Sarjak Vs Sarjan - 3 - last part in Gujarati Moral Stories by BIMAL RAVAL books and stories PDF | સર્જક Vs સર્જન - 3 - છેલ્લો ભાગ

સર્જક Vs સર્જન - 3 - છેલ્લો ભાગ

ભાગ 3

બીજા દિવસે સવારે અખીલે ઓફિસમાં અગત્યનું કામ આવી ગયું છે તેમ કહી રજા મૂકી દીધી અને તૈયાર થઇ નવના ટકોરે પરમ જે હોટેલમાં રોકાયો હતો ત્યાં પહોંચી ગયો. પરમે બંને જણ માટે હોટેલના રિસેપશન પર ફોન કરી ચા નાસ્તાનો ઓર્ડર કરી દીધો.

પરમે અખિલને કહ્યું કે હવે મને માંડીને વાત કર, પહેલા સરપંચની દીકરી વિષે અને પછી પેલા ફિલ્મી ઇન્સ્પેકટર વિષે.

અખીલે સરપંચની દીકરી વિષે માહિતી આપતા કહ્યું, "અમારા ગામના સરપંચની દીકરી કાજલ સીધી સાદી, દેખાવે સુંદર હોવાની સાથે સાથે ખુબ બુદ્ધિશાળી અને કોઠાડાહી હતી. સરપંચનો દીકરો નાલાયક અને છેલબટાઉ હતો. સરપંચ તેમના દીકરાના લક્ષણોથી વાકેફ હોવા છત્તા પોતાના સરપંચપદના વારસદાર તરીકે તેમના નપાવટ દીકરાની તરફેણમાં હતા જ્યારેકે તેમના વારસાને લાયક તેમની દીકરી કાજલ હતી. તેમને મન રાજકારણ ફક્ત પુરુષોની ઈજારાશાહી હતી. પંચાયત ચૂંટણીની જાહેરાત થઇ એટલે સરપંચે પોતાના દીકરાનું નામ સરપંચપદ માટે જાહેર કર્યું. ગામના લોકો મનમાં તો બધું જાણતા હતા પણ આખું ગામ સરપંચને બહુ માનતું હતું તેથી કોઈએ વિરોધ ન નોંધાવ્યો. મને પણ જયારે આ વાતની ખબર પડી ત્યારે મને થયું કે સરપંચે આ ખોટું કર્યું છે, તેમના દીકરા કરતા તેમની દીકરી વધુ યોગ્ય છે, તેમણે પોતાની દીકરીને આ અવસર આપવો જોઈતો હતો, પણ તે એક સ્ત્રી હતી અને સરપંચે સ્ત્રીને કદી તે યોગ્ય ગણીજ ન હતી."

"પછી શું થયું?" પરમે પૂછયું.

"હું તો અહીં શહેરમાં આવી ગયો હતો, પણ એવું સાંભળ્યું હતું કે સરપંચનો દીકરો બિનહરીફ ચૂંટાઈ ગયો હતો અને કાજલને બાજુના ગામના કોઈ પૈસાદાર કુટુંબના છોકરા સાથે પરણાવી દીધી હતી." અખીલે જવાબ આપ્યો.

પરમે પૂછ્યું, "મને એક વાત કહે કે ગામમાં કોઈએ સરપંચના દીકરાનો વિરોધ ન કર્યો પણ તું તો કરી શકતો હતોને, તે કેમ ગામ જઈને વિરોધ ન કર્યો."

અખિલને હસવું આવી ગયું, "અરે યાર તું ક્યાં મારા ગામના પંચાયતની લપમાં પડે છે અને એમ પણ મેં તને કહ્યું ને કે સરપંચના માનના કારણે તે છોકરો બિન હરીફ જીતી ગયો હતો, તો તેમાં તને લાગે છે કે મારા એકલાના વિરોધ કરવાથી કોઈ ફર્ક પડ્યો હોત. “

પરમે વાતને ઉડાવતા કહ્યું, "સારું ચાલ જવા દે એ વાતને, મને તું પેલા ઈન્સ્પેક્ટરના પાત્ર વિષે જણાવ."

અખિલ, "હા તે એક હિન્દી ફિલ્મ હતી જેમાં, સહ ભૂમિકામાં એક ઇન્સ્પેકટર છે અને રાજ્યના એક નામાંકિત રાજકારણીએ પોતાનો રાજકીય દબદબો વધારવા માટે તે ઇન્સ્પેકટર દ્વારા શહેરમાંથી તમામ ગુંડાતત્વોનો સફાયો કરી નાખ્યો હતો. ફિલ્મમાં તે ઈન્સ્પેક્ટરને એન્કાઉંટર સ્પેશ્યલિસ્ટ દેખાડવામાં આવ્યો છે. જયારે આખા શહેરને તે ઈન્સ્પેક્ટરે ગુંડામુક્ત કરી દીધું તો પેલા રાજકારણીએ તેને ચામાંથી માખી કાઢી ફેંકી દે એમ સાવ અલિપ્ત કરી દીધો અને રાજ્યના એક નાના એવા શહેરના પોલીસખાતાના સાવ નિષ્ક્રિય વિભાગમાં બદલી કરાવી દીધી. પેલો ઇન્સ્પેકટર સમસમીને બેસી રહ્યો પણ કઈં કરી ન શક્યો."

પરમ, "આ તો સાવ બકવાસ ફિલ્મ કહેવાય."

અખીલે સુર પૂરાવતો હોય તેમ કહ્યું, "હાસ્તો વળી, મારા મત મુજબ તો તે ઈન્સ્પેક્ટરે તે રાજકારણીની સાથે બદલો લેવો જોઈતો હતો અને ફિલ્મમાં જયારે એક વિપક્ષના નેતાએ તેને ગાદી પરથી ઉથલાવી દેવા માટે ઇન્સ્પેકટર રાઠોડને મિત્રતાની ઓફર કરી હતી ત્યારે તેણે તે સ્વીકારી લેવી જોઈતી હતી."

પરમ બે ઘડી અખિલને નીરખી રહ્યો.

પરમની આ હરકતથી અખિલ સહેજ મુંજાઈ ગયો, "શું યાર, આમ શું જોવે છે મારી સામે?"

પરમે કહ્યું, " કઈં નહિ દોસ્ત, તારી સમસ્યાનું કારણ જડી ગયું મને."

"અરે વાહ, શું છે, તે મને પણ જણાવ", અખીલે ખુશ થતા કહ્યું.

પરમે થોડું વિચાર્યું પછી કહ્યું, "જો દોસ્ત, મારી વાત ધ્યાનથી સાંભળજે, તે જે બધું અત્યારે મને કહ્યું તેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ બંને પાત્રોને તે ખુબજ ગંભીરતાથી લીધા છે અને એટલેજ જયારે તે મને તેમના વિષે જાણકારી આપી તો તારા અવાજમાં અને મનમાં તેમના પ્રતિ થયેલા અન્યાય પ્રત્યે રોષ ડોકાઈ રહ્યો હતો. વાસ્તિકવિતામાં અને ફિલ્મમાં તેમની સાથે જે થયું તે પણ તેમની સાથે શું થવું જોઈતું હતું કે તેમણે શું કરવું જોઈતું હતું તે તારી કલ્પના મુજબ તે મને જણાવ્યું. હવે જયારે આજ પાત્રોને તે તારી વાર્તામાં લીધા તો તે એ લોકોને જેવા જોયા હતા તેવાજ વર્ણવ્યા પણ તારું મન તેમને થયેલા અન્યાય માટે બન્ડ પોકારી રહ્યું હતું અને એટલેજ તારા વિચારો પર તારું મન હાવી થઇ ને તારી પાસે એ લખાવવા માંગે છે જે તે એ લોકો માટે જે તે સમયે વિચાર્યું હતું, કે તેમણે આમ કરવું જોઈતું હતું. અને તારું મન તારા વિચારો પર એટલું બધું હાવી થઇ ગયું છે કે તને એ બંને પાત્રો તારી આંખ સામે દેખાઈ છે. હકીકતમાં તે તારા પોતાના વિચારોજ છે જે તને ધમકાવી રહ્યા છે."

અખિલ ફરી મુંજાઈ ગયો, તેને થયું કે આવું કેવી રીતે શક્ય છે અને કદાચ એવું હોય પણ તો તેના મનની ધારણા કઈં પ્રત્યક્ષ રીતે તેની સામે આવી આવું કરે તે તેના માનવામાં નહોતું આવી રહ્યું. પછી તેને વિચાર આવ્યો કે પરમ જે કહી રહ્યો હતો તે વાતને સાવ અવગણવા જેવી નહોતી કારણ કાજલ અને રાઠોડ તેને વાર્તા પુરતાજ પરેશાન કરતા હતા અને ફક્ત તેનેજ દેખાતા અને સંભળાતા હતા.

તેણે પરમને પૂછ્યું, "આનો કોઈ ઉકેલ તો બતાડ ભાઈ."

"ઉકેલ તો છે, પણ તેની માટે મારે એક બે દિવસની રજા લઇ અહીં પાછું આવવું પડશે ત્યાં સુધી તું તારી નવલકથાનો નવો ભાગ જેમ કાજલ અને રાઠોડ કહે છે તેમ આગળ ચલાવ", પરમે કહ્યું.

અખિલ અકળાતા બોલ્યો, "અરે ભાઈ એવું ના હોય, આમ અચાનક હું મારી વાર્તાને અણધાર્યો વણાંક આપી દઉં પણ પછી આગળનું મેં જે વિચાર્યું છે તે બધું બદલવું પડશે, જેની માટે મારી પાસે સમય નથી અને મારા વાચોકોનું શું?."

પરમે હસતા હસતા અખિલના ખભ્ભે હાથ મુકતા કહ્યું, "તારા વાંચકોને પણ આ અણધાર્યા વણાંક પછી સાવ અલગજ કથા વાંચીને મજા પડી જશે. બહુ વિચાર ન કર, આમ પણ તારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી. જો તું આમ નહિ કરે તો તારી આ નવલકથા ક્યારેય પુરી નહિ થાય અને જો બંને પાત્રો તારા પર વધુ હાવી થઇ જશે તો કદાચ તું બીજા કોઈ વિષય પર કઈં લખીજ નહિ શકે."

વાતો વાતોમાં બપોરના બે ક્યારે વાગી ગયા તેનો ખ્યાલજ ન રહ્યો. બંને હોટેલના રેસ્ટોરાંમાં જમવા પહોંચી ગયા.

જમીને પછી બંને મિત્રો છુટા પડ્યા અને પરમે અખિલને બીજા અઠવાડિયે રાજા લઈને આવવાનો વાયદો કર્યો. અખીલ પરમનો આભાર માની ઘરે જવા નીકળી ગયો.

પરમની સલાહ અનુસાર અખીલે બે દિવસ બેસીને પોતાની નવલકથાનો આગળનો ભાગ જેમ કાજલ અને રાઠોડે કહ્યું હતું તેમજ લખ્યો. ઇન્સ્પેક્ટર રાઠોડ દ્વારા કાજલે તેના ભાઈની હત્યા કરાવી દીધી અને તેના કોમામાં સરી પડેલા પિતાનો રાજકીય કારભાર પોતાના હસ્તક કરી લીધો. માતૃભારતી પર જયારે તેણે પોતાની નવલકથાનો આ ભાગ પ્રકાશિત કર્યો તો વંચોકોની કોમેન્ટોનો વરસાદ થઇ ગયો કારણ જે રીતે તેની વાર્તા આગળ વધી રહી હતી તે પ્રમાણે કથામાં આવો વણાંક કોઈ એ નહોતો વિચાર્યો.

અખીલે આગળના ભાગમાં કાજલ અને રાઠોડના પાત્રોને વાર્તામાંથી કાઢવા ઘણું વિચાર્યું અને બધી રીતે લખવા પ્રયત્ન કરી જોયા પણ જેવો તે કઈંક લખવા બેસે એટલે કાજલ અને રાઠોડ તેની સમક્ષ ઉપસ્થિત થઇ જતા. ઇન્સ્પેકટર રાઠોડની કરડાકી ભરી નજર અને કાજલનો ઠંડો ધમકીભર્યો સ્વર સાંભળી તે તેમના વિરુદ્ધ કશું લખીજ નહોતો શકતો.

બીજા અઠવાડિયે પરમ બે દિવસની રજા લઈને અખિલના ઘરે આવી ગયો. આવતા પહેલા પરમે અખિલને ફોન કરી દીધો હતો એટલે અખીલે પણ ઓફિસમાંથી રજા લઇ લીધી હતી. બંને મિત્રોએ થોડી ઘણી ઔપચારિક વાતો કરી પછી પરમ સીધો મુદ્દા પર આવ્યો અને તેણે કહ્યું, "હું અહીંથી ગયો પછી મેં તારી આ નવલકથાના અત્યાર સુધીના બધા ભાગ . માતૃભારતી એપ પર વાંચ્યા અને ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલ ભાગ પણ વાંચ્યો. તારા વાંચકોએ તો વાર્તામાં આવેલા આ નવા વણાંકને ઉત્સાહથી વધાવી લીધો છે."

અખીલે કહ્યું, "એ બધાને ભલે મજા આવી હોય પણ મારે આ બંને પાત્રોથી છુટકારો જોઈએ છે. તે બંનેએ મારુ જીવવાનું હરામ કરી દીધું છે, મને સુખેથી કામ નથી કરવા દેતા ઇન્ટરકોમ પર ફોન કરી ધમકાવ્યા કરે છે, રાત્રે ચેનથી સુવા નથી દેતા, ત્યાં સુધી કે બીજી કોઈ રચના વિષે પણ વિચારવા નથી દેતા."

પરમે હળવા સ્મિત સાથે કહ્યું, "દોસ્ત એટલે તો હું અહીં આવ્યો છું. આ બે દિવસમાં તારા આ બંને પાત્રોનું કામ તમામ કરી નાખીશું"

પરમનું વાક્ય હજી તો માંડ પુરા થયા ત્યાં અખિલના ખભ્ભા પર એક મજબૂત હાથ પડ્યો, અખીલે જોયું તો ઇન્સ્પેકટર રાઠોડ પોતાના મજબૂત હાથ વડે તેનો ખભ્ભો દબાવી રહ્યો હતો અને તેની બાજુમાં ઉભેલી કાજલની આંખોમાંથી આગ ઝરી રહી હતી.

અખિલ કશું બોલવા જતો હતો ત્યાં કાજલ ઇન્સ્પેક્ટર રાઠોડને સંબોધીને બોલી, "લાગે છે, લેખકને પોતાનો જીવ વ્હાલો નથી."

રાઠોડે કહ્યું, "મેડમ, તમે હા પાડો તો હમણાંજ એનો ઈલાજ કરી નાખું."

કાજલે ઇશારાથી રાઠોડને શાંત પડતા અખિલને કહ્યું, "મારો હક જો મને ન મળ્યો તો તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેજે."

કાજલના ધારદાર શબ્દોથી અખિલ જાણે થીજી ગયો. પરમ અખિલના હાવભાવ જોઈ સમજી ગયો કે અખિલ સાથે શું ચાલી રહ્યું હતું, તેણે અખિલનું ધ્યાન ભંગ કરતા કહ્યું, "દોસ્ત, તને જો વાંધો ન હોય તો તારી કથાનો એક નાનો સરખો ભાગ હું લખી શકું છું, ભલે હું તારી જેમ લેખક નથી પણ તારી આ કથા મેં વાંચી છે અને તારા આ બંને પાત્રોને જ્યાં સુધી તેમના મુકામ પર નહી પહોંચાડીએ ત્યાં સુધી એ તારો પીછો નહિ છોડે."

અખિલને જરા અજુગતું લાગ્યું પણ તેના સિવાય કોઈ ઉપાય નહોતો એટલે તેણે પોતાના મિત્ર પરમને આગળનો ભાગ લખવાની હા પાડી. પરમે બપોર સુધી બેસીને અખિલ પાસેથી અત્યાર સુધી ઘટેલી બધી નાની નાની ઘટનાઓની નોંધ કરી લીધી અને કાજલ અને રાઠોડ વિષે જીણામાં જીણી માહિતી એકત્રિત કરી લીધી. સાંજ સુધી બેસીને તેણે મનોમંથન કર્યું અને તે એક નિષ્કર્ષ પર પહોંચ્યો કે કથાના આગળના ભાગમાં તે બંને પાત્રોનું મૃત્યુ અખિલના જહેનમાંથી તેમને કાઢવા માટે પર્યાપ્ત નથી. પણ હા જો તે બંને પાત્રોને થયેલ અન્યાયનું કોઈ નિરાકરણ લાવતું કઈંક જો કથામાં દર્શાવવામાં આવે તો કદાચ અખિલનું મન શાંત થઇ જશે અને તે બંને પાત્રો તેના  જહેનમાંથી હંમેશા માટે જતા રહેશે.

અખિલને પરમ શું કરી રહ્યો હતો તેના વિષે કઈં સમજણ નહોતી પડી રહી પણ તે જાણતો હતો કે પરમ કઈં લેખક નહોતો, તેથી તેના માટે લખવું ઘણું કપરું કામ હતું.

રાત્રે પરમ મોડે સુધી બેસીને કઈં લખતો રહ્યો. બીજા દિવસે પણ લગભગ અડધા દિવસ સુધી પરમ કઈ લખવાની ગડમથલ કરતો રહ્યો. બપોરે બંને મિત્રો સાથે બેસી જમ્યા અને પછી પરમે અખિલને પોતે શું લખ્યું હતું તે બતાડ્યું. પરમે લખેલા કથાના આગળના ભાગ મુજબ કાજલ દ્વારા પોતાના પિતાની રાજકીય ગાદી સંભાળવાની જાહેરાત થયાના બીજાજ દિવસે તેના પિતા કોમામાંથી બહાર આવી જાય છે અને તેમના પક્ષના કાર્યકર્તાઓમાં ઉલ્હાસનો માહોલ છવાઈ જાય છે.

કાજલની સોગંધવિધિનો કાર્યક્રમ તેમના પક્ષના નેતાઓ દ્વારા રદ કરી દેવામાં આવે છે. થોડા દિવસમાં કાજલના પિતા સંપૂર્ણપણે સ્વસ્થ થઇ જાય છે. પોતાના દીકરાના આકસ્મિક મૃત્યુના સમાચાર જાણીને તેઓ દુઃખી હતા. પણ જયારે તેમને પોતાના અંગત માણસો દ્વારા તેની પાછળ કાજલ અને ઇન્સ્પેકટર રાઠોડનો હાથ હતો તે જાણવા મળ્યું તો તેમને પસ્તાવો પણ થયો, કારણ તે સમજી ગયા હતા કે તે બંને સાથે તેમણે કરેલો અન્યાય આ માટે જવાબદાર હતો. તેમની ગેરહાજરીમાં તેમની દીકરી કાજલે પક્ષને ખુબ કુશળતાપૂર્વક સંભાળી લીધો હતો તે જાણીને તેમને ખાતરી થઇ ગઈ કે તેમની માન્યતા ખોટી હતી, કે સ્ત્રી રાજકારણ ન ચલાવી શકે. કાજલને જયારે તેઓ મળ્યા તો તેમને તેનામાં એક અઠંગ રાજકારણીના દર્શન થયા. જોકે તે એ પણ જાણતા હતા કે જ્યાં સુધી તે જીવે છે ત્યાં સુધી તેમના પક્ષના નેતાઓ કાજલને તેમના સ્થાન પર તો નહીંજ સ્વીકારે, પણ હા તેમણે કાજલના ભવિષ્યનો વિચાર કરી, તે પરણીને જે શહેરમાં ગઈ હતી તે શહેરના તેમના પક્ષના યુવા મોરચાની અધ્યક્ષા તરીકે તેની નિમણુંક કરી તેને એક રાજકીય હોદ્દો જરૂરથી આપી દીધો, કે ભવિષ્યમાં જયારે તેમના સ્થાને કોઈની વરણી કરવાનો વારો આવે ત્યારે પક્ષમાં કોઈ તેનો વિરોધ ન નોંધાવે.

બીજી બાજુ પરમે એવું દર્શાવ્યું કે કાજલના પિતાજ તે રાજકારણી હતા જેમણે ઇન્સ્પેક્ટર રાઠોડને ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી દીધો હતો અને તેના બદલામાં રાઠોડે તેમના પુત્રની હત્યા કરાવડાવવામાં કાજલનો સાથ આપ્યો હતો. તેમણે પોતે રાઠોડ સાથે કરેલા અન્યાયના પ્રાયશ્ચિત રૂપે તેને બઢતી સાથે શહેરની મેઈન ક્રાઇમ બ્રાન્ચમાં નિમણુંક કરાવી દીધી.

અખીલે આ બધું વાંચી પરમને કહ્યું, "આ ભાગ મારી કથામાં જોડવાથી મારી નવકથાના મુખ્ય વિષય અને હેતુમાં ઉથલ પાથલ થઇ જશે પણ જો તને લાગતું હોય કે આમ કરવાથી બધું બરાબર થઇ જશે તો હું તૈયાર છું."

રાત્રે બહાર હોટેલમાં જમીને બંને મિત્રો છુટા પડ્યા. છુટ્ટા પડતી વખતે અખીલે પરમને પૂછ્યું કે, "તને ખાતરી છે કે આ ભાગ પ્રકાશિત કરવાથી મારી સમસ્યાનું સમાધાન થઇ જશે." પરમે ટ્રેનમાં ચડતા કહ્યું દોસ્ત જો વાર્તાનો આ ભાગ તું આજે રાત્રે પ્રકશિત કરે ત્યારે તને કાજલ કે રાઠોડ નહી દેખાઈ એની ગેરેંટી હું લઉ છું."

પરમને આવજો કરી અખિલ રાત્રે ઘરે આવ્યો. તેણે કથાના તે ભાગમાં ભાષાને લગતા બધા જરૂરી સુધારા કરી માતૃભારતી સાઈટ પર પ્રકાશિત કરી દીધો અને પરમે કહ્યા મુજબ કાજલ કે રાઠોડ તેને ક્યાંય દેખાયા નહિ. તે રાત્રે તેને શાંતિથી ઊંઘ પણ આવી ગઈ.

બીજા દિવસે સવારે તે ફ્રેશ મૂડમાં ઓફિસ પહોંચી ગયો આજે ઇન્ટરકોમ પર કાજલ કે રાઠોડ કોઈના ફોન ન આવ્યા, તેણે શાંતિથી ઓફિસનું કામ પતાવ્યું, પછી સાંજે માતૃભારતીની એપ પર તેણે ગઈકાલે પ્રકાશિત થયેલ ભાગની ટિપ્પણીમાં જોયું તો કેટાલય વંચોકોએ નારાજગી દર્શાવી હતી કે તેણે આમ કેમ કર્યું, કાજલના એપિસોડને આગળ વધારવો જોઈતો હતો, તેના આવવાથી કથા રસપ્રદ થઇ ગઈ હતી.

અખિલને લાગ્યું કે ક્યાંક તેણે એક સારી નવલકથા લખવાનો મોકો તો નથી ગુમાવ્યોને પછી તેણે જયારે છેલ્લા પંદર દિવસની પોતાની માનસિક સ્થિતિ વિષે વિચાર્યું તો તેને લાગ્યું કે પરમે તેના માટે જે કર્યું તે બરાબર કર્યું હતું. પરમે તેની કથાના તે ભાગમાં તેના તે બંને પાત્રોને એવી રીતે ન્યાય અપાવી દીધો હતો કે જે રીતે અખિલના મનમાં જે તે સમયે તેમના માટે સહાનુભૂતિ જન્મી હતી. આમ કરવાથી અખિલની વાર્તામાં થોડી ઉથલ પાથલ જરૂર થઇ પણ તે બંને પાત્રોને જે જોઈતું હતું તે મળી ગયું અને આમ કરવાથી તે લોકોને પરમે સિફતપૂર્વક નવલકથામાંથી અને અખિલના જહેનમાંથી દૂર કરી દીધા હતા.

અખીલે પોતાની આગવી શૈલિમાં નવલકથાને આગળ જતા ઘણી રોમાંચક બનાવી દીધી અને તેના વાંચકોને તે ખુબ પસંદ આવી. થોડા સમયમાં વાંચકો અને અખિલ બંને કાજલ અને રાઠોડને ભૂલી ગયા.

લગભગ છએક મહિના પછી પરમ ફરી કોઈ કામસર અખિલના શહેરમાં આવ્યો હતો અને તે અખિલને મળવા તેની ઓફિસે પહોંચી ગયો. પરમને આમ અચાનક આવી ચડેલો જોઈ અખિલ ખુબ ખુશ થઇ ગયો. તેણે અડધા દિવસની રાજા મૂકી દીધી અને બંને મિત્રો નજીકના કોફી હાઉસમાં કોફી પીવા ઉપડી ગયા. કોફીની ચુસ્કી લેતા લેતા અખીલે કહ્યું, "ફોન પર તો તને થેન્ક યુ કહી દીધું હતું પણ આજે રૂબરૂમાં તારો ધન્યવાદ માની રહ્યો છું, તે મારી મદદ ન કરી હોત તો કદાચ કાજલ અને રાઠોડે મને ગાંડો કરી નાંખ્યો હોત."

પરમે કહ્યું, "અરે એમ કઈં હોય, એ બંનેને તો હું મારી સાથે લઇ ગયો હતો, તો પછી તે તને કેવી રીતે પરેશાન કરી શકે."

અખિલ બાઘાની જેમ પરમની સામે જોઈ રહ્યો, તેને કઈં સમજણ નહોતી પડી રહી કે પરમ શું કહેવા માંગે છે.

પરમ જોરથી અટ્ટહાસ્ય કરતા બોલ્યો, "દોસ્ત જે દિવસે રાત્રે મેં તારી નવલકથાનો એ ભાગ લખ્યો તે દિવસથી તે બંને પાત્રો મારી સાથે થઇ ગયા છે. કાજલ અને રાઠોડ તારી નવલકથામાંથી અને તારા જીવનમાંથી તો ચુપચાપ ચાલ્યા ગયા પણ તે બંને આજે પણ મારા સતત સંપર્કમાં છે. તે કદાચ માતૃભારતી પર મારી નવલકથા "એન્કાઉંટર રાઠોડ" વાંચી નથી લાગતી."

અખિલ તો એકદમ સુન્ન મારી ગયો અને એકીટશે તેના મિત્ર પરમને જોઈ રહ્યો. તેને સમજાતું નહોતું કે તે શું બોલે.

પરમે ઉભા થતા કહ્યું, "ચાલ દોસ્ત મારી ટ્રેનનો ટાઈમ થશે હું નીકળું, અને હા તારો આભાર, તારા લીધે આજે હું પણ લેખક બની ગયો છું અને માતૃભારતી પર મારા ફોલોઅર્સ છે."

અખીલ તો પરમને જતા જોઈજ રહ્યો, "આવજે" કહેવા માટે આવેલા શબ્દો મોઢામાંજ ગૂંગળાઈ ગયા હોઠ સુધી પહોચીજ ન શક્યા.

*****

Rate & Review

Viral

Viral 8 months ago

Prafulla Chothani

Prafulla Chothani 9 months ago

Mahek

Mahek 2 years ago

Namrata

Namrata 2 years ago

ખરી વાત છે ઘણી વખત આપણે એવા ઓતપ્રોત થઇ જઇએ છીએ વાર્તાના પાત્રોમાં કે લાગે આપણે જ પોતે એ પાત્રો ભજવી રહ્યાં છે. બહું જ સુંદર રચના છે આપની

Share