A step towards you... - 1 in Gujarati Novel Episodes by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | એક ડગલું તારી દિશામાં... - 1

એક ડગલું તારી દિશામાં... - 1

એવું તો નહોતું જ કે એણે પહેલીવાર પરોઢ જોયું પરંતુ, મોં સૂઝણો સમય આજે એને એક રોમાંચક ખુશી આપી રહ્યોં હતો. પંખીઓનો કલરવ, એ ઝરણાંનો મંદ અવાજ અને પ્રકૃતિની ખુશ્બુ એને પોતાને પણ પોતે કંઈક અલગ જ હોવાનો અહેસાસ કરાવી રહી હતી. બીજું કારણ એ પણ હોઈ શકે કે એ એનું એક સપનું જીવી રહી હતી - ટ્રેકિંગનું સપનું....

પ્રાપ્તિ.... હા, એ જ જેની આપણે વાત કરી રહ્યાં છીએ. વિદ્યાર્થી કાળમાં નાનાં મોટાં પ્રવાસો તો કરેલાં પણ કોઈ પ્રદેશ જાતે ખેડવો એ એની કાળમાં ધરબાયેલી ઈચ્છા હતી જે એક ટ્રેકિંગ પેકેજની એડ જોઈ ફરી ૨૦ વર્ષે સળવળી ઉઠી.

પહેલાં તો લાગ્યું, ના..ના... હું નહીં કરી શકું. હવે, ઉંમર નથી, શક્તિ નથી અને સાચું કહું તો સાહસ નથી. બીજી જ ક્ષણે અંતર પોકાર્યું, તું કરી શકશે. બધું થઇ જશે, તું એક ડગ તો માંડ મારી દિશામાં.... વાસ્તવિકતા અને ઈચ્છાનાં સંઘર્ષમાં આજે પહેલીવાર ઇચ્છા જીતી અને પ્રાપ્તિ આ ચાર દિવસનાં ટ્રેકિંગ કેમ્પનો હિસ્સો બની. જગ્યા હતી ગુજરાત-રાજસ્થાનની સીમમાં ૪૦૦ ચો. કિમી વિસ્તરેલું પોલો ફોરેસ્ટ.... આવી કોઈ જગ્યા વિશે એને કેમ્પ એડમાં જ ખબર પડી.

"હેય... તું આટલી જલ્દી ઉઠી ગઇ?"

"હા... ગુડ મોર્નિંગ પિયા...."

"ગુડ મોર્નિંગ ડિયર. કેટલું સરસ લાગે છે ને! એકદમ ખુલ્લું ખુલ્લું, તાજું તાજું..."

"હાહાહા... તાજું તાજું!!!!"

"હા... ઈંડામાંથી નીકળેલા તાજાં બચ્ચા જેવું, નવાં ફૂટેલા પાન જેવું..."

"નવી અર્ધખિલેલી કળી જેવું.."

"તારું બધું અર્ધું જ કેમ હોય છે હે?"

"કદાચ હું જ અર્ધ ખિલેલી છું એટલે."

"તો આખી ખિલને.... શાનો ડર છે તને?"

"સહજ નથી અને હું થોડી..."

"હા, ખબર છે, તું થોડી અલગ છે. ચાલ... આપણે તાજાં થઈએ, મતલબ કે ફ્રેશ થઈ જઈએ. મને ભૂખ પણ લાગી છે."

"મને પણ...."

એમ કહી બંને ટેન્ટ એરિયા છોડી કફેટેરિયા તરફ રવાના થયા.

************

પિયા... પ્રાપ્તિથી વિપરીત વ્યક્તિત્વ... બહિર્મુખી, બિન્દાસ, જીવંત. પહેલીવાર પિયા ટ્રેનમાં મળી હતી. મળતાવડી પિયા અને ઓછાં બોલી પ્રાપ્તિમાં ખબર નઈ રોજબરોજની સામાન્ય સ્મિતની આપ-લે કરતાં ક્યારે દોસ્તી થઈ ગઈ. નંબરની આપ-લે થઈ ગઈ. બંને ક્યારેક મેસેજમાં વાત કરી લેતાં બસ, એથી વિશેષ કોઈ જાણકારી નહીં. બંને શું કામ કરે છે એ પણ નહોતી ખબર.... માત્ર રોજ મળવાનું અને જગ્યા મળે તો સાથે બેસવાનું થોડી ઘણી આડીઅવળી વાતો કરવાની અને મોબાઇલ માં ખોવાઈ જવાનું... આ જ રુટિન.

પિયાની જીભ સ્પષ્ટ નહોતી. પિયાએ જ્યારે એનું નામ કહ્યું હતું ત્યારે એ એનું નામ પણ નહોતી સમજી શકી. પછી પિયાએ લખીને જણાવ્યું હતું. પરંતુ, ખબર નહીં કેમ એનાં ચહેરાનાં હાવભાવ, અર્ધ તૂટક અસ્પષ્ટ શબ્દો ધીમે ધીમે સમજાવા લાગ્યાં હતાં. પ્રાપ્તિને પિયા પોતાના જેવી લાગતી કારણ કે પિયાની જીભ સ્પષ્ટ નહોતી અને પ્રાપ્તિની અભિવ્યક્તિ. બે વ્યક્તિઓ કદાચ એકબીજાંની નબળાઈ સમજી, સ્વિકારી, એકમેકનો ભરોસો કરે છે ત્યારે જ એક નિર્દોષ સંબંધ સ્થાપિત થાય છે.

જોકે, બંને એટલાં નજીક ન હતાં. જ્યારે કેમ્પ માટે નિર્ધારિત જગ્યાએ ભેગાં થયાં ત્યારે પંદર જણામાં બંને એકબીજાને જોઈ સાનંદાશ્ચર્ય પામ્યા. નસીબની વાત કે બંનેને સાથે રહેવાનું પણ આવ્યું. એથી થોડો વ્યક્તિગત પરિચય પણ વધ્યો.

***********

આશરે નવેક વાગ્યે કેમ્પમાં પાંચ વ્યક્તિઓનાં ત્રણ ગ્રુપ બનાવ્યાં હતાં. બધાંએ ગ્રુપમાં રહેવા સૂચનાઓ અપાઈ, નક્શા દ્રારા જગ્યાની સમજણ અપાઇ. બધાં તૈયાર હતાં ટ્રેકિંગ માટે.... પ્રાપ્તિ અને પિયા સાથે મિતેશ, સેમ અને કાવ્યા પણ હતાં જેમનો પરિચય ખાસ નહોતો. કદાચ એ ત્રણેય એકમેકને સારી રીતે ઓળખતાં હતાં , ક્દાચ મિત્રો હતાં એવું એમનાં વર્તનથી જણાતું હતું.

એમ તો પહેલાં થોડા તોફાની ટોળાં જેવાં લાગ્યાં. પણ ત્રણ જ દિવસ તો સાથે રહેવાનું છે અને પિયા છે ને સાથે.


(ક્રમશઃ)

Rate & Review

Usha Dattani

Usha Dattani 8 months ago

મૃગતૃષ્ણા mrigtrushna"

મારાં જ લખાણને એક પુસ્તકનાં ભાગ તરીકે જોવાનો અનુભવ ખૂબ ખાસ...