Sarjak Vs Sarjan - 2 in Gujarati Social Stories by BIMAL RAVAL books and stories PDF | સર્જક Vs સર્જન - 2

સર્જક Vs સર્જન - 2

ભાગ ૨

પરમ નીકળી ગયો પણ અખિલનું મન ચકરાવે ચડી ગયું હતું, તેનું મન કામમાં નહોતું લાગી રહ્યું. ફરી ફરીને તેની આંખ સામે કાજલ અને રાઠોડ આવી જતા હતા.

સાંજે ઘરે પહોંચી ફ્રેશ થઇ તેણે લેપટોપ ખોલી નવલકથાનો આગળનો ભાગ લખવાનું ચાલુ કર્યું. તે આપોઆપજ લખતો ગયો કે વાર્તાના મુખ્ય પાત્ર સાહિલનું એક અકસ્માતમાં મૃત્યુ થઇ જાય છે, તે અકસ્માત કાજલ અને રાઠોડના કહેવાથી શહેરના એક નામી ગુંડાએ કરાવ્યો હોય છે, કાજલના ભાઈને સમર્થન આપવાવાળા ગુનાહિત ઇતિહાસ ધરાવતા મુખ્ય બે સમર્થકોને ઇન્સ્પેક્ટર રાઠોડે એન્કાઉન્ટરમાં પતાવી દીધા અને તેના પિતાના રાજકીય પક્ષના મુખ્ય સૂત્રધારને પણ તેમના જુના કેસની ફાઈલ ખોલવાની ચીમકી આપી કાજલને સમર્થન આપવા પર મજબૂર કરી દીધા.

તે એવું કશું લખવા નહોતો માંગતો, સીધી સરળ ચાલી રહેલી કથામાં અચાનક આમ પારિવારિક ખૂન ખરાબા થવા લાગ્યા તેનાથી વાંચકો શું વિચારશે તેવા વિચારોથી તેનું માથું ફાટફાટ થવા લાગ્યું. ખુરશી પરથી ઉભો થઇ થોડો ફ્રેશ થઇ આવ્યો, ચા બનાવીને પીધી. ફરી પાછો લખવા બેઠો ત્યાં તેના કાને અવાજ અથડાયો, "કેમ ભાઈ, તને એક વારમાં સમજણ નથી પડતી, કે પછી તારે પણ સાહિલ અને તેના પેલા બે સમર્થકો પાસે જવું છે." કહી ઇન્સ્પેક્ટર રાઠોડે બંધુક તેની તરફ તાકી.

બે ઘડી માટે તો અખિલ ડરી ગયો પણ પછી કાલના અનુભવ પરથી તેને એક વાતની તો ખાતરી થઇ ગઈ હતી કે આ ફક્ત એક ભ્રમ છે એટલે બંધુકથી બીવાની જરૂર નથી. તેણે ફરી લખવાનું ચાલુ કર્યું અને જે વાર્તા તેણે વિચારી હતી તે મુજબ લખવા લાગ્યો પણ ભરપૂર પ્રયાસ કરવા છત્તા આપોઆપ તે ફરી પાછું આગળ લખ્યું હતું તેમ મુખ્ય પાત્ર સાહિલનો અકસ્માત અને રાઠોડના એનકાઉન્ટર, એવું બધું લખવા લાગ્યો. તેણે જેટલીવાર તે મિટાવી ફરી લખવા પ્રયાસ કર્યો તેટલી વાર તેણે એજ લખ્યું જે કાજલ અને રાઠોડના પાત્ર તેની પાસે લખાવવા ઇચ્છતા હતા. તેને સમજ નહોતી પડી રહી કે આ બધું તેની સાથે થઇ શું રહ્યું છે, આવું કઈ રીતે શક્ય છે.

તેણે લખવાનું માંડી વાળ્યું, તે ઉભો થયો તો ફરી કાજલ અને રાઠોડ તેની સામે આવી ઉભા રહી ગયા. કાજલ આજે સાડી પહેરીને આવી હતી, લાલ રંગની સાડીમાં તે ખુબજ આકર્ષક લાગી રહી હતી. તેણે અખિલને શર્ટ પકડી પોતાની એકદમ નજીક ખેંચ્યો અને તેની આંખોમાં આંખો નાખી એકદમ મદહોશી ભર્યા અંદાઝમાં બોલી, " મિસ્ટર અખિલ, લાગે છે કે હું તમને જે સમજાવવા માંગુ છું તે તમે સમજી નથી રહ્યા, મારે તમને બીજી રીતે સમજાવવા પડશે."

કાજલની આજની અદા અને તેનો અંદાઝ જોઈ કોઈ પણ પુરુષ ભાન ભૂલી જાય તેમ હતો, અખીલે પોતાની જાતને સંભાળતા, માંડ માંડ તેની ગિરફ્તમાંથી છોડાવી અને તેનાથી થોડો દૂર જતો રહ્યો.

કાજલે અટ્ટહાસ્ય કરતા ઇન્સ્પેકટર રાઠોડને કહ્યું, "લાગે છે લેખક સાહેબને મારી પ્રેમની ભાષા પસંદ નથી આવી રહી ઇન્સ્પેકટર, તે તમારી ભાષા વધારે સારી રીતે સમજશે."

ઇન્સ્પેકટર રાઠોડે અખિલના ખભ્ભા પર હાથ દબાવતા કહ્યું, "આ તમારો ભ્રમ છે એમ સમજીને તમે અમને હલકામાં લેવાની ભૂલ ન કરતા, નહીતો તમારી હાલત એવી કરી નાખીશ કે તમે કાજલ મેડમના પિતાશ્રીની જેમ કોમામાં જતો રહેશો અને તમારી પર વાર્તા લાખવાળું કોઈ નહિ હોય."

અખિલને રાઠોડના ભારે હાથે દબાવેલા ખભ્ભો દુખવા લાગ્યો, તે રાઠોડના ધમકી ભર્યા શબ્દોથી ડરી ગયો. તેણે પરસેવો વળવા લાગ્યો. તેનું માથું ભમવા લાગ્યું અને ગળું સુકાવા લાગ્યું, તે પાણીનો બોટલ લેવા જતો હતો ત્યાં તેના ફોનની ઘંટડી રણકી ઉઠી, તેણે જોયું તો પરમનો ફોન હતો. તેણે ફોન ઉપાડ્યો અને સામે છેડેથી મસ્તીભર્યો સ્વર સંભળાયો, " ઓર ભાઇ, બહુ વહેલો સુઈ ગયો કે શું?"

અખીલે કહ્યું, "ના દોસ્ત જાગું છું."

સામે છેડેથી અવાજ આવ્યો, "તો પછી, દરવાજો ખોલ."

અખિલ ચમકી ગયો, "તું અહીં મારા ઘરે પહોંચી ગયો છે, કે મજાક કરે છે."

"દોસ્તો સાથે હું મજાક જરૂર કરું છું પણ દિવસે, રાત્રે તો હું દોસ્તો સાથે મજા કરવામાં મનુ છું", પરમે આટલું કહી ડોરબેલ વગાડી.

અખીલે ઝડપથી પોતાની આસપાસ જોયું તો કાજલ અને રાઠોડ ગાયબ થઇ ગયા હતા, તેને હાશ થઇ.

અખીલે દરવાજો ખોલ્યો, દરવાજો ખોલતાની સાથેજ પરમ અખિલને ભેટી પડતા બોલ્યો, "તને ડિસ્ટર્બ કર્યો યાર, પણ મારે જે સગાને ત્યાં જવાનું હતું તેનું ઘર તારા ઘરથી સાવ નજીક હતું એટલે મારાથી ન રહેવાયું, મેં પેલા સગાને ત્યાં જમવાનો કાર્યક્રમ ફટાફટ પતાવી દીધો અને તને મળવા સીધો તારે ઘરે પહોંચી ગયો."

અખિલ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતા બોલ્યો, "સારું કર્યું ભાઇ, આમ પણ મને ઊંઘ નહોતી આવતી."

"ઊંઘ આવતી નથી કે, ઊંઘ ઉડી ગઈ છે?" પરમે મસ્તીભર્યો કટાક્ષ કરતા પૂછ્યું.

અખિલને પરમના અચાનક આવા હુમલાની અપેક્ષા નહોતી એટલે તે બઘવાઈ ગયો, આંખો ચોરતા તે બોલ્યો, "ના ભાઇ ના, એમજ આતો જાગતો પડ્યો હતો ને તારો ફોન આવ્યો."

અખિલના ચેહેરા પરનો તણાવ પરમથી છુપાઈ ન શક્યો, તેણે અખિલને હળવો કરવાના હેતુથી કહ્યું, "ચાલ આજે ઘણા વર્ષો પછી તારા હાથની ચા પીવાનો મોકો મળ્યો છે, ફર્સ્ટ ક્લાસ કડક આદુવાળી ચા પીવડાવ."

અખિલને જાણે ભાવતું હતું ને વૈદ્યએ કીધું હોય એમ, "હમણાં બનાવી લાવું," કહી રસોડાં તરફ ચાલતી પકડી.

થોડી વારે ચાના બે કપ લઇ અખિલ બેઠકખંડમાં આવ્યો, બંને દોસ્તારોએ ચા પિતા પિતા થોડી ઔપચારિક વાતો કરી, એક બીજાના હાલ હવાલની જાણકારી આપી.

ચાનો કપ ટેબલ પર મુકતા પરમે સીધુજ પૂછી લીધું, "દોસ્ત મને તું કોઈ પરેશાનીમાં હોય એવું લાગે છે."

અખિલ પરમના આવા સીધા આક્રમણથી અકળાઈ ગયો હોય એમ બોલ્યો, "ના ભાઇ ના, તને કેમ આવ્યો ત્યારનું એવું લાગે છે યાર."

"જો દોસ્ત, હું એક મનોવૈજ્ઞાનિક હોવા ઉપરાંત તારો બચપણનો મિત્ર પણ છું, હું આવ્યો ત્યારનો નહિ, સવારે તારી ઓફિસમાં તને મળવા આવ્યો ત્યારથી હું અનુભવી રહ્યો છું કે તું કોઈ મૂંઝવણમાં છે", પરમે એકદમ નિખાલસતાથી કહ્યું.

પરમના શબ્દોની અખિલ પર ધારી અસર થઇ, તેણે પરમને માંડીને બધી વાત કરી કે કેવી રીતે છેલ્લા બે દિવસથી તેનીજ નવલકથાના બે પાત્રો તેને પરેશાન કરી રહ્યા હતા.

પરમે શાંતિથી અખિલને સાંભળ્યો અને પછી કોઈ ગહન વિચારમાં ખોવાઈ ગયો હોય તેમ થોડી વાર મૌન રહ્યો, પછી તેણે કહ્યું, "જો દોસ્ત આ બધું એક જાતનો ભ્રમ છે પણ તારી આ નવલકથાના પાત્રોનું ચયન કરવામાં ક્યાંક તે તારી કલ્પનાને કોઈ વાસ્તવિક જીવંત પાત્ર સાથે જોડી દીધું હોય એવું લાગે છે ",

અખિલને આશ્ચર્ય થયું, કારણ પરમની વાત સો ટકા સાચી હતી કાજલનું પાત્ર તેણે એક એવી છોકરીને જોઈને લીધું હતું કે જે તેના ગામના સરપંચની સાવ સીધી સાદી છોકરી હતી અને ઇન્સ્પેટર રાઠોડ, ઘણા સમય પહેલા તેણે જોયેલી એક બૉલીવુડ ફિલ્મનું પાત્ર હતો.

"અચ્છા, આ બંને પાત્રોને તે તારી વાર્તામાં એવાજ દર્શાવ્યા છે જેવા તે તેમને જોયા છે, એટલે કે પેલા તારા ગામના સરપંચની દીકરી અસલમાં એવીજ હતી જેવી તે તારી વાર્તામાં કાજલને દર્શાવી છે અને તે જોયેલી ફિલ્મ વાળો ઇન્સ્પેકટર પણ એવોજ હતો જેવું તે તારી વાર્તમાં ઇન્સ્પેકટર રાઠોડનું પાત્ર વર્ણવ્યું છે", પરમે અખિલને પૂછ્યું.

અખીલે જવાબ આપતા કહ્યું, "અદ્દલ એવાજ, ત્યાં સુધી કે તેમના નામ પણ એજ રાખ્યા છે."

પરમ થોડી ક્ષણો માટે વિચારમાં પડી ગયો, મનમાં કઈંક ગોઠવતો હોય તેમ તે અખિલની સામે જોઈ રહ્યો, પછી એકદમ ઉભા થતા બોલ્યો, "ઓકે, દોસ્ત, ગુડ નાઈટ. તું અત્યારે શાંતિથી સુઈ જા, હું પણ હોટેલ પર જવા નીકળું છું, કાલે તું ઓફિસમાંથી રજા લઇ લેજે, હું પણ મારી પરિષદનું કાલનું સેશન જતું કરીશ, કારણ તારી સમસ્યા વધુ ગંભીર છે. તું ચિંતા નહિ કરતો, તારો આ મિત્ર તને આ સમસ્યામાંથી બહાર કાઢશે. કાલે સવારે નવના ટકોરે તું મારી હોટેલ પર આવી જજે, આના વિષે મારે થોડી વધુ ચર્ચા કરવી છે અને પછી આપણે તારી આ કાજલ અને ઇન્સ્પેકટર રાઠોડનો કઈં રસ્તો કરીશું." આટલું કહી પરમ હોટેલ પર જવા નીકળી ગયો.

પરમના શબ્દો સાંભળી અખિલ વિચારોમાં એવો ખોવાઈ ગયો કે તે પરમને વિવેક પણ ન કરી શક્યો કે રાત થઇ ગઈ છે તને રીક્ષા મળવાંમાં મુશ્કેલી થશે તો હું તને હોટેલ સુધી મારી ગાડીમાં છોડી દઉં છું. તેને કઈં સમજાઈ નહોતું રહ્યું કે શું થઇ રહ્યું છે પણ પરમના આશ્વાસનભર્યા શબ્દોથી તેને એક વાતની શાંતિ થઇ હતી કે પરમ તેની સમસ્યા બરોબર સમજ્યો છે અને તેણે જે રીતે કાલે પરિષદમાં જવાનું માંડી વળી તેને હોટેલ પર બોલાવ્યો છે તેનો અર્થ કે તેને આ સમસ્યાથી છુટકારો મેળવવામાં તે જરૂર મદદરૂપ થશે.

અખિલના મનમાં કાજલ અને રાઠોડના વિચારો મોડે સુધી ઘુમરાતા રહ્યા. મોડે મોડે તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેનો તેને ખ્યાલ ન રહ્યો.

Rate & Review

Ina Shah

Ina Shah 11 months ago