vidhva ek abhishap books and stories free download online pdf in Gujarati

વિધવા એક અભિશાપ

નાયક : હેમંત

નાયિકા : લાવણ્યા

ગામના મુખી : ગિરધર


ચોફેરથી વિશાળ બનેલા વડલા નીચે પંચાયત ભરાણી હતી. ત્યાં બે પક્ષ હાજર હતા અને બંને પક્ષો સામસામે એકબીજા પર આંગળી ઉઠાવીને વાર કરી રહ્યા હતા. એમાંથી કેટલાક લોકોનાં ચહેરા પર દુઃખની લકીરો જોવા મળી રહી હતી, તો કોઈક જાણે સિનેમાનો આંનદ લઈ રહ્યા હૉય ઍમ મજા લઈ રહ્યા હતા. સૌથી વધુ ઉદાસ અને દુઃખી કોઈ લાગતું હતું તો એ હતી, લાવણ્યા!

"મુખીબાપા! હું લાવણ્યાને ખુબ જ ચાહું છું. એમની જિંદગીમાં ફરી ખુશીઓ લાવવા માંગુ છું, તો હું આમાં ખોટું શું કરી રહ્યો છું? "

બધાં એકબીજા સામે જોઈ ખુશુરફુસુર કરવા લાગ્યાં. મુખી એમની લાંબી ને સફેદ થઈ ગયેલી મૂછો પર તાવ દેતાં, આંખોને જીણી કરી, ગાલે ગલોફુ ચાવતાં વિચાર કરવા લાગ્યો., 'આખરે હેમંત આ વિધવા લાવણ્યામાં જોઈ શું ગયો છે!' ને પછી બોલ્યો,

"જો ભાઈ! આપણું ગામડું સાવ ખોબા જેવડું છે. માન્યું તું શહેરમાં બે ચોપડી ભણી આયો છે. પણ તું અહીં આઈને મર્યાદા ભૂલે એતો કીમનું પરવડે! એક વિધવાને બદનામ કરવી રહેવા દેં વાલા! વિધવા સાથે પરણવાનાં સપના તું છોડી દેં."

પછી બંને પક્ષો વચ્ચે દલીલ જોર પકડયું! મુખી બંને પક્ષની દલીલો સાંભળી. વિધવા લાવણ્યાનાં પૂનરવિવાહ કરવાની મનાઈ કરી રહ્યા હતા. આ બધામાં લાવણ્યા પીસાઈ રહી હતી, એની આંખે આસુંની ધાર વહેવા લાગી હતી. ચાંલ્લા વગરનું સૂનું કપાળ, સફેદ સાડીમાં બે હાથ જોડી ઉભેલ પોતાના નસીબને કોસી રહી હતી.

"કઈ મર્યાદાની વાત કરી રહ્યા છો મુખીબાપા! અહીં ઘણાની નજર કાંટા વગરના ફળ પર છે. શું એને મર્યાદા નથી નડતી! કાલે સાંજે જ એકે ખરાબ દ્રષ્ટિથી લાવણ્યા પર અપશબ્દ વાપર્યા, શું એ ગામની મર્યાદા છે! આખરે, નાની ઉંમરમાં એના લગ્ન કરી દેવાયા, અને નાની જ આયુમાં એનો ઘરવાળો સ્વર્ગે સીધાવ્યો, એમાં આ બાપડીનો શું વાંક! શું એ માણસ નથી? આના કોઈ અરમાનો નહીં હૉય? શું આજીવન તમે એની રક્ષા કરી શકશો? માફ કરજો બાપા! પણ, રીતિ રિવાજો નિયમ મર્યાદા આ બધું માણસ માટે છે. માણસ આ બધાં માટે નથી. બાકી, મર્યાદાની આડમાં એક નિર્દોષનું જીવન સહારાના રણ જેવું ઉજ્જડ બની રહી જશે. અને એના જવાબદાર માત્રને માત્ર આપ, પંચાયત અને અહીંના રિતિરિવાજ હશે!"

હેમંતની વાતે ફરીવાર ગિરધર મુખીને વિચારવા મજબુર કરી દીધા! બહુ વિચાર કર્યા પછી ચહેરા પર હળવા હાસ્ય સાથે પંચાયત વચ્ચે હેમંતની સમજદારી અને હિંમતનાં વખાણ કરતા ઉભા થયા, મૌન ધારણ કરી માત્ર આસું સારતી લાવણ્યા પાસે આવીને માથે હાથ ફેરવતાં બોલ્યા,

"પંચો! કાલ સવારના આ છોકરાએ મારી આંખો ખોલી નાખી. એને સાચું જ કહ્યું, રીતરિવાજ માણસો માટે છે, માણસો રિતિરિવાજ માટે નથી! જેઠાનો દિનિયો મર્યો એની ખટક બધાને છે. પણ એમાં આ ફૂલ જેવી દીકરીનો શું વાંક! બીજી દીકરીઓની જેમ આ દીકરીનાં પણ કંઈક અરમાન હશે. આમ આજીવન એક વિધવા બનીને શ્રાપિત જીવન જીવશે તો એ આપણને માફ નહીં કરી શકે! અહીં ઘણી બેનો, લાવણ્યાની જેમ જીવી રહી છે. અને તેઓને ખબર જ હશે જીવનસાથી વગર જીવન કેટલું દોયલું લાગે છે. સમાજમાં ટકી રહેવું બહુ જ વિકટ બની જાય છે. હેમંત થકી લાવણ્યા દીકરીની જીંદગી સુધરતી હૉય તો એનાથી સારી બીજી કંઈ વાત હોય ન શકે! મને આ લગ્નથી કોઈ સમસ્યા નથી"

મુખીની વાત સૌએ સહર્ષ સ્વીકારી વધાવી લીધી. હેમંત આજે બહુ ખુશ હતો, આખરે એના પ્રેમની જીત થઇ હતી! અને એને સમાજમા વિધવા પૂનરવિવાહ માટે જાગૃતતા લાવવા સફળતા હાસિલ કરી લીધી હતી. લાવણ્યા પણ મનોમન મહાદેવનો આભાર માનવા લાગી હતી.આખરે એને નવું જીવન મળવા જઈ રહ્યું હતું, લાવણ્યા અને હેમંત પુનર્લગ્ન ફેંસલા પર લગ્ન રૂપી મહોર લગાવીને પંચાયત છૂટી પડી અને હેમંતને એની લાવણ્યા મળી ગઈ.

- સમાપ્ત