Sambandhona Vamad - 17 books and stories free download online pdf in Gujarati

સંબંધોના વમળ - 17

ગતાંકમાં આપણે જોયું કે રૂપાલી જેવી ઘરે પહોંચે છે તો જુવે છે કે, એના ઘરે એના લગ્ન માટેની વાત ચાલી રહી હોય છે. જ્યારે એ પોતાના રૂમમાં જાય છે ત્યારે દિવ્યેશનો ફોન આવે છે. બંને મળવાનું નક્કી કરે છે. બીજી તરફ વિકી સ્વીટીના ઘરે પહોંચે છે.


હવે આગળ.............


સ્વીટી કોફી લઈને આવે છે. લિવિંગ રૂમની વિન્ડો પાસે સામસામે ચેરમાં બેસીને કોફીના ઘૂંટ ભરી રહ્યાં છે. બહાર ગુલમહોરનું ઝાડ ફૂલોથી ખીલી ઉઠ્યું છે. એ જોતાં "સ્વીટી આ ઝાડ કેટલું સુંદર લાગે છે !! ફૂલો તો જો કેટલો સરસ રંગ છે એનો!!" વિકી બોલ્યો.

હા વિકી ! સાચું કહ્યું તેં પણ એકવાર વિચાર કર. આ ઝાડની સુંદરતામાં વધારો કરે છે આ સુંદર ફૂલો. એ જ ન હોય તો આ આટલું સુંદર દેખાય ?" અનિમેષ આંખોએ ગુલમહોરને જોતાં એ બોલી.

"એટલું સુંદર ન જ લાગે સ્વીટી ! ન જ લાગે !" એની તરફ જોતાં ને કોફીનો ઘૂંટ ભરતાં એ બોલ્યો.

કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ હોય એમ એ પાંપણ ઢાળ્યા વગર જોઈ રહી. વિકી એની તરફ જોઈ રહ્યો. "એય.... શુ વિચારે છે!"

" હમ........ એ..... કાંઈનહીં.....!" જાણે એ કાંઈ છુપાવી રહી હોય એમ અચકાતા જવાબ આપે છે.

"તારા મનમાં જે પણ હોય એ કહી દે! અને મારે પણ તને કંઈ પૂછવું છે!!" જાણે કઈરીતે પૂછું એ વિચારે કોફીનો મગ હાથમાં ફેરવતા, નીચું જોતાં એ બોલ્યો.

"વિકી ! હું સમજુ છું તું શું જાણવા માંગે છે એ અને આજે. હું બધુ જ કહીશ તને એટલે જ મેં આજે હમણાં આ અહીં આવવા કહ્યું હતું. " વિકી તરફ જોતાં એ આગળ બોલી.

"મારો ભૂતકાળ એટલો સારો નથી અને એ સમયે જે મેં અનુભવ્યું એ માનસિક રીતે એટલું દુઃખ દાયક હતું કે હું આગળ કંઈ વિચારવા જ નહોતી માંગતી પણ કેહવાય છે ને કે, સમય બધા ઘા પુરી દે છે. વિકી! સમયે ઘા તો પુર્યા પણ એના ઉઝરડા હજી નથી ગયા . ને ફરી જ્યારે કાળની કે નવા અનુભવની ઠપાટ એને જ્યારે ખોતરે છે ત્યારે હજી એટલું જ દર્દ ને તકલીફ અનુભવાય છે."

વિકી એની સામે આશ્ચર્ય સાથે જોઈ રહ્યો. એ શું હશે એ જાણવાની એને આતુરતા હતી.

મારો સ્કૂલ ટાઈમથી એક ફ્રેંડ હતો એણે મને એની સાથે ઓળખાણ કરાવેલી. એ પછી લાંબા સમય સુધી અમે મળ્યા નહીં કે ન કોઈ વાતચીત થઈ હતી. એકદિવસ હું સવારમાં મંદિરે દર્શન કરવા ગઈ હતી ત્યાં અચાનક એનો ભેટો થઈ ગયો. મારું ધ્યાન તો નહોતું પણ એણે મને સામેથી જ બોલાવી અને પછી અમે બંનેએ ત્યાં જ બેસીને થોડીવાર વાત કરી. હસી - મજાક કરી. એકબીજા વિશે થોડું વધુ જાણ્યું. બસ એ પંદર મિનિટની વાતચીતમાં મને એટલું સમજાયું હતું કે અમે બંને એકબીજાને મળીને અને વાતચીત કરીને ખુબ ખુશ હતા.

એ દિવસે અમે એકબીજાના નંબર સેર કર્યા હતાં. ઘણાં દિવસો બાદ એક દિવસ એનો મેસેજ આવ્યો કે, "કેમ છો? ક્યાં છો?"

મેં એને જણાવ્યું હું મારા ઘરેથી ક્લાસ માટે નીકળું છું . તરત એણે કહ્યું "તમારા કલાસની આગળ દસ મિનિટના અંતરે જે કોફીશોપ છે ત્યાં મળીએ?" એણે જરા પણ અચકાયા વગર કહી દીધું.

"હું અત્યારે ન આવી શકું. મારે કલાસમાં લેટ થઈ જાય. હું સાંજે આવી શકું." આ સાંભળ્યા પછી એણે 'ફરી ક્યારેક' એમ કહીને વાર પૂરી કરી. હું મારા ક્લાસ માટે નીકળી. બીજે જ દિવસે એ મારા ફ્રેંડ જેને કારણે અમારી ઓળખાણ થેયેલી એણે મને ફોન કરીને ફ્રેંડસમાં કોફી માટે ઇનવાઈટ કરી.

એમાં મારા બીજા ફ્રેંડ પણ હતાં એટલે હું પણ ગઈ. સાંજનો સમય હતો. હું મારી ફ્રેંડ કૃતિની સાથે એની સ્કૂટી પર ગયેલી. અમારા બંનેના ઘર પાસે - પાસે જ એટલે સાથે અમારે ક્યાંક જવું હોય તો ઘરેથી પણ આસાનીથી મંજુરી મળી જતી. અમે બધા ફ્રેંડસ મળ્યા ત્યાં એ પણ આવ્યો હતો.
એ બધા મિત્રોની વચ્ચે પણ મને એની આંખના ખૂણેથી થોડી - થોડીવારે જોઈ લેતો હતો. એ જોઈને હું ક્ષોભમાં પડી ગઇ.

જેવા અમે બધા મિત્રો છુટા પડ્યા કે હું ને કૃતિ ઘરે જવા નિકડયા ત્યારે એ મારી પાસે આવીને ધીમેથી "યાદ છે ને આપણી........ કોફી..... બાકી છે." એમ બોલ્યો.

એ સમયે હું એને શું જવાબ આપું સમજાતુ નહોતું.
"હા....... હા....!!" એટલું કહીને મેં આગળ ચલવા માંડ્યું.
ઘરે જતાં આખા રસ્તામાં કૃતિ મને એના વિશે પૂછતી રહી.
ત્યારબાદ તો હું પણ એના જ વિચારોમાં રહી. એ રાત્રે પણ એના જ વિચારો આવતા રહયાં, આંખો સામે એનો જ ચહેરો તરવરતો રહ્યો. એ વિચારોમાં ક્યારે સુઈ ગઈ ખબર જ પડી. સવારે ઊઠીને જોયું તો એનો મેસેજ હતો 'ગુડ મોર્નિંગ' નો એનો રીપ્લાય આપી હું રૂટીનમાં લાગી ગઈ. મારું મન એના વિચારોથી દૂર રહે એ માટે મેં પૂરતા પ્રયત્ન કર્યા પણ હું નિષ્ફળ રહી.

આ રીતે બે કે ત્રણ દિવસ પસાર થયા ને એક સવારે એનો મેસેજ આવ્યો કે; "આપણી કોફી બાકી છે! આજે સાંજે મળીએ. હું રાહ જોઇશ. કોઈ બહાનું નહીં ચાલે."

આ મેસેજ જોયા બાદ હું પણ મનોમન ખુશ હતી. મેં 'હા' કહ્યું. એ દિવસે અમે મળ્યાં, ખૂબ વાતચીત થઈ. એ એક કલાકના સમયમાં એણે જે રીતે વાત કરી ત્યાં જ મારું દિલ જીતી લીધું હતું. એ મને ગમવા લાગ્યો હતો. ત્યારબાદ તો મુલાકાતો થતી રહી. એ ક્યારે મારું ધ્યાન રાખવા લાગ્યો સમજાયું જ નહીં. મને હજી યાદ છે કે .........

"ક્યાં ખોવાઇ ગઈ? બોલ આગળ શું થયું હતું?" વિકી આતુરતાથી એની સામે જોઈ રહ્યો.

"હા..... એ દિવસે હું સવારે હું કલાસ માટે ઘરેથી નીકળી પેહલાં હું મંદિરે ગઈ. ત્યાં થી દર્શન કરીને જેવી નીકળી કે મારી નજર એના પર પડી. એ દૂર ઊભો જાણે કોઈને કોલ કરી રહ્યો હતો. હું ધીમેથી દબાતા પગલે એની પાસે જઈ એના ખભા પર રાખી 'જય' એમ કહ્યું. એણે પાછળ ફરી મારી સામે જોયું . એના ચહેરા પર એક અણગમો હતો. છતાં એણે પરાણે હસવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એણે એની ઓફિસ અને ઘર વિશે થોડી વાત કરી. ત્યારબાદ અમે ઘણાં આગળ વધી ગયા. એના પછી અચાનક જ એના વ્યવહારમાં ફરક આવી ગયો. જાણે હું એની ગુનેગાર હોવ કે પછી એ મારાથી દૂર જવા માંગતો હોય એમ લાગી રહ્યું હતું પણ હવે અમે એટલા નજીક આવી ગયા હતાં કે હું એનાથી દૂર જવાનું વિચારી પણ નહોતી શકતી. હું એને કાંઈ કેહતી તો પણ એ મારા ગુસ્સાથી વરસી પડતો. જેને મારી બધી વાતો, વિચારો, આદતો ગમતી હતી એ આજે અચાનક નફરત હોય એવું વર્તન કરવા લાગ્યો. મને સમજાઈ ગયું હતું કે, એને મારાથી ક્યારેય પ્રેમ હતો જ નહીં. એણે મને સ્પર્શ કર્યો ને જેવા અમે નજીક આવ્યા કે એના થોડા સમય બાદ એણે મારાથી દુરી બનાવાનું શરૂ કર્યું હતું. એ વાતથી મને ખુબ દુઃખ અને આઘાત પહોંચ્યું કે એને હવે મારી જરૂર નહોતી. હવે કાયમના નાની - નાની વાતોના એના ઝઘડાથી હું હેરાન થઈ ગઈ હતી. મેં એને બધી રીતે મનાવવા સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ ન બદલાયો. એ સંબંધમાં વધીને મેં દુઃખ, તકલીફ, તણાવને મારા નામે કર્યા હતાં. હવે આમાંથી નીકળવું મુશ્કેલ હતું. એ સમયે કૃતિએ મને ઘણી સમજાવી અને મેં એનાથી દુર જવાનું નક્કી કર્યું. એ તો બોલ્યાં વગર જ બહુ પેહલાં જ દૂર ચાલ્યો ગયો હતો.

એને હવે મારામાં કાંઈ ગમતું જ નહોતું. કોઈ એવી વાત નહોતી કે જેનાથી એ ખુશ હોય. એ હું જાણતી હતી પણ હું એના વગર નહોતી રહી શકતી. આજે મને મારા પર ગુસ્સો અને ઘીન્ન આવતી હતી કે હું કેમ એની વાતોમાં આવી ગઈ અને મેં મારું બધું જ એની.......! પણ એ નક્કી હતું કે હવે એના પછી હું કોઈ સાથે આગળ વધી શકું એ શક્ય નહોતું . હું ફરી એ બધું નહોતી ઇચ્છતી.

કૃતિની હાજરીમાં મેં એને ફોન કર્યો. "જય!! હવે હું ક્યારેય વાત નહીં કરું અને ક્યારેય આપણે નહીં મળીએ,
તેં જેમ કહ્યું એમ હું તારા સાથે રહી છતાં તેં મારી સાથે આટલું આગળ વધીને મને એકલી મૂકી દીધી....! હું સમજી શકું છું કે, તને મારા સાથે પ્રેમ નહોતો." આટલું કહેતાં મારા રુંવાડા ઊભા થઈ ગયા. હું સામેથી ક્યારેય આવું કહીશ એવું મેં વિચાર્યું પણ નહોતું પણ મારે એ કરવું જ પડ્યું. એના માટે એણે મને મજબુર કરી હતી.

આશ્ચર્ય એ વાતનું હતું કે, મારા આ શબ્દોની સામે
"ઓકે" એટલુ કહીને એણે ફોન કટ કરી દીધો.

ત્યારે મારા શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. હું ગુસ્સામાં બળી રહી હતી. મેં ગુસ્સામાં ફરી ફોન કર્યો તો એણે મારો ફોન નંબર બ્લોક કર્યો હતો. હું સમસમી ગઈ કે આવું પણ થઈ શકે ? આવું પણ કરી શકે ? આટલાં સંબંધનું તૂટવાનું એને કોઈ દર્દ નહોતું.


આગળની સ્ટોરીઆવતા ભાગમાં..........🙏