Poonam's trek books and stories free download online pdf in Gujarati

પૂનમ ની પગપાળા યાત્રા

"પૂનમની" અંબાજી પગપાળા યાત્રા..... 🙏🏿
.................................
ભાદરવી પૂનમ આવે એટલે ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યનાં ભાઈ બહેનો પૂર્વાયોજન કરીને પગપાળા માતા અંબાજીના ધામે દરવર્ષે માનવ મહેરામણ આવતો હોય છે.શ્રાવણ માસનો ઝરમર વરસાદ હમણાં વરસી ભાદરવાની શરૂઆત થાય એટલે માઇભક્તો કોસો દૂર અરવલ્લીના ગીરી કંદરામાં છુપાયેલું માતા અંબાજીનું રૂડું રૂપાળું સુવર્ણ મઢ્યું ધામ અને ગર્ભગૃહ માઁ યંત્રસ્વરૂપ માઁ અંબાજીની પ્રતિકૃતિ તેમજ ગબ્બરના ડુંગરામાં જ્યોત સ્વરૂપ બિરાજમાન માઁ અંબાજી ના દર્શન દર વરસે નીત નવાં લાગે.દર વરસે નહિ "दिने दिने नवम नवम" દરરોજ નીત નવાં પરિધાન,અલંકૃત થકી માતાજીની એ ક્ષણો ભાવિક ભક્તોને માટે અસિમિત સમયની સુખ આપનારી ઘડી લાગે છે.
પૂનમ એ પાટણના મધ્યમ વર્ગીય ઘરની વહુવારું હતી.પિયરથી દર વરસે બસમાં ભાઈ સાથે માતા અંબાજીનાં દર્શને જતી. પરંતુ હવે તેનાં લગ્ન થઇ ગયાં હતાં.મનમાં ગાંઠ બાંધી કે,, "મારે સાસરેથી ચાલતી મા તારે ધામ હું આવીશ" મા તું મને શક્તિ આપજે.ભાદરવા માસની એકમ થઇ ગઈ હતી.પાંચમનું વહેલું પદ યાત્રાએ નીકળવાનું મનમાં યુદ્ધ ચાલતું હતું.રાત્રે ધંધેથી થાકીને આવેલા પતિને વાત કરી કે મારે પગપાળા જવું છે.તમેં મારી સાથે પગપાળા આવશો? પતિની સામે જવાબની આશાએ જોઈ રહી.. પતિ : તારે જવું હોય તો જા... મારા થી નહિ અવાય! પૂનમ બોલી : તમેં નહિ આવો તો હું કોની હાર્યે જાઉં? પતિના તરફથી જવાની મંજૂરી મળી પણ સાથે આવવાની મંજૂરી ના મળી.તેણે તેની નણંદને વાત કરી.નણંદ કે ભાભી હું આવીશ.બૉલૉ ક્યારે જવું છે?સાસુ - સસરાને કહીને બધાંની સંમતિ લઇ પાંચમની આગલી રાત્રે ફળિયાની ઘણા બધા યુવક યુવતીઓ ની મિટિંગ કરી જોડાય છે તેની યાદી આયોજન કરી ને પૂનમ મનોમન માતાજી ને વંદન કરતી હતી.પૂનમને ખૂબ હરખ ચડ્યો.કેમકે પૂનમને બધાંનો સાથ મળ્યો.જમવાનું,ઓઢવાનું,પાથરવાનું,કાચું સીધું રાશન,દવા,બળતણ,શાકભાજી,ટોર્ચ,જરૂરી સાધન સામગ્રી,પાણી અને વ્યક્તિગત જરૂરિયાત મુજબની યાદી મુજબ નક્કી કરેલાં વાહનમાં સવાર સુધીમાં સામાન બધો ગોઠવાઈ ગયો.નક્કી કરેલા રૂટ ઉપર કયાં વિશ્રામ કરવો જમવાનું ઇત્યાદી ડ્રાઇવર સાથે રસોયાને રવાના કર્યાં.
. બીજી બાજુ પૂનમ સાથે દરેક ભાઈ બહેનો "જય અંબે " "બોલ મારી અંબે"ના નારા સાથે શેરી ગજવતાં પદયાત્રા એ રવાના થયાં.ઉત્સાહમાં ચાલતાં પંદર કિલોમીટરે પ્રથમ પડાવ જમવા રોકાયો..
. પૂનમે હસતે મુખે બધાંને પૂછ્યું કોણ કોણ થાકી ગયું? કોને પગ,માથું દુ:ખે છે? જમવાનું તૈયાર હતું.બધાને યાદ કરીને પૂનમે જમતાં પહેલાં તેના પતિને મોબાઈલ પર કીધું "તમેં જમ્યા?" સામે થી પ્રત્યુત્તર મળ્યો. ના... તારા હાથે બનતી રસોઈ નિયમિત આવી જતી.આજે મમ્મીના હાથનું બનાવેલ ટિફિન આવે એટલે જમીશ.પૂનમ તેના સાસુ સસરાનેય પૂછી લીધું.. બાપુજી તમેં બધાં આ પાંચ દિવસ સમયસર જમી લેજો.હું દરરોજ રાત્રે ફોન કરતી રહીશ.તમેં તમારી તબિયત સાચવજો.
પતિનો મોબાઈલ આવે તો કહેતી તમને મારા વગર નથી ફાવતું તેમ તમે મારી સાથે હોત તો મને આ કામ કરવાની હૂંફ રહેત.અહીં બધુજ છે.. માત્ર તમેં નથી.તમેં હજુ પેલ્લો દિવસ છે.મારી સાથે આવી જાઓ ને...!!
. જયઘોષના નારા સાથે અન્ય પદયાત્રીઓ પોત પોતાના ફીરકા લઇ માઈક લાઉડ સ્પીકર પર વિવિધ ગીત-ગરબાના તાલે આગળ વધી રહ્યા હતા.પૂનમ પણ ખૂબ ઉત્સાહિત હતી.તેની સાથેના પદયાત્રીઓ પણ ખૂબ ઉત્સાહમાં પ્રથમ દિવસ પૂરો કરી આશરે ત્રીસ કિલોમીટર અંતર કાપી પડાવમાં આરામ કરતા હતા.પૂનમના પગે થાક ન્હોતો... કેમકે બધીજ જવાબદારી પૂનમની હતી.સાજા માંદા ભૂખ્યા તરસ્યા ઉલટી હાથ પગ દુખવાની બાબતો થોડી થોડી કાને અથડાવા લાગી.મનોમન માતાજીને પ્રાર્થના કરતી કે 'મા'મારી સોસાયટીના તમામ ભાઈ બહેનોનું રક્ષણ કરજે.તારે ભરોંસે ચાલીએ છીએ.ઝરમર વરસાદ,ઝેરી જાનવર કે અન્ય અડચણરૂપ વિઘ્નોથી માઁ મારી પ્રતિજ્ઞા પુરી કરાવજે.આટલુ હ્રદય પૂર્વક પ્રાર્થના કરી પૂનમ ઘસઘસાટ ઊંઘી જતી....અને વહેલી સવારે પાંચ વાગે ઊઠીને બધાંને જગાડી વારાફરતી ચા નાસ્તો ન્હાવા ઇત્યાદી આંટોપી આગળ વધવાની સૂચના આપતી..... સૌને તે ખૂબ ગમતી.સૌની તે આદર્શ હતી.કોઈ દિવસ તેના મુખે ગુસ્સો નહિ.નમ્રતાનો જલધિ તેના વદનમાં છલકાતો હતો.પૂનમ સાક્ષાત અંબાજી માતા હોય તેવું દરેક સહપ્રવાસીને લાગવા માંડ્યું.દરેકની ખામી ખૂબી હસવું બોલવું ચાલવું ગમ્મત કરવી વગેરેની સ્મૃતિઓ તે આંખોમાં સંગ્રહી આગળ વધતી દાંતા નજીક આ યાત્રા પહોંચી ગઈ હતી.રસ્તે આગ્રહ કરી કરી યાત્રિકોને રોકી ને ગરમ પાણીથી નવડાવવા, નાસ્તો,ચા પાણી, ઠંડા પીણાં,ફળફ્લાદિ, જરૂરી મેડિકલ સેવાઓ, સાફ સફાઈ થી માંડી માનવસેવાના નાના મોટા કેમ્પ પુરી નિષ્ઠાથી ભક્તો વિનામૂલ્યે સેવા પુરી પાડતા જોઈ દરેકને ખૂબ આનંદ આવતો હતો.બધાને થયું કે આપણી સાથે પૂનમ ભાભી ના હોત તો આ લ્હાવો ના મળ્યો હોત.અહીં કોઈ જાતની તકલીફ નથી.બધું જ સમયસર.કોઈ જાતની હેરાનગતિ વગર નિયમ બદ્ધ ચાલતું જોઈ સાથી દરેક પ્રવાસીઓને લાગવા માંડ્યું.કોઈ કે મારો પગ દુખતો બંધ થયો. કોઈ કે મને ઘણા સમયથી 'વા' ની તકલીફ હતી તે દૂર થઇ.કોઈ કે મને થાક લાગતો..હતો તે ગાયબ થઇ ગયો.. આવાં દરેકના મંતવ્યો સાંભળી પૂનમ મનોમન માતાજીનો પાડ માનવા લાગી.
અંબાજી નજીક હતું.આજ પૂનમ હતી.સૌ પોતપોતાના કામો નિયમિત નિપટાવી માતાજીનાં સ્થાનકે લાંબી ભીડ હતી.નિયમબદ્ધ જવાનું હતું. સવારના લાઈનમાં ઉભા રહેતાં માંડ બપોરે માતાજીનાં દર્શન થયાં.ભીડ હોવા છતાં કોઈ ને કોઈ તકલીફ ના પડી.
માતાજીના દ્વારે આવ્યા છીએ તો કઈંક લઇ જવું કેમકે નાનાં બાળકો તરતજ પૂછે મારા માટે શું લાવ્યા? જેમણે જે કઈ ખરીદવું હતું તે ખરીદી. માતાજીના અસલ નિવાસ ગબ્બર પર દર્શન કરી પરત આવી ને નક્કી કરેલી જગ્યાએ એકત્ર થઇ વાહન વડે પાટણ આવ્યાં.સોસાયટીના દરવાજે આવ્યાં ત્યાં તો સોસાયટીના દરેક અબાલ વૃદ્ધ ઢોલ,અબીલ ગુલાલ લઇ સામૈયા કરવા આવ્યાં.બધાંને કંકુ ચોખાનો ચાંદલો કરી આવકાર્યા.(પૂનમનું પાત્ર અને સ્થળ કાલ્પનિક છે. પરંતુ આવા દરેક ઉત્સવોને ઉત્સવની રીતે માણીયેતો બાકીના દિવસોમાં શક્તિનો સંચાર થયો છે,તે શક્તિ સારા કામમાં વપરાય છે.તે મારો જાતનો અનુભવ છે.)
. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )