Anant Safarna Sathi - last part books and stories free download online pdf in Gujarati

અનંત સફરનાં સાથી - (અંતિમ ભાગ)

૪૫.મિલન એક નવી શરૂઆત તરફનું પ્રયાણ

રાહીએ વહેલી સવારે ઉઠીને જોયું તો શિવાંશની જગ્યા ખાલી હતી. રાહી તૈયાર થઈને નીચે આવી ગઈ. એણે નીચે આવીને જોયું તો કાન્તાબેન ઘરનાં મંદિરમાં પૂજા કરી રહ્યાં હતાં. એ જોઈને એને એનાં દાદી યાદ આવી ગયાં. એણે હૉલમાં સોફા પર બેઠેલા પ્રવિણભાઈ અને મલયભાઈનાં આશીર્વાદ લીધાં. ત્યાં જ ગાયત્રીબેન કિચનમાંથી ચા લઈને આવ્યાં. રાહીએ એમનાં પણ આશીર્વાદ લીધાં. ગાયત્રીબેને બધાંને ચા આપી. કાન્તાબેન એમની પૂજા કરીને આવ્યાં. પછી એમણે પણ ચા ગ્રહણ કરી. રાહીએ એમનાં આશીર્વાદ લીધાં તો એમણે રાહીને પોતાની પાસે બેસાડી લીધી.
"શિવાંશ ક્યાંય દેખાતો નથી ક્યાં ગયો?" મલયભાઈએ આમતેમ નજર દોડાવતાં પૂછ્યું.
"હું અહીં છું પપ્પા." દરવાજે ઉભેલાં શિવાંશે કહ્યું. એણે જોગિંગ સૂટ પહેરી રાખ્યું હતું. એ જોઈને કોઈએ કંઈ પૂછ્યું નહીં.
એ આવીને તરત જ ઉપર પોતાનાં રૂમમાં ફ્રેશ થવા જતો રહ્યો. જતાં જતાં રાહીને પણ ઉપર આવવાં ઈશારો કરતો ગયો. રાહી જવાં માટે ઉભી થઈ ત્યાં જ આયશા અને આર્યન નીચે આવ્યાં. રાહી એમને ચા નાસ્તો આપવામાં લાગી ગઈ. એમાં ઉપર શિવાંશ પાસે નાં જઈ શકી. એની એક નજર દાદરા પર હતી અને એ બધાંને નાસ્તો સર્વ કરી રહી હતી. એની એવી હાલત જોઈને તન્વીને હસવું આવી રહ્યું હતું.
"બેટા! તું પણ બેસી જા. ઘરનાં નોકર બધાંને નાસ્તો સર્વ કરી દેશે." કાન્તાબેને પ્રેમથી રાહીનાં માથાં પર હાથ મૂકીને કહ્યું. એમણે રાહીને પોતાની અને ગાયત્રીબેનની વચ્ચેની ચેરમાં બેસાડી લીધી.
"મમ્મી! એમનો નાસ્તો?" રાહીએ પૂછ્યું.
"એ ખાલી ચા જ પીશે." ગાયત્રીબેન પોતાનાં હાથે રાહીની પ્લેટમાં ગરમાગરમ પરોઠાં મૂકવાં લાગ્યાં. આજે રાહીનાં લગ્નનો પહેલો દિવસ હતો. છતાંય એનાં મનમાં જરાં પણ મૂંઝવણ ન હતી. બધાં એને બહું સારી રીતે રાખી રહ્યાં હતાં. લગ્ન પછી એક છોકરી જ્યારે સાસરે આવે ત્યારે ઘરનાં લોકો કેવાં હશે? ઘરનું વાતાવરણ કેવું હશે? એ બધી બાબતોની ચિંતા છોકરીને સતાવતી હોય છે. છોકરીને તો બસ એટલું જ જોઈતું હોય છે કે બધાં એને પ્રેમથી રાખે અને એની સાથે સારું વર્તન કરે. રાહીની પણ એ જ ઈચ્છા હતી. રાતે એનાં મનમાં પણ ઘણી મૂંઝવણો હતી. જે સવાર થતાં જ દૂર થઈ ગઈ હતી.
બધાં નાસ્તો કરીને ઉભાં થયાં ત્યાં થોડીવારમાં જ રાધિકા અને અભિનવ રાહીને પગફેરાની રસમ માટે લેવાં આવી ગયાં. રાધિકા દોડીને રાહીને ગળે વળગી ગઈ. પછી બંને આયશા અને આર્યનને પણ મળ્યાં. શિવાંશ હજું નીચે આવ્યો ન હતો. રાહી મોકો જોઈને શિવાંશ માટે ચા લઈને ઉપર આવી ગઈ. એણે રૂમમાં આવીને જોયું તો શિવાંશ અરીસા સામે ઉભો રહીને શર્ટના બટન બંધ કરી રહ્યો હતો. રાહી એની પાસે જઈને ખુદ બટન બંધ કરવાં લાગી.
"અત્યાર સુધી ક્યાં હતી?" શિવાંશે શિકાયતી લહેજામા પૂછ્યું.
"નીચે રાધિકા અને શ્યામ આવ્યાં છે.મને પગફેરાની રસમ માટે લેવાં." રાહીએ બટન બંધ કરતાં કરતાં જ કહ્યું.
"તો હું તને લેવાં આવીશ. વહેલી તૈયાર થઈને રહેજે. રાતે રિસેપ્શન પણ છે." શિવાંશ રાહીને પોતાની વધું નજીક ખેંચી.
"ગયાં પહેલાં જ લેવાં આવશો. પહેલાં જઈને ચા પીવો અને નીચે ચાલો. બધાં રાહ જોવે છે." રાહીએ શિવાંશને હળવો ધક્કો માર્યો અને ટેબલ પર પડેલી ચાનો કપ એનાં હાથમાં પકડાવી દીધો.
"તે ચા બનાવતાં શીખ્યું કે નહીં? તારાં હાથની ચા ક્યારે પીવાં મળશે?" શિવાંશે ચાનો એક ઘૂંટ ભરીને પૂછ્યું.
"બનારસમાં પેલી ટપરી પર તંદૂરી ચા બનાવતાં પણ શીખીશ અને તમને પીવડાવીશ પણ ખરી!" રાહીએ મીઠું સ્મિત વેર્યું.
"બનારસ જઈને શું કરવું? ક્યાં જવું? એની તૈયારી અગાઉ જ થઈ ગઈ છે એમ ને!" શિવાંશ પણ મલકાયો.
"હાં, હવે નીચે જઈએ." રાહીએ કહ્યું તો શિવાંશ ચાનો ખાલી કપ લઈને આગળ વધી ગયો. બહાર નીકળીને રાહીએ એનાં હાથમાંથી કપ લઈ લીધો અને બંને દાદરા ઉતરીને નીચે આવ્યાં.
"ઓહ જીજાજી! તમે તો આવવામાં બહું મોડું કર્યું." રાધિકાએ કહ્યું તો બધાં હસવા લાગ્યાં. થોડીવાર બધાં સાથે વાતો કરીને રાધિકા અને અભિનવ રાહીને લઈને જતાં રહ્યાં. આર્યન અને આયશા પ્રવિણભાઈની ઘરે જ રિસેપ્શનમાં મદદ કરવાં રોકાઈ ગયાં.

રાહીને ઘરે આવેલી જોઈને ગૌરીબેન, મહાદેવભાઈ અને દાદી ત્રણેયે એને ગળે લગાવી લીધી. બધાંએ મોડાં સુધી વાતો કરી. ગૌરીબેને આયશા વિશે પૂછ્યું તો રાહીએ 'ઠીક છે.' એમ જણાવી દીધું. થોડીવારમાં અંકિતા, ઋષભ, શુભમ અને ટીના પણ રાહી પાસે આવી પહોંચ્યાં. એ બધાં ઘરની સાફસફાઈમાં લાગ્યાં હતાં. બધાંએ રાહી સાથે ખૂબ વાતો કરી. ગૌરીબેને બપોરે રાહીનું મનપસંદ જમવાનું બનાવ્યું.
"મમ્મી! મને ચા બનાવતાં શીખવાડજો ને." જમીને રાહીએ કહ્યું તો રાધિકા એની મસ્તી કરવા લાગી.
રાહીએ ગૌરીબેનની કિચનના કામમાં મદદ કરી પછી એમણે રાહીને ચા બનાવતાં શીખવ્યું. સાથે રાધિકાએ પણ શીખી લીધું. ચા બનાવતાં શીખીને રાહીએ આયશાનાં રૂમમાં જઈને એની બેગ પેક કરી. એ રિસેપ્શન પછી પ્રવિણભાઈની ઘરેથી જ આર્યનનાં મમ્મી-પપ્પા સાથે અમેરિકા જતી રહેવાની હતી.
સાંજે શિવાંશ રાહીને લેવાં આવી ગયો. એણે રાતે બધાંને રિસેપ્શનમાં આવવાં આમંત્રણ આપ્યું અને રાહીને લઈને નીકળી ગયો. રાહી આખાં રસ્તે શિવાંશનો હાથ પકડીને, આંખો બંધ કરીને, એનાં ખંભે માથું ઢાળીને બેસી રહી. શિવાંશ મંદ મંદ સ્મિત સાથે ગાડી ચલાવી રહ્યો હતો. એણે બ્રેક મારી ત્યારે રાહીએ એનો હાથ છોડ્યો અને બંને નીચે ઉતર્યા. રાહીએ નીચે ઉતરીને જોયું તો શિવાંશે ગાડી વસ્ત્રાપુર તળાવની સામે રોકી હતી. એણે શિવાંશ સામે જોઈને સ્મિત કર્યું. બંને એકબીજાનો હાથ પકડીને બાંકડા પર બેસી ગયાં. ધીરે-ધીરે અંધારું થવા લાગ્યું હતું. સૂરજ પાણીમાં ડૂબવા મથી રહ્યો હોય એમ ધીરે-ધીરે પાણીની અંદર જઈ રહ્યો હતો. આખું આકાશ કેસરી રંગનાં રંગે રંગાયું હતું. આકાશમાં અમુક પક્ષીઓ ઉડી રહ્યાં હતાં. આ નયનરમ્ય દ્રશ્યની વચ્ચે રાહીનાં માથે લાગેલું શિવાંશનાં નામનું સિંદુર ચમકી રહ્યું હતું. એનાં ગળામાં શોભાયમાન શિવાંશનાં નામનાં મંગલસૂત્રમાં જડેલા હીરા પણ ચમકી રહ્યાં હતાં. જે એનાં પરિણિત હોવાની સાબિતી આપી રહ્યાં હતાં.
"આખરે તને તારો સપનાંનો રાજકુમાર મળી જ ગયો." એક વર્ષો જૂનો અવાજ રાહીનાં કાને પડ્યો. એણે તરત જ ઉભાં થઈને જોયું. એની સામે એ જ સાધુ મહારાજ ઉભાં હતાં. જે એને એક વર્ષ પહેલાં અહીં આ જગ્યાએ જ મળ્યાં હતાં. જ્યારે રાહી બનારસ જવું કે નહીં? એવી દુવિધામાં હતી. રાહી અપલક નજરે એ સાધુ મહારાજને જોઈ રહી. આજે પણ એક વર્ષ પહેલાંની જેમ જ એમનાં ચહેરાં પર એવું જ તેજ નીતરતું હતું અને આંખોમાં પણ પહેલાં જેવી જ ચમક હતી.
"પ્રણામ મહારાજ!" રાહીએ હાથ જોડ્યા એને જોઈને શિવાંશે પણ પોતાનાં હાથ જોડી લીધાં અને પૂછવા લાગ્યો, "તું આમને ઓળખે છે?"
"અમારી તો બહું જૂની ઓળખાણ છે. પણ આણે ધાર્યું એ કરી બતાવ્યું. આજે તમે બંને સાથે છો એમાં મહાદેવ પછી જો કોઈનો મહત્વનો હાથ હોય તો એ તારી પત્નીનો જ છે. આને ક્યારેય દુઃખી નાં થવા દેતો." સાધુ મહારાજે એક ગજબના સ્મિત સાથે કહ્યું.
રાહી અને શિવાંશે બંનેએ એમનાં ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધાં અને સાધુ મહારાજ જતાં રહ્યાં. જેમ પહેલીવાર પણ પોતાની વાત કહીને જતાં રહ્યાં હતાં. પણ આ વખતે એ આશીર્વાદ સ્વરૂપે કંઈક આપીને ગયાં હતાં. રાહી અને શિવાંશે જ્યારે પોતાની આંખો ખોલી તો બંનેનાં જોડેલા હાથ પર રૂદ્રાક્ષની માળા હતી. જે બંનેનાં જન્મોજન્મનાં સાથની સાક્ષી પુરાવી રહી હતી. સાક્ષાત્ મહાદેવે બંનેને સુખી દામ્પત્ય જીવનનાં આશીર્વાદ આપ્યાં હતાં.
રાહીએ માળા લઈને આંખે લગાડી અને પોતાનાં પર્સમાં મૂકી દીધી. પછી બંને ઘરે આવી ગયાં. પ્રવિણભાઈએ રિસેપ્શનની બધી તૈયારી કરી લીધી હતી. આખું ઘર ફુલો અને લાઈટોથી સજાવી દેવાયું હતું. રાહી અંદર આવી એટલે કાન્તાબેને એનાં હાથમાં એક બેગ અને બોક્સ આપીને કહ્યું, "આમાં તારાં માટે સાડી અને જ્વેલરી છે. જલ્દી તૈયાર થઈને નીચે આવી જાઓ."
રાહી શિવાંશ સાથે ઉપરનાં રૂમમાં આવી ગઈ. પહેલાં શિવાંશે કપડાં બદલ્યાં પછી રાહી સાડી પહેરીને તૈયાર થવા લાગી. લાલ રંગની બ્લેક ચમકીલી પટ્ટી મૂકેલી સાડીમાં રાહીનો ગોરો રંગ કંઈક વધારે જ ખીલી રહ્યો હતો. શિવાંશ તો બસ એને જોતો જ રહી ગયો. એણે પોતાનાં હાથે રાહીને સજાવી દીધી. અંતે જ્યારે એણે રાહીની માંગમાં સિંદૂર ભર્યું. ત્યારે રાહીએ શરમથી એની નજરો ઢાળી દીધી. શિવાંશે પ્રેમથી એને પોતાની બાહોમાં સમાવી લીધી અને કહ્યું, "હું પણ તારાં માટે કંઈક લાવ્યો છું."
રાહીએ હાથનાં ઈશારે જ શું એમ પૂછ્યું તો શિવાંશે પોતાનાં ખિસ્સામાંથી એક બોક્સ કાઢીને રાહીની હથેળીમાં મૂક્યું. રાહીએ ખોલીને જોયું તો એમાં એક મસ્ત ચેઈન અને હાર્ટ શેઈપનુ પેન્ડન્ટ હતું જે ખોલી શકાય એવું હતું. રાહીએ બોક્સ ટેબલ પર મૂકીને એ પેન્ડન્ટ ખોલ્યું તો એમાં એક દિલમાં રાહી અને શિવાંશ એકબીજાને ભેટીને ઉભાં હતાં અને બીજાં દિલમાં બનારસનો અસ્સી ઘાટ બનેલો હતો. આ બંને ફોટા તન્વીએ પોતાનાં ફોનમાં લીધાં હતાં. જેમાંથી શિવાંશે આ પેન્ડન્ટ બનાવડાવ્યું હતું. જેને એ મુંબઈથી આવતી વખતે સાથે જ લાવ્યો હતો. રાહી પેન્ડન્ટ શિવાંશને આપીને એની સામે ફરીને ઉભી રહી ગઈ. શિવાંશે પોતાનાં હાથે એ પેન્ડન્ટ રાહીની ડોકમાં પહેરાવી દીધું. રાહીએ ફરી એમાં લાગેલાં ફોટા જોયાં તો એને ફરી ધૂંધળા દ્રશ્યો દેખાવા લાગ્યાં.
"ભાભી! નીચે બધાં તમારી રાહ જોવે છે." તન્વીએ આવીને કહ્યું તો રાહીનું ધ્યાન એ તરફ જતું રહ્યું. એ લોકેટ બંધ કરીને શિવાંશ સાથે નીચે આવી. બંનેનાં આવતાં જ રિસેપ્શન પાર્ટી શરૂ કરવામાં આવી. રાહી અને શિવાંશ માટે સ્ટેજ પર ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. તન્વીએ બંનેને ત્યાં બેસાડી દીધાં. બધાં એમને આશીર્વાદ અને ભેટ આપવા લાગ્યાં.
રિસેપ્શન પાર્ટી પૂરી થયાં પછી આયશા આર્યન અને એનાં પરિવાર સાથે અમેરિકા જવા નીકળી ગઈ. રાહીનો પરિવાર પણ પોતાની ઘરે જતો રહ્યો. બધાનાં ગયાં પછી રાહી અને શિવાંશ પણ પોતાનાં બેગ લઈને નીચે આવ્યાં. ત્યાં સુધીમાં મલયભાઈ, તન્વી, ઋષભ, ટીના અને ગાયત્રીબેન પણ પોતાનાં બેગ લઈને આવી ગયાં. એ પણ મુંબઈ જવાં નીકળી ગયાં.
એક કલાકનાં અંતરે બધાં શિવાંશનાં મુંબઈ વાળાં ઘરે પહોંચ્યા. રાહીએ આખાં ઘર પર દરવાજેથી જ એક ઉડતી નજર કરી. ગાયત્રીબેને અમદાવાદથી નીકળતી વખતે જ ઘરનાં નોકરોને રાહીનાં સ્વાગતની તૈયારી કરવા માટે જણાવી દીધું હતું. એ જઈને પૂજાની થાળી લઈ આવ્યાં. રાહીની આરતી ઉતારીને અહીં પણ એની પાસે ચોખાનો કળશ ઢોળાવીને, એનાં કુમકુમ પગલાં ઘરની અંદર પાડવામાં આવ્યાં. રાતનાં બાર વાગી ગયાં હતાં. શિવાંશ રાહીને લઈને પોતાનાં રૂમમાં આવી ગયો. રાહી શિવાંશનાં રૂમને જોઈ રહી હતી. ત્યાં જ શિવાંશે પાછળથી એને પકડી લીધી.
"કેવો લાગ્યો આપણો રૂમ?" શિવાંશે પૂછ્યું.
"બહું મસ્ત! હવે આમાં મારાં સામાનની પણ જગ્યા બનાવી લઈએ?" રાહીએ શિવાંશને સહેજ પાછળ ધકેલ્યો અને અડધી રાતે બંને પોતાનો રૂમ ગોઠવવાં લાગ્યાં.

સવારે રાહી તૈયાર થઈને નીચે આવી એટલે ગાયત્રીબેન પહેલી રસોઈ માટે એને કિચનમાં લઈ ગયાં. સવાર સવારમાં રાહીને કિચનમાં જોઈને તન્વી અને શિવાંશ બંને હસવા લાગ્યાં. એમને બનારસમાં રાહીએ ચા બનાવી હતી એની યાદ આવી ગઈ હતી અને બીજી તરફ રાહી ગાયત્રીબેનને કેવી રીતે કહે કે એને રસોઈ બનાવતાં નથી આવડતું? એ વિશે વિચારી રહી હતી.
"તમે બંને આમ કેમ હસો છો?" ગાયત્રીબેને પૂછ્યું.
"મમ્મી! ભાભીને રસોઈ બનાવતાં નથી આવડતું." તન્વીએ રાહીનાં બંને ખંભા પર પોતાનાં હાથ મૂકીને કહ્યું.
"તો શું થયું? આજે તો માત્ર ખીર જ બનાવવાની છે. ધીરે-ધીરે હું એને બધું શીખવી દઈશ." ગાયત્રીબેને કહ્યું તો રાહીનાં ચહેરાં પર સ્મિત આવી ગયું.
ગાયત્રીબેને રાહીને ખીર બનાવતાં શીખવ્યું. ખીર બનાવીને પહેલો ભોગ ભગવાનને ધરાવીને રાહીએ પરિવારનાં બધાં સભ્યોને ખીર પરોસી. ગાયત્રીબેન અને મલયભાઈએ રાહીને સગુન તરીકે ભેટમાં ડાયમંડ નેકલેસ આપ્યો.
"ભાઈ! તમે ભાભી માટે શું લાવ્યાં? કે ફ્રીમાં જ ખીર ખાવી છે." તન્વીએ પૂછ્યું.
"એનું ગિફ્ટ એને અમારા રૂમનાં ડ્રોઅરમાં મળી જાશે. હું અત્યારે ઓફિસે જાવ છું. બે વાગે આવી જઈશ." એણે રાહી સામે જોયું, "પેકિંગ કરીને રાખજે. હું આવું એટલે તરત જ આપણે નીકળી જાશું." કહીને શિવાંશ જતો રહ્યો.
રાહી નીચે બધું કામ ખતમ કરીને ઉપર પોતાનાં રૂમમાં આવી. એણે પહેલાં બધી પેકિંગ કરી અને અંતે ડ્રોઅરમાં જોયું તો એમાં એક બોક્સ હતું. રાહીએ ખોલીને જોયું. બોક્સની અંદર રહેલી પાયલ જોઈને એનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. એણે બોક્સ સંભાળીને મૂક્યું અને બધી બેગ ઉઠાવીને એક તરફ મૂકી અને નીચે આવી ગઈ.
બે વાગ્યે શિવાંશ ઓફિસેથી ઘરે આવ્યો. ત્યારે એની આંખોના બદલે એનાં કાન રાહીને શોધી રહ્યાં હતાં. એ જોઈને તન્વી હસી રહી હતી. ત્યાં જ રાહી કિચનમાંથી પાણી લઈને આવી. પણ એનાં પગમાંથી કોઈ અવાજ નાં આવતાં શિવાંશ હેરાનીથી એની સામે જોવાં લાગ્યો.
"બેટા! હવે તમે નીકળો. નહીંતર ફ્લાઈટ મિસ થઈ જાશે." મલયભાઈએ કહ્યું તો રાહી બેગ લેવાં ઉપર જતી રહી. શિવાંશ પણ એની પાછળ ગયો.
"તે પાયલ કેમ નથી પહેરી? પસંદ નાં આવી?" શિવાંશે રૂમમાં આવતાંની સાથે જ પૂછ્યું.
"બહું પસંદ આવી પણ મને થયું જે લાવ્યાં છે એ જ પહેરાવે તો સારું રહેશે." રાહીએ કહ્યું અને બોક્સ શિવાંશ તરફ લંબાવી દીધું. શિવાંશ સ્મિત સાથે રાહીને બેડ પર બેસાડીને એનાં પગમાં પાયલ પહેરાવવા લાગ્યો. રાહી પાયલ પહેરીને, બેગ લઈને ચાલતી થઈ તો એનાં પગમાં રહેલી પાયલમા થોડાં થોડાં અંતરે‌ રહેલી ઘુઘરીઓ છમછમ કરવાં લાગી. એ છમછમનો અવાજ સાંભળીને શિવાંશ સ્મિત કરતો બોલી ઉઠ્યો, "આ માટે જ મેં તને પાયલ ગિફ્ટ કરી. એ પાયલમાં હીરા નથી જડ્યા. માત્ર ચાંદીની છે. છતાંય જ્યારે એમાં રહેલી ઘુઘરીઓ છમછમ અવાજ કરે છે. ત્યારે એ મારું દિલ ધડકાવી જાય છે. કારણ કે એ અવાજ દૂરથી જ મને તારાં નજીક હોવાનો અહેસાસ કરાવી જાય છે." બોલતો બોલતો એ પણ નીચે આવ્યો. બંને ગાયત્રીબેન અને મલયભાઈનાં આશીર્વાદ લઈને, તન્વીને ગળે લગાવીને એરપોર્ટ જવાં નીકળી ગયાં. અમદાવાદ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ ફ્લાઈટ ઉડાન ભરવા તૈયાર હતી. બધી ફોર્માલીટિમાથી પસાર થયાં પછી બંને પ્લેનમાં ગોઠવાયાં. પ્લેને બનારસ જવાં ઉડાન ભરી.

બંને જ્યારે બનારસ પહોંચ્યા. ત્યારે પાંચ વાગી ગયાં હતાં. બંને બેગ લઈને એરપોર્ટની બહાર આવ્યાં અને બનારસની હવાને પોતાની રગોમાં ઉતારવાં લાગ્યાં. રાહીએ કસીને શિવાંશનો હાથ પકડી લીધો.
"અસ્સી ઘાટ પર જઈએ?" રાહીએ કાંડા ઘડિયાળમાં સમય જોઈને પૂછયું.‌
"સામાન?" શિવાંશે પૂછ્યું ત્યાં જ શુભમ એરપોર્ટ પર આવી પહોંચ્યો.
"સોરી! આને મેં દેર હો ગઈ." શુભમે આવતાંની સાથે જ કહ્યું. એ લોકો સવારે જ બનારસ પહોંચ્યા હતાં.
"બિલકુલ સહી વક્ત પર આયે હો. તુમ સામાન લેકર જાઓ. હમેં અસ્સી ઘાટ જાના હૈ." શિવાંશે કહ્યું તો શુભમ મુસ્કુરાઈ ઉઠ્યો. એ સામાન લઈને ટેક્સીમાં જતો રહ્યો અને અંકિતાની લાવેલી ગાડી શિવાંશ માટે જ છોડી ગયો.
"આજે તો મારી ઈચ્છા છે કે મારી પત્ની મને અસ્સી ઘાટ પર લઈ જાય." શિવાંશે ગાડીની ચાવી રાહી તરફ લંબાવી.
"જેવી અમારાં પતિ પરમેશ્વરની ઇચ્છા!" કહીને રાહી ડ્રાઈવર સીટ પર ગોઠવાઈ.
જ્યારે બંને પહેલીવાર બનારસ આવ્યાં ત્યારે શિવાંશ ગાડી ડ્રાઈવ કરી રહ્યો હતો. આજે રાહી ડ્રાઈવ કરીને અસ્સી ઘાટ તરફ અગ્રેસર થઈ. શિવાંશ આખાં રસ્તે પ્રેમથી રાહીને જોતો રહ્યો. એનાં મગજમાં એ બનારસ આવ્યો અને એની રાહી સાથે મુલાકાત થઈ ત્યારથી અત્યાર સુધીની આખી ફિલ્મ ચાલી રહી હતી. એટલામાં જ બંને અસ્સી ઘાટ પર આવી પહોંચ્યાં. બંને જઈને ઘાટની સીડીઓ પર બેસી ગયાં. સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો. બધાં લોકો આરતીની તૈયારી કરી રહ્યાં હતાં.
રાહી શિવાંશનાં ખંભે માથું ઢાળીને બેસી ગઈ. બંનેએ ડૂબતાં સૂરજને જોયો. આરતીનો સમય થતાં જ ઘાટ પર ભીડ વધવા લાગી. રાહી જઈને ફુલ અને દીપક પ્રગટાવીને મૂકવાં માટે કાગળનો વાટકો લઈ આવી. એણે અને શિવાંશે બંનેએ દીપક પ્રગટાવી અને ઘાટનાં પાણીમાં તરતો મૂક્યો. બંને ક્યાંય સુધી એ દીપકને જોઈ રહ્યાં.
"રુહુ! રાધિકા કહેતી હતી કે તું કોઈ ડાયરી લખે છે. જેમાં તે કવિતાઓ અને શાયરીઓ લખી છે." શિવાંશે રાહીનો‌ હાથ પકડીને કહ્યું.
"રાધુ પણ ને! એનાં પેટમાં કોઈ વાત ટકતી નથી." રાહીએ રાધિકાને યાદ કરતાં કહ્યું.
"સાંભળ ને! એ કવિતા અને શાયરીઓમાંથી કંઈક સંભળાવ ને." શિવાંશે કહ્યું. એ રાહીને ભીડથી થોડે દૂર લઈ ગયો અને બંને સીડીઓ પરનાં એક ખૂણે બેસી ગયાં. રાહીએ ફરી એકવાર શિવાંશનાં ખંભે માથું ઢાળી દીધું અને કવિતા સંભળાવવાની શરૂ કરી,

मेरे सपनों कि गलियों में
हर रोज उसका आना-जाना था
रात तो रात दिन में भी
उन्होंने हमें बहुत ही सताया था
बस एक ही ख्वाइश थी हमारी
देखा बार-बार जिन्हें सपनों में
उन्हें एक बार असल जिंदगी में
आंखों के सामने देखना था
उंगलियों से छूकर उनको
अपनी रुह तक महसूस करना था
आ गया वो भी दिन, एक दिन
जैसा देखा था सपनों कि दुनिया में
बिल्कुल वैसा ही एक चेहरा
यूंही हमें दिख गया, एक दिन
हर कहानी की तरह
पहले बहुत लड़ाई हुई
एक-दूसरे को समझने की कशमकश भी हुई
प्यार का इज़हार हुआ
जज्बातों टकराव हुआ
आखिर दिल से दिल की मुलाकात हुई
वो मेरा मैं उसकी हुई
लाख अड़चनों के बाद भी हमारा मिलन हुआ
क्यूंकि, हर कहानी कि तरह
आखिर में हमें मिलना ही था
जुदा होकर भी सालों बाद आखिर में
एक-दूसरे के पास ही तो आना था
जब मेरे सपनों की गलियों में
हर रोज उसका आना-जाना था
तो महादेव को‌ हमारा साथ देना ही था
हमें असल जिंदगी में भी मिलाना ही था

રાહીની કવિતા એક વાત બયાન કરી રહી હતી. એનાં મગજમાંથી શિવાંશની જે યાદો ભૂંસાઈ ગઈ હતી. એ ફરી આ જગ્યાએ આવતાં એને યાદ આવી ગઈ હતી. જે શિવાંશને પાછળથી સમજાયું. એણે રાહી સામે જોયું તો એણે હસીને કહ્યું, "શિવ..!"
એ સાથે જ શિવાંશે રાહીનું કપાળ ચૂમીને એને ગળે લગાવી લીધી. પછી તો બંને મોડાં સુધી એકબીજાનો હાથ પકડીને ત્યાં જ અસ્સી ઘાટની સીડી પર બેસી રહ્યાં અને જૂની યાદો વાગોળતાં રહ્યાં. જ્યાંથી એમની કહાનીની શરૂઆત થઈ હતી. ત્યાં જ બેસીને બંને પોતાની જૂની યાદો વાગોળતાં રહ્યાં.



સમાપ્ત