Ayana - 17 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ17)

ક્રિશય અને અયાના બંને ગામના ખૂણે ખૂણે ફરી રહ્યા હતા...

બ્લૂ ડેનિમ જીન્સ ઉપર ગુલાબી રંગની શોર્ટ ગોઠણ ઉપર ની કુર્તી માં અયાના ખૂબ સુંદર દેખાતી હતી... એણે ગળાની ફરતે ઢીલું વીંટાળીને ગુલાબી સ્કાર્ફ બાંધ્યુ હતું....બીજી બાજુ એની સાથે ચાલતો ક્રિશય હમણાં જ પથારીમાંથી ઊભો થઈને દોડવા માંડ્યો હોય એ રીતે બ્લેક નાઈટ ડ્રેસ નું ટીશર્ટ અને એની નીચે બ્લેક સ્પોર્ટ્સ માં પહેરાઈ એવો લેંઘો પહેર્યો હતો એના વાળ ઊંચા થઈ ગયા હતા... ક્રિશયે એક વાર પણ એના વાળ સરખા કરવા માટે માથા ઉપર હાથ ફેરવ્યો ન હતો...

ક્રિશય ને જોઇને એકવાર અયાના ને થઈ આવ્યું કે એ ક્રિશય ની નજીક આવીને એના માથા ઉપર હાથ ફેરવી ને એના વાળ સરખા કરી દે...પરંતુ એ ખાલી એવું વિચારી જ શકી વિચાર્યા પ્રમાણે કરવાની એનામાં હિંમત જ ન આવી...

ચાલતા ચાલતા બંને ગામ ના ઢાળ પાસે આવ્યા...ઢાળ ઊતરીને નીચે આવતા જ એક નદી દેખાઈ આવી...
વિવિધ પ્રકાર ના રંગબેરંગી ફૂલો ની બોર્ડર ધરાવતી , ઉગતા સૂરજ ની રોશની પોતાના માં સમાવતી આ નદી ખૂબ સુંદર દેખાઈ રહી હતી ...નદી ની આસપાસ ઘણી એવી માત્રા માં ફૂલછોડ હતા જે આ દ્ર્શ્ય ને વધારે સુંદર બનાવતું હતું...

બંને એકબીજા સાથે આવ્યા છે એ ભૂલી ને જાણે એકલા જ હોય એ રીતે દ્ર્શ્ય ને માણી રહ્યા હતા...જ્યાં સુધી નજર પહોચે ત્યાં સુધી આ દ્ર્શ્ય સ્થિર હતુ ...

ક્રિશય નદી પાસે આવ્યો અને ગોઠણ વાળીને નીચે બેઠો ... બંને હાથમાં પાણી લઈને પોતાના ચહેરા ઉપર ઉડાડ્યું ...પાણી થોડું ઠંડુ હતું જેથી એ શ્વાસ લેવા માટે થોડીવાર થંભી ગયો...

એવામાં અયાના ની નજર ધીમે ધીમે ક્રિશય ઉપર આવી...

ક્રિશય બંને હાથમાં પાણી લઈને એના ચહેરા ઉપર ઉડાડતો હતો...આ દ્ર્શ્ય માં ક્રિશય ના હાથમાંથી ઉડેલા પાણીના ટીપાં કોઈ હીરા મોતી લાગી રહ્યા હતા જે આ સુંદરતા ને વધારે સુંદર બનાવી રહ્યું હતું....પાણી થી ચહેરો ધોઈને ક્રિશયે એના હાથ પોતાના વાળમાં ફેરવ્યા અને વાળ ને સરખા કર્યા...

અયાના ની નજર ક્રિશય તરફ સ્થિર રહી ગઈ...એ ઊભો થઈને એની નજીક આવી રહ્યો હતો...એના ચહેરા ઉપર અને વાળ માં લટકાયેલ પાણીના ટીપાં કોઈ હીરા મોતી ની જેમ ચમકી રહ્યા હતા ...ઉપર જોઇને માથુ હલાવી ને જાણે હીરા મોતી ખરી રહ્યો હોય એ રીતે ટીપાં ઉડાડી દીધા અને સ્માઇલ કરતો એના વાળમાં ફરી એકવાર હાથ ફેરવી ને સરખા કર્યા...

અયાના ની નજીક આવી ને બોલ્યો...
" તું કેમ મને આવી રીતે જોવે છે...."

અયાના ને શબ્દો ન મળ્યા એ આજુબાજુ નજર કરવા લાગી ...ત્યાં ક્રિશયે અયાના ને કમરે થી પકડી ને પોતાની નજીક કરી ...
અયાના ના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા... ક્રિશય ની પકડ એટલી મજબૂત હતી કે અયાના પોતાનો હાથ પણ હલાવી શકે એમ ન હતી...ધીમેથી પોતાનું માથું હલાવી ને એના વાળના ટીપાં ઉડાડ્યા ...એ પાણીના ટીપાં અયાના ના ગાલ ઉપર ,કપાળ ઉપર અને હોઠ ઉપર લટકાઈને અયાના ને અંદરથી થીજવી ગયું ... અયાના ની આંખો બંધ થઈ ગઈ...
એને બંધ આંખે પણ એવી લાગણી થઇ આવી કે ક્રિશય એની વધારે નજીક આવી ગયો હતો...બંનેના શ્વાસ એકબીજા સાથે અથડાવા લાગ્યા હતા ... અયાના એ આંખો ખોલીને ક્રિશય તરફ નજર કરી...
ક્રિશય અયાના ના હોઠ ઉપર પડેલા પાણીના ટીપાં ને જોઈ રહ્યો હતો અને એની વધારે નજીક આવી રહ્યો હતો ... અયાના ના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા...એની આંખો ફરી એકવાર બંધ થઈ ચૂકી હતી...એવામાં ક્રિશયે એના કાનમાં બુમ પાડી...

"અ... યા...ના ....."

અયાના સપનામાંથી બહાર આવી અને એણે આંખો ખોલી...એની નજર દૂર નદી પાસે બેઠેલા ક્રિશય તરફ આવી ...એ ત્યાં બેઠો બેઠો અયાના ને બુમ મારી રહ્યો હતો...

ખૂબ ઠંડુ પાણી હતુ જેથી ક્રિશય અયાના ને પોતાની તરફ બોલાવી રહ્યો હતો ...
અયાના દોડીને એની પાસે આવી...એના ગળામાંથી સ્કાર્ફ લઈને એણે ફટાફટ મોઢું લૂછી નાખ્યું...

"બાપ રે પાણી તો જો કેટલું ઠંડુ છે...."

અયાના એ એનો સ્કાર્ફ લઈ લીધો અને બોલી...

"તો તને અહીં મોઢું ધોવાનું કોણે કીધું હતું..."

" એ તો મારે બાકી હતુ એટલે..."

"એમ તો તારે નાહવાનું પણ બાકી છે ...તો શું અહી નાહવાનો પણ પ્લાન છે...."

"હા તને શરમ નો આવે તો હું અહી જ નાહવા તૈયાર છું..."

"એમાં મને શું શરમ આવે નાહવાનું તારે બાકી છે મારે નહિ...."

ક્રિશયે અયાના નો હાથ પકડી ને પોતાની નજીક ખેંચી... બંને એકબીજા ની ખૂબ નજીક આવી ગયા...
અયાના ને પોતાનું સપનું સાચું થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું હતું...

"ઓકે....હજી એકવાર વિચાર કરી લેજે...." ક્રિશયે અયાના ની આંખ માં જોઇને કહ્યું ... અને એક આંખ મારી...જાણે કંઇક અલગ જ ઈશારો કરી રહ્યો હોય...

અચાનક ખ્યાલ આવતા અયાના એ ક્રિશય ને ધક્કો મારીને દુર કર્યો અને બોલી...

"ચાલ હવે બહુ મોડું થઈ ગયું છે બધા જાગી ગયા હશે ...." બોલીને પાછળ જોયા વગર મોટા મોટા પગલે ચાલીને એ ઢાળ પણ ઉતરી ગઇ...

અયાના ઢાળ ઉતરી ગઈ ત્યાં સુધી ક્રિશય એને જોતો રહ્યો...અને જાણે કોઈએ એના ચહેરા ઉપર સ્માઇલ ચિપકાવી દીધી હોય એ રીતે એકધારો સ્માઇલ કરી રહ્યો હતો ...એને પણ ખ્યાલ ન આવ્યો કે એણે અયાના સાથે આવું કેમ કર્યું...

ઢાળ ઊતરીને આવતી અયાના ને અંદરથી ખૂબ ખુશી થઈ રહી હતી... એણે રસ્તા માં કોઈ જુએ નહિ એવી રીતે એક બે કૂદકા પણ મારી લીધા હતા...

સમીરા અને દેવ્યાની ની સાથે સાથે વિશ્વમ પણ ક્રિશય અને અયાના ને શોધી રહ્યો હતો ...કોઈને કીધા વગર ફોન લીધા વગર બંને સવાર ના ક્યાંય દેખાયા ન હતા....એટલી વાર માં સામેથી આવતી અયાના ને જોઇને બધા ને રાહત થઈ આવી...

"ક્યાં હતી..."દેવ્યાની એ પૂછ્યું...

અયાના કંઇક બોલે એ પહેલા સમીરા એ બીજો સવાલ કરી દીધો...

"ફોન લઈને કેમ ન હતી ગઈ...."

અયાના સમીરા ને જવાબ આપે એ પહેલા વિશ્વમે પૂછ્યું ...

" ક્રિશય ને જોયો તે...."

"હમ યહાં હૈ...." અયાના જવાબ આપે એ પહેલા પાછળ થી ક્રિશય આવીને બોલ્યો...

"સાલે....." દાંત ભીંસીને વિશ્વમ મોટા મોટા પગલે ક્રિશય પાસે આવ્યો....ત્યાં ક્રિશય બોલી ઉઠ્યો ...

"અમે તારી માટે જ તો ગયા હતા....."

વિશ્વમ તો આજે ક્રિશય ને મારવાના પૂરા જોશ માં હતો પરંતુ ક્રિશય ના શબ્દો સાંભળીને વિશ્વમ એક સેકન્ડ માટે અટકી ગયો...અને બોલ્યો...
"મારી માટે એટલે...."

" તને .....એક ....." બોલતા બોલતા ક્રિશયે અયાના તરફ બંને ભવા ઊંચા કરીને પૂછ્યું કે આગળ શું કહુ એમ...
એનો બચાવ કરવા માટે અયાના એ કહ્યું ...

"સરપ્રાઈઝ...."

"સરપ્રાઈઝ.....?" વિશ્વમ ની સાથે સાથે દેવ્યાની પણ બોલી ઉઠી...

"એ તમને કાલે સવાર માં જ ખબર પડશે ...કાલે સવાર માં બધા વહેલા જાગીને અહી મળજો હું તમને એક મસ્ત જગ્યાએ લઈ જવા માંગુ છું.....સ્પેશિયલ તને....." વિશ્વમ તરફ નજર કરીને ક્રિશયે કહ્યું...

બધાએ અંદર જવા માટે પગ ઉપાડ્યા...
અયાના નો હાથ પકડીને ક્રિશયે એને કહ્યું...
"તું કોઈને કહેતી નહિ કે આપણે ગામની સેર કરવા માટે નીકળ્યા હતા....નકર આ વિશ્વમડી નો હોય એવો હોબાળો કરશે....."

હા માં ડોકું ધુણાવી ને અયાના અંદર આવી....

બંનેની વાત સાંભળીને સમીરા એક મિનિટ માટે ઉભી રહી ગઈ...
હમણાં જ ક્રિશય અને અયાના વચ્ચે થયેલી વાતચીતના શબ્દો એણે પોતાના મનમાં ફરી એકવાર દોહરાવ્યા અને બોલી...
"હોબાળો...." બોલીને એ હસવા લાગી અને પછી અંદર આવી....

ક્રિશય સિવાય બધા એ નાહી લીધું હતું ....બધા એની રાહ જોઈ રહ્યા હતા....

બારી પાસે એકલી બેઠેલી અયાના સવાર માં નદી પાસે બેઠેલા યુવાન ને ફરી એકવાર યાદ કરી રહી હતી...એ યુવાન ફરી એકવાર એની આંખોમાં ચમકી રહ્યો હતો...એનો ચહેરો તો નહતો જોયો તો પણ અયાના ને એ યુવાન ખૂબ સોહામણો લાગ્યો હતો....

" ચાલો મેડમ....." ચપટી વગાડીને દેવ્યાની એ અયાના ને કહ્યું...

"ક્યાં ખોવાઈ ગઈ...." દેવ્યાની એ સવાલ કર્યો ...

અયાના એ ખાલી સ્માઇલ કરી અને જવાબ આપવો જરૂરી ન સમજ્યું....

સમીરા આ બધું નોંધી રહી હતી પરંતુ કંઈ બોલી નહિ....

બાજુમાં આવેલા આશ્રમ માં બધા પહોંચ્યા... વિશ્વમ અને ક્રિશય બંને આગળ હતા...એની પાછળ સમીરા, દેવ્યાની અને અયાના...આ ગ્રુપ ની પાછળ પાછળ બધા અંદર આવ્યા...

બધા સ્ટુડન્ટસ્ પોતાની રીતે સર્વે કરવા લાગ્યા...

ક્રિશય અને વિશ્વમ હાથમાં સીંગદાણા રાખીને એક એક દાણો મોઢામાં મૂકી રહ્યા હતા...અને મેથી ની ખીર ફરી ચાખવી ન પડે એ માટે પૂરેપૂરી તૈયારી માં આજુબાજુ નજર કરતા બેઠા હતા....

ખૂબ મોટી ઉંમર ધરાવતી એક સ્ત્રી પાસે આવીને સમીરા અને દેવ્યાની ગોઠવણી કરીને બેઠા હતા....અને એની સાથે વાતચીત ની સાથે સાથે રમતો રમી રહ્યા હતા ....

બીજી બાજુ અયાના સવાર માં જોયેલા યુવાનને શોધી રહી હતી....એક એક રૂમ માં જઈને એણે એ યુવાન ને શોધ્યો...
અચાનક એને યાદ આવ્યું કે એ સવારમાં નદી કિનારે હતો તો અત્યારે પણ એ ત્યાં જ હોવો જોઈએ....

એ દોડીને પાછળ ના દરવાજા માંથી એ પાછળ ના ભાગ માં આવતી નદી પાસે આવી....એ યુવાન હજુ પણ ત્યાં જ ગોઠવાયેલો હતો....એના હાથ માં હજુ પણ સફેદ ગુલાબ નું ફૂલ હતુ....

એનો ચહેરો જોવા માટે બેતાબ અયાના ધીમા ધીમા પગલે એની નજીક જઈ રહી હતી....

"અહીં કોણ આવ્યું છે....." દરવાજા પાસેથી એક ઘોઘરો પુરુષ નો અવાજ આવ્યો.... અયાના એ પાછળ નજર કરી...

" તમને અહીં આવવાનું કોણે કહ્યું....અત્યારે જ બહાર નીકળો...." એ પુરુષ કોઈ દાદા ની ઉંમર ના હતા.... એણે અયાના ને જોઇને કહ્યું ....

"હું બસ....એક જ મિનિટ...."

"નહિ તમે બહાર નીકળો...." એ દાદા એ અયાના નો હાથ પકડી લીધો અને પરાણે બહાર નીકળવા કહ્યું...

પરાણે બહાર ની તરફ પગ ઘસડતી અયાના એ પાછળ ફરીને એ યુવાન તરફ નજર કરી....

એ યુવાન પણ પાછળ ફરીને અયાના તરફ જોઈ રહ્યો હતો...

સૂરજ ની રોશની માં એ યુવાન ની ત્વચા એકદમ તગતગી રહી હતી...હાથમાં રાખેલ ગુલાબ નું સફેદ ફૂલ અને એ યુવાન નો ચહેરો ખૂબ મેળ ખાતો હતો....જાણે કોઈ ફિલ્મ નો હેન્ડસમ હીરો હોય એવો દેખાય રહ્યો હતો...

એને જોઇને અયાના ના પગ ત્યાં જ થંભી ગયા....

(ક્રમશઃ)