાં શ્વાસના ધબકારા બમણી ગતિએ દોડવા લાગ્યાં. બાળકની ચીસો સાંભળીને તેનાં કાનમાં પીડા થવાં લાગી. તેણે આંખો બંધ કરી કાનો પર હાથ રાખી દીધા પણ તે અવાજ બંધ થવાનો નામ જ નહોતો લેતો. તે હિંમત એકઠી કરીને ફરી તે રૂમમાંથી બહાર આવી અને જે બીજો રૂમ પડતો હતો એમાં પ્રવેશી.

રૂમમાં પ્રવેશતાં જ તે બાળકની ચીસો ફરી શાંત પડી ગઈ. રૂમમાં એક લાંબા કેશવાળી સુંદર સ્ત્રી ઉંધી ફરીને બેઠી હતી. તેનાં સુંવાળા કેશ જોઈને ઘડીક નગ્માને ઈર્ષ્યા ઉપજી. તે સ્ત્રીનાં ગોરા હાથોની ચામડી ટેબલ પર ફરી રહી હતી. તેનાં લાંબા નખ પર સુંદર રીતે લાલ રંગ ચમકી રહ્યો હતો. આ રૂમમાં સૂર્યનો તાપ ન પડવાથી ખૂબજ અંધારું છવાયેલું હતું. નગ્માને તે સ્ત્રીનો ચહેરો જોવાની ખૂબ તાલાવેલી જાગી ગઈ. તે ધીરે ધીરે આગળ વધી. તેણે આગળ વધતા જોયું તો તે સ્ત્રીની સામે પડેલાં ટેબલ પર નાના બાળકનું રક્તરંજીત માથું પડેલું હતું જેમાં તે સ્ત્રી પોતાની આંગળી નાખીને તે લોહીને ચાટી રહી હતી. નગ્માથી આ જોઈને જોરથી ચીસ નખાઈ ગઈ. તે સ્ત્રીનો અટ્ટહાસ્ય આખા ઓરડામાં ગુંજવા લાગ્યો. એ સાથે જ ફરી બાળકની ચીસો આખા મકાનમાં ગુંજવા લાગી. નગ્મા પોતાની રહી સહી હિંમતને એકઠી કરીને ફટાફટ સીડીઓ ઉતરીને તે મકાનમાંથી બહાર આવવા માટે દોડવા લાગી.

નગ્મા દોડીને બહાર આવીને સૂકા ઘાસ પર આડી પડી ગઈ. સૂર્યનો તાપ તેને હવે મીઠો લાગી ગયો. તેણે મકાન તરફ નજર કરી તો કોણ જાણે કેમ તેને ફરી તે પહેલાંની માફક આકર્ષાવા લાગ્યું. તેણે તરત નજર હટાવી દીધી. તેનો શ્વાસ દોડીને ચઢી ગયો હતો એટલે તે હજુ પણ હાંફી રહી હતી. પાણીની તરસે તેનું ગળું અતિશય સુકાઈ ગયું હતું. તેણે પોતાનાં હાથ જોયા તો તે રક્તથી રંગાઈ ચૂક્યા હતાં. નગ્મા હળવી ચીસ પાડી ઉઠી પણ પછી તેણે પોતાનાં હાથ પોતાનાં કપડાં પર લૂંછી નાખ્યા. તેનો શ્વાસ જેવો હેઠો બેઠો ત્યાં તે ફરી ઉભી થઇ અને જંગલ તરફ ચાલવા લાગી.

ફરી અંધકાર તેનાં જીવનમાં પ્રવેશી ગયો. ક્યાંક પાવડાથી ખોદવાનો અવાજ આવવા લાગ્યો. નગ્મા તે તરફ વધી તો રહીમ જમીન ખોદિને ખાડો કરી રહ્યો હતો.

"આ શું કરો છો આપ??" નગ્માએ અચરજભરી દ્રષ્ટિથી પૂછ્યું.

"દેખાતું નથી. દાટવા માટે ખાડો ખોદું છું." રહીમ પરસેવે રેબઝેબ થતાં અકળાઈને બોલી ઉઠ્યો.

"દેખાય છે એ તો મને, પણ કોના માટે ખોદો છો?" નગ્માએ વધુ હેરાન થતાં પૂછ્યું.

"તારા માટે. જા જતી રહે. કેવી બેમતલબની વાત કરે છે. આ કૂતરું નથી દેખાતું તને?? એનાં માટે કરી રહ્યો છું. બહાર રહેશે તો એની દુર્ગંધથી માથું ફાટી જશે મારું." રહીમે મરેલા કુતરા તરફ નજર કરીને પાછું ખોદવાનું શરુ કરી દીધું.

નગ્માએ નજર કરી તો તે કૂતરાને કોઈએ બેરહેમિથી મારી દીધો હતો. તેની જીભ મર્યા બાદ બહાર લટકી રહી હતી. આંખો હજુ પણ ખુલ્લી હતી. તેની આંખોમાં જોઈને નગ્માને ઘડીક તો લાગ્યું કે હમણાં કૂતરો ઉભો થઈને પોતાને બટકો ભરી લેશે પણ તે ત્યાંથી ધ્યાન હટાવી ઉભી થઇ.

તે પોતાનાં બાળકો પાસે આવી. પોતાની મોટી દીકરી તપેલામાં કંઈક રાંધી રહી હતી એ જોઈને નગ્માને રાહત થઇ.

"રૂકસાના, શું બનાવો છો આપ?" નગ્માએ રૂકસાનાની બાજુમાં બેસતાં પૂછ્યું.

"અમ્મી, હજુ ક્યાં સુધી આપણે અહીં રહેવું પડશે? નથી ગમતું અહીંયા. ચોવીસે કલાક અંધકારમાં એવું લાગે છે કે હું પણ સૂર્યની માફક ઓગળતી જઉં છું." રૂકસાનાની આંખોમાં આટલું કહેતાં આંસુ આવી ગયાં.

"બેટા, હું પણ કંઈક રસ્તો શોધી જ રહી છું. જલ્દી આપણે જતાં રહીશું. મને ખૂબ તરસ લાગી છે. પાણી છે??"

"શું અમ્મી, આપ આપા ખોઈ ગયાં છો કે શું! આપણે પાણી અહીંયા સવારમાં ઝાકળનાં લીધે પાંદડાઓ પર જમા થાય એમાંથી તો પીએ છીએ. આપ જાઓ અને પી લો." રૂકસાનાએ ચિડાઈને જવાબ આપ્યો.

"હા હા... બેટા હું ભૂલી જ ગઈ હતી." નગ્મા ઉભી થઇ અને એક ઝાડની ડાળીને હલાવીને તેનું પાણી ખોબામાં ભરીને પીવા લાગી. તેની તરસ થોડીક જ છીપાઈ હતી પણ એટલુંય તેનાં માટે ઘણું હતું.

નગ્મા પોતાનાં રૂકસાના પછીનાં મોટા દીકરાની પાસે આવી. તે જમીન પર લાકડી વડે કંઈક લખી રહ્યો હતો.

"શું લખો છો આપ આમિર?" નગ્માએ આમિરની બાજુમાં બેસતાં પૂછ્યું.

"અમ્મી, કાલુને કોણે માર્યું હશે??" આમીરે જમીન પર લખતાં લખતાં જ પૂછ્યું.

"મને નથી ખબર બેટા. કાલુ આપનો દોસ્ત હતો?" નગ્માએ આમિરનું ધ્યાન વાળવાં પૂછ્યું.

"હા, એ મને આ જંગલમાં રહેલાં રહસ્યો જણાવતો હતો. તે મને તેનાથી બચાવતો હતો...." આમિર નિરસ અવાજે બોલી રહ્યો.

"રહસ્યો? કેવા રહસ્યો?"

"શશશસ... અમ્મી અહીંયા હંમેશા આપણી આસપાસ કોઈકને કોઈક હોય છે. આપ ધીરે બોલો."

નગ્માને હવે આમિરની વાત બાળમજાક લાગી. તેણે હસતાં હસતાં હોઠ ફફડાવ્યા, "ઓક્કે ધીરે ધીરે બોલું છું બસ?!"

આમીરે ડોકું હલાવ્યું. નગ્મા ઉભી થઈને જતી જ હતી ત્યાં આમીરે નગ્માનો હાથ પકડી લીધો.

"શું થયું બેટા?"

"અમ્મી, કાલુને રૂકસાના દીદીએ જ માર્યો છે." આમિર હળવે રહીને નગ્માનાં કાનમાં બોલી ઉઠ્યો.

"આપે આપની દ્રષ્ટિથી જોયું છે આમિર?"

આમીરે નકારમાં ડોકું હલાવ્યું.

"આપને વહેમચૂક થયો હશે. આપ આપની રમત રમો. હું અર્શી બીબી પાસે જઉં છું." નગ્મા આટલું કહી ત્યાંથી ઉભી થઇ ગઈ.

નગ્મા બે ઝાડ વચ્ચે બાંધેલા કપડાંના ઝૂલા પાસે આવી. તેમાં તેની સૌથી નાની દીકરી અર્શી ચેનની ઊંઘ ખેંચી રહી હતી. નગ્માએ તેનાં કપાળે હળવું ચુંબન કર્યું અને ત્યાંથી નીકળી ગઈ.

નગ્મા પછી રહીમનાં નાના ભાઈના દીકરા સુલતાન પાસે આવી. સુલતાન આમિરથી પાંચ વર્ષ મોટો અને રૂકસાનાથી બે વર્ષ નાનો હતો. તે રહીમને ખાડો ખોદતાં જોઈ રહ્યો હતો.

"સુલતાન, આપને ખબર છે આ કુત્તાને કોણે માર્યું છે?"

સુલતાને નગ્મા તરફ વેધક નજરે જોયું અને હકારમાં ડોકું હલાવ્યું.

"કોણે?" નગ્માએ ડરતાં ડરતાં પૂછ્યું.

સુલતાનની આંખો અંગારા માફક ચમકવા લાગી. તેણે આંગળી વડે ખુદ નગ્મા તરફ ઈશારો કર્યો.