Aapna Mahanubhavo - 19 in Gujarati Biography by Mrs. Snehal Rajan Jani books and stories PDF | આપણાં મહાનુભાવો - ભાગ 19 - દુર્વાસા ઋષિ

આપણાં મહાનુભાવો - ભાગ 19 - દુર્વાસા ઋષિ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


હિંદુ ધર્મના પુરાણોમાં સૌથી ગુસ્સાવાળા ઋષિ તરીકે જો કોઈની ગણના થાય તો તે છે દુર્વાસા ઋષિ. તેઓ અત્રિ ઋષિ અને માતા અનસૂયાના સંતાન હતા. દુર્વાસાને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. તે પોતાનાં ક્રોધના કારણે જાણીતા હતા. એમણે ગુસ્સે થઈ કેટલાંય લોકોને શાપ આપી એમની હાલત બગાડી નાખી હોવાનો પણ પુરાણોમાં ઉલ્લેખ છે. આ કારણે તેઓ જ્યાં પણ જાય ત્યાં લોકો ભગવાનની જેમ એમનો આદર કરતા હતા કે જેથી કરીને તેમનાં ગુસ્સા અને શાપથી બચી શકાય.


દુર્વાસા ઋષિના જન્મ સાથે જોડાયેલી કથા

અત્રિ બ્રહ્માજીના માનસ પુત્ર હતા. તેમની પત્નીનું નામ અનસૂયા હતું. તેમને કોઈ સંતાન ન હતું. આથી સંતાન મેળવવા માટે મહર્ષિ અત્રિ અને અનસૂયાએ ઘણા વર્ષો સુધી કઠોર તપ કર્યું. તેમના તપના તેજથી અગ્નિની જ્વાળા ઉત્પન્ન થઈ. આ જ્વાળાથી ત્રણેય લોકના લોકો ગભરાઈ ગયા. આથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તપના સ્થાને ગયા. ત્રણેય દેવોએ તપથી પ્રસન્ન થઈ તેમનાં ઘરે પુત્રના રૂપમાં અવતાર લેવાનું વચન આપ્યું. આ વરદાનના કારણે બ્રહ્માના અંશથી ચંદ્રમા, વિષ્ણુના અંશથી દત્તાત્રેય અને શંકરના અંશથી દુર્વાસાનો જન્મ થયો. દુર્વાસાને પ્રસન્ન કરવું ખૂબ જ જટિલ કામ હતું.


વિવાહ

દુર્વાસા ઋષિના વિવાહ ઔર્વ મુનિની પુત્રી કંદલી સાથે થયા હતા. વિવાહ સમયે તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી પત્નીનાં સો અપરાધ ક્ષમા કરીશ. પ્રતિજ્ઞા પ્રમાણે તેમણે સો અપરાધ માફ કર્યા. પછી શાપ આપી પોતાની પત્નિને ભસ્મ કરી દીધી હતી.


ઈન્દ્ર

તેમણે ઈન્દ્ર દેવને પણ કોઈ અપરાધ બદલ શાપ આપ્યો હતો કે એની સર્વ સંપત્તિ સમુદ્રમાં પડશે અને તે પડી હતી. સમુદ્રમંથન દ્વારા ઈન્દ્રને તે પાછી મળી હતી.


શકુંતલા

મહાકવિ કાલિદાસની મહાન રચના અભિજ્ઞાન શાકુંતલમાં વર્ણવ્યા મુજબ એમણે શકુંતલાને શાપ આપ્યો હતો કે તેણીનો પ્રેમી એને ભૂલી જશે, જે સાચું સાબિત થયું હતુ.


શ્રી કૃષ્ણ

એક વખત તે દ્વારકા ગયા ત્યારે કૃષ્ણએ તેમનો બહુ જ સત્કાર કરી પોતાને ત્યાં રાખ્યા હતા. તે વખતે તેમણે કૃષ્ણને ઘણી વખત સતાવ્યા હતા. એક વખત કૃષ્ણની પાસે ખીર કરાવી અને તે ખીર પોતાને હાથે રુક્મણી અને કૃષ્ણને શરીરે ચોપડી હતી. બીજી વખત રથે ઘોડા ન જોડાવતાં કૃષ્ણ અને રુકિમણીને જોડ્યાં અને રુક્મણી બરાબર ચાલે નહિ તો તેને ચાબુક માર્યા હતા. આમ છતાં પણ કૃષ્ણને ક્રોધ ઉત્પન્ન થયો નહિ, એટલું જ નહિ પણ રુક્મણીની મુખમુદ્રા પણ પ્રસન્ન જ રહી હતી. તે ઉપરથી પોતે બહુ પ્રસન્ન અને સંતુષ્ટ થઈ બંનેને ઘણાં પ્રકારનાં ઈચ્છિત વરદાન આપી પોતે સ્વસ્થાને ગયા હતા. આવી જ રીતે એક વાર જતી વખતે રુકમણીને તરસ લાગે છે. આથી શ્રી કૃષ્ણ તીર મારી પાણી કાઢી એમને પીવડાવે છે. પરંતુ ઋષિ દુર્વાસાને પીવડાવવાનું ભૂલી જાય છે. આથી ક્રોધે ભરાઈને ઋષિએ એમને એ જમીનનું પાણી કાયમ માટે ખારું થઈ જવાનો શાપ આપ્યો હતો. આજે પણ દ્વારકાની એ જમીનમાં ખારું પાણી નીકળે છે એ સૌ કોઈ જાણે છે. એક સમયે કૃષ્ણએ તેમની મહેમાનગતિ કરવામાં ભૂલ કરી. અન્નનો અમુક ભાગ દુર્વાસાના પગ ઉપરથી સાફ કરતાં કૃષ્ણ ભૂલી જતાં ઋષિ બહુ ગુસ્સે થયા અને તેનું મૃત્યુ કેમ થશે તે જણાવ્યું.

એક વાર દુર્વાસા ઋષિ શ્રી કૃષ્ણની દ્વારિકા નગરીમાં મહેમાન બનીને આવ્યા હતા. આ સમયે મહારાણી ઋકમણીએ એમને માટે ખીર બનાવી હતી. જ્યારે ઋષિ ખીર ખાવા આવ્યા ત્યારે દેવી ઋકમણી ત્યાં હાજર નહોતા. આથી ભગવાન કૃષ્ણ પોતે જ એમને ખીર આપે છે, પરંતુ આ ખીર ગરમ હતી એની પ્રભુને જાણ નહોતી. આથી જ ખીર ખાતાંની સાથે જ દુર્વાસા ઋષિ ગુસ્સે થઈ ગયા. શ્રી કૃષ્ણ પરિસ્થિતી પામી જઈને ઝડપથી દોડીને આખું તપેલું ખીર પોતાનાં જ શરીર પર રેડી દે છે. આથી દુર્વાસા ઋષિનો ક્રોધ શાંત થઈ જાય છે. દુર્વાસા ઋષિ શ્રી કૃષ્ણને આશિર્વાદ આપે છે કે આખા શરીરે જ્યાં જ્યાં ખીર લાગી છે તે તમામ ભાગો વજ્ર જેવા બની જશે. શ્રી કૃષ્ણએ જોયું તો પગનાં તળિયા સિવાયનાં તમામ અંગો પર ખીર લાગેલી હતી. આ જોઈને અચરજ પામેલા પ્રભુને દુર્વાસા ઋષિએ એમનાં મૃત્યુનું રહસ્ય જણાવતા કહ્યું હતું કે આ આખી ઘટના વિધી દ્વારા પૂર્વ આયોજિત હતી. તેમનું મૃત્યુ તળિયામાં તીર વાગવાથી થશે.

આપણે સૌ જાણીએ છીએ તેમ શ્રી કૃષ્ણનું મૃત્યુ આવી જ રીતે થાય છે, ભાલકાતીર્થ નામનાં સ્થળે.


દુર્યોધનને આશીર્વાદ

દુર્યોધન પણ એક વાર એમની સેવામાં રહ્યો હતો. દુર્યોધને વર માંગ્યું હતું કે, પાંડવોને ત્યાં જઈ ભોજન કરવા ખાતર નહિ પણ પાંડવોનું સત્ત્વ જોવા સારૂ મધ્યરાત્રિ પછી જ્યારે ભોજન પતી ગયું હોય તે વખતે ભોજન માંગવું. જો ભોજન ન આપે તો તેમને શાપ આપવો. દુર્યોધનનું આ કહેવું દુર્વાસા ઋષિને ગમ્યું નહિ, પણ પોતે વર માંગવા કહ્યું હતું એટલે લાચાર બની ત્યાં ગયા, અને પોતાનાં શિષ્યો સહિત પોતાને માટે અન્ન માગ્યું. યુધિષ્ઠિરે તેમને સ્નાન માટે મોકલીને દ્રૌપદીને જગાડીને દુર્વાસા ઋષિ એમનાં શિષ્યો સાથે આવ્યા છે અને ભોજન કરવાનાં છે એ વાત જણાવી. એ સાંભળીને દ્રૌપદી ગભરાઈ અને શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું. શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને સૂર્યની આપેલી થાળીમાં શાકપત્ર ઉપજાવી બધાંના દેખતાં પોતે ખાધું. જેવા શ્રી કૃષ્ણ જમીને તૃપ્ત થયા ત્યાં જ ચમત્કાર થયો - દુર્વાસા ઋષિ અને સઘળા ઋષિઓ પણ તૃપ્ત થયા. તેથી 'યુધિષ્ઠિરનું કલ્યાણ થાઓ' એવો આશીર્વાદ આપી તેઓ ત્યાંથી જતા રહ્યા હતા.


કુંતીને આશીર્વાદ

મહાભારતમાં પાંડુરાજાની પત્નિ કુંતીએ જે મંત્રો દ્વારા પાંડવોનો જન્મ કર્યો હતો એ મંત્રો એને દુર્વાસા ઋષિએ જ વરદાન સ્વરૂપે આપ્યાં હતાં. તેમણે કુંતીને વરદાનમાં મંત્ર આપ્યો હતો કે જેનાથી તે જે પણ દેવને ઈચ્છે તે દેવ પાસેથી પુત્ર પ્રાપ્ત કરી શકે. કુંતીએ આ મંત્રનો ઉપયોગ કરી નીચે મુજબનાં દેવો પાસેથી પુત્રોની પ્રાપ્તિ કરેલ.

સૂર્યદેવનાં આશિર્વાદથી કર્ણ

યમરાજનાં આશિર્વાદથી યુધિષ્ઠિર

વાયુદેવનાં આશિર્વાદથી ભીમ

ઈન્દ્રદેવનાં આશિર્વાદથી અર્જુન

અશ્વિનીકુમારના આશિર્વાદથી માદ્રી (પાંડુરાજાની બીજી પત્નિ)ને સહદેવ અને નકુળ


અંબરીશ સાથે મેળાપ (શિવ પુરાણ)

શિવ પુરાણમાં વર્ણવ્યા મુજબ અંબરીશે દુર્વાસા ઋષિને ભોજન કરાવતાં પહેલાં વ્રત તોડીને દુર્વાસાનું અપમાન કર્યું. આથી દુર્વાસા ઋષિએ અંબરીશને મારી નાખવાનો નિર્ણય કર્યો. અંબરીશને બચાવવા માટે સુદર્શન ચક્ર ઉપસ્થિત થયું, પરંતુ દુર્વાસાના રૂપમાં સાક્ષાત શિવ ભગવાનને જોઇ ચક્ર રોકાઇ ગયું. એ સમયે એક આકાશવાણી થઇ. નંદીએ કહ્યું કે અંબરીશની પરીક્ષા લેવા માટે સ્વયં શિવ ભગવાન આવ્યા છે એટલે અંબરીશ શિવ ભગવાન પાસે ક્ષમા માગી લે. અંબરીશે ક્ષમા માગી અને દુર્વાસા મુનિએ પણ એને આશીર્વાદ આપ્યા.


દુર્વાસા ઋષિને કેમ ભાગવું પડ્યું?

દુર્વાસા ઋષિના આશ્રમ પાસે યમુનાના બીજા કિનારે મહારાજ અંબરીષનો મહેલ હતો. રાજા અંબરીશ વિષ્ણના પરમ ભક્ત હતા. એકવાર અંબરીશને એકાદશીનું વ્રત હતુ. વ્રત ખોલવાના સમયે દુર્વાસા ઋષિ અંબરીશના મહેલમાં પહોંચ્યા. અંબરીશે તેમને ભોજન માટે પ્રાર્થના કરી. દુર્વાસાએ કહ્યું કે તેઓ સ્નાન પછી જ ભોજન ગ્રહણ કરશે. તેઓ સ્નાન કરવા માટે નદી કિનારે ચાલ્યા ગયા.

ઋષિ દુર્વાસાની રાહ જોવામાં ઘણો સમય પસાર થઈ ગયો. રાજા અંબરીશે દેવતાઓને આહવાન કરી આહુતિ આપી અને ભોજનનો થોડો ભાગ ઋષિ માટે અલગ કરી દીધો. થોડા સમય પછી દુર્વાસા ઋષિ પરત આવ્યા.રાજા દ્વારા તેની રાહ ન જોવાના કારણે તેઓ ગુસ્સો થયા, ગુસ્સામાં તેમણે પોતાની જટામાંથી કૃત્યા નામની રાક્ષસી ઉત્પન કરી અને રાજા અંબરીશ ઉપર આક્રમણ કરવાની આજ્ઞા આપી.

ભગવાન વિષ્ણુએ ભક્તનું રક્ષણ કરવા માટે સુદર્શન ચક્ર છોડ્યું. રાક્ષસીનો વધ કર્યા પછી સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની પાછળ ગયું. દુર્વાસા ઋષિ પોતાને બચાવવા માટે તમામ લોકમાં ફરી વળ્યા. અંતે તેઓ શિવજીના ચરણમાં ગયા. શિવે તેમને વિષ્ણુ પાસે મોકલ્યા. વિષ્ણુએ કહ્યું કે તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે માટે જીવ બચાવવો હોય તો અંબરીશના ચરણમાં જાઓ.

અંતે દુર્વાશા અંબરીશ પાસે આવ્યા અને સુદર્શન ચક્રને રોકવાની પ્રાર્થના કરી. દયાળું રાજાએ ઋષિની વાત માની અને સુદર્શન ચક્રને પોતાના સ્થાન પર જવાનું કહ્યું. આ રીતે ઋષિ દુર્વાસાના જીવમાં જીવ આવ્યો.


અંબરીશ સાથે મેળાપ (શ્રીમદ ભાગવત)

શ્રીમદ્ ભગવદ્દ ગીતામાં અંબરીશની સાથે દુર્વાસા ઋષિના ઝઘડાની કથા ખૂબ જ જાણીતી છે. અંબરીશ રાજા ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને હંમેશા સાચું બોલતા હતા. અંબરીશે પોતાના રાજ્યની સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે પૂરી શ્રધ્ધાથી એક યજ્ઞ કરાવ્યો હતો. એક વાર અંબરીશે દ્વાદશીનું વ્રત કર્યું હતું, જેમાં એકાદશીએ વ્રતની શરુઆત થાય અને બારસના દિવસે વ્રત પૂર્ણ થાય છે. વ્રત પૂર્ણ થયા બાદ સાધુજનોને ભોજન કરાવવાનું હોય છે. જ્યારે આ દ્વાદશીના દિવસે વ્રત પૂર્ણ થવા આવ્યું ત્યારે અંબરીશના ઘરે દુર્વાસા મુનિ પધાર્યા. અંબરીશે દુર્વાસા મુનિનું સાદર સ્વાગત કર્યું. અંબરીશે એમને ભોજન કરવા માટે આગ્રહ કર્યો. દુર્વાસાએ અંબરીશના આગ્રહનો સ્વીકાર કર્યો અને કહ્યું કે જ્યાં સુધી તેઓ નદીએ જઈ સ્નાન કરીને ન આવે ત્યાં સુધી અંબરીશે વ્રત પૂર્ણ કરવું નહીં. ઘણો સમય વીતી ગયો, પરંતુ દુર્વાસા મુનિ આવ્યા નહીં. અંબરીશે વ્રત પૂર્ણ કરવાનું હતું. ગુરુ વશિષ્ઠના આગ્રહને કારણે અંબરીશે તુલસી-પત્ર વડે પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યો અને દુર્વાસા મુનિની પ્રતિક્ષા કરવા લાગ્યા. દુર્વાસા ઋષિને એમ લાગ્યું કે એમના આવવા પહેલાં વ્રત પૂર્ણ કરી અંબરીશે એમનું અપમાન કર્યું, આથી ગુસ્સે ભરાયેલા દુર્વાસાએ પોતાની જટામાંથી એક રાક્ષસ પેદા કર્યો અને એને અંબરીશને મારવા માટે કહ્યું. આ સમયે ભગવાન નારાયણના સુદર્શન ચક્રએ રાક્ષસનો વધ કર્યો અને અંબરીશની રક્ષા કરી. ત્યાર પછી સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિનો પીછો કરવા લાગ્યું. આથી ભયભીત થયેલા દુર્વાસા ઋષિ પહેલાં બ્રહ્મા અને પછી શિવ પાસે પોતાના રક્ષણ માટે ગયા. બધાએ દુર્વાસા ઋષિને બચાવવા માટે પોતાની અસમર્થતા જાહેર કરી અને કહ્યું કે તેઓ ભગવાન વિષ્ણુ પાસે જાય. ભગવાન વિષ્ણુએ તેમને અંબરીશ પાસે ક્ષમા માંગવા કહ્યું. આખરે દુર્વાસા ઋષિએ અંબરીશ પાસે માફી માંગી. અંબરીશે ભગવાન વિષ્ણુને યાદ કર્યા અને એમને દુર્વાસા મુનિની રક્ષા માટે પ્રાર્થના કરી. અંતે ભગવાન વિષ્ણુ દુર્વાસા ઋષિને માફ કરી પોતાનું સુદર્શન ચક્ર પાછું બોલાવી લે છે.


ઋષિ દુર્વાસાના ચરણોમાં કોટિ કોટિ વંદન🙏

વાંચવા બદલ આભાર.🙏

સ્નેહલ જાની

Rate & Review

Barot Manish

Barot Manish 2 years ago

Shefali

Shefali Matrubharti Verified 2 years ago

bhavna

bhavna 2 years ago

Mrs. Snehal Rajan Jani

ઋષિ દુર્વાસા વિશે સરસ માહિતી.

Hetal Togadiya

Hetal Togadiya 2 years ago

Share