Aage bhi jaane na tu - 48 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 48

પ્રકરણ - ૪૮/અડતાલીસ

ગતાંકમાં વાંચ્યું....

જોરુભા, નટુભા, અનંતરાય, અનન્યા, રતન, રાજીવ, માયા અને મનીષ, આ આઠે જણ એકબીજા સામે આવે છે. મનીષને મારવા જઈ રહેલા નટુભાને રતન રોકી લે છે. રાજીવ અને અનન્યા આવી પડેલ સમસ્યાનો તોડ શોધવા મથી પડે છે અને ત્યાં જ અણધારી આફત જેવા અણગમતા અતિથીનું આગમન થાય છે....

હવે આગળ....

આઠેય જણ અત્યારે ક્ષોભ, ક્રોધ, અકળામણની અકથ્ય અને અકલ્પનીય ધારાના વહેણમાંથી પસાર થઈ રહ્યા હતા. ન કહેવાય ન સહેવાયની બેધારી તલવાર પર બધા ઉભા હતા.

આ આઠેય જણ સામાન્ય સ્થિતિમાં પાછા આવે એ પહેલાં જ રેતીની ડમરીઓ ઉડાડતા ઊંટ પર સવાર બે વ્યક્તિઓને આવતાં જોઈ પોતાનું બધું દુઃખ અને પીડાને એક પડખે મૂકી આવનાર વ્યક્તિઓ તરફ ફર્યા. ઊંટે જેવો પ્રાંગણમાં પ્રવેશ કર્યો એટલે એના પર બેઠેલી બંને વ્યક્તિઓ નીચે ઉતરી અને એ બંનેને જોઈ બધાય જે સ્થિતિમાં હતા એમ જ પૂતળાની જેમ ઉભા રહી ગયા. એ બંને વ્યક્તિ હતા જમનાબેન અને ખીમજી પટેલ......

આટલી ઉમરેય ખીમજી પટેલને સ્ફૂર્તિથી ઊંટ પરથી ઉતરતા બધા જોઈ રહ્યા. પછી ઊંટને બેસાડી જમનાબેનને નીચે ઉતારી.

"તમારા બધાંયના મનમાં એક જ પ્રશ્ન ચાલે છે ને કે અમે બેય અહીંયા કેમ, ક્યાંથી, કેવી રીતે.." ખડખડાટ હસતા ખીમજીબાપા મૂછો પર હાથ ફેરવી રહ્યા હતા, " જમના તેં આ એક કામ સારું કર્યું કે જોરુભાને ધમકાવી, મારી ભાળ મેળવી મનેય તારી હારે અહીંયા લઈ આવી."

બધી રકઝકમાં માયા અને મનીષ રઘવાયા બની આમતેમ નજર ફેરવી છટકવાની કોશિશ કરી રહ્યા હતા પણ એક જ છલાંગે રતન એમની સામે જઈને ઉભો રહ્યો. એના મનમસ્તિષ્કમાં ફાટેલા આક્રોશના જ્વાળામુખીમાંથી અકળામણ અને આંસુ લાવા બની વહી રહ્યા હતા.

"મા...યા..., તેં આ શું કર્યું? એકવાર પણ મારો વિચાર ન આવ્યો તને? આટલી જ પ્રીત નિભાવી જાણી? એક વખત જો મને વાત કરી હોત તો...., મનમાં તો એવું થાય છે કે અહીંયા, આ જમીનમાં તને દાટી દઉં અને આ મનીષને એક જ ભડાકે ઉપર પહોંચાડી દઉં પણ હું એટલો નમાલો નથી કે એક સ્ત્રી પણ હાથ ઉપાડું. એક ભાગેડુ અને કાયર આદમી સાથે નાસી જતાં તને આપણા રાજપૂત અને જાડેજા ખાનદાનનું માન, એનો મોભો અને એની મર્યાદા પણ ભૂલી ગઈ. આટલો વખત મારી સાથે રહી પણ મને ઓળખી ન શકી એનો વસવસો મને જીવનભર રહેશે. કેમ....કેમ...તેં આવું કર્યું માયા, જવાબ આપ મને...." માયાને બંને બાવડેથી ઝાલી રતને એને હચમચાવી નાખી અને એક હડસેલો મારી એ મનીષ તરફ ફર્યો.

"અને ... તનેય એક વાર વિચાર ન આવ્યો કે એક ખોટું અને ઉતાવળું પગલું કેટલી જિંદગીમાં ઝંઝાવાત લઈ આવશે, કેટલીય જિંદગીની દિશા અવળા માર્ગે ફંટાઈ જશે, બરબાદ થઈ જશે." જીન્સની કમરે ખોસેલી રિવોલ્વર કાઢી રતને મનીષના લમણે તાકી દીધી.

રતન આવેશમાં આવીને ક્યાંક આડુંઅવળું પગલું ભરી ન બેસે એ વિચારે રાજીવ પણ એને વારવા માટે દોડ્યો.

"મનીષકુમાર, કોઈ નહિ ને તમે મારી જ બેન...., અરે રોશનીનો વિચાર સુધ્ધાં ન આવ્યો. તમારા સુખી લગ્નજીવનની ઈમારતનો પાયો આટલો કાચો હશે એ મને ખબર નહોતી. એક નાનકડી તિરાડ અને આખું મકાન ધ્વસ્ત થઈ ગયું. જ્યારે રોશનીને આ વાતની ખબર પડશે ત્યારે એની મનોદશા શું થશે એ તમે જાણો છો? હજી તો તમે બંને એકબીજાનો હાથ પકડી ભવિષ્યની ડગર પર પા-પા પગલી ભરી જ હતી અને બેયના રસ્તા ફંટાઈ ગયા. શું મળ્યું તમને આ કરીને? અને તમારા મોઢા પર તો પસ્તાવાની એક રેખાય નથી દેખાતી. આટલા નફ્ફટ અને નીચલી કક્ષાની વ્યક્તિ હશો એ તો અમે સ્વપ્નેય નહોતું વિચાર્યું.

"હવે જો તમારા બેઉનું ભાષણ પૂરું થયું હોય તો મહેરબાની કરી અમને અહીંથી જવા દો. અમે ધારત તો અહીં આવ્યા પહેલાં જ રફુચક્કર થઈ ગયા હોત પણ ....." મનીષનો ધારદાર અવાજ રાજીવના અવાજમાં ભળી ગયો.

"પ..ણ....શું ને બ...ણ...શું, તમારા બંનેને લીધે ભોગવવું તો બધાને પડશે એના વિશે જો તમે વિચાર કર્યો હોત ને તો આ પગલું ઉપાડવા માટે તમારા પગ જ ન ઉપડત અને ચારેય પરિવારની આબરૂના લીરે-લીરા ઉડાડવાનો ખ્યાલ પણ મનમાં ન આવત." રાજીવ સંબંધોના સમીકરણનું સ્પષ્ટીકરણ સમજાવી રહ્યો હતો.

"રાજીવ... આવા લોકોને સમજાવવાનો અર્થ એટલે પ્રયત્ન વ્યર્થ. મારી સ્થિતિ તો સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. ન તો હું મારો ગુસ્સો ઓકી શકું છું કે ન તો એને ગળી શકું છું. હું ભગવાન નથી કે ભક્તોની ભૂલ ભૂલી માફ કરી દઉં. હું તો પ્રેમના પ્રવાહમાં વહેતો, લાગણીઓથી ધબકતો અદનો ઇન્સાન છું. ન હું મારી જાતને સજા આપી શકું છું કે ન આ બંનેને."

"રતન... આ બંનેએ ભૂલ નહિ પણ ગંભીર ગુનો કર્યો છે, એની સજા એમને જરૂર મળશે અને એ આપણે નહિ પણ ઉપરવાળો આપશે. તું શાંત થા મારા ભાઈ. જે બનવાકાળ હતું એ બની ગયું. કોઈ ને કોઈ માર્ગ જરૂર નીકળશે."

"રાજીવ, શું ધૂળ ને ઢેફાં મારગ નીકળશે. એમની સજા તય છે અને એ છે મો....ત.... અને એ સજા આપશે આ રતન રાજપૂત..." રતને રિવોલ્વરના ટ્રિગર પર હાથ મુક્યો પણ રાજીવે એના હાથમાંથી રિવોલ્વર છીનવી લઈ ધૂળિયા જમીન પર ઘા કરી દીધી અને રતનને વળગી પડ્યો, " દૂર કરી નાખ આ બેયને મારી નજરોથી, રાજીવ...." રતન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એનું દિલ અને હિંમત બંને તૂટી ગયા હતા. એના સપનાઓ ચકનાચૂર થઈ કાચની જેમ વિખેરાઈ ગયા હતા અને એની અણીઓ શૂળની જેમ એના હૃદયમાં ભોંકાઈ રહી હતી.

"તમારી છોડીએ તો અમને ક્યાંય મોં બતાડવા લાયક ન રાખ્યા નટુભા, એની આ હરકત માફીને લાયક નથી. મારા દીકરાનું જીવતર ધૂળ કરી નાખ્યું એણે..." જોરુભાએ જીભાજોડી ચાલુ રાખી.

"વાંક એકલી મારી છોડીનો નથી જોરુભા, તમારા દીકરામાં કોઈ ખોટ હશે એટલે જ એના પગ બીજે વળ્યા. તાળી ક્યારેય એક હાથે ન પડે... હમજયા તમે..." નટુભા પણ ગાંજ્યા જાય એમ નહોતા.

"જો આમ એકબીજા પર આરોપ લગાડી દોષી ઠેરવતા રહેશું તો કાંઈ વળવાનું નથી. અત્યારે બળથી નહિ પણ કળથી કામ લેવું પડશે. જો વડીલો જ આમ આપસમાં લડ્યા કરશે તો છોકરાઓને કોણ સમજાવશે?" અનંતરાય બંનેને સમજાવી શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

"જુઓ, તમે આમ જ મગજમારી કરતા રહેશો તો કમરપટ્ટા અને રહસ્ય બંનેથી હાથ ધોઈ બેસશો. એ બેશકિમતી કમરપટ્ટાની મો માંગી કિંમત તો અમને બજારમાં કોઈપણ ઝવેરી આપી દેશે પણ રહસ્ય હંમેશ માટે આ આઝમગઢની રેતીમાં દફન થઈ જશે." ચાલાકીભર્યા ખંધા હાસ્ય સાથે ખીમજી પટેલ આગળ આવ્યા.

"નથી જોઈતો અમને કોઈ કમરપટ્ટો ને નથી જાણવું કોઈ રહસ્ય. મારા માટે રતનથી વિશેષ કાંઈ જ નથી, કાંઈપણ નહિ.... રતન ખુદ જ એક અમૂલ્ય હીરો છે જે મારા સદનસીબે મને મળ્યો છે અને એની વિસાતમાં બધા રત્નો મારા માટે ફક્ત પથ્થર છે... પથ્થર.... ચાલો પપ્પા, ચાલો બાપુ આપણે પાછા જતા રહીએ." રાજીવના મનની વાત હોઠો પર આવી ગઈ.

"પણ.... મને મારો કમરપટ્ટો પાછો જોઈએ છે." અનન્યાનો બદલાયેલો અને કાંપતો અવાજ સાંભળતા જ બધા એની તરફ વળ્યા ને જોયું તો એના ચહેરા પર અસ્તવ્યસ્ત લહેરાતી લટોમાંથી તાકી રહેલી લાલઘૂમ આંખો બધાના શરીરમાં ભયનું લખલખું જન્માવી ગઈ અને સૌ બે-ચાર ડગલાં પાછળ ખસી ગયા.

"અ...ન...ન્યા.... " રાજીવે જોરથી બૂમ પાડી.

"કોણ અનન્યા...હું કોઈ અનન્યા નથી, હું છું ત...રા...ના." અનન્યા રાજીવ તરફ આગળ વધી રહી હતી.

"આ તો સ્પ્લિટ પર્સનાલીટી ડિસઓર્ડર જેવું થઈ ગયું નહિ માયા, આના શરીરમાં ભૂલભુલૈયાની મંજુલિકાએ પ્રવેશ કર્યા જેવું લાગે છે." મનીષ માયાના કાનમાં ગણગણી રહ્યો હતો.

રણની શાંત રેતમાં અચાનક વંટોળ ચડ્યો હોય અને ધૂંધળા વાતાવરણમાં અટવાઈને પોતાનો જીવ બચાવવા હવાતિયાં મારતા મુસાફર જેવી સ્થિતિ અત્યારે આ બધાયની હતી. મઝધારે પહોંચ્યા પછી નાવ ડૂબવા લાગે અને કિનારો સામે હોવા છતાંય બચવાની આશા ન હોય ત્યારે આમાંથી રસ્તો નીકળવાની ઉમ્મીદ સાથે મનોમન બધા પોતપોતાના ઈશ્વરને યાદ કરવા લાગ્યા.....

વધુ આવતા અંકે....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.