Meghdhanush ne paar - 1 books and stories free download online pdf in Gujarati

મેઘધનુષ ને પાર - 1

ભાગ : ૧

જોરદાર કડાકા ભડાકા સાથે પડતા વરસાદ માં દોડતો દોડતો એક ૨૫-૨૬ વર્ષનો જુવાન એસટી બસ સ્ટેન્ડ ના "ઓન્લી ફોર સ્ટાફ" લખેલા રુમ માં પહોંચ્યો.

"વરસાદે તો ભારે કરી પણ...! ચાલુ થયો કે અટકવાનું નામ જ નથી લેતો દીનેશ ભાઈ...'

રેઇનકોટ નીકાળતા મૃગેશ બોલ્યો.

"વરસાદ અટકે કે ના અટકે આપણી બસ ના અટકે તૈયાર થઈ જા હમણાં પૂછપરછ ઓફિસ માંથી ફોન આવશે કે પેસેન્જર આવી ગયા બસ ક્યારે ઉપાડશો ?"

સત્તાવન વર્ષ ની ઉંમરે પહોંચેલા દિનેશભાઈ છેલ્લા ત્રીસ એક વર્ષ થી એસટી બસ ના ડ્રાઇવર, ગુજરાત ના મોટા ભાગ ના રૂટ પર બસ ચલાવેલી પણ છેલ્લા દસ વર્ષ થી તો અમદાવાદ ડાંગ ના રૂટ પર બસ ચલાવતા. મૃગેશ એસટી બસ માં કંડક્ટર તરીકે લાગે હજુ છ મહિના થયા હતા. અને એમાં પણ ડાંગ વાળી બસ માં કંડકટર તરીકે લાગે હજુ બે અઠવાડિયા થયા હતા.

"આપડે ક્યાં ના પાડી બસ ઉપાડવાની, એતો નોકરી એટલે જવું જ પડશે ને છૂટકો ક્યાં..?" મૃગેશે જવાબ આપ્યો.

એટલું કહી દિનેશભાઇ હાથ માં છત્રી લઈ પૂછપરછ ની ઓફીસ તરફ ઉપડ્યા મૃગેશ પણ એના ટીશર્ટ ઉપર ખાખી શર્ટ પહેરી દિનેશભાઈ ની પાછળ પાછળ ચાલવા લાગ્યો.

મૃગેશ ના જવાબ માં અસંતોષની લાગણી દેખાતા દિનેશ ભાઈ એ વડીલ તરીકે ટકોર કરતા બોલ્યા "જો ભાઈ કોઈ પણ કામ મન દઈ કરવાનું બાકી કોઈ વસ્તુ નો છૂટકો નથી, આ અમે સત્તાવને પહોંચ્યા પણ બસ ચલાવું ગમે એટલે ક્યારેય છૂટકો કયાં એવું હોઠે નથી આવ્યું, આ નરયો .., નરેશ તારા પહેલા નો આ બસનો કંડકટર પણ ક્યારેક છૂટકો ક્યાં ..!, એવું બોલે એટલે હું ટોકુ એને. હવે જો છૂટકો મળી ગયો એને હંમેશ માટે."

"અરે એતો એમ જ આ વરસાદ, કીચડ અને ટ્રાફિક એટલે નીકળી ગયું દિનેશભાઈ, બાકી કામ માં તો મને ક્યાં વાંધો.." ટિકિટ માટેનું મશીન લઈ ચોપડે સહી કરતા મૃગેશ બોલ્યો.

નરેશ સત્તરેક દિવસ પહેલા જ રહસ્યમય સંજોગો માં ગુમ થઈ ગયેલ. તેના બીજા દિવસ થી જ મૃગેશ આ બસ માં કંડકટર તરીકે મુકવામાં આવ્યો. તે જાણતો કે નરેશભાઈ અને દિનેશભાઇ ડ્રાઈવર કંડકટર તરીકે ખાશો સમય થી જોડે હતા પણ તેણે દિનેશભાઇ ના મોઢે નરેશભાઈ નું નામ આજે પહેલી વાર સાંભળ્યું એટલે વધુ જાણવા એણે પ્રશ્ન કર્યો.

"આ નરેશભાઈ જોડે તમે કેટલા વર્ષ કામ કર્યું..?"

"આ રૂટ ની બસ હંકારવાનું શરૂ કર્યું ત્યારથી એટલે સમજ ને દસેક વર્ષ થયાં" ચોપડે સહી કરતા દિનેશભાઇ બોલ્યા.

બન્ને ઓફિસમાંથી નીકળી બસ તરફ ચાલવાનું શરૂ કર્યું. વરસાદ હજુ ચાલુ જ હતો પહેલા કરતા જોર થોડું ઓછું થયું. ક્યાંક ક્યાંક વાદળો ની વચ્ચે થી સુરજ ના કિરણો પસાર થઇ રહ્યા હતા.

"મેઘધનુષ .." પાંચેક વર્ષેનું નાનું બાળક તેની મમ્મી નો હાથ ખેંચી આકાશ માં એક તરફ આંગળી કરી બતાવી રહયું હતું.

"સરસ છે ને એકદમ મજાનું...કેટલા બધા રંગ છે નહીં !!!" છોકરા ની મમ્મી એ છોકરાનો ઉત્સાહ વધારતા કહ્યું.

"મેઘધનુષ ને પેલે પાર શું હોય ?" છોકરા એ ઉત્ક્ષુકતા બતાવતા સવાલ કર્યો.

"ચાલો બસ આવી ગઈ, ફટાફટ" છોકરાની મમ્મી પોતાની બસ આવી જતા છોકરા નો હાથ પકડી ઝાડપ થી બસ પાસે જવા લાગી.

"શું લાગે છે.. વરસાદ અટકી જશે ?" મૃગેશ એ દિનેશભાઇ તરફ નજર નાખી પૂછ્યું.

"લે આ છત્રી પકડ હું વાઈપર ચેક કરી લઉં.. આપણે વરસાદ આવશે જ એવી તૈયારી સાથે જ નીકળીએ." બસ પાસે પહોંચી મૃગેશ ને છત્રી પકડાવતા દિનેશભાઇ બોલ્યા. થોડીક ક્ષણો માં મેઘધનુષ અદ્રશ્ય થઇ ગયું અને પાછા વાદળો ઘેરાવા લાગ્યા.

"શું હશે મેઘધનુષ ને પેલે પાર દિનેશભાઇ ? " મૃગેશ એ હસતા હસતા સવાલ કર્યો.

"આપણે એ તરફ જ જવાનું છે જાતે જ જોઈ લેજે" દિનેશભાઈ બસનો કાચ સાફ કરતા બોલ્યા.

"નરેશભાઈ તો આ રૂટ પર ખાસા સમય પહેલે થી જ જતા હતા ને ? એવું સાંભળ્યું છે મેં " મૃગેશ નરેશભાઈ વિશે વધુ જાણવા માંગતો. તેણે બીજા ડ્રાઈવર અને કંડકટર પાસે સાંભળ્યું હતું કે બે અથવાડિયા પહેલા નરેશભાઈ ડાંગ ની બસ માં દિનેશભાઇ ની જોડે જ નીકળ્યા અને ડાંગથી કોઈ સાગા ને મળી ને આવું એવુ કહીને ગયા એ ગયા.

"અરે ભાઈ આ જ બસ ડાંગ તરફ જવાની ને ? " પચીસેક વર્ષની દેખાવડી અને શ્યામ પણ સ્વરૂપવાન કહી શકાય એવી એક સ્ત્રીએ મૃગેશ ને પૂછ્યું.

"હાં, બેસી જાઓ બસ ઉપડવાની તૈયારી જ છે"

એ સ્ત્રી ની નજર ડ્રાઈવર પર પડી તેને આછું સ્મિત આપ્યું. સામે ડ્રાઈવરે પણ સ્મિત આપ્યું.

"કોઈ ઓળખીતા છે ?" મૃગેશે પૂછ્યું.

"ના રે, દસ વર્ષથી આજ રૂટની બસ ચલાવું બધા ય ઓળખીતા લાગે. એણે જોયું એટલે મેં પણ સ્મિત કર્યું. હાલ તું ટિકિટ ફાડવાનું શરૂ કર. વાઈપર તો બરાબર છે." કહી દિનેશભાઈ વરસાદ થી પલળતા બચવા દોડી ને બસ માં ડ્રાઈવર ની સીટ નો દરવાજો ખોલી સીટ પર જઈ ગોઠવાઈ ગયા.

મૃગેશ છત્રી લઈ બસ ના બીજા દરવાજે થી બસ માં પ્રવેશ્યો અને મોટા અવાજે બોલવા લાગ્યો.

"ટિકિટ માટે ના છુટ્ટા કાઢી ને રાખજો અને કોઈ નીચે હોય તો બોલાવી લો, બસ ઉપડશે હવે."

ભારે વરસાદ અને આટલા લાંબા રૂટ માં બવ ઓછા પેસેન્જર હતા. મોટા ભાગ ના તો વચ્ચે જ ઉતરી જવાના. છેક ડાંગ સુધી જનારા તો ભાગ્યેજ હતા. બધા ને ટિકિટ આપતા આપતા મૃગેશ એ સ્ત્રી પાસે પહોંચ્યો જે ડ્રાઈવર ને જોઈ સ્મિત આપતી હતી. તેની જોડે બીજી એક પચાસ પંચાવન ની આધેડ મહિલા બેઠી હતી.

"બે મેધપુર આપજો". એ સ્ત્રી એ કંડકટર ને જોઈ કહ્યું.

"કયું ગામ ..?"

"મેઘપુર"

"એવું કોઈ ગામ આ રૂટ માં ના આવે આજુ બાજુ નું કોઈ જાણીતું ગામ બોલો"

"મેઘપુર જ છે આજુ બાજુ નજદીક નું તો કોઈ નથી પછી દસેક કિલોમીટર દૂર ડાંગ જવાના હાઇવે પર વિઠ્ઠલપરા ચોકડી આવશે. એતો બવ દૂર થઈ જાય. એના કરતાં મેઘપુર ની જ ટિકિટ આપી દયો ત્યાં થઈ ને જ આ બસ જશે ને."

"બસ ત્યાંથી ના જાય હું કંડકટર છું મને ખબર કે તમને બસ કયા રૂટ પર થી જાય ? એટલે જ કહ્યું કે મેઘપુર નામનું કોઈ સ્ટેન્ડ આ બસ ના રૂટ માં જ નથી માત્ર વિઠ્ઠલપરા ચોકડી જ આવશે અને બસ હાઇવે પર થી જ જશે અંદર ના ગામો ના આવે આ રૂટ માં. બોલો વિઠ્ઠલપરા ની ટિકિટ આપી દઉં ? ત્યાં થી કોઈ રીક્ષા કે છકડો કરી લેજો."

મૃગેશ ને દલીલો કરતો સાંભળી દિનેશભાઇ નું ધ્યાન એની તરફ ગયું અને જોયું તો બન્ને સ્ત્રીઓ એમની તરફ જ જોઈ રહી હતી. આથી દિનેશભાઇ એ માથું થોડું નમાવી ઈશારો કર્યો. અને મૃગેશ ને અવાજ લગાવી ને કહ્યું.

"અરે એમને વિઠ્ઠલપરા ની ટિકિટ આપી દે એ મેઘપુર મેં જોયું છે, ત્યાં જ છે, ઉતારી દઈશું. આ વરસાદ માં બન્ને સ્ત્રીઓ ક્યાં જશે ..!"

"હા તો, બે વિઠ્ઠલપરા ચોકડી આપી દયો" સ્ત્રીએ કંડક્ટર ને કહ્યું. ડ્રાઈવર ની વાત સાંભળી જવાન સ્ત્રી બોલી.

"બસો ને ચોવીસ થયાં, ચોવીસ રૂપિયા બને તો છુટ્ટા આપજો"

બે ટીકીટ આપતા મૃગેશ બોલ્યો. ડ્રાઈવર ના બોલ્યા બાદ મૃગેશે વિરોધ કરવાનું માંડી વાળ્યું.

ટીકીટ ના લેતીદેતી ના હિસાબ પતાવી મૃગેશ બસ માં આગળ આવી ને ડ્રાઈવર જોડે ગોઠવાઈ ગયો. દિનેશભાઇ મૃગેશ નો ચહેરો જોઈ જાણી ગયા કે એ આવતાની સાથે જ પેલી સ્ત્રી અને મેઘપુર વિશે વાત કરશે.

"આ મેઘપુર વળી ક્યાં આવ્યું ? બે અઠવાડિયા માં પહેલી વાર સાંભળ્યું, મને ખબર કે આ રૂટ માં નવો છું પણ ઓફિસ માંથી જે લિસ્ટ આપ્યું એમાં પણ ક્યાંય મેઘપુર જેવું તો બસ સ્ટેન્ડ છે જ નહીં...!" મૃગેશે દિનેશભાઇ ની બાજુ માં બેસતાં જ સવાલો ખડકી દીધા.

"મેઘપુર જ નહીં આવા તો કેટલાય ગામ છે જે સરકારી ચોપડે નહિ ચઢ્યા હોય. હાઇવે થી થોડે દૂર અંતરિયાળ વિસ્તાર માં છે. કયારેક ક્યારેક આવું કોઈ વરસાદમાં કે રાત ના સમયે પેસેન્જર કહે, તો આપણે બનતી મદદ કરી દઈએ" દિનેશભાઈ બોલ્યા ને બસ ચાલુ કરી બસ સ્ટેન્ડ માંથી બહાર કાઢી.

"અને આ નરેશભાઈ ની શું સ્ટોરી છે? એટલે ...

મેં સાંભળ્યું છે કે છેલ્લે તમારી જોડે જ ડાંગ વાળા રુટ પર નીકળ્યા અને પછી ત્યાંથી ખોવાઈ ગયા, કોઈ કહે ત્યાંની કોઈ આદિવાસી જાતિ ની સ્ત્રી જોડે એમણે લગ્ન કર્યા હતા એટલે ત્યાં જંગલોમાં જતા રહયા..." મૃગેશ એ થોડા ખચકાતા એના મનમાં રહેલ સવાલો દિનેશભાઇ સામે રજૂ કરી દીધા.

"જો મૃગેશ તને પણ એજ કહું જે બીજા ને કહી કહી ને થાક્યો કે મને પણ પાકી જાણ નથી કે નરયા ને શુ થયું. રાતે બસ ડાંગ પહોંચી, ત્યાં પહોંચતા જ હું અને નરયો બસ ડેપો માંથી નીકળી જમવા માટે ડેપો ની પાસેની એક હોટેલ માં જવા નીકળ્યા. અને નરયો મને હું એક કામ પતાવી ને આવું પંદરેક મિનિટ માં કહી મારાથી છૂટો પડ્યો. એ ક્યાં ગયો કોને મળવા એ કાંઈ મને જાણ નથી. પણ સવાર થવા છતાં એ ના આવ્યો એટલે મેં મુખ્ય બસ સ્ટેન્ડ એ જાણ કરી અને ત્યાંના લોકલ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી, બસ લઈ ને હું પાછો ફર્યો." થોડી અકળામણ સાથે દિનેશભાઇ બોલ્યા.

"પણ...?"

મૃગેશ કાંઈ પૂછવા ગયો ત્યાં તેની નજર "મેઘપુર" વાળી સ્ત્રી પર પડી જે પુરૂ ધ્યાન દઈ તેની અને દિનેશભાઇ ની વાતો સાંભળતી હોય તેવું લાગ્યું. મૃગેશ ની નજર પડતા જ એ સ્ત્રી એ નજર ફેરવી લીધી. મૃગેશ ના મનમાં તો હજુ ઘણાં સવાલો હતા પરંતુ દિનેશભાઇની અકળામણ પારખી ગયેલ મૃગેશ એ વધુ ના પૂછવા માં જ સમજદારી લાગી અને સવાલ અધૂરો મૂકી પોતાની સીટ પર પાછો વળ્યો. ત્યાં જઈ એ સ્ત્રી ને નિહાળવા લાગ્યો. પચિસેક વર્ષ ની એ સ્ત્રી હતી પણ તેનું સ્વરૂપ કોઈ નું પણ ધ્યાન ખેંચે એવું હતું. એ સ્ત્રી ની બાજુ માં બેઠેલી થોડી વધુ ઉંમરની આધેડ મહિલાએ મૃગેશ તરફ નજર કરતા, મૃગેશ એ તરત નજર સ્ત્રી પરથી હટાવી, અને બારી ની બહાર પડતા વરસાદ તરફ કરી. દૂર દૂર સુધી વાદળો જ વાદળો હતા.

બસ આગળ વધતી ગઈ અને એક પછી એક સ્ટેન્ડ પસાર થાય એમ પેસેન્જર ઓછા થતા ગયા. ડાંગ હવે ત્રીસેક કિલોમીટર દૂર હતું ત્યારે બસ માં માત્ર ડ્રાઈવર, કંડકટર,  મેઘપુર જતી બે મહિલાઓ અને બીજા બે વિઠ્ઠલપરા ચોકડી ના પેસેન્જર હતા. વરસાદની મોસમ માં મોટા ભાગે ડાંગ ની બસ વિઠ્ઠલપરા જ ખાલી થઈ જતી. વિઠ્ઠલપરા આવતા જ ત્યાંના બે પેસેન્જરો બસ માંથી ઉતારી ગયા. દિનેશભાઇ એ બસ હાઇવે થી અંદર ના રસ્તે વાળી. મેઘપુર ની બન્ને સ્ત્રીઓ એ પોતાના સમાન ના થેલા ભેગા કરી સીટમાં આજુ બાજુ કાંઈ રહી નથી જતું એ જોવા લાગી.

આખા રૂટ દરમ્યાન મૃગેશ ની નજર ઘણી વાર એ જવાન સ્ત્રી પર જતી હતી. હાઇવે થી અંદર ના રસ્તે બસ વળતા જ મૃગેશે બારી માંથી બહાર નજર કરી. અને એ જાણે કોઈ મુવી નું દ્રશ્ય જોતો હોય તેવું ઔલોકીક સોંદર્ય થી ભરપૂર હતું.

ક્રમશઃ