Bank kaumbhand - 5 books and stories free download online pdf in Gujarati

બેંક કૌભાંડ - ભાગ 4

બેંક કૌભાંડ

ભાગ-4

ગરીબની સતામણી


કહાન પોતાના હેકીંગ કરવાના બધાં જ ગેઝેટ લઇ રાજાબાબુના રૂમમાં આવી ગયો હતો. ટેબલ ઉપર એણે પોતાનું લેપટોપ અને એની સાથે જોડાયેલા ગેઝેટ ગોઠવી દીધા હતાં. સચીન કોઇ કામ માટે નીકળી ગયો હતો.

રાજાબાબુએ કહાનને જે તારીખ અને સમય આપ્યો એ પ્રમાણે તે પોતાની આવડતથી બેંકનું CCTV ફુટેજ હેક કરવાના કામમાં લાગી ગયો હતો.

"કહાન, તું આ કામ કરી તો શકીશને?" રાજાબાબુએ કહાનને પૂછ્યું હતું.

"રાજાબાબુ, હું દસમા ધોરણમાં ભણતો હતો ત્યારથી મુંબઇના મોટા મોટા હેકર સાથે બેસતો હતો. એ બધાં પાસેથી કોમ્પ્યુટરથી હેકીંગ કરવામાં એટલું બધું શીખ્યો છું કે હું સ્વીસ બેંકનું એકાઉન્ટ પણ હેક કરી શકું છું." કહાન બોલ્યો હતો.

"આપણે સ્વીસ બેંકનું એકાઉન્ટ હેક નથી કરવું પરંતુ આપણે ધનસુખની બેંકનું CCTV ફુટેજ મેં જે તારીખ તને આપી એ તારીખનું જોવું છે. તું તારું કામ કર ત્યાં સુધી હું ધનસુખને એના રૂમ ઉપર મળીને આવું છું." રાજાબાબુ કહાનને સૂચના આપી રૂમમાંથી બહાર નીકળ્યા હતાં.

રાજાબાબુ ધનસુખના રૂમમાં પ્રવેશ્યા હતાં ત્યારે ધનસુખ જમીન ઉપર બેસી પોતાના બે હાથ માથા પર રાખી બેઠો હતો. રાજાબાબુને આવેલા જોઇ એ ઊભો થઇ ગયો હતો અને રાજાબાબુને બેસવા માટે ખુરશી આપી હતી.

"ધનસુખ, તે વિચારે કે સાંઠેને કેબીનમાંથી બહાર નીકળતી વખતે કશું લઇ જતા જોયા છે ખરા? બરાબર યાદ કરીને મને કહે." ખુરશીમાં બેઠાં બાદ રાજાબાબુએ ધનસુખને પૂછ્યું હતું.

રાજાબાબુની વાત સાંભળી ધનસુખ વિચારમાં પડી ગયો હતો.

"મારી પીઠ પાંચ મિનિટ માટે વોશરૂમના દરવાજા તરફ હતી એ વખતે કશું લઇ ગયા હોય તો મારું ધ્યાન નથી. પરંતુ સાંઠે અને વિચારેને હું વર્ષોથી ઓળખું છું. બંન્ને લોભીયા તો છે જ પરંતુ એકબીજાના દુશ્મન પણ છે. માટે કદાચ કોઇએ ફાઇલ લીધી હોય તો કોઇ એક જણે જ લીધી હોય. બંન્નેએ સાથે મળીને ના લીધી હોય. પરંતુ રાજાબાબુ, એ ફાઇલ પાછળ આટલી મોટી બબાલ કેમ થઇ છે?" ધનસુખ હજી પણ આ મામલો સમજી શકતો ન હતો.

"જો ધનસુખ, આ ફાઇલમાં બેંકે પચાસ કરોડની લોન સુજલ ચિકોદરાની કેમીકલ કંપનીને આપી હતી એના ડોક્યુમેન્ટ્સ હતાં. સુજલ ચિકોદરાએ લોન લેવા માટે એની પ્રોપર્ટીના ઓરીજીનલ દસ્તાવેજ જે ગેરંટી તરીકે બેંકને આપેલા હોય એ એમાં હતાં. એવું બેંકનું કહેવું છે. જેની કિંમત પચાસ કરોડની આસપાસ થાય છે. હવે આ ફાઇલ બેંકને પરત ના મળે તો બેંકના પચાસ કરોડ રૂપિયા લગભગ ડૂબી જાય. બેંકમાં કોમ્પ્યુટરમાં લોન આપ્યાનો બધો હિસાબ હોય પરંતુ ઓરીજીનલ દસ્તાવેજો જે સુજલ ચિકોદરાએ બેંકને આપ્યા હતાં અને જેના બદલામાં લોન લીધી હતી એ દસ્તાવેજો મળે નહિ. માટે આ કેસ આટલો મહત્વનો થઇ ગયો છે. તને મુખ્ય આરોપી એટલા માટે બનાવવામાં આવ્યો છે કે તું એક પટાવાળો છે. તું કોઇ વકીલ રોકી શકે એવી આર્થિક ક્ષમતા ન હોવાના કારણે તને ફસાવવો સહેલો છે. માટે તને ફસાવવાનું કાવતરું રચ્યું હોય એવું મને સ્પષ્ટ દેખાય છે. આમેય આ દુનિયામાં ગરીબને ફસાવવો અને ગુનેગાર સાબિત કરવો ખૂબ સહેલો છે. કુદરત હોય કે આ ધરતી પરના માણસ હોય બધાં ગરીબને જ ફસાવવાની વેતરણમાં રહેતા હોય છે. આ મામલો બહુ સીરીયસ છે માટે મને પૂછ્યા વગર ઘરમાંથી બહાર ના નીકળતો. બની શકે કે આ મામલો કોર્ટ બહાર પતાવવા તારા પર હુમલો પણ થઇ શકે છે." રાજાબાબુની વાત સાંભળી ધનસુખ અને સુધા બંન્ને રડવા માંડ્યા હતાં.

"તમે બંન્ને રડવાનું બંધ કરો અને હું જે સૂચના આપી રહ્યો છું એ સૂચના ઉપર ચાલવાનું રાખજો. મને પૂછ્યા વગર પોલીસ સાથે કે પછી બેંકના કોઇપણ કર્મચારી સાથે રૂબરૂમાં કે ફોનમાં વાત કરતો નહિ અને બેંકના કોઇપણ કર્મચારીને મળતો નહિ અને મળે તો મારી હાજરીમાં મળજે. ચાલ હવે હું જઉં છું. તારું કામ હશે તો બોલાવીશ." આટલું બોલી રાજાબાબુ પોતાના રૂમ પર પરત આવ્યા હતાં.

"રાજાકાકા, બેંકના આ વિડીયો ફુટેજ જોઇ લો." કહાને રાજાબાબુ તરફ લેપટોપ કરતા કહ્યું હતું.

બેંકમાં બહાર લગાડેલા CCTV કેમેરામાં ધનસુખ ગભરાતો ગભરાતો દોડતો બેંકમાંથી બહાર નીકળી રહ્યો છે. ધનસુખના બહાર નીકળ્યા બાદ વિચારે અને સાંઠે પણ બે મિનિટ પછી બહાર નીકળતા દેખાય છે. સાથે એક હટ્ટોકટ્ટો લાગતો બોડીગાર્ડ જેવો માણસ પણ બહાર નીકળે છે. ધનસુખ જ્યારે બહાર નીકળતો હોય છે ત્યારે બેંકની બરાબર સામે ક્રોસમાં એક કીટલીવાળો ચા બનાવી રહ્યો હોય છે અને બેન્ચ ઉપર કોઇ મુસ્લિમ ટેક્ષી ડ્રાઇવર ચાની કીટલીના બાકડા પર બેસી ચા પી રહ્યો છે. એની નજર દોડનાર ધનસુખ તરફ છે.

"કહાન, જા ધનસુખને બોલાવીને આવ." રાજાબાબુએ કહ્યું હતું.

કહાન દોડતો જઇ ધનસુખને બોલાવી લાવ્યો હતો.

"ધનસુખ, આ ચાની કીટલીવાળાને તું ઓળખે છે?" રાજાબાબુએ ધનસુખને પૂછ્યું હતું.

"હા, આ ચાની કીટલીવાળાનું નામ રહીમ છે અને મારો મિત્ર છે. અમારી બેંકમાં એની જ ચા આવે છે." ધનસુખે રાજાબાબુને કહ્યું હતું.

"સારું, તું ઘરે જા અને કહાન તારા પપ્પા આવે એટલે એમને તું આ ટેક્ષી ડ્રાઇવરનો ફોટો બતાવજે. ચોક્કસ એ ટેક્ષી ડ્રાઇવરને ઓળખતો હશે. આનાથી આપણને મદદ મળશે." રાજાબાબુએ આટલું કહી કહાનને ઘરે જવા કહ્યું હતું.

રાજાબાબુ એક કાગળ ઉપર આખી માહિતીને વિગતવાર લખી રહ્યા હતાં.

"આ આખો કેસ એક ફાઇલ માટે ચાલી રહ્યો છે એટલે એ ફાઇલમાં રહેલા કાગળિયાંની સાથે સાથે એ ફાઇલના માલિકનું પણ બેંક સાથે અને બેંકના કર્મચારી સાથે મોટી સાંઠગાંઠ હશે." રાજાબાબુ મનોમન વિચારી રહ્યા હતાં.

રાજાબાબુ જ્યારે કેસની વિગતો લખી રહ્યા હતાં ત્યારે જ સચીન એમના રૂમમાં દાખલ થયો હતો.

"રાજાબાબુ, તમે જે ટેક્ષી ડ્રાઇવરનો ફોટો કહાનને મને બતાવવા કહ્યું હતું એનું નામ મહેબૂબ અલી છે. અમે એમને મહેબૂબ ચાચા કહીને બોલાવીએ છીએ. મુંબઇમાં છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ ટેક્ષી ચલાવે છે અને ખૂબ ઇમાનદાર અને પાકા મુસલમાન છે. મને સારી રીતે ઓળખે છે." સચીને રાજાબાબુ સામે જોઇ કહ્યું હતું.

"જો તને અત્યારે કોઇ કામ ના હોય તો એમને અને ચાની કીટલીવાળા બંન્નેને મળવું પડશે." રાજાબાબુએ સચીનને કહ્યું હતું.

"મારે કોઇ કામ નથી. હું મહેબૂબ ચાચાને ફોન કરીને પૂછી લઉં છું. જો એ ત્યાં આસપાસ હશે તો ચાની કીટલી પર જ આવી જશે. તો ત્યાં બેસીને શાંતિથી વાત થઇ શકશે અને એક સાથે બંન્ને જણ જોડે મુલાકાત પણ થઇ જશે." સચીને કહ્યું હતું અને ધનસુખને બોલાવવા માટે એના રૂમ તરફ જવા માંડ્યો હતો.

પંદર મિનિટમાં ત્રણે જણા ટેક્ષીમાં બેસી અને રહીમની ચાની કીટલીએ પહોંચ્યા હતાં ત્યારે મહેબૂબ અલી પણ ત્યાં આવી પહોંચ્યા હતાં. રહીમે ચા બનાવવાનું એના કારીગરને સોંપી એ પણ બેન્ચ ઉપર મહેબૂબ અલીની બાજુમાં બેસી ગયો હતો. રાજાબાબુ, સચીન અને ધનસુખ એની સામેની બેન્ચ ઉપર બેઠાં હતાં.

"ધનસુખ, તારી જોડે બહુ ખોટું થયું. મને વિશ્વાસ છે કે તું આવું ક્યારેય કરી ના શકે. ચોક્કસ આ ષડયંત્રમાં કોઇએ તને ફસાવ્યો છે." રહીમે ધનસુખ સામે જોઇ કહ્યું હતું.

"આ રાજાબાબુ મારા વકીલ છે અને એ તમને બંન્નેને કશું પૂછવા માંગે છે." ધનસુખે મહેબૂબ અલી અને રહીમ સામે જોઇને કહ્યું હતું.

મહેબૂબ અલી અને રહીમ બંન્નેએ માથું હલાવીને મૂક સંમતિ આપી હતી.

"મહેબૂબભાઇ, ધનસુખ જ્યારે બેંકમાંથી દોડતો દોડતો નીકળ્યો હતો ત્યારે તમારી નજર એ દિશામાં હતી. તમે કશું અજૂગતું જોયું હતું? ખૂબ શાંતિથી અને વિચારીને મને કહેજો અને કશું નકામું સમજીને છોડી ના દેતા." રાજાબાબુએ પૂછ્યું હતું.

મહેબૂબ અલીએ પોતે જોયેલી આખી ઘટનાનું વર્ણન રાજાબાબુને કર્યું હતું. મહેબૂબ અલી જેમ જેમ પોતાની વાત કહી રહ્યા હતાં તેમ તેમ રાજાબાબુના મુખ પર હળવું સ્મિત આવવા લાગ્યું હતું.

રહીમે પણ મહેબૂબ અલીએ કીધેલી વાતની આગળ પાછળની વાતની કડીઓ જોડી દીધી હતી.

રાજાબાબુએ એ બંન્નેને કોર્ટમાં જુબાની આપવા માટે રાજી કરી લીધા હતાં. મહેબૂબ અલીએ ઊભા થઇ રાજાબાબુ સામે જોઇ કહ્યું પણ હતું.

"જો વકીલ સાહેબ, હું પાંચ વખતનો નમાઝી માણસ છું. સત્ય કહેવા માટે તમે મને જ્યારે બોલાવશો ત્યારે મેં જેટલું જોયું છે એ બધું સત્ય ચોક્કસ કહીશ અને એમાં કોઇ ફેરફાર નહિ થાય અને એમાં પણ તમે સચીનને જોડે લઇને આવ્યા છો એટલે મારે પણ સચીન જેવા મિત્રના કારણે આવીને સત્ય કહેવું જ રહ્યું." આટલું કહી મહેબૂબ અલી પોતાની ટેક્ષી લઇને નીકળી ગયા હતાં.

રાજાબાબુ, ધનસુખ અને સચીન ત્રણે જણ પોતાની ચાલીમાં પાછા આવ્યા હતાં.

"રાજાબાબુ, આ લોકોએ આપેલી માહિતી ઉપરથી કોઇ ફાયદો થાય એવું તમને લાગે છે?" ધનસુખે રાજાબાબુ સામે જોઇ પૂછ્યું હતું.

"રહીમ અને મહેબૂબ અલી જે વાત કહી રહ્યા હતાં એ વાતનો પુરાવો જો મળી જાય તો તું આવતી મુદતમાં જ નિર્દોષ સાબિત થઇ જાય. આ બંન્નેને મારે ગવાહ તરીકે રજૂ કરવાના છે એની માહિતી મારે અગાઉથી આપવી પડશે. આ બંન્નેમાંથી કોઇ પૈસા માટે ફૂટે એવું તો નથીને?" રાજાબાબુએ સચીન અને ધનસુખ બંન્ને સામે જોઇ પૂછ્યું હતું.

"રહીમ મારો મિત્ર છે. એ પૈસા માટે નહિ ફૂટે એનો મને વિશ્વાસ છે." ધનસુખ બોલ્યો હતો.

"મહેબૂબ ચાચા માટે તો આવી વાત વિચારવી એ ગુનો છે. એ મરી જશે પણ ક્યારેય વેચાશે નહિ." સચીને પણ રાજાબાબુને પૂરા આત્મવિશ્વાસથી કહ્યું હતું.

"સારું, તમે લોકો તમારા ઘરે જાઓ. મારે આ કેસની તૈયારીઓ કરવાની છે અને હા, સચીન તું કહાનને હેકીંગ માટેનું કોમ્પ્યુટર અને એના ગેઝેટ લઇ મારા રૂમમાં મોકલી આપ. મારે હજી એક કામ કરાવવાનું બાકી છે." આટલું બોલી રાજાબાબુએ પોતાનો રૂમ ખોલ્યો અને રૂમમાં પ્રવેશ્યા હતાં.

"રાજાબાબુ, તમે આજે તમારી રસોઇ બનાવતા નહિ. સુધા તમને ટીફીન આપી જશે." ધનસુખે રાજાબાબુને કહ્યું હતું.

કહાન પોતાના બધાં ગેઝેટ લઇ દસ મિનિટમાં જ રાજાબાબુના રૂમમાં આવી ગયો હતો.

ક્રમશઃ......

(વાચકમિત્રો, બેંક કૌભાંડ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ વિશે આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું...)

- ૐ ગુરુ