Aansu ane hasynu mishran books and stories free download online pdf in Gujarati

આંસુ અને હાસ્યનું મિશ્રણ

હું બગીચાની પાટલી પર બેસ્યો હતો. સાંજના આશરે ૬ વાગ્યા હશે. બાળકો મસ્તી કરી રહ્યા હતા અને હું હંમેશ પ્રમાણે આ બાળકોની મસ્તી નિહાળી રહ્યો હતો. ઠંડો પવન મારા ચહેરાને ખુશીની અનુભૂતિ કરાવી રહ્યો હતો. સૂરજની લાલિમા આકાશમાં છવાયેલી હતી. અને આ બધામાં ફૂલોની સુગંધ સોને પે સુહાગાનું કાર્ય કરી રહી હતી.

સમય કેટલો જલ્દી વીતી જાય છે. આજે મારો જન્મદિવસ છે, ૬૧માં વર્ષમાં મારુ આગમન થયું. પરંતુ આ ૬૧ વર્ષથી કે સમયથી કોઈ જાતની ફરિયાદ નથી. હું આ ઉંમરે પણ એ જ સ્માઈલ આપું છું જે ૨૦-૨૧ વર્ષની ઉંમરે આપતો હતો. અરે તમને કહેવાનું તો રહી ગયું કે મારી બાજુમાં મારી પત્ની પણ બેસી છે. પરંતુ એ કુદરતને નિહાળવાની જગ્યાએ એક પુસ્તક લઈને બેસી છે. હું એને કહું છું કે પુસ્તક તો ઘરે પણ વાંચી શકાય, પણ જો એ મારી વાત માને તો. અને હું એના ગાલ પકડીને બોલ્યો સાવ ગાંડી ડોશી છે ! એને એ રીતે એને મારી સામે જોયું કે જાણે જણાવતી હોય કે હવે તો ઉંમર થઈ, ક્યાં સુધી જુવાનિયા જેવું કરશો. એ જ હાવભાવવાળા ચહેરાના પ્રત્યુત્તરમાં હું બોલ્યો કે એ ડોશી ! પ્રેમ એટલે પ્રેમ, સમયની સાથે વધતો રહે એનું નામ પ્રેમ. અને આજ પ્રેમ મને આટલી ઉંમરે ખુશી આપે છે એટલે સમજી લે…....પ્રેમ એટલે પ્રેમ.

ડોશી હસવા લાગી, અરે ! હું તો એને જોઈને જ ખુશ થઈ ગયો. આ રીતે અમે થોડીક વાતો કરી રહ્યા હતા અને એમાં બિરજુ અમારી પાસે આવ્યો, બિરજુની વાત કરીએ તો બહુ જ ડાહ્યો છોકરો. આજે મારી સાથે મારો પ્રેમ એટલે ડોશી છે કારણ કે આજે મારો જન્મદિવસ છે. નહીં તો એ પોતાની પુસ્તકની સાથે ઘરમાં જ બેસી હોય. તો સમજી લો કે ડોશી ના હોય ત્યારે જે વાતોમાં મારો ભાગીદાર બને એ આ ડાહ્યો છોકરો બિરજુ અને એ અમારી બાજુની સોસાયટીમાં રહે છે.

બિરજુ અમને બંનેને પગે લાગ્યો અને મને કહ્યું હેપ્પી બર્થડે દાદુ. અને પ્રત્યુત્તરમાં મેં એને મારા અંદાજમાં કહ્યું થેન્ક યુ. પછી બિરજુ બોલ્યો કે દાદુ પાર્ટી કરવાની છે આજે બરાબર ! મેં બધી જ વ્યવસ્થા કરી દીધી છે અને હું કંઈ કહેવા ગયો એમાં તો એ બોલ્યો દાદુ ! આજે કંઈ બોલો જ નહીં. મેં કહ્યું ઓકે બેટા, અમે આવી જઈશું બસ ! હવે ખુશ ને. તો બિરજુ બોલ્યો યસ દાદુ "બી રેડી એટ ૯ ઓ ક્લોક" મેં હસતા હસતા કહ્યું ઓકે બોસ.

પાર્ટીની વાત તો પુરી થઈ પરંતુ મને બિરજુના ચહેરા પરથી લાગ્યું કે એ કંઈક ચિંતામાં છે. અને એવામાં જ એને એની દાદી એટલે મારી ડોશી તરફ ઈશારો કર્યો એટલે મેં તરત જ ડોશીને કહ્યું કે ઓ ડોશીમા તમે થોડો આંટો મારીને આવો શરીર બહુ જ વધી ગયું છે એ પણ જાણે મારી વાતને સમજી ગઈ હોય એમ કહ્યું કે હા હો ! પછી મેં બગીચામાં રમતી રેખાને બોલાવીને કહ્યું બેટા ! દાદીની સાથે એક આંટો મારી આવ. અને રેખા ડોશીની સાથે આંટો મારવા ગઈ.

મેં બિરજુ સામે જોયું અને પૂછ્યું કે બોલ બેટા શું થયું ? મને એમ લાગે છે જાણે તારે કંઈક કહેવું છે. તો એ મારી બાજુમાં બેસ્યો અને મારી આંખોમાં આંખો પરોવીને બોલ્યો. "દાદુ તમે કોઈ દિવસ પ્રેમ કર્યો છે" મેં એની સામે જોયું અને થોડાક ગંભીર હાસ્ય સાથે કહ્યું "હા". તો તરત જ એણે પૂછ્યું તમે દાદી સાથે લવ મેરેજ કર્યા ? અને મેં પ્રત્યુત્તરમાં કહ્યું અરે ના ગાંડા ! તારી દાદી જોડે તો અરેન્જ મેરેજ થયા છે. તો પછી તમે જેને પ્રેમ કરતા હતા એનું શું થયું ? મેં કહ્યું એની સાથે મારુ જીવન શક્ય હોવા છતાંય અશક્ય હતું. મારા આ શબ્દો પરથી જાણે એને સમજ ના પડી હોય એમ મારી સામે જોવા લાગ્યો. એ કંઈક પૂછવા જાય એની પહેલા જ મેં એને કહ્યું બોલ બેટા ! તારા પ્રેમની જ વાત કરવા આવ્યો છે ને ? તો બિરજુ બોલ્યો દાદુ ! તમને ખબર પડી ગઈ એમ, મેં કહ્યું આવા પ્રશ્નો પાછળ એટલું તો સમજી શકું ને કે તારે પ્રેમ વિશે જ કંઈક વાત કરવી છે.

ચાલ હવે બોલ ! મેં કહ્યું. બિરજુ બોલ્યો દાદુ હું એક છોકરીને છેલ્લા ૨ વર્ષથી પ્રેમ કરું છું બરાબર ટૂંકમાં કહીએ તો મારો પ્રેમ એકતરફી છે. ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યો છું કે એને મારી દિલની વાત જણાવું પરંતુ "એને ખોઈ દઈશ" એવો ડર મારી હિમ્મત પર ભારે પડી રહ્યો છે, હું શું કરું એ કંઈ જ સમજાતું નથી. મેં એને સ્માઈલ આપીને કહ્યું "ફક્ત એને જઈને કહી દે" આ સાંભળતા જ એ મારી સામે જોવા લાગ્યો અને કહ્યું કે દાદુ એ જ તો થતું નથી અને તમે તો પ્રેમ કર્યો છે ને તોપણ તમે સમજતા નથી કે દિલની વાત જણાવવી.... અને એટલું બોલતા જ એણે હાથની મુઠ્ઠી પોતાના જ પગ પર હળવેથી મારી. મેં એના ખભા પર હાથ મુક્યો એટલે એ મારી સામે જોઈ રહ્યો પછી મેં કહ્યું "બેટા ! મેં મારા દિલની વાત જણાવવામાં જ ૯ વર્ષ કાઢ્યા હતા" પછી હું કંઈ બોલ્યો નહીં પણ જાણે અચાનક મારા હૃદયનો દરિયો ભરાઈ ગયો હોય એમ લાગ્યું. બિરજુ મારી સામે અચંભિત નજરે જોવા લાગ્યો, અને કહ્યું દાદુ સોરી ! અને ઉમેર્યું કે દાદુ પછી શું થયું એ તો કહો જેમને તમે પ્રેમ કરતા હતા એમણે તમને પ્રત્યુત્તર શું હતો. મેં કહ્યું, એ તો હું તને જણાવીશ પરંતુ પેલા એ જણાવ તો એ છોકરીને દિલની વાત ક્યારે કરીશ. બિરજુએ કહ્યું કે દાદુ હવે તો મારે હિમ્મત કરવી જ પડશે અને ટૂંક જ સમયમાં એને કહી દઈશ કે "આઈ લવ યુ". અને મેં કહ્યું સરસ બેટા !

બિરજુએ ફરી મને પ્રશ્ન કર્યો કે તમે જેમને પ્રેમ કરતા હતા એમણે શું પ્રત્યુત્તર આપ્યો એટલે મેં હસતા હસતા કહ્યું કે એણે મારા પ્રેમનો અસ્વીકાર કર્યો, અને એ જવાબને મેં સ્વીકાર કર્યો. બિરજુ બોલ્યો, દાદુ તમે જેને પ્રેમ કર્યો હતો એ પાત્ર તમને ના મળ્યું એનું કંઈ કારણ ? મેં બિરજુ સામે જોયું અને થોડો ઊંડો શ્વાસ લીધો અને એ શ્વાસને છોડતા જ કહ્યું કે બેટા ! હું એને મેળવી ના શક્યો અને મેળવવાનો વધારે પ્રયત્ન પણ ના કર્યો કારણ કે એ મારા વગર વધારે ખુશ હતી. એવું નહોતું કે એને ખબર નહોતી કે હું એને કેટલો પ્રેમ કરું છું કારણ કે મેં એને ૯ વર્ષ પછી મારા દિલની વાત કહી હતી તો આમ જોવા જઈએ તો એણે મને હા પાડી દેવી જોઈતી હતી, પરંતુ વાત એ નહોતી કે કેટલા સમયનો પ્રેમ છે અથવા કેટલો ગાઢ પ્રેમ છે. ઘણીવાર ફક્ત આપણો પ્રેમ જ એક પરિબળ નથી હોતો કે જેનાથી એ પાત્ર આપણી પાસે આવી જાય, જો એવું હોત તો આજે દરેકને પોતાને પ્રેમ મળી ગયો હોત બેટા.

બિરજુએ કહ્યું તો બીજા પરિબળ વિશે જણાવશો ? તો મેં કહ્યું કે બેટા ! બીજા પરિબળ એટલે એને એક વ્યાખ્યા ન આપી શકાય બસ એ એક લાગણી છે જે મનમાં વહેતી રહે છે અને એ એવી લાગણી છે કે શબ્દો પણ એને પરોવી શકતા નથી. બિરજુના ચહેરા પરથી લાગ્યું કે એના મગજ ઉપરથી બધું જતું લાગે છે, પછી તરત મેં કહ્યું જો હું તને એક ઉદાહરણ આપું. તારા જીવનમાં કોઈક તો એવું હશે ને કે તું એને જોવે એટલે એમ થાય કે ક્યાં આ માણસ આવી ગયું ? એ વ્યક્તિએ તારું કંઈપણ બગાડ્યું નથી તોપણ તને એ વ્યક્તિથી ચીઢ છે. અને બિરજુ બોલ્યો હા દાદુ ! આ રેખા છે ને એના પર મને બહુ જ ગુસ્સો આવે છે મને તો ગમતી જ નથી. અને મેં એને કહ્યું કે તે પોતે જ તારા પ્રશ્નો જવાબ આપી દીધો. પછી મેં ઉમેર્યું કે હવે મને જણાવ રેખાએ તારી સાથે કંઈ ખરાબ કર્યું છે અથવા તો કંઈ નુકસાન કર્યું છે ? તો બિરજુએ કહ્યું ના દાદુ, એવું તો એણે કંઈ જ કર્યું નથી અને હા એવું પણ નથી કે એ મને સાવ ખરાબ જ લાગે છે પરંતુ મને એ ગમતી નથી ટૂંકમાં એમ કે એને નફરત કરવાનું સાચા અર્થમાં કંઈ જ કારણ નથી. આ જવાબ સાંભળીને મેં બિરજુ સામે જોયું અને મંદ હાસ્ય સાથે કહ્યું કે બેટા ! આવું જ કંઈક પ્રેમમાં હોય છે. હું જેને પ્રેમ કરતો હતો એને મારાથી નફરત નહોતી પરંતુ પ્રેમ પણ ન હતો અને જો પ્રેમ હોત તોપણ ક્યાંક મિલન શક્ય નહોતું, ઘણીવાર બધાં જ પાસા હોવા છતાંય આપણે જીતતા નથી અને એનું જ નામ કુદરત.

બિરજુએ કહ્યું કે દાદુ ગમે તે કહો પરંતુ તમે પ્રયત્ન જ ન કર્યો. અને મેં હસતા હસતા કહ્યું હું ફરીથી એ જ વાત કહીશ કે હું સમજી ગયો હતો કે એ મારા વગર વધારે ખુશ છે હવે આનો એકદમ સંપૂર્ણ જવાબ મારી પાસે નથી પરંતુ એ વાત ખરી કે કુદરત જ તમને ઈશારા આપે છે કે "આપકી જિંદગી મેં કૌન હૈ". અને એવામાં જ સામેની બાજુએથી કોઈકનો અવાજ સંભળાયો અને એ અવાજથી મને એમ અહેસાસ થયો કે આ અવાજ ક્યાંક સાંભળેલો છે. એ અવાજમાં મને "બિરજુ"નું નામ સંભળાયું. બિરજુએ અવાજ સાંભળતા કહ્યું કે "હા ! હું આવ્યો". બિરજુએ સામેની તરફ આંગળી ચીંધી અને કહ્યું કે દાદુ ! જુઓ મારા દાદીમા. અને મેં મારા ખિસ્સામાંથી બોક્સ કાઢયું જેમાં મારા ચશ્માં હતા. અને મેં ચશ્માં પહેર્યા અને સામે જોયું તો હું............

બિરજુએ કહ્યું કે દાદુ ! યાદ છે મેં તમને કહેલું કે મારા દાદીમા કાકા સાથે અમેરિકામાં રહેતા હતા.ત્યાં એ ઘણો સમય રહ્યા પરંતુ એમને આપણા દેશની બહુ જ યાદ આવતી એટલે એ ગઈકાલે જ ભારત આવ્યા. અને મને પપ્પાએ કહ્યું દાદીને તારી સાથે બગીચામાં લઈ જા એટલે હું એમને લઈને આવ્યો. પછી એમને આગળ બેસાડયા જેથી તમારી સાથે મારા દિલની વાત કરી શકાય. બિરજુએ વાત પૂર્ણ કરી અને મારા ખભા પર હાથ મૂકીને બોલ્યો દાદુ સાંભળો તો છો ને ! મેં ધીમા અવાજે કહ્યું હા. મેં બિરજુની સામે જોયું તો મને પ્રતીત થયું કે એને પણ અલગ જ લાગ્યું.

બિરજુ બોલ્યો એ બધું જવા દો દાદુ હું દાદી સાથે ઘરે જાઉં એ પહેલા એ જણાવો કે હું શું કરું ? મેં કહ્યું કે બેટા ! જે છોકરીને તું પ્રેમ કરે છે એને જઈને તારા દિલની વાત કહી દે અને મારી વાત પૂરી થઈ ના થઈ ત્યાં જ બિરજુ બોલ્યો કે દાદુ જો એણે મારા પ્રેમનો અસ્વીકાર કર્યો તો ? આ પ્રશ્નના પ્રત્યુત્તર આપતા પહેલા મેં બિરજુને કહ્યું પહેલા તું મારી બાજુમાં બેસ. બિરજુ પણ આશ્ચર્યની લાગણી સાથે મારી પાસે બેસ્યો, અને મેં હસતા હસતા કહ્યું એ તારા પ્રેમનો અસ્વીકાર કરેને તો એ દુઃખનો અનુભવ કરજે રડી પણ લેજે. અને મેં ઊંડો શ્વાસ લીધો અને સામેની તરફ આંગળી ચીંધીને કહ્યું કે જેમ હું એના વગર હાલ જીવું છું ને ! બસ એ રીતે તું પણ જીવી જાણજે.

એણે મારી આંગળીની દિશા જોઈ અને સામેની તરફ થોડે દૂર કોણ બેઠેલું હતું એ તો એને ખબર જ હતી એટલે એણે અસમંજસ સ્થિતિમાં મારી સામે જોયું અને અમારા બંનેની આંખો મળી. અને એના ચહેરા પર જે પ્રશ્નાર્થચિન્હ હતો એના પ્રત્યુત્તરમાં મેં "હા" નું ડોકું હલાવ્યું. બિરજુના ચહેરા પરની રેખા બદલાઈ ગઈ, શું પ્રતિભાવ આપવો એમાં પણ પ્રશ્નાર્થચિન્હ !

બિરજુ એની જગ્યાએથી ઊભો થયો અને મને કહ્યું કે દાદુ ! હું સમજી ગયો. અને પછી મને ભેટી પડ્યો, અને મને લાગ્યું કે એ હમણાં રડી પડશે એટલે મેં તરત જ કહ્યું કે બેટા ! મારો જન્મદિવસ છે અને ભેટમાં તું મને આંસુ આપીશ. અને એ બોલ્યો સોરી દાદુ અને ફરી એકવાર મને ગળે મળ્યો. પછી બિરજુ બોલ્યો દાદુ હું હવે ઘરે જઈશ અને આપણે સીધાં જ પાર્ટીમાં મળીશું આટલું બોલીને એ જતો રહ્યો.

એ જતો હતો અને મેં તરત મારા ચશ્માં કાઢયાં. આટલા વરસ પછી મેં એને જોઈ ! અને અચાનક મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. એવામાં જ રેખા ડોશીને લઈને આવી અને મારી ડોશીએ મને જોઈને કહ્યું કેમ રડો છો ? અને મેં આંસુ સાથે હસતા હસતા કહ્યું કે બસ ! તું થોડીવાર માટે દૂર ગઈને એટલે હું રડી પડયો અને ડોશીએ તરત જ એનો હાથ મારા ખભા પર ધીમેથી માર્યો અને કહ્યું કે ૬૧મુ વર્ષ બેસ્યું હવે તો સુધરો. અને એ મને ગળે મળી આ એ પળ હતી જેમાં મારા આંસુ અને હાસ્યનું મિશ્રણ થયું.

શાયદ ! આનું જ નામ જિંદગી.

સ્માઈલ પ્લીઝ

(જ્યાં પ્રેમ હોય ત્યાં સ્માઈલ હોય અને જ્યાં સ્માઈલ હોય ત્યાં પ્રેમ)