The light after dark books and stories free download online pdf in Gujarati

અંધારા પછીનું અજવાળું

હમેંશા અંધકાર જ રહે તેવું જરૂરી નથી, દરેક અંધારાની પાછળ અજવાળું છૂપાયેલું હોય જ છે, કાળા ડિંબાગ વાદળો પણ સમય આવે એટલે વિખેરાઈ જાય છે અને આકાશ એકદમ સ્વચ્છ થઈ જાય છે, આકાશ ગજવતા અને ગર્જના કરતા વાદળો પણ વરસીને હળવા થઈ જાય છે, ગાય ના આંચળ માં ભરાયેલું દૂધ વાછરડા એ પીધા પછી ગાય પણ હળવી થઇ જાય છે, કાળો ડિંબાગ લાગતો કોલસો ગમે તેટલો દૂધ માં બોળી રાખો પરંતુ તે સફેદ ક્યારેય નહી થાય, પરંતુ કોલસાનો અગ્નિ પેટાવવા નો સદગુણ અકબંધ રહે છે,આ વાત માનવીય સંબંધો માં પણ લાગુ પડે છે, મૂળભૂત રીતે દુર્ગુણ ધરાવતો વ્યક્તિ તેની દુષ્ટતા છોડી શકતો નથી,પરંતુ સમય આવે ત્યારે તેજ વ્યક્તિ સજ્જનતા તરફ ગતિ કરતો જોવા મળે છે, કોઈ ગુફા એવી નથી જેનું દ્વાર ના હોય, ગુફાનો છેડો ક્યાંક તો ખૂલતો જ હોય છે, અને અંધારી ગુફા પછી... બીજા દ્વારથી અજવાળું શરૂ થતું જ હોય છે, હમેંશા અંધકાર જ રહે તે જરૂરી નથી, જો ગુફામાંજ અટવાઈ ગયા તો બીજા દ્વારે જે અજવાળું છે ત્યાં સુધી ક્યારેય પહોચી નહિ શકો, રાત પડી છે..તો દિવસ પણ આવવાનો જ છે,રાતની ચાંદની પણ થાકી ને વિરામ તો કરશે જ અને સૂરજ ને પ્રકાશિત થવાનો મોકો આપશે અને અંધકાર ને દૂર કરવાનો કાર્યભાર પણ સૂરજ ને સોંપશે, કશુજ સ્થિર નથી ...બધું નાશવંત પણ છે અને બધું જીવંત પણ છે, દરેક અંધારા ની પાછળ અજવાળું છૂપાયેલું હોય જ છે.
ખરાબ માણસને ખરાબ કરવા માટેનું ઇંધણ આપણે જ પૂરું પાડીએ છીએ, દુર્જનો ની દૂર્જનતા ક્યારેક.. સારા માણસોને કારણે પણ વકરતી હોય છે (અપવાદ બધે હોઈ શકે), સૂકા લાકડા અગ્નિ ને તરતજ પકડી લે છે.., એ એમનો સ્વભાવ છે, જ્યારે ભીના લાકડા ને અગ્નિ ઓછો અસર કરે છે, ખરાબ માણસ ને અનુમોદન આપવું તે પણ એક પ્રકારનો ગુનો જ છે, વધારે પડતું સારાપણું...વધારે પડતું ઉદારવલણ કે ક્યારેક સાકર ની વધારે પડતી માત્રા શરીર માટે પણ હાનીકારક સાબિત થતી હોય છે, દવા પણ યોગ્ય માત્રામાં હોય તો જ અસર કરે છે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય નથી લઈ શકતા તો મોટું નુકશાન આપણા ભાગેજ આવે છે,જેમ કે તબિયત બગડવાની શરુઆત થાય અને આપણે દવાખાને જવામાં મોડું કરીએ તો તબિયત ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે,નાનકડું ગૂમડું થાય કે તરતજ દવાથી સારું ના થાય તો તેનું ઓપરેશન કરવું જરૂરી હોય છે, અને તે નથી કરતા તો તે જ ગૂમડું એક વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, આપણા જીવનમાં પણ સમયે સમયે આવા જરૂરી "ઓપરેશનો" કરવા પડતા હોય છે અને આવા "ઓપરેશનો" જીવન બચાવવા જરૂરી પણ હોય છે આખરે જીવન અણમોલ છે.
દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યનું પોતે જ નિર્માણ કરી શકે છે, પોતે જ પોતાનો ભવિષ્યવેતા બની શકે છે,સાચા ખોટા નિર્ણયો લઈ ને પોતે જ પોતાના નિર્ણયો માટે નિમિત્ત બને છે... જવાબદાર બને છે અન્ય કોઈ નહિ,ભવિષ્ય નું ઘડતર કરવા માટે સમજદારી અને સૂઝ બુઝ સાથે લીધેલા નિર્ણયો આપણા જીવનને મઠારી દે છે... ભવિષ્ય નું નિર્માણ કરે છે, જીવનમાં મળતા શુલ્ક લાભા લાભ ને નજર અંદાજ કરીને આદર્શો મૂલ્યો નું જતન કરીને લીધેલા નિર્ણયો આખરે ઉજ્જ્વળ ભવિષ્ય નું નિર્માણ કરે જ છે, ટૂંકો રસ્તો લાંબા રસ્તા કરતા જોખમથી ભરપૂર હોય છે.. ક્યારેક લાંબો રસ્તો ફાયદાકારક રહે છે અને ઓછો જોખમી પણ હોય છે, જીવનમાં પણ શોર્ટ કટ ક્યારેક જોખમી બની શકે છે, ઉજ્જ્વળ ભવિષ્ય ના નિર્માણમાં આપણો પુરુષાર્થ તો જરૂરી છે જ પરંતુ તેનાથી પણ વધારે આપણે લીધેલા નિર્ણયો નું અમલીકરણ વધારે અસરકારક હોય છે તે નિર્વિવાદ છે
અભિવ્યક્તી ને વ્યક્ત કરવી જોઈએ., કોઈને કોઈના માટે લાગણી હોય તો તેવી લાગણીઓને વહેતી મૂકવી પડે... અભિવ્યક્ત કરવી જોઈએ, લાગણી સંવેદના કોઈ પણ પ્રકારની હોઈ શકે... એ પછી કોઈ વૃક્ષ માટેની પણ હોઈ શકે કે પછી કોઈ પશુ પક્ષી માટેની પણ હોઈ શકે, એ જરૂરી નથી કે કોઈ માનવીય લાગણીઓ હોય..કોઈ નિર્જીવ વસ્તુ માટે પણ કોઈને લગાવ હોઈ શકે છે જેમ કે વર્ષો જૂના સ્કૂટર સાથે આપણો એવો નાતો બંધાઈ જાય છે કે આપણે તેને વેચી શકતા નથી,કોઈ દોસ્ત ને કોઈ દોસ્ત માટે પણ લાગણી હોઈ શકે છે તો તે વ્યક્ત કરવી જોઈએ, ક્યાં સુધી લાગણીઓને બાંધી રાખશો,નદીના મુક્ત પ્રવાહની જેમ તેને વહેવા દો,લાગણીઓને બંધિયાર ના બનાવો, આકાશ ગગનમાં વિહરતા મુક્ત પક્ષી ની જેમ લાગણીઓના પ્રવાહ ને મુક્તતાથી ઉડવા દો, બંધિયાર.. નદીનો કિનારો હોઈ શકે.. નદી ક્યારેય નહી!!, ભગવાને વાણી આપી છે તે બોલીને વ્યક્ત કરવા માટે આપી છે, વાણી ની મીઠાશ સમગ્ર વ્યક્તિત્વ નો આધારસ્તંભ છે, મધુર વાણી દ્વારા બોલાયેલા શબ્દો શાતા આપે છે શાંતિ ની અનુભૂતિ કરાવે છે,જ્યારે કર્કશ વાણી દ્વારા બોલાયેલા શબ્દો સામેવાળાને અને બોલનારને એમ બન્નેને અગ્નિ ની જેમ બાળે છે અને એજ કર્કશ શબ્દો તીર ની જેમ વાગે પણ છે.
જીવનના આદર્શો.. મૂલ્યો ના જતન થકી જ માણસની પ્રગતિ નો રસ્તો ખુલ્લો થઈ જાય છે,સારા અને ઉત્કૃષ્ટ વિચારો જ માણસ ના વ્યક્તિત્વનો શણગાર છે,ભવિષ્ય ની શક્યતાઓ અને અશક્યતાઓ....માન્યતાઓ અને ગેર માન્યતાઓ વચ્ચે ઝોલા ખાતું આપણું જીવન સ્થિર રહી શકતું નથી અને ભવિષ્ય ની દુઃખદ કે ખરાબ કલ્પનાઓનો પહાડ બનેલી ચિંતામાં... મહામૂલ્યવાન વર્તમાન ને પણ તે માણી શકતો નથી કે પછી સારી રીતે જીવી શકતો નથી,બધું જ ખરાબ જ બનવાનું છે તેમ માનીને વર્તમાન ની સુખદ ક્ષણો નો આનંદ ઉઠાવી શકતો નથી, નદી નું વહેણ પણ એકધારું હોતું નથી.. નદી પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં પોતાના વહેણ ની દિશા બદલતી હોય છે,તો પછી માણસે પણ પોતાના જીવનમાં બદલાવ લાવવો જરૂરી છે, કેટલીક બાબતોને પાછળ છોડી ને જ આગળ નો રસ્તો કંડારી શકાય છે,પરિવર્તન સંસાર નો નિયમ છે,વિચારો ની જડતા ક્યારેક માણસના જીવનને બેડીઓથી બાંધી રાખે છે,નવા વિચારોનું સ્વાગત કરવું જોઈએ,જીવનમાં બદલાવ જરૂરી છે, સમૃદ્ધ વિચારો થકી જ માણસ પોતાના જીવનને મઠારી શકે છે, જીવનના આદર્શો જ તમારા જીવનને એક નવી દિશા આપી શકે છે તે નિર્વિવાદ છે
--રસિક પટેલ