Sambandhona Vamad - 14 books and stories free download online pdf in Gujarati

સંબંધોના વમળ - 14

ગતાંકમાં આપણે જોયું કે, વિકી પોતાના દિલની વાત, સ્વીટી માટેનો પોતાનો ભાવ અને પ્રેમ એના મિત્રોની હાજરીમાં એની સમક્ષ રજૂ કરે છે, વિકીની વાતો અને પ્રેમના પ્રસ્તાવને સાંભળીને સ્વીટીને જાણે અચાનક કોઈ અજાણી, ઊંડી ઠેસ પહોંચી હોય એમ આંખોમાં આંસુ સાથે દોટ મૂકી ને ત્યાંથી બહાર દોડી જાય છે.


હવે આગળ ...................


હું સ્પષ્ટ જોઈ શકતો હતો કે, મારી વાતોથી, મારા પ્રેમના પ્રસ્તાવથી એ ખુશ નહોતી. જે રીતે આંખોમાં આંસુ સાથે ડ્રોઈંગરૂમની બહાર દોડી ગઈ એ જોઈને હું વિચલિત થઈ ગયો. થોડી ક્ષણો માટે તો હું સ્તબ્ધ થઈ ગયો.


મિલી ઝડપથી એની પાછળ ગઈ. સાહિલે મારા ખભે હાથ મૂકી મને ઢંઢોળતા હું થોડો સ્વસ્થ થયો અને મને પરિસ્થિતિનું ભાન થયું એણે મને બહાર સ્વીટી પાસે જવા કહ્યું.


એક ગભરામણ સાથે હું ઝડપથી બહાર ગયો. મારી નજર એના પર પડતા હું ત્યાં જ થંભી ગયો એની સામે જવાની હિંમત મારામાં નહોતી. એ થોડે દુર સ્થિર નજરે ખુલ્લાં આકાશમાં તારાઓને જોતી, જાણે કોઈ ફરિયાદ કરતી ઊભી હતી અને મિલી એને કંઈ પૂછી રહી હોય એમ લાગતું હતું એ સતત અટકયાં વગર ગુસ્સામાં બોલે જતી હતી, તો પણ સ્વીટી એના તરફ જરા મટકું પણ મારતી નહોતી. જાણે મિલીના પ્રશ્નો અને એની વાતોનો સ્વીટીને કોઈ ફરક પડતો નહોતો. એ મૌન ધારણ કરીને આકાશ તરફ સ્થિર નજરે, સ્તબ્ધ અવસ્થામાં ઊભી હતી.

હું પણ એને એ હાલતમાં જોઈ વિચારશુન્ય થઈ ગયો હતો. "અરે અહીં ઊભો જુવે છે શું ?? ચાલ ત્યાં એને પૂછ તો ખરા કે, શું થયું છે !!! એમ."

હું અને સાહિલ બંને એની પાસે ગયા. સાહિલે મિલી તરફ જોઈ એને ઈશારો કરી ત્યાંથી જવા માટે કહ્યું, પણ મિલી એ વાત સાથે સહમત નહોતી પણ સાહિલના વારંવાર કહેવાથી એ માની ને ત્યાંથી દુર ગઈ પણ એ ઘરમાં તો ન જ ગઈ. ત્યાં જ ઘરના મુખ્ય દરવાજા પાસે બહાર ઊભી રહી જ્યાંથી એ અમારી વાત તો ન સાંભળી શકે પણ અમને બંનેને જોઈ શકે. મિલી અને સાહિલ બંનેના ચહેરા પર એક ઉદાસી છવાઈ ગઈ હતી.

એ સ્થિર નજરે આકાશ તરફ જોઈ રહી હતી. હું એની બાજુમાં ઊભો હતો છતાં એણે એકક્ષણ માટે પણ મારા તરફ જોયું નહીં.

"સ્વીટી !!! એ... ય.. સ્વીટી....!!" એના નિસ્તેજ થઈ ગયેલા ચહેરા સામે જોઈને હું બોલ્યો.

મારા શબ્દો એના મૌન, અને એની વેદનાના આવરણને દૂર ન કરી શક્યા. "સ્વીટી... કંઈક તો બોલ ! તું કેમ આવું કરી રહી છે? તું જાણે છે ને હું તને દુઃખી કે તકલીફમાં નથી જોઈ શકતો."

મારા પ્રયત્ન કરવા છતાં એ મૌન ધારણ કરીને એ જ અવસ્થામાં આકાશ સામે મીટ માંડી રહી. મારા પ્રયત્ન નિષ્ફળ જતા દેખાવા લાગ્યા. મારા શબ્દોની એના પર કોઈ અસર થતી નહોતી. એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતાં. એના આંસુ જોઈને હું જાણે સાવ તૂટી ગયો.

સાવ નિઃસહાય અવસ્થામાં જાણે જર્જરિત દેહ સાથે ક્યાંક વેરાન રણમાં પાણી માટે વલખાં મારતા - મારતા પડી જાય અને પાછી હિંમત એકઠી કરીને ઊભાં થઈને પ્રયત્ન કરે એવી હાલત મારી હતી.

"સ્વીટી ! મારી વાતથી તને આટલું દુઃખ પહોંચશે એની મને જાણ હોત તો હું તને ક્યારેય દુઃખ ન પહોંચાડત. આપણે અત્યાર સુધી જે રીતે સાથે સમય પસાર કર્યો છે એ પરથી મને એમ કે તું પણ મને પસંદ કરવા લાગી છે, મને લાગ્યું કે, તારા હૃદયમાં પણ મારા માટે પ્રણયના અંકુર ફૂટ્યાં છે એટલેે મારા હૃદયની વાત કહેવા, તારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકવા માટે મને આ યોગ્ય તક લાગી. તને જોતાં હું એટલું સમજી શકું છું કે, તને આ નથી ગમ્યું. કોઈ ઊંડા કે હજી ન રૂઝાયેલા ઘા પર મેં ઉઝરડા પાડ્યા છે. તને દુઃખી જોઈને મને શાંતિ કેમ હોય? છતાં હું તને એટલું કહીશ કે, મને માફ કરી દે. મને જાણ હોત તો હું ક્યારેય તને ઠેસ ન પહોંચાડત."

મારા આટલાં શબ્દો પણ એની વેદનાની વ્યથાને વાચા આપવા અશક્ત હોય એમ એ હજી મૌન હતી. એની આંખોમાંથી વહેલાં આંસુઓ સુકાઈ ગયા હતા.

હું ચૂપચાપ એને જોતો રહ્યો હવે હું એને શું કહું?? કે જેથી એની ચૂપ્પી તૂટે એ મને સમજાતું નહોતું.

મિલી કંઈ કરી શકે એ આશાથી મેં મિલી અને સાહિલ તરફ જોયું તો મિલી સાહિલ સાથે કોઈ બાબતે રકઝક કરતી જણાતી હતી. ત્યાં જ મિલીની નજર અમારા તરફ પડી જાણે સમજી ગઈ હતી કે હવે એની જ આશા જ છે. એ એક ક્ષણની રાહ જોયા વગર અમારા પાસે આવી પાછળ સાહિલ પણ આવ્યો.

"સ્વીટી !!! તું એકવાર વિકી સાથે વાત તો કર. આમ ચૂપ રહીશ તો કેમ ચાલશે ?? કંઈક તો બોલ !!!" મિલી ગુસ્સામાં ઊંચા અવાજે એની સામે જોઇને બોલી.

"તું મને સજા આપ ! હું સ્વીકારી લઈશ પણ તારી આટલી બધી ચૂપ્પી હું સહી ન શકું." આંખમાં આંસુ સાથે મેં કહ્યું અને એકવાર એ કદાચ મારી સામે જુવે એ આશાથી મેં એના ખભા પર હાથ રાખ્યો, પણ, મારી આશા ઠગારી નીવડી એણે ખૂબ ગુસ્સાથી મારો હાથ એક ઝટકે હટાવી દીધો. ભારોભાર ગુસ્સા સાથે એ મારા તરફ જોઈ રહી. એની આંખો ગુસ્સાથી લાલ હતી, એની આંખોમાંથી સતત અશ્રુધારા થતી જોઈને પણ હું કંઈ કરી શક્યો નહીં ફક્ત એને જોઈ રહ્યો.

"સ્વીટી તું ......!" મિલી આગળ કંઈ બોલે એ પહેલાં જ સાહિલે એને અટકાવી અને ચૂપ રહેવા ઈશારો કર્યો.

"મારે હમણાં જ ઘરે જવું છે. તું મને મૂકી જા....." સ્વીટીની આ વાતથી હું અચરજમાં પડી ગયો. જે સ્વીટી શોપિંગ માટે, કૉફી માટે, લોન્ગ ડ્રાઇવ માટે મને જીદ કરીને ખાસ બોલાવતી એ આજે મારી સાથે ઘરે જવા રાજી નહોતી.

સમયની કઠણાઈ કહો કે નાજુકતા એ સમજતા સાહિલ અને મિલી બંને કંઈપણ બોલ્યાં કે પૂછ્યા વગર તરત એને ઘરે મુકવા જવા તૈયાર થઈ ગયાં. એ ઝડપથી ડગલાં ભરતી સાહિલની કાર તરફ જવા લાગી હું એને જોતો રહ્યો. મારું હૈયું આક્રંદ કરી રહ્યું હતું પણ હું એક હરફ પણ ન ઉચ્ચારી શક્યો. એ મારી મજબૂરી કહું કે મારો સ્વીટી પ્રત્યેનો પ્રેમ ??? એ હું સમજી શકતો નહોતો પણ હું એ સમયે ના કંઈ બોલી શક્યો કે ના એને જતાં રોકી શક્યો.

મને ક્યાં ખબર હતી કે કદાચ આ અમારી આખરી મુલાકાત પણ હોઈ શકે !


આગળની સ્ટોરી આવતા ભાગમાં.....
✍..... ઉર્વશી. "ઝરણ"