Namrata - 2 books and stories free download online pdf in Gujarati

નમ્રતા - 2

“અરે અરે…. શું થયું? કેમ આમ સફાળા જાગી ગયા….” મિ. શેખરની પત્ની સુલેખા પતિ આમ જાગી જતાં તરત જ બેડરૂમમાં આવી. આમ અચાનક આવી પરિસ્થિતિ સર્જાતા તે ખુબ ગભરાઈ ગઈ હતી.


“નમ્રતા…. નમ્રતા…” બોલતા બોલતા શેખરના શ્વાસની ગતિ વધી રહી હતી….


“કોણ નમ્રતા?” આશ્ચર્ય સાથે સુલેખા બોલી.


“મારી નવલકથાની નાયિકા….”


“કોણ? પેલી ચુડેલ?”


“ચૂડેલ નથી એ… એક આત્મા છે… મારી નવલકથાનું એક એવું પાત્ર… જેના પતિએ અને બાળકો એ એને તરછોડી… થોડી એવી પ્રોપર્ટી માટે તેના પતિ એ તેને મોટ ને ઘાટ ઉતારી… સુલેખા… એ મારા સપનામાં આવી હતી..”


“શું તમે પણ… એક તો એ કાલ્પનિક પાત્ર છે, તેનું કોઈ અસ્તિત્વ નથી તો તમને કેમ ખબર કે તમારા સપનામાં નમ્રતા જ હતી ?”


“હું એ જ વિચારું છું… એને મેં જોઈ નથી… તો હું એને ઓળખી કેમ શક્યો?”


“આ બધો મન નો ભ્રમ છે… આખો દિવસ કંઈક ને કંઈક વિચાર્યે રાખો છો અને વાંચ્યે રાખો છો એટલે તમને આવું થાય છે…. કઈ નથી… હવે તમે ફ્રેશ થવા જાઓ.. હું તમારી ચા મુકું છું….”


“હા ઠીક છે…”


આટલું કહીને શેખર ફ્રેશ થવા બાથરૂમમાં જાય છે. ન્હાતા-ન્હાતા શેખર એક જ વાત વિચારી રહ્યો હતો કે નમ્રતા એના સપનામાં કઈ રીતે આવી ? અને આવી તો એને ઓળખી કઈ રીતે ? એક ને એક વિચાર સતત તેના મનમાં ભ્રમી રહ્યો હતો. સ્નાન કરી ને પોતે બેડરૂમમાં આવ્યો…


“સુલુ… જલ્દી થી ચા-નાશ્તો તૈયાર રાખજે… મારે એડિટરને મળવા જવાનું છે…”


“હા બસ તૈયાર જ છે… તમે આવો એટલી વાર.” રસોડા માંથી સુલેખા એ જવાબ આપતા કહ્યું…


કબાટમાંથી નવું થ્રી-પીસ શૂટ કાઢીને શેખર તૈયાર થયો, ડ્રેસિંગ પાસે જઈ સરસ માથું ઓળાવ્યું અને ડ્રોવરમાંથી વર્સાચે નો પરફ્યુમ કાઢીને છાંટ્યો…


“બહુ જલ્દીમાં છો મિ. શેખર….”


શેખર એકદમ ચોંકી ગયો… ‘મારા સિવાય આ રૂમમાં કોઈ નથી તો આ અવાજ કોનો?’ આ વિચાર આવતા જ તેનું ધ્યાન અરીસામાં પડ્યું… અરીસામાંથી સામેની બારીમાં પડદા પાછળ કોઈનું પ્રતિબિંબ ધીમે ધીમે તેની પાસે આવતું હતું… શેખર પાછળ ફરીને જુવે છે તે પહેલા જ ઘડી ના છઠ્ઠા ભાગમાં તે પ્રતિબિંબ અદ્રશ્ય થઇ ગયું. શેખર હાંફળો-ફાંફળો થઈને બારી પાસે જોવા લાગ્યો. આમતેમ નજર ફેરવી તો પણ કોઈ દેખાયું નહિ.


“કોને શોધો છો શેખર?”


બરાબર શેખરની પાછળથી અવાજ આવ્યો… એક પણ ક્ષણ વિચાર્યા વગર તેને પાછળ જોયું. પાછળ જોતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. હમણાં જ સ્નાન કરેલા શેખરના તાજા ભીના વાળ માંથી તણાવના ભાવ દર્શાવતું એક પ્રસ્વેદ બિંદુ હળવેથી સરકીને તેના ગાલ પર આવ્યું. શ્વાચ્છોશ્વાસની ગતિ વધતી ગઈ, કારણ કે સામે બીજું કોઈ નહિ……. નમ્રતા હતી..


સવારે જોયું તે સ્વપ્ન હતું… એ જ ચેહરો, એ જ વેશભૂષા, એ જ સુંદરતા અને એ જ નમ્રતા….


“મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે શેખર. હું તમને હેરાન કરવા નથી આવી. તમે જરા પણ ગભરાશો નહિ પ્લીઝ…” નમ્રતાની વાત કરવાની છટામાં જ એટલી નમ્રતા હતી કે એક ઘડી શેખરને પણ થયું કે મેં આ સ્ત્રીને ભલે મારી નવલકથામાં આત્માનું સ્વરૂપ આપ્યું, પણ નામ આપવામાં મેં કોઈ ભૂલ નથી કરી.


“પણ, હું કઈ સમજી નથી શકતો કે તું આમ મારી સામે કઈ રીતે? તું તો મારી લખેલી નવલકથાનું એક કાલ્પનિક પાત્ર છે. તો કોઈ કાલ્પનિક પાત્ર આમ સજીવન કઈ રીતે થઇ શકે?” શેખરે પણ હિમ્મત કરીને વાત કરવાની શરૂઆત કરી.


“શેખર !!! આમ એકલા-એકલા કોની સાથે વાતો કરો છો….” એકાએક સુલેખા રૂમમાં આવી.


શેખર નમ્રતા સામે નિર્દેશ કરતા, “આ નમ્રતા…..અરે… ક્યાં ગઈ??? હમણાં જ અહીં હતી… એકાએક ક્યાં ચાલી ગઈ… નમ્રતા….. ઓ નમ્રતા….”


એકાએક ગાયબ થઇ જતા શેખરના મન માં અઢળક પ્રશ્નો થવા લાગ્યા. આમ તેમ ફાંફા મારવા લાગ્યો.


“ હે ભગવાન… આ શું થઇ રહ્યું છે ? મારે હવે ડૉ. શાહને ઇન્ફોર્મ કરવું જ પડશે….” સુલેખા સ્વતઃ બોલી રહી હતી…..


—-----------------------------------------------------------------------------------------------------------------------------------------------


શું સાચે જ શેખર નમ્રતા સાથે વાતો કરી રહ્યો હતો.. હકીકત હતી કે ભ્રમ… જાણવા માટે રાહ જુવો પ્રકરણ - 3 ની….