Prayshchit - 43 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 43

પ્રાયશ્ચિત પ્રકરણ 43

સાડા બાર વાગે સિક્યુરિટી ચેકિંગ ચાલુ થઈ જતું હતું એટલે મોડામાં મોડા બાર વાગ્યા સુધીમાં તો ઘરેથી નીકળી જવાનું હતું.

અગાઉથી સૂચના આપી હતી એટલે આજે દક્ષાબેન સવારે વહેલાં આવી ગયાં હતાં અને ૧૧ વાગ્યે તો તમામ રસોઈ થઈ ગઈ હતી. દાળ ભાત ભીંડાનું શાક રોટલી અને સોજીનો શીરો આજની થાળી હતી.

બાર વાગે બંને ગાડીઓમાં આખો પરિવાર એરપોર્ટ જવા માટે નીકળી ગયો. કેતને મનસુખ માલવિયાને વાન સાથે બોલાવી લીધો હતો.

એરપોર્ટ પહોંચીને કેતને જામનગર આવવા બદલ પરિવારનો આભાર માન્યો. બધાંની આંખો ભીની હતી.

" તારા કરતાં અહીં આવવાનો આનંદ અમને બધાંને વધારે આવ્યો. ખરેખર માતાજીનું કાર્ય બહુ સરસ રીતે પતી ગયું. શતચંડી હવનનો તને જે વિચાર આવ્યો મને ખૂબ ગમ્યો. મા જગદંબાના આશીર્વાદ તને મળી ગયા છે. નવી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં ચોક્કસ આવીશું. " જગદીશભાઈ બોલ્યા.

કેતને એરપોર્ટ ઉપર નીચા નમીને માતા-પિતાના ચરણસ્પર્શ કર્યા. શિવાની ભાઈને ભેટી પડી. વડીલો હતા એટલે કેતને જાનકીની આંખો સાથે આંખોનું આલિંગન કરી લીધું. સિદ્ધાર્થભાઈ અને રેવતીભાભી એ પણ આનંદ વ્યક્ત કર્યો અને શુભેચ્છા આપી.

બધાં દેખાતાં બંધ થયાં એટલે કેતન બહાર આવ્યો અને ગાડીમાં બેઠો. ફરી પાછી એકલવાયા જીવનની યાત્રા શરૂ થઈ. ત્રણ-ચાર દિવસથી ઘર ભર્યું ભર્યું લાગતું હતું. પરિવાર થી પાછો વિખૂટો પડી ગયો. પાછલા જન્મનાં કર્મોનું પ્રાયશ્ચિત ખરેખર આકરું હતું !! બંને ગાડીઓ ઘર તરફ રવાના થઈ.

" મનસુખભાઈ હવે તમે નીકળો. અત્યારે બીજું કંઈ કામ નથી. મારે જરૂર હશે તો તમને બોલાવીશ. ત્યાં સુધી તમે હવેથી જયેશભાઈની ઓફિસમાં જ બેસજો. એમને પણ ઘણું બધું કામ વધી ગયું છે. " ઘરે ગાડી પાર્ક કરતાં જ કેતન બોલ્યો.

" જી શેઠ.... આમ પણ હું જયેશ શેઠની ઓફિસમાં જ બેસું છું. " મનસુખે જવાબ આપ્યો અને વાન સ્ટાર્ટ કરી.

જમવાનું તો પતી ગયું હતું. બીજું કોઈ કામ અત્યારે ન હતું એટલે કેતને આરામ કરવાનું નક્કી કર્યું.

અડધો કલાક થયો હશે ત્યાં એના ઉપર નીતાનો ફોન આવ્યો.

" સર મારે તમને મળવું છે. મારે તમને એક અગત્યની વાત કરવી છે. તમારું ફેમિલી હતું એટલે મેં ફોન નહોતો કર્યો. હવે બધા મહેમાનો ગયા એ મેં જોયું એટલે ફોન કર્યો. હું તમારા ઘરે નહીં આવું. તમે જ્યારે કહો ત્યારે બહાર જ આપણે મળીએ. વાત થોડી ગંભીર છે નહીં તો હું ડિસ્ટર્બ ના કરું. આજે મેં રજા રાખી છે. " નીતા એકધારું બોલી ગઈ.

" અરે પણ એવું હોય તો ઘરે આવી શકે છે. મને કોઈનો ડર નથી. " કેતન બોલ્યો.

" ના સર હું કોઈપણ જાતનું જોખમ લેવા માગતી નથી. આપણે બહાર જ મળીશું." નીતા બોલી.

" ઠીક છે તો પછી નેહરુ રોડ ઉપર શ્રીજી સન્મુખ કોમ્પ્લેકસમાં જે સીસીડી કાફે છે ત્યાં ચાર વાગે આવી જા. " કેતન બોલ્યો.

અને સાંજે ચાર વાગે કેતન સીસીડી કાફેમાં પહોંચી ગયો. એક ખૂણામાં નીતા બેઠેલી જ હતી.

" એવી તે શું વાત છે કે તું આટલી બધી ગંભીર થઈ ગઈ છે ? " ખુરશી ખસેડીને નીતાની સામે બેસતાં જ કેતને પૂછ્યું.

" કાલે સાંજે પેલો બાઇકવાળો તમારા ગેટ ઉપર આવીને તમને શું પૂછતો હતો ? " નીતાએ સીધો સવાલ કર્યો.

" અરે હા... તારા વિશે જ પૂછતો હતો કે નીતાબેન મિસ્ત્રી અહીંયા રહે છે ? અને મેં તારું ઘર બતાવ્યું. કેમ એ તને મળવા નહોતો આવ્યો ? " કેતને આશ્ચર્યથી કહ્યું.

" અરે સર... તમે થોડી વાર ઉભા રહ્યા હોત તો ખબર પડત. જેવા તમે ઘરની અંદર જતા રહ્યા કે તરત જ એ બાઈક પાછી વાળીને જતો રહ્યો. એણે ચોક્કસ તમારો ફોટો પાડી લીધો હશે. દૂરથી મને બહુ ક્લિયર દેખાતું ન હતું પરંતુ મોબાઈલ સતત એના હાથમાં હતો. " નીતા બોલી.

" પણ કોઈ મારો ફોટો શું કામ પાડે નીતા ? " હજુ પણ કેતન કંઈ સમજી રહ્યો ન હતો.

" હું તમને શું કહું સર ? એ બીજો કોઈ નહીં પણ રાકેશનો સાગરીત લખો હતો. હું એ ચારેય જણાને ઓળખું છું. તમે એમ માનો છો કે આટલું બધું થયા પછી રાકેશ ચૂપ બેસી રહે ? એ તો અહીંનો ભયંકર ગુંડો છે અને વિલાયતી દારૂના ધંધામાં છે. એ ખૂબ જ ઝનુની છે. વેર વાળ્યા વગર એને ચેન ના પડે. મને તો હવે ડર લાગે છે. મારા કારણે હવે તમે તકલીફમાં આવી જશો સર " નીતા ખરેખર ટેન્શનમાં આવી ગઈ હતી.

" જો નીતા. હું ખોટું કામ કરતો નથી. હું નબળાની પડખે હંમેશા ઉભો રહું છું. સત્યનો સાથ આપું છું. ઈશ્વર મારી સાથે છે. મને કોઈ આંગળી પણ અડાડી નહીં શકે. તું મારી જરા પણ ચિંતા કરીશ નહીં. હું કોઈનાથી ડરતો નથી. " કેતન બોલ્યો.

" સર તમારી વાત એકદમ સાચી છે. હું તમને ઓળખું પણ છું. છતાં હવે તમારે સાવધાન રહેવું જ પડશે. તમે સવારે એકલા ચાલતા ચાલતા આનંદ ગાર્ડનમાં જોગિંગ માટે જાઓ છો. તમે એકાદ બોડીગાર્ડ તમારી સાથે રાખો તો ? " નીતાએ સલાહ આપી.

" તું નકામી ડરે છે નીતા ? મારી સુરક્ષા મારા ગુરુજી કરી રહ્યા છે. છતાં એવું લાગશે તો હું એ વિશે જરૂર વિચારીશ. હવે સાંભળ તું આવી જ છો તો તને બીજી એક વાત કરું. મેં એક હોસ્પિટલ ખરીદી લીધી છે અને એમાં રિનોવેશન ચાલી રહ્યું છે. જામનગરની નંબર વન હોસ્પિટલ બની જશે ત્રણ-ચાર મહિના પછી. તું અત્યારે કોઈ હોસ્પિટલમાં જ રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે તો તારી નોકરી મારી હોસ્પિટલમાં નક્કી !! " કેતને નીતાને ખુશખબર આપ્યા.

" વોટ આર યુ ટેલિંગ સર !! રિયલી ?? તમે હોસ્પિટલ ખરીદી લીધી ? " નીતાને હજુ પણ માનવામાં આવતું ન હતું.

" હા નીતા. વિકાસ ગૃહ રોડ ઉપર તુલસીદાસ ટ્રસ્ટની જે હોસ્પિટલ હતી તે મેં સાડા નવ કરોડમાં ખરીદી લીધી. અત્યારે એકદમ લેટેસ્ટ કોર્પોરેટ ટાઈપની હોસ્પિટલ બનાવી રહ્યો છું. નવી જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે મિસ નીતા મિસ્ત્રીની એપોઇન્ટમેન્ટ ફાઇનલ !! " કેતને હસીને કહ્યું.

" સર શું કહું તમને ? તમે મારા પડોશમાં રહેવા આવ્યા એ જ મારું સદભાગ્ય !! ક્યાં તમે અને ક્યાં હું ? મારી પાસે બોલવા માટે કોઈ શબ્દો જ નથી સર !! "

" સારું તો પછી ચૂપ રહીએ અને કોલ્ડ કોફી પી લઈએ " કહીને કેતને કાઉન્ટર ઉપર બે કોલ્ડ કોફીનો ઓર્ડર આપ્યો.

થોડીવારમાં કોફી આવી ગઈ એટલે કોફી પીને બંને જણાં ઉભા થઈ ગયાં.

" સર વહેલી તકે બોડીગાર્ડ રાખી લેજો. તમે રાકેશને હજુ ઓળખતા નથી. સાવ અંધારામાં ના રહેશો. " જતાં જતાં નીતા બોલી.

બંને જણાં બહાર નીકળ્યા એટલે ધીમે રહીને મેકવાન ઊભો થયો. કાઉન્ટર ઉપર જઈને ફટાફટ પોતાની કોફી નું બિલ ચૂકવી દીધું અને બહાર નીકળ્યો. બાઈક ઉપર બેસતા પહેલાં લખાને ફોન કર્યો.

" લખાભાઇ સીસીડી માંથી બોલું. બસ હવે બંને જણાં બહાર નીકળ્યા છે. પેલી છોકરી તો એકટીવા ઉપર રવાના થઈ ગઈ. પેલા ભાઈ કારમાં બેસવા જઈ રહ્યા છે. " મેકવાન બોલ્યો.

" સરસ. હવે એ ગાડીનો પીછો કર એ ક્યાં ક્યાં જાય છે એ રિપોર્ટ મને આપતો રહેજે. " લખાએ કહ્યું.

લખાએ પોતાના એક ઓળખીતા છોકરાને કેતનની રેકી કરવાનું કામ સોંપ્યું હતું. અને પોતાની બાઇક એને આપી દીધી હતી. સાથે વાપરવા માટે ૧૦,૦૦૦ પણ આપ્યા હતા. મેકવાન એક ગેરેજમાં મિકેનિક હતો.

સવારથી જ પટેલ કોલોનીની ૪ નંબર ની શેરીની બહાર મેકવાન ગોઠવાઈ ગયો હતો. ગાડીનો નંબર એને આપવામાં આવ્યો હતો અને એના મોબાઇલમાં કેતનવાળી વિડિયો ક્લિપ પણ મોકલી હતી. જેથી એ કેતનને ઓળખી શકે.

કેતન એરપોર્ટ ગયો ત્યારે પણ મેકવાન પાછળ ને પાછળ ગયો હતો અને લખાને રિપોર્ટ આપ્યો હતો. બીજીવાર સીસીડી કાફેમાં ગયો ત્યારે પણ એણે લખાને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે સીસીડી માં એની સાથે અંદર કોઈ છોકરી પણ બેઠેલી છે. લખાએ એને સીસીડીની અંદર જઈને બેસવાનું કહ્યું હતું. જો કે નજીકમાં જગ્યા ન હતી એટલે એને દૂર બેસવું પડ્યું હતું.

કેતને ગાડી ઘર તરફ લીધી. નીતાને ભલે એણે આશ્વાસન આપ્યું પરંતુ એ વિચારમાં તો પડી જ ગયો હતો. એ પોતે એક અજાણ્યા શહેરમાં એકલો રહેતો હતો. ગુંડા લોકો સાથે દુશ્મનાવટ કરી હતી. આવા માણસો કદી પણ ચૂપ ના બેસી રહે. પોતાને હવે સાવધાન રહેવાની જરૂર હતી.

ઘરે જઈને એણે આશિષ અંકલને ફોન જોડ્યો.

" અંકલ કેતન બોલું. તમારી એક સલાહ લેવી હતી. પેલો રાકેશ વાઘેલા બદલો લેવા માટે પાછો સક્રિય થઇ ગયો છે. કાલે એનો કોઈ સાગરીત મારા ઘર સુધી આવ્યો હતો અને નીતાનું ઘર પૂછવાના બહાને એણે છૂપી રીતે મોબાઇલમાં મારો ફોટો પાડી લીધો હતો એવો મને પાક્કો શક છે. કારણ કે મેં નીતાનું ઘર બતાવ્યું તો પણ એ નીતાના ઘરે જવાના બદલે બહાર ભાગી ગયો હતો. " કેતન બોલ્યો.

" હમ્... તારી વાત સાચી હોઈ શકે. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તો એ સીધો પિક્ચરમાં નહીં આવે પણ આવા માણસો ચૂપ બેસી રહેતા નથી. ઠીક છે હું વિચારીને પછી તને ફોન કરું છું." આશિષ અંકલ બોલ્યા.

અને બીજા દિવસે બપોરે આશિષ અંકલે પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાથે થોડી ચર્ચા કરીને કેતનને ફોન કર્યો.

" આજે સાંજે એક યુવાન પોલીસ ઓફિસરને સાદા ડ્રેસમાં તારા ઘરે મોકલું છું. એને જોઈ લેજે. બહુ જ સ્માર્ટ અને જાંબાજ છે. ગીધ જેવી આંખો ધરાવે છે. એ તારી સાથે બોડીગાર્ડ તરીકે નહીં રહે. એ દૂરથી તારા ઉપર વોચ રાખશે અને કોઈ તારી રેકી કરતુ હશે તો એને પકડી લેશે." આશિષ અંકલે કહ્યું.

" ભલે અંકલ. તમને જે યોગ્ય લાગે તે. " કહીને કેતને ફોન કટ કર્યો.

સાંજે પોલીસ ઓફિસર પૃથ્વીસિંહ કેતન ના ઘરે આવ્યો અને કેતનને સલામ કરી ઉભો રહ્યો.

" પૃથ્વીસિંહ મારું નામ. સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબે આપની પાસે મોકલ્યો છે સર. " ઓફિસરે પોતાનો પરિચય આપ્યો.

" બેસો બેસો. મારે અંકલ સાથે વાત થઇ હતી તમારા માટે. " કેતને કહ્યું.

" મને સરે વાત તો કરેલી જ છે છતાં આપની સાથે શું શું બન્યું છે એની શરૂઆતથી જરા વિગત આપી શકશો ? આખી મેટર મારે તમારી પાસેથી સાંભળવી જરૂરી છે. " પૃથ્વીસિંહ બોલ્યો.

અને કેતને નીતાએ શરૂઆતમાં રાકેશની પજવણીની પોતાને જે ફરિયાદ કરી ત્યાંથી શરૂ કરીને ગઈકાલે જે બન્યું એ બધી જ વાત વિગતવાર કરી. નીતા એને ગઈકાલે સીસીડી કાફેમાં મળી એ વાત પણ કરી.

" નીતા રાકેશના સાગરીતને પરમ દિવસે સાંજે જોઈ ગઈ હતી અને તરત ઓળખી ગઈ હતી. નીતાને પાક્કી શંકા છે કે એ માણસે છૂપી રીતે મારો ફોટો પાડી લીધો હતો. " કેતન બોલ્યો.

" અચ્છા કાલે તમે લોકો સીસીડી કાફેમાં બેઠા હતા ત્યારે કોઈ તમારી પાછળ પાછળ કાફેમાં આવેલું ? જસ્ટ પૂછું છું. "

" સાવ સાચું કહું તો મને તો આ બધી બાબતની કોઈ ખબર જ ન હતી એટલે હું બેધ્યાન જ હતો. પરંતુ હું જ્યારે ગાડીમાં બેસવા જતો હતો ત્યારે કોઈ છોકરો સીસીડી કાફેમાંથી બહાર આવ્યો અને બાઇક પાસે જઈને એણે કોઈને ફોન જોડ્યો. પણ એ મારો પીછો કરતો હશે કે નહીં એ હું ચોક્કસ ના કહી શકું. પરંતુ હવે પછી હું ધ્યાન રાખીશ. " નિખાલસતાથી કેતન બોલ્યો.

" હવે પછી તમારે ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી સર. હવે મારું કામ જ એ છે કે તમારી આજુબાજુ કોઈ રેકી કરતું હોય તો એને પકડી લેવાનું અને તમારી સુરક્ષા કરવાનું. " પૃથ્વીસિંહે હસીને કહ્યું.

" હવે હું રજા લઉં સર. કાલ સવારથી મારી ડ્યુટી ચાલુ થઇ જશે. તમે સવારે ક્યાંય બહાર જાઓ છો ? " પૃથ્વીસિંહ બોલ્યો.

" હા સવારે છ વાગે અહીં બાજુમાં આનંદ ગાર્ડનમાં જોગિંગ માટે જાઉં છું. " કેતને કહ્યું.

" ઠીક છે. બી નોર્મલ. કોઈ રેકી કરે છે એ તમે ભૂલી જાઓ. તમે જાણે કંઈ જાણતા જ નથી. પાછળ જોવાની કોઈ કોશિશ ના કરતા. નહીં તો એ સાવધ થઈ જશે. મને પણ તમે ઓળખતા નથી. એટલે સામે જોઈને સ્માઈલ આપવાની પણ કોશિશ ના કરશો. " ઓફિસરે કેતનને સમજાવ્યું.

" ઓકે પૃથ્વીસિંહ. થેન્ક્સ આ લોટ " કેતને ઓફિસર નો આભાર માન્યો.

" માય પ્લેઝર સર " કરીને ફરી સલામ કરી પૃથ્વીસિંહ નીકળી ગયો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)