Aa Janamni pele paar - 8 books and stories free download online pdf in Gujarati

આ જનમની પેલે પાર - ૮

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૮

'દિયાન તું આ શું કહે છે? એક તરફ આપણે એમનાથી છૂટકારો મેળવવાનું વિચારી રહ્યા છે ત્યારે બીજી તરફ તું સામે ચાલીને મળવાની વાત કેમ કરી રહ્યો છે?' હેવાલીએ નવાઇથી પૂછયું.

'એ વાત સાચી છે કે આપણે એમનાથી છૂટકારો મેળવવો છે. પણ કંઇ જાણ્યા વગર એનો ઉપાય મળશે નહીં. મારું માનવું છે કે આપણે એમની પાસે પૂર્વ જન્મની સાબિતીઓ મેળવવી જોઇએ અને એની સત્યતાની ચકાસણી કરવી જોઇએ. જો એમની વાત સાચી હોય તો આગળ એ પછીનો વિચાર કરીશું. અત્યાર સુધીનો આપણો જ નહીં સૌ કોઇનો અનુભવ છે કે એક વખત સપનામાં આપણે જે કંઇ જોઇએ છીએ એ ફરી દેખાતું નથી. અને દેખાય તો પણ એ જ વાતનું અનુસંધાન થતું નથી. આપણાને તો દરરોજ એ જ પાત્રો મળે છે જે આગળના દિવસે મળ્યા હોય છે અને વાત પણ ફરી ત્યાંથી જ શરૂ થાય છે. તારા કે મારા એકલાનો કિસ્સો હોત તો આપણે અવગણના કરી હોત. આ તો બંને સાથે સમાંતર સતત વાત થઇ રહી છે. કોઇ ગોઠવણ હોય એમ બંને પાત્રો આપણા સપનામાં આવી રહ્યા છે. મને તો હવે એમ લાગે છે કે આપણે સપનું જોતા હોતા નથી. ખરેખર હું શિનામીને અને તું મેવાનને મળીએ છીએ. ખૂબ અટપટો આ કિસ્સો છે. આપણે એને ગંભીરતાથી જ લેવો પડશે...' દિયાન લાંબુ વિચારીને બોલતો હતો.

'મને તારી વાત યોગ્ય લાગે છે. એમણે કહ્યું હતું કે એમની સાથે આપણો સંબંધ હતો અને એના પુરાવા આપવા તૈયાર છે ત્યારે આપણે એની ખાતરી કરવી જોઇએ. પણ...મને તો બીક લાગે છે. કોઇ ભૂત-પ્રેતની સૃષ્ટિમાં આપણે ફસાઇ રહ્યા નથી ને...? સામાન્ય જીવનમાં આપણે એમને જોઇ કે સાંભળી શકતા નથી. માત્ર સપનામાં એ આવતા હોવાનું આપણે જોઇએ છીએ. તેમની સાથે વાતચીત કરીએ છીએ. એ કોઇ ભ્રમ ના હોય શકે...' ભૂતની કલ્પનાથી રુંવાડા ઊભા થવા સાથે હેવાલીના ચહેરા પર ડર લીંપાવા લાગ્યો હતો. તેના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ ફૂટી રહ્યા હતા.

દિયાને તેના કપાળ પરના પરસેવાને લૂંછીને આલિંગન આપતાં કહ્યું:'તું ડરીશ નહીં. એ આપણું કંઇ બગાડી શકવાના નથી. જો એવું જ હોત તો આપણી રૂબરૂ આવીને એમણે વાત કરી હોત ને? આપણા સપનામાં કેમ આવી રહ્યા છે? આજે રાત્રે આપણે એમની પાસેથી સાબિતી માંગી જ લઇશું. જો એ સાચા હશે તો પુરાવા આપશે અને એની આપણે ચકાસણી કરીશું. જરૂર પડશે તો કોઇની મદદ લઇશું...'

દિયાનના આશ્વાસનથી હેવાલીને રાહત થઇ. તેમ છતાં આજની રાત તેને ભયાનક લાગવાની હતી. આખો દિવસ તે બેચેન રહી. તેને થયું કે રાત પડવી જ ના જોઇએ. એક દિવસ આથમે પછી બીજો દિવસ શરૂ થઇ જવો જોઇએ. હેવાલીને પછી પોતાના જ વિચારો પર હસવું આવ્યું. દિયાને હિંમત આપી હોવાથી રાત્રે મેવાન સાથે વાત કરવા દિલ અને મનને જાણે સજ્જ કરી રહી હતી. દિયાન પણ દિવસભર પોતાના કામની સાથે સમાંતર આજની રાત માટે વિચારી રહ્યો હતો. તેને થયું કે સપનામાં શિનામી આવે ત્યારે એની પાસે ગયા જન્મના સંબંધના પુરાવા માંગીશ. ત્યારે મારી પાસે પેન અને કાગળ હોય તો સારું. પછી તેણે કંઇક વિચારીને રાત્રે બેડની પોતાની ડાબી તરફ અને હેવાલીની જમણી તરફ કાગળ અને પેન મૂકી દીધા. બંને કોઇ કાર્યક્રમની તૈયારી કરી રહ્યા હોય એમ સજ્જ થઇ ગયા હતા. આજે દિવસભર બંનેએ આયોજન મુજબ વધારે શ્રમ કર્યો હતો. રાત્રે જલદી સારી ઊંઘ આવી જાય એવો આશય હતો. આજે સપનામાં બંને મેવાન અને શિનામીને મળવા વધારે ઉત્સુક હતા. હવે આ વાતનો તે જલદી અંત લાવવા માગતા હતા. ત્યારે એમને ખબર ન હતી કે આ તો હજુ શરૂઆત હતી!

બંને સવારે ઊઠ્યા ત્યારે સ્વસ્થ હતા. સરસ ઊંઘ આવી ગઇ હતી. સવાર ખુશનુમા લાગી રહી હતી. ઘણા દિવસ પછી સારી ઊંઘ આવી હોય એવી તાજગી તેમના ચહેરા પર તરવરતી હતી. હેવાલી પહેલાં જાગી ગઇ. એણે જોયું કે દિયાન હજુ મીઠી ઊંઘ લઇ રહ્યો છે. પણ તે પોતાના મનની વાત જણાવવા રોકાઇ શકે એમ ન હતી. તેણે એને પ્રેમથી જગાડ્યો. સારી ઊંઘ મળી હોવાથી જાગતાની સાથે જ દિયાન પોતાને તરોતાજા અનુભવી રહ્યો હતો.

'આજે તને પણ મારા જેવો જ અનુભવ થયો?' હેવાલીએ તેને પૂછ્યું.

'મને... મને કંઇ યાદ આવતું નથી?' દિયાને સહેજ ચિંતાથી પૂછ્યું:

'શું?' હેવાલી ચમકી.

'ગઇકાલે સપનામાં શું વાત થઇ હતી એ...' દિયાને ખુલાસો કર્યો.

'હું એ જ પૂછું છું કે મારી જેમ તારા સપનામાં પણ કોઇ આવ્યું નથી ને?' હેવાલીએ પોતાની વાત કરી દીધી.

'ના...કાલે શિનામી આવી ન હતી.' દિયાન નવાઇથી બોલ્યો.

'મને પણ મેવાન મળ્યો ન હતો...' હેવાલી ખુશ થતાં બોલી.

બંને ખુશ થઇને એકબીજાના આલિંગનમાં શાંતિ અનુભવી રહ્યા.

'હાશ! છૂટી ગયા..' દિયાને હેવાલીને ભીંસતા કહ્યું.

'હા, મને લાગે છે કે આપણો એ ભ્રમ જ હતો...' હેવાલીએ એને ચુંબનથી નવડાવી દીધો.

'આપણે સાબિતી માંગીશું એ જાણી ગયા હોવાથી ડરીને સપનામાં આવ્યા જ નહીં!' દિયાન ચિંતામુક્ત થતાં બોલ્યો.

બંને આલિંગનમાંથી બહાર આવીને ખુશી અનુભવી રહ્યા હતા ત્યાં દિયાનની નજર બાજુમાં મૂકેલા કાગળ પર પડી. તેને દૂરથી લાગ્યું કે કોરા કાગળ પર કંઇક લખાયું છે. તેણે કૂદકો મારીને કાગળ ઉઠાવી લીધો. હેવાલી એને ચોંકીને જોવા લાગી.

'હેવાલી...આ શું છે?' દિયાન કાગળ પર લખાયેલું જોતાં બોલ્યો:'મેં તો કોરો કાગળ મૂક્યો હતો. હું ઉઠ્યો નથી અને મારા સપનામાં શિનામી આવી નથી... તો પછી મારા અક્ષર આ કાગળ પર કેવી રીતે આવી ગયા...? મેં આ ક્યારે લખ્યું હશે? કોઇએ મારી પાસે લખાવ્યું હશે? આજ સુધી ઊંઘમાં હું ચાલવાની વાત તો છોડ બેઠો પણ થયો હોય એનો ખ્યાલ નથી. આ કાગળ પર મેં ક્યારે લખ્યું હશે?'

'શું લખ્યું છે?' હેવાલીએ ડર સાથે પૂછ્યું.

ક્રમશ: