chokidar books and stories free download online pdf in Gujarati

ચોકીદાર

રાતના લગભગ ત્રણ વાગ્યા હતા. ઉનાળો હોવા છતાં ઠંડીની લહેર હતી. સોસાયટીમાં લગભગ બધાના ઘરોમાં લાઈટો બંધ જ હતી. મોડી રાત સુધી ભણવા વાળા છોકરાઓ પણ સુઈ ગયા હતા. મોટાભાગના ધાબા ઉપર અને કેટલાક બહાર ખાટલો લઇ સુતા હતા. ચોકીદાર ઈશ્વરસિંહ, નીચે લોખંડની પટ્ટી લગાવેલ લાકડાનો ધોકો ખખડાવતો-ખખડાવતો ચોકી કરતો હતો. આખો દિવસ હીરા ઘસવાની નોકરી કર્યા પછી રાત્રે નવ વાગ્યે તે સોસાયટીના ખૂણામાંની ઓરડીમાંથી બહાર નીકળતો. તે સહ પરિવાર આ નાની ઓરડીમાં રહેતો હતો. તેના પરિવારમાં તે, પત્ની અને એક બિમાર મા હતી.

ઈશ્વરસિંહ એક આખો આંટો મારીને પોતાની ઓરડી આગળ આવ્યો અને બાંકડા પર બેઠો. તેને ખબર હોવા છતાં તેણે આજુબાજુ નજર કરી અને પછી નીચે નમી બાંકડા નીચેથી એક નાની બોટલ કાઢી. તેના નીરસ ચહેરા પર ચમક આવી. તેણે પોતાની ઓરડી તરફ નજર કરી, કારણકે ઘણીવાર તેની પત્ની પણ તેની સાથે ચોકી કરવા જાગતી. ઉભો થઈને તપાસ કર્યા બાદ તે ગ્લાસ સાથે બાંકડા પર બેઠો અને બોટલ ખોલી ગ્લાસ ભર્યો. ગ્લાસ મોઢે અડાડતા જ તેના શરીરમાં અજબ તાજગી અનુભવાઈ. એક આખો ગ્લાસ પીધા પછી તે ઉભો થયો અને ફરીથી આંટો મારવા લાગ્યો. આંટો મારતા-મારતા સોસાયટીના ખૂણામાંના ઘર તરફ તેની નજર ગઈ અને તેની આંખ લાલચોળ થઇ ગઈ. તેણે લાકડી પછાડવાનું બંધ કરી તે ઘર તરફ ચાલવાનું શરૂ કર્યું. ખાટલામાં પારૂલ ડોસી શાંતિથી પાતળી એવી પછેડી ઓઢી સુતા હતા અને તેમનાથી થોડા અંતરે તેમના પતિ. પારૂલ ડોસી તેમના પતિ સાથે આ ઘરમાં રહેતા હતા, તેમના છોકરા બીજા શહેરમાં રહેતા હતા. લોકો એવું કહેતા હતા કે છોકરાઓ પણ ડોસીના સ્વભાવના કારણે જ તેમની સાથે નહોતા રહેતા. લગભગ અઠવાડિયામાં એકવાર તો તે કોઈના કોઈ બહાને કોઈના કોઈ સાથે ઝઘડો કરતી જ. જો સોસાયટીનું કોઈ ન મળે તો શાકભાજીની લારી કે પછી ભંગારવાળો પણ ન બચી શકતા.

ત્યાં ઉભા-ઉભા જ ઈશ્વરસિંહને ડોસીના ગઈકાલ બપોરના શબ્દો ફરી કાને સંભળાવવા લાગ્યા.

“હા..નાલાયક તું અને તારી...તારી પેલી બાયડી. તું મને પાણી કેમ વેડવાનું શીખવાડીશ. હે?..દારૂડિયા....તમને બધાને જેલ ભેગા કરાવી દઈશ...હા..”

“અરે બા...સોસાયટીનો નિયમ છે કે રોડ પર પાણી નઈ વેડવાનું એટલે કઉ છું તમને...” ઈશ્વરસિંહે વાત સમજાવતા કહેલું.

પરંતુ પારૂલ ડોશીનો સ્વભાવ અને જીભ બેઉ વિચિત્ર હતા. એટલે વાત પૂરી કરવાની જગ્યાએ વળી આગળ બોલ્યા “એય..... જો તને કહી દુ છું..હું કોઈ પ્રમુખથી ડરતી નથી અને તું રોજ રાત્રે દારૂ પીવે છે એવી વાત પણ મને ખબર જ છે...તારી બાયડી પણ શું કરે છે એ બધી મને ખબર છે...”

આખરે કંટાળીને ઈશ્વરસિંહ જ ત્યાંથી પોતાને કારખાને જવાનું હોઈ ઓરડી તરફ ચાલ્યો ગયો હતો.

આ આખું પ્રકરણ અત્યારે ઈશ્વરસિંહને ડોશીના બાજુમાં ઉભા રહીને જ યાદ આવ્યું. ડોસી નસકોરા બોલાવતા આમથી તેમ આળોટી. અન્યમનસ્ક તે તેની પથારી તરફ જ જોઈ રહ્યો. અને અચાનક જ પોતાની ઓરડી તરફ ચાલવા લાગ્યો. તેણે જાણે મનોમન કોઈ નિર્ધાર કર્યો હોય તેવું તેની ચાલ પરથી કળાતું હતું. તે ફટાફટ તેની ઓરડી આગળ પહોંચ્યો અને ફરી પાછી બાંકડા નીચેથી બોટલ કાઢી. આ વખતે ગ્લાસમાં ભરવાની જગ્યાએ તેણે આખી બોટલ જ મોઢે લગાવી દીધી. જાણે કોઈ ઝુનુન સવાર થયું હોય એમ તે વર્તી રહ્યો હતો. આખી બોટલ ખાલી કર્યા પછી તે પોતાની ઓરડી તરફ ગયો અને તપાસ્યું. તેની પત્ની અને મા બેઉ ગાઢ નિંદ્રામાં હતા. તેણે એકવાર ગ્લાસ પછાડીને ચકાસી પણ જોયું. તે ફટાફટ ઓરડીના પાછળના ભાગમાં પડેલા ભંગાર તરફ ગયો અને ખાલી બોટલ એક પીપડામાં નાંખી. પીપડામાંની અન્ય બોટલો સાથે અથડાવવાનો હલકો એવો આવાજ થયો. તે ફરી પાછો તેની ઓરડીમાં આવ્યો અને પછી હળવેથી પોતાની લાકડી લઇ આંટો મારવા ચાલ્યો.

આ વખતે તેની ચાલ હેતુસરની જણાઈ રહી હતી. તેની લાકડી પછાડવાની તીવ્રતામાં અચાનક વધારો થયો હતો. ગલીના કુતરાઓ પણ ઊંઘમાંથી ઉઠી, ભસવા લાગ્યા. તે સીધો જ પારૂલ ડોસીના ઘર આગળ પહોંચ્યો. ચાર વાગી ગયા હતા. તેણે કુતરાઓને શાંત થવા દીધા. તે ત્યાં જ ઉભો રહ્યો અને આજુબાજુ નજર ફેરવવા લાગ્યો. તેની લાકડી પરની પકડ મજબુત થવા લાગી. તેની આંખો એકધારી ડોસીને જ જોઈ રહી હતી. “દારૂડિયા..નાલાયક...” જેવા શબ્દો તેના કાને વારંવાર સંભળાવવા લાગ્યા અને એ જ ગુસ્સા સાથે તેણે લાકડી ઉગામી. એક હલકી ચીસ ઉઠી અને ક્યાંય અંધારામાં ગુમ થઇ ગઈ. ઈશ્વરસિંહ સ્તબ્ધ ચહેરે પારૂલ ડોસી તરફ જ જોઈ રહ્યો અને પછી થોડે દુર સુતેલા તેના પતિ તરફ જોઈ રહ્યો. અડધી મિનીટ તે ત્યાં જ ઉભો રહ્યો અને પછી ચહેરા પરનો પરસેવો લૂછતો-લૂછતો તે ઓરડી તરફ ચાલ્યો. તે ચાલતો હતો એ સમયે અચાનક જ અગાઉની સોસાયટીના મૃત લોકોના ચહેરા તેની આગળ આવી ગયા. તે મલકાયો અને ચુપચાપ બાંકડા પર બેસી ગયો!!

--અન્ય પાલનપુરી