Sangharsh - 3 books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ - પ્રકરણ:-૩. - જીવરાજભાઈના જીવનની યાદગાર દુઃખદ ઘટના

ગયા પ્રકરણમાં આપણે જોયું કે નરેશભાઈ નો નાની ઉંમરે હાથ ભાંગી જાય છે. ત્યાર બાદ તેઓ ભણવાનું છોડી દે છે અને હીરા ઘસવામાં લાગી જાય છે.ત્યાર બાદ તેમના લગ્ન કરવામાં આવે છે અને થોડા વર્ષો બાદ તેઓ ટી. બી. જેવા રોગથી સંપડાય છે છતાં તે હાર માનતા નથી અને તેની સામે લડીને સાજા થાય છે. આ બે દુઃખદ ઘટના બાદ પણ મુસીબત તેમની પીછો છોડવાની નથી.હવે જોઈએ આગળ શું થાય છે.....

હવે નરેશભાઈ ગામડે જ રહે છે. પહેલેથી ખેતી કરેલી જ નઈ એટલે એમાં બહુ ફાવટ નહિ.અને હીરા પણ હવે શહેર ના ફાવી ગયા હતા એટલે ગામડે પણ મજા ન આવે.પછી તો મોટા ભાઈ અને જીવરાજભાઈ ના વડપણ હેઠળ ખેતી કરે છે અને એમ કરીને જીવન ગુજારે છે. જીવરાજભાઈ અને રાણી બેન હવે વૃદ્ધ થતા જાય છે.છતાં પોતાનું કામ તો યુવાન જેવું જ!

નિરાલી હવે 5th માં ધોરણ માં, પ્રણય 3rd ધોરણ અને સમય 1st ધોરણ માં ગામડાની સરકારી શાળામાં ભણે છે.ભણવામાં ત્રણેય ભાઈ બહેન ખૂબ જ હોશિયાર છે. દાદી રાણી માં ત્રણેય બાળકોને ખૂબ વહાલથી સાચવતા. જ્યારે માતા વાડીએ કામ કરવા ગયા હોય ત્યારે દાદી પોતાની માતાની કમી ખલવા ન દે.આમ હવે જીવન ચાલે છે. એમ ઘણાં વર્ષો વિતી ગયા.

એક વખત એવું થાય છે કે કુદરતનો પ્રકોપ હશે કે કેમ!

અનરાધાર વરસાદ થાય છે અને ગામમાંથી નીકળતી નદીમાં ઘોડાપૂર આવે છે. તે સમયે નદીના કાઠા બાંધેલ નહિ.એટલે ગામમાં પાણી ઘુસી જાય છે.પ્લોટની આજુબાજુની દીવાલ કાચી હતી.અને એમાં પણ મકાન પણ સાવ દેશી અને નીચા ઓટા વાળા હતા.આમ તો થોડી ઘણી ખબર તો હતી કે પાણી આવશે.આમ જરૂરી કામ કાજના કાગળ અને દસ્તાવેજ ભરેલ બેગને પડોશ માં મૂકી દે છે અને જીવન જરૂરી વસ્તુ લઈને બાળકોને પડોશમાં મૂકી આવે છે.અને બીજા સભ્યો જરૂરી સામાનને લેવા જાય છે. પણ હજુ નરેશભાઈ અને નયનાબેન એકજ વાર સમાન લઈને પડોશ માં આવે છે ત્યાં તો જોરદરનું પાણી આવી ચડે છે.

જીવરાજભાઈ અને રાણીબેન તો ત્યાં જ રહી જાય છે.ઉપરથી પાણી પણ વધતું જાય છે. બિચારા મૂંગા પ્રાણી પણ એવા પાણીમાં ઊંચા ડોકા રાખીને ઊભા હતા. જીવરાજભાઈ અને રાણી બેન એકબીજાનો હાથ પકડીને ઘરનો એક પીલું ને પકડી રાખીને ઊભા રહે છે.

જો જીવરાજભાઈ ચાહતા હોત તો એકલા નીકળી જાત અને પડોશમાં જતા રે'ત.પરંતુ એવું કર્યું હોત તો એકલા રાણી બેન એમજ મરી જાત.પણ બંને એ હિંમત ન હારી.પાણી છેક ગળા સુધી પહોંચી ગયું હતું.ઘરનું બધું અનાજ અને અન્ય વસ્તુઓ તણાવા લાગી. હવે ઘર પણ કાચું હતું એટલે પેલો પીલું પર પાણી નું જોર વધતું ગયું તેથી તે પણ હવે સુરક્ષિત ન હતો. છતાં ભગવાન પર શ્રદ્ધા અને હિંમત રાખીને ઊભા રહ્યા.

પાણી નું જોર એવું કે પહેરેલા કપડાં પણ તાણી જાય છે અને રાણી બેન નિર્વસ્ત્ર બને છે.હવે આ બાજુ ઘરના સભ્યો મુંજાય છે અને એકદમ ગભરાય જાય છે એવું થયું કે જીવતા હશે કે તણાય ગયા હશે.

ત્યારે તો પ્રણયની ઉંમર તો નાની એટલે બવ કંઈ ખબર ન પડે એટલે દાદી દાદી એમ કરીને રડવા લાગે છે અને બોલે છે કે દાદા કેવા સારા હતા! લગભગ એક કલાક થવા આવી હશે.જીવરાજભાઈ અને રાણી બેન હજુ સંઘર્ષ કરીને ઊભા છે.

હવે આ બાજુ નરેશભાઈ અને ગામના બીજા સભ્યો છત ઉપર જઈને ત્યાં જાય છે કે જ્યાં નીચે જીવરાજભાઈ ઊભા હતા. ત્યાંથી નળિયા ઊંચકાવીને જુએ છે તો પેલા બંને ઉભેલા દેખાય છે.હવે આખું ગામ ભેગું થઈ ગયું.જ્યાં ત્યાંથી દોરડા ભેગા કરે છે અને એક છેડો જીવરાજભાઈ અને રાણીબેન ને વારાફરતી આપીને ઉપરથી ખેંચવામાં આવે છે અને એમ કરીને બચાવવામાં આવે છે અને રાણીબેન ને કપડા આપવામાં આવે છે.

ઘરના બધા સભ્યો જીવરાજભાઈ અને રાણીબેન રડવા માંડે છે. ગામના બધા સભ્યો સાંત્વના આપે છે. જીવરાજભાઈ અને રાણી બેને જાણ સાક્ષાત ભગવાનના દર્શન કર્યા હોય એવા અનુભવ થાય છે.હવે બધું જ અનાજ અને બીજી ઘરવખરી તો તણાય ગઈ હતી.એટલે એક અઠવાડિયું તો પડોશમાં જ ખાધું અને ત્યાં જ રહ્યા. પછી જેમ તેમ માથે કરીને પણ અનાજ અને અન્ય ઘરવખરી ખરીદીને પોતાના ઘરમાં પાછા જાય છે.
આ ઘટના બાદ જીવરાજભાઈ નો બીજો પુત્ર કિશનભાઈ તેના પરિવાર સાથે વાડીએ રહેવા જતા રે છે.

જીવરાજભાઈ જીવનમાં આ સૌથી દુઃખદ ઘટના હતી.આ ઘટના તેમને જિંદગી ભર યાદ રહેશે.મોતના મુખમાંથી પાછા આવ્યા જેવો અનુભવ થયો જાણે ફરી નવું જીવન મળ્યું.

આ ઘટના બાદ ગામના ઘણા લોકોએ નરેશભાઈ ને સલાહ આપી કે નવું પાકું ઘર બનાવી નાખે અને ત્યાં રહે.જો કે ઉપરા ઉપર આવી નબળી આર્થિક પરિસ્થિતિ આવી છતાં સગા વહાલા નો સહારો લઈ અને નવું મકાન બનાવે છે. હવે ઘરમાં સાત સભ્યો જ રહ્યા.જીવરાજભાઈ અને રાણીબેન નરેશભાઈ ભેગા રહેવા માંગે છે.

થોડા વર્ષો પછી હવે નિરાલી ધોરણ 8th માં,પ્રણય ધોરણ 6th માં અને સમય ધોરણ 4th માં અભ્યાસ કરે છે.ત્રણેય ભાઈ બહેન ભણવામાં ખૂબ જ હોંશિયાર.હર એક વર્ષે શાળામાં પ્રથમ નંબર જ હોય.એટલે શિક્ષક પણ તેઓને પ્રેમથી રાખતાં અને ત્રણેય પાછા સ્પોર્ટ્સમાં પણ એવા હોંશિયાર અને ઘણી રમતમાં રાજ્ય લેવલ સુધી રમી આવેલ.પોતાની માતા નયનાબેન સવાર સવારમાં ત્રણેય ભાઈ બહેન માટે ટિફિન તૈયાર કરી દે અને હોંશે હોંશે પોતાના દીકરાઓ ને પ્રેમથી શાળાએ મોકલે. અને પોતે પણ પછી વાડી ના કામમાં જાય છે અને છેક સાંજે આવે છે. ત્યાં સુધી ઘરનું કામ દાદી સાચવી લે.અને ભણીને આવતા પોતાના બાળકોને લાડથી સાચવે.

નિરાલી ધોરણ 8th માં પહેલા નંબરે પાસ થાય છે.પરંતુ હવે ઉચ્ચ અભ્યાસ માટે નજીકની પ્રાઈવેટ સ્કૂલમાં જવું પડે.તેથી થોડો ખર્ચો પણ વધે.છતાં પિતા નરેશભાઈ એ નિરાલીને પ્રાઈવેટ સ્કૂલમાં બેસાડે છે.એમ કરતાં કરતાં નિરાલી હવે ધોરણ 10th માં પણ સારા ટકા એ પાસ થઈ. તે જ સમયે પ્રણય પણ ધોરણ 8th માં સારા માર્કસે પાસ થાય છે.અને સમય પણ 6th પાસ કરીને 7th માં આવે છે. હવે થાય છે એવું કે પ્રણયને પણ પ્રાઈવેટ માં મૂકવો પડે છે.અને નરેશભાઈ નો મુખ્ય વ્યવસાય અત્યારે તો ખેતી જ હતી. તેથી આટલી ખેતીમાં સાત સભ્યનો ખર્ચ ઉપરાંત બાળકોના ભણવાના ખર્ચ તો કેમ નીકળે! જૉ કે નિરાલીને 10th માં સારા ટકા આવેલ એટલે તેને ઓછી ફી માં સાયન્સ લેવડાવવામાં આવે છે. છતાં પણ બંને ભાઈ બહેનની ફી તો વધુ જ ગણાય.તો નિર્ણય એવો કરવામાં આવ્યો કે નરેશભાઈ પોતે એકલા ધંધાર્થે શહેરમાં હીરા ઘસે અને બીજા સભ્યો ગામડે રહે.કારણ કે જીવરાજભાઈ અને રાણી બેન હવે વૃદ્ધ થઈ ગયા છે એટલે એની કાળજી પણ રાખવી પડે અને જમીન પણ સાચવવી પડે. અને મુખ્ય પ્રશ્ન એ કે હવે ભણતરની ફી અને રૂમનું ભાડું પણ પહોંચાય નહિ.એટલે પોતે એકલા જ જવાનું નક્કી કરે છે. પણ કોઈનું મન માનતું જ નથી.કારણ કે ઘર છોડીને એકલા પરદેશ જવું કોને ગમે! છતાં ગયા વગર તો છૂટકો જ નહોતો. પિતા જીવરાજભાઈ અને માતા રાણીબેન તો જવા ના જ પાડે છે પણ નરેશભાઈ એ કાળજું કઠણ કરીને જવાનું નક્કી જ કરે છે પોતે પરિવારને સાંત્વના આપી છે. છોકરાઓ પણ પોતે હવે સમજુ છે એટલે એ પણ જવાની ના પાડે છે.પણ નરેશભાઈ એ કૈંક તો લાંબુ વિચાર્યું હશે ને!

છેવટે નરેશભાઈ નો શહેર જવાનો દિવસ આવે છે.પત્ની નયનાબેને સરસ મજાની વાનગી બનાવીને જમાડી. એમ વિચારીને કે આવું કદાચ ત્યાં ભાગ્યમાં નહિ હોય.સહ પરિવાર નરેશભાઈ ને વળાવીને ઘરે આવે છે પત્ની નયનાબેન ઘરે આવીને ખૂબ રડવા લાગે છે. છોકરાઓથી આ જોવાયું નહિ.ત્રણેય બાળકો પોતાની મમ્મી ને સાંત્વના આપે છે અને સમજાવે છે કે બસ આતો થોડા વર્ષો માટે જ છે અને એ આપણા માટે જ ગયા છે. આટલું વાક્ય તે બાળકોની સમજણ શક્તિ બતાવે છે.


હવે નરેશભાઈ નું આગળનું જીવન કેવું જાય છે તે જોઈએ આવતા પ્રકરણમાં.......


આપના પ્રતિભાવ ચોક્કસ જણાવજો.

(ક્રમશઃ)