Aage bhi jaane na tu - 51 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 51

પ્રકરણ - ૫૧/એકાવન

ગતાંકમાં વાંચ્યું.....

તરાનાના પીડાદાયક પ્રવાસકથાના સાક્ષી બનેલા સૌને તરાના કમરપટ્ટો મંદિરમાં જ હોવાની જાણ કરે છે સાથે સાથે એ કમરપટ્ટો મેળવવા બપોરના બે વાગ્યા સુધીનો સમય આપે છે. મનીષ-માયા અને રતન-રાજીવ મંદિરમાં જાય છે અને બીજા બધા મંદિરની બહાર ઓટલે જ બેસે છે. આમિર અને જમના સાથે તરાના મંદિરના પ્રાંગણમાં ઓટલે રાહ જોતી બેસે છે.....

હવે આગળ.....

"રાજીવ, આ મંદિરમાં વર્ષો પહેલાં પણ કોઈ એવી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે જે આપણી સમજશક્તિની બહાર છે. વૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને આંતરિક દ્રષ્ટિએ આવું પણ બની શકે એ ક્યારેય સ્વપ્નેય વિચાર્યું નહોતું."

આજુબાજુ જોતા આગળ વધતા વધતા રતન અને રાજીવ શિવલિંગની સામે આવી ઉભા રહ્યા....

"રાજીવ, જો બધા કિરણો એક સાથે આ શિવલિંગની ત્રીજી આંખ પર પડે અને અહીંથી પરાવર્તિત થઈ સીધા ઉંબરે... એટલે આપણે જો અહીંથી શરૂઆત કરીએ તો...." રતન ઉંબરા તરફ ફર્યો.

"રતન....મારા દોસ્ત, તેં મનીષકુમારની હાલત જોઈ ને... તો આપણે હવે એવા કોઈ અળવીતરા નથી કરવા. આમેય બાર વાગવામાં હવે થોડોક જ સમય બાકી રહ્યો છે."

"એ મનીષ એ જ લાયક હતો, એ નાનકડાં તીર એના હાથને બદલે હૈયામાં વાગ્યા હોત તો સારું થાત."

"રતન....રતન.... ક્રોધને કાબુમાં કરવાની કલા કારગત કરીશ તો વેરની વસુલાતનો વિચારેય નહિ આવે. તારું મન સાવ શાંત સરોવર જેવું કરી દે, જો વિચારની એક કાંકરીય એમાં પડશે ને તો કેટલાય વમળ સર્જાશે અને તું એના ઘેરાવામાં ફસાઈ જઈશ તો બહાર નીકળવું મુશ્કેલ બનશે, માટે શાંત ચિત્તે બધા વિચારોને બહાર કાઢ કેમકે જે બની ગયું એ બની ગયું. આગળ શું કરવું એનો વિચાર કર..જરૂર કોઈને કોઈ રસ્તો નીકળશે." રાજીવ રતનના ખભે હાથ મૂકી એને સમજાવવાની સાથે-સાથે આશ્વસ્ત પણ કરી રહ્યો હતો, "ચિંતા મને રોશનીની થાય છે. એને આ વાતની ખબર પડશે ત્યારે એના માથે શું વીતશે?" એના લગ્નજીવનનો રથ હજી ચાર કદમ માંડ ચાલ્યો હતો ત્યાં જ મનીષ નામના પૈડાએ વળાંક લઈ લીધો અને હવે રોશની નામનું પૈડું એકલું કેટલું આગળ જશે અને ક્યાં જઈને અટકશે એ જ વિચારની ઉધઈ મારા મગજને કોરી ખાય છે."

"જોયું રાજીવ, મને તો તું મોટા ઉપાડે ના પાડતો હતો ને બહુ વિચારવાનું અને હવે તું ખુદ જ આ દલદલમાં ફસાતો જાય છે. ઉપરવાળાના ભરોસે બેસવા કરતા આપણે જ આનો નિવેડો લાવી દઈએ. કોઈ તારીખ નહિ, સીધો ફેંસલો જ.."

"અરે....અરે...!! રતન, શાંત....શાંત.... માનું છું કે હું પણ આ વિચારોમાંથી મુક્ત નથી થઈ શક્યો પણ મારું મન કહે છે કે ઉપરવાળો ન્યાય જરૂર કરશે. અત્યારે ધીરજ અને બુદ્ધિથી કામ લેવું પડશે આમ આકળા થયે આંબા નહિ પાકે, સમજ્યો મારા દોસ્ત... આ જ જીવન છે, અહીંયા ડગલે ને પગલે વિઘ્નો અને મુશ્કેલીઓવાળા, અણધાર્યા અને અનપેક્ષિત, અણગમતા અતિથિ જેવા આડાઅવળા, કાંટાળા, પથરાળ રસ્તાઓ પરથી ચાલવું પડે છે ત્યારે જ તો જીવનમાં રંગીન, ખુશ્બુદાર સુખની વસંત પથરાય છે."

"બ...સ..., બસ...રાજીવ બાબા, હવે આ જીવનપુરાણની ફિલોસોફી બંધ કરીએ, બાર વાગવામાં ત્રીસ જ મિનિટની વાર છે તો હવે....આપણે ત્રીનેત્રતરાનાકમરપટ્ટાખોજ અભિયાન શરૂ કરીએ" બે હાથ જોડી હસતાં-હસતાં રતન રાજીવના ચરણસ્પર્શની મુદ્રામાં ઉભડક બેસી ગયો.

"ચાલ હવે ઉભો થા, મારે થોડીક ગણતરી કરવી છે." રતનને બેઉ ખભેથી ઉઠાડી રતન એને પાછો શિવલિંગ તરફ લઈ ગયો.

"હવે શું ગણતરી કરવાની બાકી છે?" આશ્ચર્યના ભાવ રતનના ચહેરા પર રમી રહ્યા હતા.

"માની લે કે બધા સૂર્યકિરણો આ આંખ પર એકત્રિત થઈને રિફલેક્ટ થશે પણ... એ કેટલા સમય માટે, માત્ર થોડીક જ સેકંડો સુધી તો આપણે એ પ્રમાણે સમય સાથે તાલ મેળવી ઝડપથી આપણું કાર્ય પૂરું કરવું પડશે. ગણતરીનો સમય અને ગણતરીપૂર્વકનું કામ.. આપણે કાંઈક એવી તરકીબ અજમાવવી પડશે કે એ રિફલેક્ટેડ કિરણોને આપણે કેટલાક વધુ સમય સુધી રોકી રાખવા પડશે અને એનાથીય મોટો પ્રોબ્લેમ પેલા નાનકડા સોય-તીરનો છે, એને કેમ રોકવા...?" રાજીવ મનમાં ને મનમાં ગણતરી કરતો યોજના ઘડવા ઉભો રહ્યો.

"રાજીવની વાત પણ બરાબર છે, કંઈક તો એવું વિચારવું પડશે જેથી અમને પૂરતો સમય મળી રહે." મનોમન વિચારતો રતન ફરી મંદિરના દરવાજા પાસે આવી ઉભો રહી બારસાખનું નિરીક્ષણ કરતાં-કરતાં એને ઉંબરાની બાજુમાં બેહોશ પડેલી માયા દેખાઈ એટલે આંખોમાં ફરી ખારાશ તરી આવી પણ એને નજરઅંદાજ કરી બંને હાથ વડે માયાના મૂર્છિત દેહને ઊંચકી પગથિયું કુદાવતો નીચે ઉતર્યો અને છેલ્લે પગથિયે બેઠેલા મનીષના સહારે એને બેસાડી ફરી સડસડાટ પગથિયાં ચડી મંદિરમાં આવ્યો. એના ભાવવિહીન અને નિસ્તેજ ચહેરાને જોઈ જોરુભા, નટુભા, અનંતરાય અને અનન્યા મનોમન એના સુખી ભવિષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા.

"રાજીવ.... અહીંયા આવ, જો આપણે આમ બારણેથી આવ-જાવ કરીએ છીએ, ઉંબરો ઓળંગીએ છીએ ત્યારે તો ક્યાંયથી કોઈ તીર નથી છૂટતું પણ જ્યારે આપણે એને સ્પર્શ કરવાની કે ખોતરવાની કે એની સાથે કોઈ છેડછાડ કરવાની કોશિશ કરીએ તો જ તીર વછુટે છે એટલે સૌ પ્રથમ તો આપણે અહીંયા કોઈ આવરણ કે અવરોધ ઉભો કરવો પડશે તો જ આપણે આ ઉંબરને હાથ લગાડી શકીશું અને તેં કીધું એમ કિરણોને પણ વધુ સમય રોકવાની તૈયારી રાખવી પડશે અને એ માટે પણ કાંઈક વિચારીએ." રાજીવને નજીક બોલાવી રતને પોતાની વાત રજૂ કરી.

*** *** ***

ત્યાં વડોદરામાં.....

"રોશની તું તૈયાર થઈ ગઈ, ચાલ હવે આપણે નીચે ઉતારીએ," સુજાતાએ રોશનીના મજેન્ટા અને ગ્રીન કલર કોમ્બિનેશનના બનારસી સિલ્કના પટોળાના ચણિયાચોળી પર પહેરેલી એ જ કલરની ઓઢણી પર ડાયમન્ડનું બ્રોચ લગાડ્યું અને એનો હાથ પકડી નીચે લઈ આવી. અસ્વસ્થતાના ઓઝપાઈ ગયેલા મેકઅપવાળા ચહેરા પર સ્વસ્થતાનું નકલી સ્મિત મઢી રોશની આવેલા આમંત્રિત મહેમાનોમાં દૂધમાં સાકર ભળી જાય એમ ભળવાનો પ્રયાસ કરવા લાગી અને સુજાતાએ પણ નિરાંતનો શ્વાસ લઈ મહેમાનોની સરભરામાં પરોવાઈ ગઈ.

"બેનબા, જમનામાસી ક્યારે આવશે? એમના વગર મને સાવ સુનુંસુનું લાગે છે." આશા વેલકમ ડ્રિંકના ગ્લાસ ભરી રહી હતી.

"સાંજ સુધીમાં આવી તો જવા જોઈએ, અચાનક એમને કોઈ અંગત કામ આવી પડ્યું એટલે જવું પડ્યું."

"પણ.... બેનબા, સાહેબ, રાજીવભાઈ, મનીષકુમાર, જમનામાસી, એવું તે કેવું કામ આવી પડ્યું કે આજે સગાઈના સપરમા દા'ડેય બધાંયને બહાર જવું પડ્યું. તમને કાંઈ અજુગતું નથી લાગતું?"

"ના...ના... આશા એવું કંઈ નથી, ક્યારેક એવી ઘડી આવી જાય અને સંજોગો પણ એવા જ ઉભા થાય કે આપણું કાંઈ ન ચાલે અને એ બધી પંચાત પડતી મુક અને આ વેલકમ ડ્રિંકના ગ્લાસ ટ્રેમાં ગોઠવી કેટરિંગવાળા માણસોને કહી દે મહેમાનો વચ્ચે ટ્રે ફેરવે અને હા... જમનાબેન નથી તો આ બધું ધ્યાન રાખવાની જવાબદારી હવે તારા પર છે સમજી... તો હવે પંચાતની પતંગ ચગાવવાને બદલે ફરજની ફીરકી પકડ અને કામમાં ઢીલ કર્યા વગર તારી જવાબદારી પુરી કર." સુજાતાએ વધુ સમય વેડફયા વગર આશાને કામે લગાડી દીધી.

રોશનીનું ઉમંગ વગરનું અસ્વસ્થ મન બધા સાથે વાત કરતાં-કરતાં ફરી વિચારોના આકાશમાં ઉડાન ભરતું ઊંચે ચડી જતું ડામાડોળ સ્થિતિમાં ચકરાવા ખાતું મનોમંથન કરતું અચાનક કપાઈ જતી પાંખવાળા પંખીની જેમ હવામાં ગોથાં ખાતું જમીન પર પટકાઈ વાસ્તવિકતાની વરવી દુનિયામાં પોતાના વિખરાયેલા પીંછા ફરી વ્યવસ્થિત ગોઠવવા મથી રહ્યું હતું. બધાની વચ્ચે રહીને પણ એ પોતાની જાતને એકલી અનુભવી રહી હતી. એના મસ્તિષ્કના મહાસાગરમાં વિચારોની લહેરો ભરતી અને ઓટની જેમ આવ-જાવ કરતી હતી. મહેમાનો દ્વારા પુછાનાર સવાલો અને ખપ પૂરતા શબ્દોની આપ-લેની વચ્ચે એની આંખો વારંવાર મોબાઈલની સ્ક્રીન પર પડી રહી હતી જાણે કોઈ મેસેજના નોટિફિકેશનની રાહ જોતા એના હાથ વારેઘડીએ મોબાઈલ ઓન-ઓફ કરતા હતા. આશંકાની આંટીઘૂંટીમાં અટવાયેલી રોશનીના મનોમંડળમાં એક વાત ઘુમરાઈ રહી હતી જેની જ્વાળાઓ એને એકલીને જ દઝાડી રહી હતી પણ એ જ્વાળામાંથી ઉઠનારો ધુમાડો આગળ જતાં એની સાથેસાથે આખા પારેખ પરિવારની આંખો અને હૃદયને બાળનારો નિવડનાર હતો. અત્યારે એની સ્થિતિ બધી જાણ હોવા છતાં સહદેવની જેમ વિવશતા અને વચનના વાઘા પહેરી, માંહોમાંહે ભભૂકતા વિચારોના જ્વાળામુખીને અંદરોઅંદર આંસુઓ વડે શાંત કરી કોરી આંખોની ભીંજાયેલી કોરને સૌની નજરોથી છુપાડતી ઘર આંગણે ઉજવાતા પ્રસંગને આવકારતી અહીંતહીં દોડતી રોશની ન તો મનમાં ભરીને માણી સકતી હતી ન તો મન ભરીને....

*** *** ***

સમયની ક્ષિતિજ વિસ્તરતી જતી હતી. બાર વાગવામાં થોડીક જ મિનિટો બાકી રહી હતી. રતન અને રાજીવ હજી અસમંજસના ધૂંધળા અજવાળામાં એકાદ ચમકતા આગિયા જેવા આશાકિરણની ખોજમાં વિશ્વાસના તૂટેલા તરાપે મઝધારે અડધી ડૂબેલી નાવને કિનારે લાવવાની કોશિશમાં લાગી ગયા હતા.

"રતન, જો આપણે આ બંને બાબતો પર વિજય પ્રાપ્ત કરી લઈશું ને તો બાજી આપણા હાથમાં આવી જશે. જરાક મન પર જોર દઈને એ વિચારીએ કે પરિસ્થિતિને આપણી તરફેણમાં કઈ રીતે લાવવી. તીરને અટકાવવા અને કિરણોને રોકવા એ ધોળા દિવસે આકાશમાં તારા ગણવા જેવું મુશ્કેલ તો છે પણ કહે છે ને કે 'કોશિશ કરનેવાલોં કી કભી હાર નહિ હોતી' અને આપણી સામે તો આ નિર્વિકાર, નિર્લેપ અને નિરાકાર એવા નીલકંઠ સ્વંય બિરાજમાન છે તો એ આપણને જરૂર મદદ કરશે એવો મારો વિશ્વાસ છે. આપણી હિંમત ભલે ખૂટે પણ વિશ્વાસ ક્યારેય નહીં તૂટે."

"હા રાજીવ.... હવે જો, આ બારસાખમાંથી તીર ત્યારે જ છૂટે છે જ્યારે આપણે ઉંબરા પર કોઈ ધારદાર વસ્તુથી કોતરીએ અને એ પણ બારસાખની નીચેની બાજુએથી જ તીર એકસામટા આવી ચડે છે. જો આપણે તીરને રોકી શકીએ તો આપણા માટે અડધી જંગ જીતી જવા જેવું થાય. કોઈ એવો ઉપાય શોધી કાઢીએ કે તીર બહાર આવતાં રોકાઈ જાય...." રતન મંદિરના કમાડ ઉઘાડ-બંધ કરવા લાગ્યો.

"રતન....સોલ્યુશન મળી ગયું." રાજીવ હર્ષાવેશમાં આવી ગયો, " આ જો...

વધુ આવતા અંકે.....

'આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.