A step towards you... - 2 books and stories free download online pdf in Gujarati

એક ડગલું તારી દિશામાં... - 2

ઔપચારિક પરિચય પછી પ્રાપ્તિ, પિયા, મિતેશ, સેમ અને કાવ્યાની ટૂકડી પણ બીજી બે ટૂકડીઓ સાથે એક ગાઈડનું માર્ગદર્શન મેળવી પોલો ફોરેસ્ટની સુંદરતાનો આનંદ માણવા ચાલી નીકળ્યાં.

રસ્તે ચાલતાં ચાલતાં નજરે ચઢતાં પંખીઓ ટહૂકી જાણે સ્વાગત કરતાં. પ્રાપ્તિ એ અવાજની દિશામાં જોતી ને ક્ષણિક તે પક્ષીમાં ખોવાઈ જતી. પિયા સારો ફોટો લેવા આમતેમ ફરી પોતાને અને કેમેરાને સેટ કરતી જેથી એ આ યાદોને ભવિષ્યમાં કેન્વાસ પર ઉતારી શકે... હા.. પિયા ખૂબ સારી ચિત્રકાર હતી. એનાં ચિત્રો અને ચિત્રો બનાવતાં વિડિયો ઈન્સ્ટાગ્રામ પર એણે પ્રાપ્તિને બતાવેલાં. અવાજની કમીને બાદ કરતાં પિયા પાસે કોઈ કમી નહોતી.

પેલાં ત્રણ પણ થોડીવાર જોઇ લેતાં ને "ચાલો ચાલો" કહી આગળ વધતાં, એમાં પ્રાપ્તિ અને પિયાએ પણ કમને જોડાવું પડતું કારણ કે મુખ્ય ધ્યેય તો ટ્રેકિંગ હતું. પોલો ફોરેસ્ટ એટલે સુંદર ટેકરીઓથી ઘેરાયેલું લીલું જંગલ, ટેકરીઓમાંથી હરણાવ નદી નીકળે છે અને જંગલને પોષે. નજીકનાં વિસ્તારોમાં હરણાવ ડેમ, પ્રાચીન શિવ મંદિર, જૈન મંદિર અને અન્ય વારસા સ્થળો પણ ખરાં. એ સિવાય કુદરતનું સૌંદર્ય તો કોઇપણ માટે ઐશ્વર્યથી ક્યાં ઓછું હોય! પણ આપણાં મિત્રોનું લક્ષ્ય તો એ ઘણીબધી ટેકરીઓમાંથી એકને સર કરવાનું હતું.

આશરે અડધો એક કલાક ચાલી એ લોકો એક શિખરની તળેટી પાસે પહોંચ્યા. હા... પ્રાપ્તિ અને પિયા માટે આટલું ચાલવું પણ સહજ નહોતું છતાં ઉત્સાહ ક્યાં થાકવા દે તો બીજીતરફ ત્રિકડીને જોતાં એમ લાગતું હતું કે એમણે ઘણીવાર ટ્રેકિંગ કર્યું હોવું જોઈએ. મિતેશે લીડરની જેમ ટ્રેકિંગની બાગડોર હાથમાં લીધી અને સૌને સૂચનાઓ આપી.
"સૌથી આગળ સેમ ચાલશે અને છેલ્લે હું રહીશ. કોઈ ક્યાંય પણ વગર કારણે નહીં રોકાય, ફોટાં પાડવાં તો બિલકુલ નહીં. પોતાની મરજી નથી ચલાવવાની, ખોટી ઉતાવળ પણ નથી કરવાની, બધાંએ સાથે રહી એક ટીમની જેમ શિખર સર કરવાનું છે. કલીયર..."

બધાંએ હકારમાં માથું હલાવ્યું અને તળેટીથી એક દિશામાં ઉપર ચઢવું શરૂ કર્યું. થોડોક સમય તો મજા આવી પણ ધીરે ધીરે પ્રાપ્તિને થાક લાગવા લાગ્યો પણ રોકાવું શક્ય નહોતું અને લગભગ અડધેક પહોંચ્યા હશેને પ્રાપ્તિનું સંતુલન બગડ્યું, ચઢાણની ધાર પરથી એનો પગ લપસ્યો અને એ પોતાને હવામાં અનુભવી રહી, ચીસ નીકળી ગઈ. આજે તો ગઇ એમ વિચારતી પ્રાપ્તિનાં હાથે એક મજબૂત હાથનો સ્પર્શ અનુભવ્યો. આંખો ખોલી જોયું તો મિતેશ એને ઉપર ખેંચી રહ્યો હતો. એમ તો, ડરનું કારણ નહોતું કારણ કે એમનાં ટ્રેકિંગ સૂટમાં એક રોપ હતો અને સેફ્ટી માટે બધાં એકબીજાથી બંધાયેલા હતાં, બચાવનાં ઈક્વીપમેન્ટસ્ પણ હતાં છતાં પ્રાપ્તિને એ ડરનાં માર્યા યાદ જ ન આવ્યાં.

ઉપર આવતાં જ એ પિયાને વળગી પડી, ડરનાં કારણે એ હજું ધ્રુજી રહી હતી. પિયાએ એને એક પથ્થર પર બેસાડી પાણી પાયું. સેમને કંટાળો આવતો હતો ને એ કાવ્યાનાં કાન પાસે જઈ ગણગણ્યો, "આવાં નવશિખીયા નાજુક લોકો શું કામ આવતાં હશે ટ્રેકિંગમાં... !!!" થોડું હાસ્ય સંભળાયું એ સાથે સૂસ એવો અવાજ પણ આવ્યો.

પ્રાપ્તિ થોડીવાર માથું નીચું નમાવી બેસી રહી, ડર એનો પીછો નહોતો છોડતો. એમ તો, ખુદને બહું બહાદુર સમજતી પ્રાપ્તિ આજે શાં માટે ડરી ગઈ એ જ એને નહોતું સમજાતું, આટલો ડર તો એને ત્યારે લાગ્યો હતો જ્યારે પાંચ વર્ષ પહેલાં એક હાથ એની ગરદન પર ભીસાયો હતો. એ વખતે એને ડર મૃત્યુનો નહોતો પરંતુ એનાં માતા-પિતાની એનાં ગયાં પછીની સ્થિતિનો હતો. એણે વિચાર્યુ કે પરિસ્થિતિ પ્રમાણે કદાચ આને જ કહેવાય મૃત્યુનો ડર જે એણે પોતાની માટે જ પહેલીવાર અનુભવ્યો હતો.

એ સ્વસ્થ થઈ.
"આર યુ ઓકે!" મિતેશે પૂછ્યું.
"હા" પ્રાપ્તિ એ ટૂંકમાં જવાબ આપ્યો.
"તો આગળ વધીએ?"
પ્રાપ્તિએ સહમતી આપી અને બધાં આગળ વધ્યાં, પિયા હવે એની સાથે ચાલતી હતી. પ્રાપ્તિ વધું સાવધાનીથી ડગ માંડી રહી હતી. મિતેશ હજી પણ સૌથી પાછળ જ હતો.

એક-બેવાર પ્રાપ્તિએ પાછળ ફરી મિતેશને જોયો પણ એનું ધ્યાન નથી એમ વિચારી આગળ ચાલવા લાગી.

"સેમ, થોડો આરામ કરી લઇએ." મિતેશે સેમને કહ્યું.
"પણ કેમ?" સેમે પૂછ્યું.
"એમ જ." મિતેશે જવાબ આપ્યો.
"પણ આ થોડાં આરામમાં વધું થાકી જવાય. એકધારું ચાલીએ તો થાક ઓછો લાગે, તને ખબર છે ને." કાવ્યાએ કંટાળા સાથે કહ્યું.
"હા. પણ આજે કરી લઇએ થોડોક આરામ." મિતેશ કાવ્યાને કહેતાં કહેતાં બેસી ગયો.

ચિડાઈને સેમ અને કાવ્યા પણ બેસી ગયા. પ્રાપ્તિ અને પિયાને તો જોઈતું હતું ને મળ્યું એમ પગ લાંબા કરી બેસી ગયાં. પ્રાપ્તિએ મિતેશ તરફ જોઈ પાંપણો અને હાવભાવથી થેંક્યું કહ્યું. મિતેશે માત્ર સ્મિત કર્યું.

વિરામ બાદ યાત્રા ફરી શરૂ થઈને આશરે દોઢેક વાગ્યે એ લોકો સ્વર્ગ સમાન જંગલનાં નજારાને શિખર પરથી નજરોમાં ભરી રહ્યાં હતાં. પિયા અને પ્રાપ્તિ માટે તો આ ઉપલબ્ધિ જંગ જીતવા જેટલી મહત્વની હતી. બંને ખૂબ જ ખુશ હતી એક નવી સિદ્ધિ પર....

પ્રાપ્તિનાં ચહેરે પણ એક અલગ આભા પ્રગટી, એક ડગલું નવી દિશામાં ભરીને....

(ક્રમશઃ)