Bank Kaumbhand - 1 books and stories free download online pdf in Gujarati

બેંક કૌભાંડ - ભાગ 1

બેંક કૌભાંડ

ભાગ – ૧

રાજાબાબુ તૈયાર થાવ


‘રાજાબાબુ, રાજાબાબુ’ બૂમો પાડતું દરવાજો કોઈ જોરથી ખખડાવી રહ્યું હતું.

રાજાબાબુ એટલે... રાજેશ્વર ગુપ્તા. છેલ્લા પંદર વર્ષથી રમાબાઈ ચાલની રૂમ નંબર-૧૦ માં રહી રહ્યા હતા. જોર જોરથી દરવાજાના ખખડાવવાનો અવાજ સાંભળી પથારી માંથી ઊભા થઇ પહેલા પોતાના ચશ્મા શોધ્યા. પછી ચશ્મા પહેરી એમણે દરવાજો ખોલ્યો હતો.
દરવાજો ખોલ્યો ત્યારે સામે સુધા શબનીશ ઊભી હતી, એની સાથે ચાલમાં જ રહેતા મહેશ અને સચિન પણ એની સાથે ઊભા હતા.
‘રાજાબાબુ, મારા પતિને બચાવી લો. પોલીસ એમને પકડીને લઈ ગયી છે. પોલીસનું કહેવું એમ છે કે એમણે બેંકના મહત્વના કાગળીયાની ફાઈલ ગુમાવી દીધી છે. પોલીસ એમને હમણાં જ હથકડી પહેરાવીને લઈ ગયી છે.’ સુધા શબનીશ રડતાં રડતાં બોલી હતી.
‘બેટા સુધા, મારે વકીલાત છોડે પંદર વર્ષ થઇ ગયા. હું પંદર વર્ષથી કોર્ટમાં ગયો નથી. તારા પતિનો આખો કેસ એટલે તારા પતિ ધનસુખ જોડે શું થયું છે એ સમજવા માટે અત્યારે જે પ્રેકટીસ કરતો હોય એવા કોઈ વકીલની જરૂર પડે.’ રાજેશ્વર ગુપ્તાએ પોતાની મજબૂરી બતાવતા કહ્યું હતું.
‘ના, રાજાબાબુ તમને તો ખબર છે કે અમારી આર્થિક પરીસ્થિતિ એવી તો છે નહિ કે, જેથી અમે કોઈ વકીલને ફી આપી શકીએ. કોઇપણ વકીલ રૂપિયા ૨૦-૨૫ હજાર તો ઓછામાંઓછા માંગે. અને મારી પાસે તો ઘરમાં અનાજ લાવવાનાં પણ પૈસા નથી. વર્ષોથી તમે આ ચાલીમાં રહો છો, પણ મેં તમને કોઈ દિવસ તકલીફ આપી નથી. આ કેસમાં જે થાય તેની જવાબદારી મારી પણ આ કેસ તો તમે જ લડો અને એમને પોલીસના ચંગુલ માંથી બચાવો.’ સુધા શબનીશ હજી રડી રહી હતી.
સુધા શબનીશની જોડે આવેલા સચિને રાજાબાબુને કહ્યું હતું. ‘રાજાબાબુ તમે ગરીબ છો, અમે ગરીબ છીએ. એક ગરીબ જો બીજા ગરીબની મદદ ના કરે તો આ ધરતી રસાતાળ થઇ જશે. તમે તો એક સમય હાઇકોર્ટના સારામાં સારા વકીલ હતા. તમારી જાહોજલાલી મેં મારી આંખે જોઈ છે. તમારા છૂટાછેડા થયા બાદ તમે પ્રેકટીસ છોડી દીધી અને આર્થિક રીતે પણ કંગાળ થઇ ગયા અને આ ચાલીમાં આવીને રહેવા લાગ્યા. પંરતુ ચાલીના બધા માટે તમારું વર્તન પ્રેમ ભર્યું જ રહ્યું છે. તમે હંમેશા ચાલીવાળાને પોતાના પરીવાર જેવા જ ગણ્યા છે, તો પછી અત્યારે ના શું કરવા પાડો છો?’ સચિને એમને પૂછ્યું હતું.
‘સચિન વાત એ છે કે પોલીસ ધનસુખને કયા આરોપસર લઈ ગયી છે? એના પર શું ચાર્જ લગાડ્યો છે? બેંકવાળા એ શું કમ્પલેન કરી છે? આ બધુ જ તપાસ કરવું પડે. એની શોધખોળ કરવી પડે. અને એના માટે જોઈએ માનસિક સ્થિર અવસ્થા. અત્યારે મારી માનસિક અવસ્થા સ્થિર નથી તેમજ મારે કાનૂનની ચોપડીઓને હાથ લગાડે પણ પંદર વર્ષ થઇ ગયા છે. તમે લોકો મારી વાત કેમ સમજતા નથી?’ રાજેશ્વર ગુપ્તાએ અકળાઈને કહ્યું હતું.
‘અમે તો કશું ના જાણીએ રાજાબાબુ... તમે જ અમારા માટે બધુ જ છો. જે સંજોગો થશે એ અમે સ્વીકારીશું પણ તમે અત્યારે પોલીસ સ્ટેશન મારી સાથે ચાલો અને મારા પતિને છોડાવવા માટે આ કેસ તમે લડો.’ સુધા શબનીશ રાજાબાબુના પગમાં પડી ગઈ હતી.
‘અરે બેટા, આવું ના કર. મારા પગે ના પડ. ચાલો તમારા લોકોની જીદ છે તો હું આવું છું પરંતુ કયાં પોલીસ સ્ટેશનમાં કમ્પલેન થઇ છે ખબર છે?’ રાજાબાબુએ સુધા સામે જોઈ પૂછ્યું હતું.
‘હા, બાંદ્રા પોલીસ સ્ટેશનમાં બેંકવાળાએ કમ્પલેન કરી છે. અને આપડે ત્યાં જવાનું છે. સચિનભાઈ એમની ટેક્સી લઈ લે છે. આપડે એમની ટેક્સીમાં જ જઈએ છીએ. સુધાએ સચિનને ટેક્સી તૈયાર કરવાનું કહ્યું હતું.
રાજાબાબુ વર્ષો પછી કાળો કોટ પહેરી રહ્યા હતા. રાજાબાબુ તૈયાર થઇ અને સચિનની ટેક્સીમાં બેસી સુધા સાથે બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

ક્રમશઃ.......

(વાચકમિત્રો, બેંક કૌભાંડ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ વિશે આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું....)

- ૐ ગુરુ