Aapna Mahanubhavo - 22 books and stories free download online pdf in Gujarati

આપણાં મહાનુભાવો - ભાગ 22 - શ્રી અટલ બિહારી વાજપેયી

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
મહાનુભાવ:- શ્રી અટલ બિહારી વાજપેયી વિશે માહિતી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


અટલ બિહારી વાજપેયીજીનો જન્મ 25 ડિસેમ્બર 1924નાં રોજ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં ગ્વાલિયરમાં થયો હતો. તેઓ સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ જે હવે લક્ષ્મીબાઈ કોલેજ તરીકે ઓળખાય છે, તેમાંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી. ઉપરાંત તેઓ સાહિત્ય, કળા, વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ ઉપલબ્ધીઓ ધરાવે છે.

તેઓ ભારતના રાજનેતા અને કવિ હતા. વાજપેયીજી દ્વારા લખાયેલ ગઝલ સંગ્રહો 'નયી દિશા' અને 'સંવેદના'ને પ્રખ્યાત ગઝલ ગાયક સ્વ. જગજીત સિંહે સ્વરબદ્ધ કર્યા છે.

પ્રજાસત્તાક ભારતનાં ૧૦મા વડાપ્રધાન તરીકે તેમણે નીચે મુજબનાં અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ દરમ્યાન સેવા આપી હતી.

ઈ.સ. 1996માં 13 દિવસ
ઈ. સ. 1997 થી ઈ.સ. 1998માં 13 મહિના
ઈ.સ. 1999 - ઈ. સ. 2004 5 વર્ષ

વાજપેયીજી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હીમાંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા. ઈ સ. 1969 થી ઈ સ. 1972 દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ એટલે કે હાલની ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા.

તેઓ વડાપ્રધાન તરીકે કાર્યરત હતા ત્યારે કે.આર. નારાયણ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, શંકર દયાલ શર્મા જેવા રાષ્ટ્રપતિઓ થઈ ગયા. વ્યવસાયે તેઓ લેખક, કુશળ રાજકારણી, અને સંવેદનશીલ કવિ હતા. ભારત સરકાર તરફથી ઈ. સ. 1992માં પદ્મવિભૂષણ અને ઈ. સ. 2015માં તેમને ભારત રત્ન એવૉર્ડ એનાયત થયાં હતાં.


શ્રી વાજપેયીજીને મળેલ ખિતાબો:-

ઈ. સ. 1993 કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી

ઈ. સ. 1994 લોકમાન્ય તિલક ખિતાબ

ઈ. સ. 1994 શ્રેષ્ઠ સંસદસભ્ય

ઈ. સ. 1994 ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ

ઈ. સ. 2015 ભારત રત્ન


ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને ભારતરત્ન એવોર્ડ મળ્યા પછી સૌથી પહેલા અભિનંદન આપનારા વાજપેયીજી જ હતા. તેમણે તો કલામ સાહેબને પોતાનાં મંત્રી મંડળમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. જેનો એક દિવસનાં ગહન વિચાર બાદ કલામ સાહેબે 'ના'માં જવાબ આપ્યો હતો.

ભારતરત્ન માટે ડૉ. કલામની પસંદગી પણ વાજપેયીજીએ જ કરી હતી. ઉપરાંત દેશનાં રાષ્ટ્રપતિ બનવા માટે ડૉ. કલામને મનાવનાર પણ વાજપેયીજી જ હતા.

પોખરણમાં પરમાણુ પરીક્ષણની મંજુરી આપનાર શ્રી વાજપેયીજી જ હતા. આ માટે ડૉ કલામે એમને આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "હવે તમે સમજી ગયા હશો કે શા માટે મેં તમારા મંત્રીમંડળમાં આવવાની ના પાડી?" આ બંને નેતાઓ માટે દેશ સૌથી પહેલા હતો.

તેઓ જનસંઘના વરિષ્ઠ નેતા અને ભાજપના ઈષ્ટ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંગત સહયોગી રહ્યા હતા. દીનદયાળ ઉપાધ્યાય વાજપેયીજીને પોતાનાં ભાઈ ગણાતા હતા.

વાજપેયીજી હળીમળીને કામ કરવામાં માનતા હતા. વાજપેયીજીની કાર્યશૈલી એટલી તો નિર્વિવાદ હતી કે તેમના વખાણ તેમના પક્ષના નેતા, વિપક્ષના સભ્યો અને ખુદ જવાહરલાલ નહેરુ પણ કરતા હતા.

ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈની કેબિનેટમાં જ્યારે તેઓ વિદેશ મંત્રી હતા ત્યારે તેમની કૂટનીતિ ખૂબ જ પ્રસંશા થઈ હતી.

પોતાના કાર્યકાળ દરમિયાન વાજપેયીજીએ પાકિસ્તાન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. જેનાં ભાગરૂપે ઈ.સ.1999માં દિલ્હી અને લાહોર વચ્ચે બસ સેવા શરૂ થઈ હતી. તેઓ દોસ્તીનો સંદેશ લઈને લાહોર સુધી ગયા હતા અને પાકિસ્તાનમાં નવાઝ શરીફને ઉમળકાભેર મળ્યા હતા.

ઈંદિરા ગાંધી બાદ તેઓ બીજા વડા પ્રધાન હતા કે જેમણે અણુ પરીક્ષણ કરાવ્યું હતું. 24 વર્ષ બાદ વાજપેયીના કાર્યકાળમાં જ દેશે ઈ. સ. 1998માં પોખરણ-2 નામે અણુ ધડાકો કર્યો હતો. પરમાણુ પરીક્ષણ કર્યા બાદ અમેરિકાએ ભારત પર પ્રતિબંધ લગાવી દીધા હતા. એ વખતે વાજપેયી જ હતા કે જેમણે આંતરારાષ્ટ્રીય મંચ પર ભારતને મજબૂત બનાવ્યો હતો.

કારગીલના યુદ્ધમાં ભારતે મેળવેલા વિજયને વડા પ્રધાન વાજયેપીની સિદ્ધિ ગણવામાં આવે છે. એ વખતે ભારત અને પાકિસ્તાનનાં સંબંધો બગડ્યા હતાં. પરંતુ ઈ. સ. 2001માં આગ્રા ખાતે પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફને આમંત્રણ આપ્યું હતું અને બન્ને દેશો વચ્ચે સંબંધ સુધારવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા.

ઈ. સ. 1994થી 2004 સુધી જ્યારે તેઓ વડાપ્રધાન રહ્યા હતા ત્યારે ઈન્ડિયન એર લાઈન્સનાં વિમાન અપહરણ, 2001માં સંસદ પર આતંકવાદી હુમલો, આર્થિક સુધારણા, નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ, ગુજરાતમાં 2002માં ગોધરા કાંડ અને કોમી રમખાણ જેવી ઘટનાઓ બની હતી. આ સમયે તેમણે જ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પોતાનો રાજધર્મ નિભાવવા કહ્યું હતું.

તેમણે લગ્ન કર્યા નહોતા, પરંતુ એક દિકરી દત્તક લીધી હતી, જેનું નામ નમિતા છે.


13નાં અંક સાથે વાજપેયીજીનો સંબંધ:-

વાજપેયીજીને 13નાં અંક સાથે ઘણી લેવાદેવા હતી, જે મોટા ભાગના લોકો અપશુકનિયાળ માને છે. કેટલાક લોકોએ આ અંકને તેમના રાજકીય જીવન માટે અશુભ ગણ્યો. પરંતુ આ બધાને નકારતા તેમણે આ અંકને ન તો શુભ માન્યો કે ન તો અશુભ. તેઓ તો બસ તેમનું કામ કરતા રહ્યા.

વાજપેયીજીએ પહેલીવાર 13 મે 1996ના રોજ દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. તેના બરાબર 13 દિવસ બાદ બહુમત સાબિત ન કરી શકવાના કારણે તેમની સરકાર પડી ગઈ. વાજપેયીજીની જ્યારે બીજી વાર સરકાર ઈ. સ. 1998માં બની ત્યારે જયલલિતાજીએ ટેકો પાછો ખેંચી લેતાં એ સરકાર પણ ફક્ત 13 મહિના જ ચાલી શકી હતી.

અટલ બિહારી વાજપેયીજી જ્યારે ત્રીજી વાર ઈ. સ.1999માં પ્રધાનમંત્રી બન્યા તો તેમણે 13 પક્ષોના ગઠબંધનથી સરકાર બનાવી હતી. જેની શપથ તેમણે 13 ઓક્ટોબર 1999ના રોજ લીધી હતી. તે વખતે તેમની સરકારે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો અને પાંચ વર્ષ સુધી રહી હતી.

13ના આ ફેરને અનેક લોકો સમજવા લાગ્યા હતા. તેનાથી બચવાનું પણ તેમને કહેવાયું હતું. પરંતુ તેઓ ન માન્યા અને 13 એપ્રિલ 2004ના રોજ તેમણે નામાંકન ભર્યું. 13મેના રોજ થયેલી મતગણતરીમાં ભાજપે સત્તા ગુમાવવી પડી. આમ છતાં અટલ બિહારી વાજપેયી ક્યારેય માન્યા નહીં કે તેમના જીવનમાં કોઈ નંબર શુભ છે કે અશુભ.

તેઓએ જાણો રાષ્ટ્રધર્મ( હિન્દી માસિક ), પંચજન્ય(હિન્દી અઠવાડિક) તથા સંદેશ અને વીર અર્જુન જેવા દૈનિક પત્રોનું સફળ સંપાદન કર્યું.


તેમનાં પ્રસિધ્ધ પુસ્તકો:-

મેરી સંસદીય યાત્રા
મેરી ઈક્વાયત કવિતાઓ
સંક્લ્પકાલ
શક્તિ એ શાંતિ
સાંસદ ભવનમાં ચાર દાયકા (સભાસદનું વચન)
લોકસભા એ અટલજી મૃત્યુ યા હત્યા
અમર બલિદાન
કૈદી કવિરાજ કી કુંડલીયા
ભારતીય – વિદેશ નીતિના નવા આયામો
જનસંઘ ઔર મુસલમાન
સંસદ મેં તીન દશક
અમર આગ રે

વાજપેયીજી વિવિધ સામાજિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ પોતાનું પ્રદાન આપી ચૂકયા છે.

1. પ્રમુખ, અખિલ ભારતીય સ્ટેશન માસ્ટર અને નાયબ સ્ટેશન માસ્ટર એસોસીયેશન (1965 થી 1970)
2. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મારક સમિતિ (1968 થી 1984)
3. દીનદયાળ ધામ, ફરાર, મથુરા, યુ.પી.
4. જન્મ ભૂમિ સ્મારક સમિતિ

આ ઉપરાંત તેઓએ

જનસંઘ (1951)નાં સ્થાપક સમયનાં સભ્ય,
ભારતીય સંઘના પ્રમુખ(1968 થી 1973 ),
જનસંઘ સંસદીય પક્ષના નેતા (1955 થી 1977) , જનતાપાર્ટીનાં સ્થાપક સભ્ય (1977 થી 1980) , ભાજપના પ્રમુખ(1980 થી 1986)
ભાજપના સાંસદ તરીકે 1980 થી 1984 , 1986 – અને 1993 થી 1996 દરમિયાન રહી ચૂકયા છે.
11મી લોકસભા દરમિયાન તેઓએ વિરોધપક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી હતી.

વર્ષ 1998 થી 1999 દરમિયાન જયારે સમ્રગ વિશ્વ મંદીમાં સપડાયેલું હતું ત્યારે ભારતનો GDP – 5.8% નોંધાયો હતો, જે અગાઉના વર્ષ કરતા વધારે હતો.

શ્રી વાજ્પેયજી એ સાંસદ ની કેટલીક અગત્યની સમિતિઓ માં પણ આગળ પડતી જવાબદારી બજાવી હતી.

ચેરમેન, કમિટી ગવર્મેન્ટ એશોસિયેશન (1966 થી 1970), ચેરમેન પદ પબ્લિક્ એકાઉન્ટસ કમિટી (1967 થી 1990), મેમ્બર, જનરલ પબ્લિક કમીટી (1986),
મેમ્બર, હાઉસ કમીટી , મેમ્બર , બિઝનેશ એડવાઈઝર કમિટી ,
ચેરમેન, કમીટી અઓન પિટીશન(1990 થી 1991)
ચેરમેન, પબ્લિક એકાઉન્ટ કમીટી(1991 થી 1993) ચેરમેન, સ્ટેન્ડીગ કમીટી ઓફ એક્સલન્સ એફ્સે

તેઓએ ભારતની આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો અને ઈ.સ. 1942માં જેલમાં ગયેલા. ઈ. સ. 1975 થી ઈ. સ. 1977ની કટોકટી વખતે પણ તેમણે જેલવાસ ભોગવેલો. તેઓએ દેશવિદેશની યાત્રા કરી હતી. ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સ્ત્રીઓ અને બાળકોનાં પ્રશ્નોને પણ વાચા આપવાનો પયત્ન કર્યો હતો.

લાલ કૃષ્ણ અડવાણી તેમને પોતાના ગુરુ માનતા હતા. એ બંનેની જોડી રાજકારણમાં 'રામ - લક્ષ્મણ'ની જોડી તરીકે પ્રખ્યાત હતી.


તેઓની કેટલીક અગત્યની વિદેશ યાત્રાઓ:-

નેન્બર, પાર્લામેન્ટ ગુડવિલ મિશન ટુ ઈસ્ટ આફ્રિકા ઈ. સ. 1965

પાર્લામેન્ટરી ડેલીગેશન ટુ ઓસ્ટ્રેલિયા ઈ. સ. 1967

યુરોપિયન પાર્લામેન્ટ ઈ. સ. 1983

કેનેડા ઈ. સ. 1987

ઈન્ડિયન ડેલીગેશન ટુ કોમન વેલ્થ પાર્લામેન્ટ્રી એસોસિએશન

ઈન્ડિયન ડેલીગેશન ટુ ધ યુ.એન. જનરલ એસોસિએશન
(ઈ. સ. 1988, 1990, 1991, 1992, 1993, 1994)

લીડર ઈન્ડિયન ડેલીગેશન ટુ ધ હ્યુમન રાઈટ્સ કમિશન કૉન્ફરન્સ, જીનીવા ઈ. સ. 1993


મૃત્યુ:-
તેમનું મૃત્યુ 16 ઓગસ્ટ 2018નાં રોજ નવી દિલ્હીમાં એઈમ્સ ખાતે થયું હતું. વિદેશ સહિતના અનેક મહાનુભાવોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વાજપેયીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના દત્તક પુત્રી નમિતાએ તેમને મુખાગ્નિ આપ્યો હતો. વાજપેયીજીને ઓઢાડેલ રાષ્ટ્રધ્વજ તેમની પૌત્રી નિહારિકાને આપવામાં આવ્યો હતો.

ભૂતાનના રાજા, બાંગ્લાદેશના વિદેશ પ્રધાન, નેપાળના વિદેશ પ્રધાને અંતિમ વિધી સમયે હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

અંતે જોઈએ એમની ખૂબ જ યાદગાર અને પ્રચલિત પંક્તિઓ જે તેમણે પોતાનાં મૃત્યુ સંદર્ભમાં લખી હતી:

મૌત કી ઉમ્ર ક્યા હૈ? દો પલ ભી નહીં,

જિંદગી સિલસિલા, આજ કલ કી નહીં.

મેં જી ભર જીયા, મેં મન સે મરું,

લૌટકર આઉંગા, કૂચ સે ક્યોં ડરું?

આવા મહાન કવિ, કુશળ લેખક, સફળ રાજનેતા અને સૌ સાથે મિત્રતા કેળવનાર મહાન નેતાને કોટિ કોટિ વંદન🙏


વાંચવા બદલ આભાર🙏


સ્નેહલ જાની