Aage bhi jaane na tu - 47 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 47

પ્રકરણ - ૪૭/સુડતાલીસ

ગતાંકમાં વાંચ્યું....

આઝમગઢ પહોંચવા માટેની અવિરત સફરના અણધાર્યા હમસફર બની ભેગા થયેલા જોરુભા, નટુભા, અનંતરાય અને અનન્યા ચારેય ઊંટ પર સવાર થઈ મંઝિલે પહોંચે છે અને ત્યાં એમનો સામનો થાય છે રતન, રાજીવ, મનીષ અને માયા સાથે....

હવે આગળ....

નટુભા અને અનંતરાય આળસ મરડતા પોતાના અકળાયેલા શરીરને સ્વસ્થ કરી રહ્યા હતા. અવિરત યાત્રા અને અપૂરતી ઊંઘનો થાક આંખોમાં ડોકાઈ રહ્યો હતો. અનન્યા હળવેથી નીચે ઉતરી, આળસ મરડી, આંખો ચોળતી અને દુપટ્ટો સરખો કરતી ઉભી રહી ત્યાં જ... ધ.....ડા.....મ.....કરતો મંદિરનો દરવાજો ખુલ્યો અને એક માનવાકૃતિ આંધીરૂપે બહાર આવી એની પાછળ-પાછળ ગભરાટ અને ગૂંગળામણથી બેચેન મનીષ અને માયા પગથિયાં ઉતરતા નજરે ચડ્યા અને આ મંદિરના દરવાજાનો અવાજ સાંભળી રાજીવ અને રતન પણ મંદિરના પાછળના ભાગેથી દોડતા-હાંફતા પટાંગણમાં આવી પહોંચ્યા. ક્ષણભરમાં આઠેય જણની સોળ આંખો સામસામે ટકરાઈ....

"રા....જીવ...." બધું જ ભૂલીને અનન્યા દોડીને રાજીવને ગળે વળગી પડી.

એકસામટા બધાના ચહેરા જોઈ રતન અને રાજીવ પણ બધાની જેમ બાઘા બની એકબીજાને જોવા લાગ્યા પણ સૌથી મોટો આંચકો તો મનીષ અને માયાને જોઈ લાગ્યો.

"અનન્યા, તું અને પપ્પા અહીં કેવી રીતે પહોંચ્યા અને એ પણ આ લોકોની સાથે?" અનન્યાને અળગી કરતા અને જોરુભા તરફ ઈશારો કરતાં રાજીવે પ્રશ્ન પૂછ્યો.

રતન પણ દોડીને જોરુભા અને નટુભા પાસે ગયો, રાજીવ પણ અનન્યાને લઈ અનંતરાય પાસે ગયો પણ મનીષ અને માયા હજી પગથિયા ઉતરીને ત્યાં જ ઉભા હતા.

"સ...ટા....ક...." એકદમ સન્નાટો છવાઈ ગયો. બધાએ પાછળ વળી જોયું તો નટુભાએ માયાના ગાલે એક તમાચો જડી દીધો હતો અને માયા હજી નટુ મનીષ પણ થરથરી ઉઠ્યો.

"હવે આનો વારો.... મારી દીકરીને ભગાડીને લઈ જનાર આ નમાલા પુરુષનો..." નટુભાએ મનીષને મારવા હાથ ઉગામ્યો પણ રતન દોડતો ગયો અને નટુભાનો ઉગામેલો હાથ પકડી લીધો. માયા ડૂસકાં ભરતી રતનને વળગી પડી.

"પ...હે....લા... અમારી વાત તો સાંભળો. પછી તમે જે સજા આપશો એ હું હસતા હસતા ભોગવી લઈશ." મનીષનો અવાજ હજી ધ્રુજી રહ્યો હતો પણ નટુભા એની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા. મનીષે જોયું તો બધાની આંખોમાં એકસામટા ઉઠી આવેલા હજારો પ્રશ્નો જાણે એનો ભરડો લેવા આગળ વધી રહ્યા હતા, એ ત્યાં રેતીમાં જ ફસડાઈને બેસી ગયો એટલે બાકીના સાતેય જણ એને ઘેરીને ઉભા રહ્યા.

"બાપુ, આમાં મનીષનો કોઈ વાંક નથી. અમારી વાત તો સાંભળો તમે બધાય." માયા હાથ જોડી નટુભા અને જોરુભા બેયને વિનવી રહી હતી પણ જોરુભા મોઢું ફેરવી બે ડગલાં પાછળ હટી ગયા.

"બાપુ, એકવાર સાંભળી તો લ્યો, આ બંને કહેવા શું માંગે છે." રતને પણ માયાનો પક્ષ લીધો.

"બોલ છોડી, હું કે'વા માંગે સે અને તમે બેય આંય કઈ રીતે પોગ્યા?" નટુભાએ કેડે ખોસેલી રિવોલ્વર બહાર કાઢી અને માયા સામે ધરી, " અને... જો કંઈ પણ આડુંઅવળું વેતર્યું સે ને તો આ તારી સગલી નહિ થાય ને ભૂલી જજે કે હામે તારો બાપ ઉભો સે."

"નટુભા, ધીરા પડો, આમ ગુસ્સો કરવાથી કઈ નહિ વળે. મગજ શાંત રાખો, જોરુભા તમે પણ. શાંતિથી પહેલા બંનેની વાત સાંભળીએ. આમેય આખી રાતનો ઉજાગરો છે અને શરીર પણ અકડાઈ ગયું છે તો આપણે બધાય અહીં જ ઘડીક બેસીએ, આ બંનેની વાત પણ સાંભળીએ અને થાક પણ ઉતારીએ." અનંતરાયે બેયના ખભે હાથ મૂકી નીચે બેસવાનો ઈશારો કર્યો અને પોતેય બેસી ગયા. એમનું અનુકરણ કરતા બધાય નીચે બેસી ગયા.

વહેલી સવાર હતી એટલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આવા અફાટ, અસીમ અને નિર્જન રણમાં મંદિર, લહેરાતી ધજા અને આ આઠેય માનવીઓ સિવાય પોતાની જીવંતતાનો નિર્દેશ આપી રહ્યા હતા.


"બાપુ, સૌથી પહેલા તો તમારા બધાની જાણ બહાર હું અને માયા.... એટલે કે... માયા અને હું....આમ... એટલે કે..." મનીષ હજી ગેંગેફેફે કરી રહ્યો હતો.

"જે વાત હોય એ શાંતિથી અને સાચેસાચી કહી દો મનીષકુમાર." રાજીવે મનીષની હિંમત બંધાવતા કહ્યું.

"રાજીવ, અમારે આમ નાસવું પડ્યું, બીજો કોઈ પર્યાય નહોતો. જો અમે આમ ન કરત તો.... તો...."

"ફોડ પાડીને સરખી વાત કર છોકરા..." નટુભાના સ્વરમાં હજી આક્રોશ છલકાઈ રહ્યો હતો.

"બાપુ... વાત એમ છે કે આ બધું અમે જમનામાસીના કહેવાથી કર્યું છે."

"શું......??" હવે ચોંકવાનો વારો અનંતરાય અને રાજીવનો હતો.

"હા પપ્પાજી, હું અને માયા એક જ કોલેજમાં હોવાથી એકબીજાથી પરિચિત હતા અને એ સમયગાળામાં અમે એકબીજાને પસંદ પણ કરતાં હતાં અને આ જ વાત જમનામાસીને ખબર પડતાં એમણે અમારો સાથ આપવાનું નક્કી કર્યું બદલામાં અમારે એમનો સાથ આપવો એ શરતે.",

"હા...બાપુ, મનીષ સાવ સાચું કહે છે. એકવાર ફોનપર મારી ને મનીષ વચ્ચે થતી વાત એ સાંભળી ગયા હતા અને મનીષ સાથે રાજપરા આવી અમને એક કરવાનું વચન આપી ગયા હતા અને તમે તો જાણો છો કે વર્ષોથી હું અને મનીષ એકબીજાને ચાહિયે છીએ. સંજોગોવશાત અમારા લગ્ન ત્યારે ન થઈ શક્યા એટલે અમે જમનામાસીની વાત માની વર્ષોથી દિલમાં ધરબાયેલા પ્રેમને ફરીથી પામવાની ઇચ્છા રોકી ન શક્યા."

"અને કોઈપણ વ્યક્તિ પોતાનો પ્રથમ પ્રેમ ક્યારેય ન ભૂલી શકે, જ્યારે અમને તો ફરી એ તક મળવા જઈ રહી હતી અને આવેલી તકને હાથમાંથી જવા દે એ મનીષ નહિ.. જમનામાસીની વાત માની જઈ અમે એમના માટે અને અમારો અધુરો પ્રેમ પામવા માટે તૈયાર થયા અને જમનામાસીની સૂચના અનુસાર આગળ વધતા અહીં આવી પહોંચ્યા." માયાની વાતનું અધૂરું અનુસંધાન મનીષે પૂરું કર્યું.

"તમને શરમ ન આવી અરે...!! તમે બંનેએ રતન અને રોશનીનો પણ વિચાર ન કર્યો કે એમનું શું થશે. આમ તો બધાયની જિંદગી બરબાદ થઈ જશે." જોરુભા તંતુ પકડી રાખી વાતનો દોર ચાલુ રાખ્યો.

"એ વખતે જ જો મારા બાપુ માની ગયા હોત ને તો આ ઘડી કોઈએ જોવી ન પડત. સમાજ, ધર્મ અને ઊંચનીચનો ભેદભાવ અમારા પ્રેમને ભરખી ન ગયો હોત અને રતનની જગ્યાએ મનીષના નામનું સિંદૂર મારા સેંથામાં સજ્યું હોત."

"અને મારે પણ રોશનીને પરાણે પ્રીત કરવાનો વખત ન આવ્યો હોત. વડીલોના વટ અને વચન અને આબરૂ સાચવવા અમારે પ્રેમનું બલિદાન ન આપવું પડત પ...ણ... હવે આ મોકો હું જવા નહિ દઉં ભલે એ માટે મારે કાંઈ પણ કરવું પડે... કાંઈ પણ.." મનીષની આંખો અને અવાજ બંનેમાં તીખારા ઝરતા હતા.

માયા અને મનીષની વાતથી અચંબિત બનેલા બધાય શું કહેવું અને શું કરવું એ વિચારતા એકબીજાને જોવા લાગ્યા.

નટુભાને તો જાણે બધું જોર ઓસરતું લાગ્યું અને ધરતી મારગ આપે તો એમાં સમાઈ જાઉં એવો વિચાર પણ આવ્યો. એમની વર્ષોની સ્વચ્છ, નિષ્કલંક દાગરહિત ચારિત્રતા પર કોઈએ કાદવ ઉછાળ્યો હોય એમ પાઘડી ઉતારી મોઢું છુપાવી અંદરોઅંદર રડતા હૈયામાં ઉછળી રહેલા આક્રોશના આંસુઓ ઠાલવી રહ્યા.

જોરુભાને તો કાપો તોય લોહી ન નીકળે એવી સ્થિતિ હતી. પોતાની પુત્રીથીય વધુ પ્રેમ આપેલ પુત્રવધુ એમને આવી ત્રિશંકુ જેવી વિકટ વ્યથા અને વ્યાકુળતાના વળાંકે લાવી ઉભી કરી દેશે અને એ પરિસ્થિતિના વમળમાં ઘુમરીઓ લેતા એમાંથી બહાર પણ નહીં નીકળી શકે અને એમને તો રતન સામું જોવાની પણ બીક લાગતી હતી. રતનનો સતત ચાલતો વિચાર એમના મનની ગડમથલમાં વધારો કરી રહ્યો હતો. એમનું માથું લજ્જાથી નમી ગયું હતું.

અ....ને..... રતન....ન એની વેદનાને આંસુઓ દ્વારા વહાવી શકતો હતો અને ન તો પોતાની વ્યથાને વાચા આપી વ્યક્ત કરી શકતો હતો. સૌથી કપરી પરિસ્થિતિ તો અત્યારે એની હતી કે જે પોતાની પત્નીને પરપુરુષ સાથે જોયા પછી થઈ હતી અને એ પરપુરુષ બીજો કોઈ નહિ પણ પોતાના સૌથી જીગરી મિત્રની બહેનનો પતિ હતો. માથામાં જાણે હજારો હથોડા પડઘમ પાડતા હોય અથવા મશીનગનમાંથી એકધારી ગોળીઓની વર્ષા થતી હોય એમ એના મનમસ્તિષ્કમાં વિચારો ધાણીની જેમ એક પછી એક ફૂટી રહ્યા હતા.

અનંતરાયની સ્થિતિ પણ મહદઅંશે રતન જેવી જ હતી. પોતાની એકની એક દીકરીની જીવનનૈયા ડામાડોળ કરી મઝધારે એકલી મૂકી દેનાર જમાઈ મનીષ પર એમને અત્યંત ગુસ્સો આવતો હતો સાથે દીકરીને આવા પુરૂષ સાથે પરણાવ્યાનો વસવસો પણ થઈ રહ્યો હતો.

તો... રાજીવ અને અનન્યા પરિસ્થિતિને કેમ કાબુમાં લેવી, બધાને કેમ સાચવવા અને આમાંથી કેવો અને કયો માર્ગ કાઢવો એની મથામણમાં હતા.

આઠેય જણ અત્યારે ક્ષોભ, ક્રોધ, અકળામણની અકથ્ય અને અકલ્પનીય ધારાના વહેણમાંથી પસાર થઈ રહ્યા હતા. ન કહેવાય ન સહેવાયની બેધારી તલવાર પર બધા ઉભા હતા.

આ આઠેય જણ સામાન્ય સ્થિતિમાં પાછા આવે એ પહેલાં જ રેતીની ડમરીઓ ઉડાડતા ઊંટ પર સવાર બે વ્યક્તિઓને આવતાં જોઈ પોતાનું બધું દુઃખ અને પીડાને એક પડખે મૂકી આવનાર વ્યક્તિઓ તરફ ફર્યા. ઊંટે જેવો પ્રાંગણમાં પ્રવેશ કર્યો એટલે એના પર બેઠેલી બંને વ્યક્તિઓ નીચે ઉતરી અને એ બંનેને જોઈ બધાય જે સ્થિતિમાં હતા એમ જ પૂતળાની જેમ ઉભા રહી ગયા. એ બંને વ્યક્તિ હતા જમનાબેન અને ખીમજી પટેલ......

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.