Sambandhona Vamad - 12 books and stories free download online pdf in Gujarati

સંબંધોના વમળ - 12

ગતાંકમાં આપણે જોયું કે સ્વીટીનો ફોન આવે છે અને એ વિકીને મિલી અને સાહિલ વિશે જણાવે છે અને પાર્ટીમાં પણ સાથે જવાનું નક્કી થાય છે.

હવે આગળ...................


ઢળતા સૂર્યને નિહાળતો પાર્ટીમાં જવા માટે રેડી થઈને હું હીંચકા પર બેઠો હતો. થોડી થોડીવારે મારી નજર ફોનમાં સમય જોવામાં લાગેલી હતી "ક્યારે સમય થાય અને હું સ્વીટીને મળું!" એની તાલાવેલી લાગેલી હતી. જેવો સાતનો ટકોરો થયો કેે હાથમાં ગાડીની ચાવી ઉછાળતો હું ઝડપથી ઉભો થઈને ગાડી તરફ ચાલવા લાગ્યો.

સ્વીટી મારી રાહ જોઈ રહી હશે એ વિચારમાં મેં ગાડીની સ્પીડ વધારી. વચ્ચે લાલ ગુલાબ લેવા માટે ગાડી સ્ટોપ કરી. સરસ મજાના મન મોહી લે એવા થોડા લીલાંછમ પાન સાથેની લાંબી દાંડી સાથેના લાલ ચટક ગુલાબના ફૂલ હતા. મને વિશ્વાસ હતો કે આ ગુલાબના ફૂલો સ્વીટીનું મન મોહવામાં અને હું એનું દિલ જીતવામાં જરૂર કામિયાબ રહીશ.

અનેક રોમાંચિત વિચારોમાં ખોવાયેલો હું સીધો જ સ્વીટીના ઘરે પહોંચ્યો. હમણાં જ સ્વીટીનો ચહેરો જોવા મળશે એ ઉત્સાહમાં હસતાં ચહેરે મેં ડોરબેલ વાગાડ્યો. જેવો દરવાજો ખુલ્યો મેં જોયું તો સ્વીટીના પપ્પા હતાં.

"અરે વિકી! આવ... આવ...!!!" એના પપ્પાએ આવકાર આપ્યો. હું ઘરમાં પ્રવેશ્યો પણ મારી આંખો સ્વીટીને શોધી રહી હતી એ દેખાતી નહોતી.

"સ્વીટી હમણાં આવે છે." મને પાણીનો ગ્લાસ આપતા એની મમ્મી બોલી. એના પપ્પા મારી સાથે વાત કરવામાં લાગ્યા. મારું મન સ્વીટીના વિચારોમાં રમી રહ્યું હતું અને એને જોવા, મળવા વ્યાકુળ હતું. એના પપ્પા બોલી રહ્યાં હતા અને હું સાંભળી રહ્યો હતો.

થોડીવારમાં જ રેડ કલરના શોર્ટ વેસ્ટર્ન ડ્રેસમાં સજ્જ, લહેરાતા વાળ અને ફોન પર વાત કરતી એ આવી ફોન પર વાત કરતાં - કરતાં વચ્ચે એણે એક તિક્ષ્ણ નજરથી મારી સામે જોઇ રહી હતી. મારી આંખો તો એના પર જ સ્થિર હતી. ફોન કટ કરીને "બાકીની વાતો પછી કરજે ચાલ હવે, બધા ફ્રેંડ ત્યાં પહોંચી ગયા આપણે જ હજી........"

"અરે! હું તો ક્યારનો આવીને બેઠો છું તું હમણાં આવી ! અને મને કહે છે!" મેં કહ્યું એટલે એ આગળ કંઈ બોલી નહીં પણ મારી સામે થોડી મસ્તી ભરી નજરથી જોઈ રહી.

અમે બંને ગાડીમાંં બેઠાં મેં ધીમા અવાજે મ્યુઝિક ચાલુ કર્યું. હું વચ્ચે - વચ્ચે એને જોઈ રહ્યો હતો એનું ધ્યાન ફોનમાં હતું.

"આજે મિલીના ઘરે એ અને એની બહેન જ છે માટે એણે ઘરે પાર્ટી અરેન્જ કરી." એ ફોનમાથી જરા ક્ષણ માટે મારી સામે જોઈને બોલી ને પાછી ફોનમાં વ્યસ્ત થઈ ગઈ. અમે મિલીના ઘરે પહોંચ્યા. બધા ફ્રેંડ હસી - મજાક કરી રહ્યાં હતાં ધીમું રોમેન્ટિક મ્યુઝિક ચાલુ હતું અને સાહિલ મિલીએ હાથ પકડેલો હતો.

"ઓ.... સાથે આવવાનું હતું ! એમ ને? માટે જ હું વિચારું કે સ્વીટી કેમ ન આવી હજી!!!" વારાફરતી અમારી બંને સામે જોતી મજાકમાં હસતાં મિલી બોલી.

મને આ સાંભળીને હસવું આવ્યું અને સ્વીટી તો ગુસ્સો કરતી લડવા લાગી એને અમે બધા સાથે મળીને મસ્તી, ડાન્સ એન્જોય કર્યું. આમાં સમય ક્યાં પસાર થઈ ગયો સમજાયુ નહીં. સાહિલ અને મિલી બંને એકબીજાના હાથ પકડી વાત કરવામાં લાગ્યા હતાં અને બીજા મિત્રો અને સ્વીટી મસ્તી કરી રહ્યા હતા. ત્યાં જ મારા ફોનની રિંગ વાગી એટલે હું થોડો દૂર ગયો. મને થયું 'આ જ યોગ્ય સમય છે એને દિલની વાત કરવાનો' એટલે હું ગાડીમાં મૂકી રાખેલા રોઝ લઇને આવ્યો.

સીધા હું સ્વીટીની બાજુમાં પડેલી ચેરમાં બેઠો એ એના ફ્રેંડ સાથે વાતો કરવામાં લાગેલી હતી એનું જરા પણ ધ્યાન મારા તરફ નહોતું. હું મુંઝવણમાં પડ્યો કેમ કરી કહું? શું કહું? સમજાતું નહોતું. ઘણા બધા પ્રશ્નો સાથે મારી નજર સ્થિર થઈ. સાહિલ અને મિલીનું ધ્યાન મારા તરફ ગયું. બંને મારી પાસે આવ્યા.

મને આમ શાંત અને અવઢવમાં જોઈ એમના ચહેરા પર આશ્ચર્ય સાથે રહસ્ય ધોળાયું હતું. સ્વીટી બીજા મિત્રો સાથે હસી - મજાક અને વાતોમાં લાગેલી હતી.

"શું થયું છે? કેમ અચાનક તારા ચહેરાના ભાવ બદલાઈ ગયા? તું આવ્યો ત્યારે તારા ચહેરા પર ખુશી છલકતી હતી અને અત્યારે તું બહાર જઈને આવ્યો કે તારા ચહેરા પર કોઈ વાતની ચિંતા અને ભાર વર્તાય છે." મિલીએ આશ્ચર્ય સાથે મને પૂછ્યું.

"હું સ્વીટીને પસંદ કરું છું એને હું મારા દિલની વાત આ ગુલાબ આપી એની સામે વ્યક્ત કરવા માંગુ છું, પણ સમજાતું નથી કે કેમ કરીને કહું!!!" હાથમાં પકડેલાં ગુલાબના ફૂલ બતાવતા સાહિલ અને મિલીને મેં બધું જણાવ્યું.

"અરે તું આટલી સરસ વાતનો કાંઈ ભાર થોડો રખાય!!! રાહ જોયા વગર અત્યારે જ કહી દે!" મિલી હસતાં ચહેરે બોલી અને હું કંઈ કહું એ પેહલાં તો એ ઉત્સાહમાં સ્વીટી પાસે ઝડપથી ચાલી ગઈ.

"હા આજે બધા ફ્રેંડ પણ છે, ને તું લાલ ગુલાબ પણ લઈને આવ્યો છે, રોમેંટિક મ્યુઝિક પણ છે તો રાહ ન જોવાય !!! સમજ્યો?" મારા ખભા પર હાથ રાખીને સાહિલ બોલ્યો.

મિલી તો સ્વીટીને હાથ પકડીને મારા તરફ લઈને આવી રહી હતી. એ જોઈને મારા હૃદયના ધબકારા વધી ગયા, મારી મૂંઝવણ વધી ગઈ, મગજમાં વિચારોની આવન - જાવન થંભી ગઈ જાણે મગજ ખાલી થઈ ગયું હોય એમ લાગી રહ્યું હતું.

"શું કેહવાનું છે તારે?" સ્વીટી થોડાં તીખાં અવાજે બોલીને મારી સામે જોઈ રહી.

"સ્વીટીને મળ્યાં પછી આ પેહલીવાર એવું થયું હતું કે, મને સમજાતું નહોતું કે હું એની સામે શું બોલું ." હું મૌન ધરીને એને જોતો હતો.

"અરે આ રોઝ આપવા છે ને??? કાયમની જેમ??? તો ક્યારના કેમ ન આપ્યા?" હું બોલું એ પેહલાં જ એણે મારા હાથમાંથી ગુલાબ લેવાની પ્રયત્ન કર્યો મેં કસીને ગુલાબની દાંડી પકડી રાખી.

આજે ભારે થઈ ગયું, કાયમ હું આપું અને આજે એ જાણે એનો અને માત્ર એનો હક હોય એમ છીનવીને લેવાનો પ્રયત્ન કર્યો. મિલી અને સાહિલ મારી સામે જોઇને જોર - જોરથી હસવા લાગ્યાં.

"અરે તું કેમ આપતો નથી મને? આ ગુલાબના ફૂલ? તું તો ફક્ત મારા માટે લાવે છે ને કાયમ???" ગુસ્સામાં એ બોલી.

"અરે...! અરે....! એની વાત સાંભળ ... એ.... એ..... તને કાઈ કેહવા માંગે છે." હસવું રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરતા મિલી બોલી.

"મને.....? શું કેહવા માંગે છે? આપણે સાથે તો આવ્યા ત્યારે બોલવું જોઈએ ને!!! તો ત્યારે કેમ ચૂપ હતો ???" સ્વીટી આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ સાથે મારી સામે જોઈ રહી.

એને થોડાં ગુસ્સાના મૂડમાં જોઈને મને થોડો ડર લાગવા માંડ્યો. ઘરેથી નીકળ્યો ત્યારે મેં જેટલું પણ વિચાર્યું હતું એ બધું જ અત્યારે બાષ્પીભવન થઈ ગયું હતું.

" અરે બોલ !!! શું કેહવું હતું? આપણે જ્યારથી મળ્યાં છે ને તે આવું ક્યારેય નથી કર્યું કેમ આમ અજુગતું વર્તન કરે છે? તારે શું કેહવું છે ? જલદી બોલ.


🌸આગળની સ્ટોરી આવતા ભાગમાં........... 🙏 🙂