Prayshchit - 65 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 65

પ્રાયશ્ચિત પ્રકરણ 65

પ્રતાપભાઈ ના ત્યાં વાયણામાં આજે પુરણપોળી નો પ્રોગ્રામ હતો. સાથે છૂટી દાળ, કઢી, ભાત અને રીંગણ-બટેટા નું મિકસ શાક પણ હતું.

રસોઈ ખરેખર સારી બની હતી. વેદિકા પીરસવામાં હતી અને નવદંપતિને પ્રેમથી આગ્રહ કરી-કરીને જમાડી રહી હતી. પ્રતાપ અંકલ, ડૉ. રાજેશ અને જયદેવ ત્રણે કેતન જાનકીની સાથે જ જમવા બેસી ગયા હતા.

એ લોકો જમી રહ્યાં પછી વેદિકા અને એની મમ્મી દમયંતીબેને જમી લીધું.

જમ્યા પછી દમયંતીબેને જાનકીને જામનગરનું એક ભારે ઘરચોળું ભેટ આપ્યું અને કેતનને કવરમાં ૧૦૦૧ આપ્યા.

" કેતન આ તો માત્ર શુકનના છે. ફુલ નહીં તો ફુલની પાંખડી સમજી લેવાનું. " પ્રતાપ અંકલ બોલ્યા.

" વડીલ.. તમારા લોકોના આશીર્વાદ જ મારા માટે અગત્યના છે. તમે કેવો અને કેટલો વ્યવહાર કર્યો એ હું ક્યારેય જોતો નથી. ભાવના જ મુખ્ય છે. " કેતન બોલ્યો.

એ પછી કેતન અને જાનકી ત્યાંથી સીધાં ઘરે ગયાં. ઓફિસમાં પણ આજે એવું કોઈ અર્જન્ટ કામ ન હતું.

ઘરે જઈને એ લોકોએ ૪ વાગ્યા સુધી આરામ કર્યો. લગભગ ૪:૩૦ વાગે જયેશ ઝવેરીનો ફોન આવી ગયો કે મેડીકલ સ્ટોર માટે શો રૂમ બનાવવાનું કોન્ટ્રાક્ટરને કહી દીધું છે. બે દિવસમાં જ કામ ચાલુ કરી દેશે.

" મેડિકલ સ્ટોર નો શો રૂમ પણ એકદમ લેટેસ્ટ બનાવવાનો છે. પ્લેટફોર્મ ગ્રેનાઇટનું બનાવવાનું કહી દેજો. બની જાય એટલે સ્ટીલનું શટર ફીટ કરવાનું પણ કહી દેજો. " કેતન બોલ્યો.

" ભલે શેઠ... હું સૂચના આપી દઉં છું "

જયેશે ફોન મૂકી દીધા પછી કેતનને એક વિચાર આવ્યો એટલે એણે તરત જ અસલમ શેખને ફોન કર્યો.

" અસલમ.. કેતન બોલું જામનગર થી. "

" અરે બોલ કેતન.. એટલામાં જામનગર પણ આવી ગયો ? હનીમુન ઉપર ક્યાંય ગયો નહીં વિદેશમાં ? "

" ગયો હતો ને !! ગ્રાન્ડ હયાતમાં ઉતરેલો. ત્રણ દિવસ રોકાયા પણ બહુ જ મજા આવી. " કેતન બોલ્યો.

" દુબઈ ગયો તો કમ સે કમ મને વાત તો કરવી હતી ! તને ત્યાં વીવીઆઈપી ટ્રીટમેન્ટ હું આપત. બહુ ઉંચા કોન્ટેક્ટ છે ત્યાં મારા ! " અસલમ બોલ્યો.

" હા એ હું ભૂલી ગયો. જો કે મેં પણ કોઈ કસર છોડી નથી. આખું દુબઈ જોઈ લીધું. " કેતન બોલ્યો.

" મારે લાયક કોઈ કામ હોય તો અસલમ તારા માટે હાજર છે. " અસલમ બોલ્યો.

" તારી ઈચ્છા હોય તો એક બિઝનેસ પ્રપોઝલ તને આપું છું. પૈસા કમાવાની એક સારી તક છે તારા માટે. તને રસ હોય તો કાલે કે પરમ દિવસે હું અને જાનકી રાજકોટ આવી જઈએ. "

" બિઝનેસની વાતો તો પછી કરીશું પરંતુ તું રાજકોટ ચોક્કસ આવી જા. લગ્ન કર્યા પછી સજોડે તારુ સ્વાગત કરવાનો મને આનંદ થશે. યુ આર મોસ્ટ વેલકમ. ઈટ વુડ બી માય પ્લેઝર !! " અસલમ બોલ્યો.

" બસ તો પછી મારો પ્રોગ્રામ હું તને કાલ સુધીમાં જણાવું છું. "

" હા પણ તારે રોકાવાનું તો મારા ઘરે જ છે. તારા હનીમૂન માટે મારો બેડરૂમ પણ તૈયાર જ છે. ભલે જમવા માટે આપણે બહાર જઈશું. "

" ભલે " કહીને કેતને ફોન કટ કર્યો.

બીજા દિવસે કેતને અસલમને કહી દીધું કે - " કાલે સવારે નવ વાગે જામનગરથી નીકળું છું અને ૧૦:૩૦ સુધી હું તારા ઘરે પહોંચી જઈશ. "

કેતને અસલમનું ઘર જોયેલું જ હતું એટલે આ વખતે સીધા એના મકાનના ગેટ પાસે જઇને ગાડી પાર્ક કરી.

ઈમરાન કેતનને ઓળખી ગયો હતો એટલે એણે હસીને કેતનનું સ્વાગત કર્યું અને બંનેને અંદર લઈ ગયો.

" આવ આવ કેતન... આવો ભાભી." અસલમ ઉભો થઈને કેતન તરફ આવ્યો.

અસલમ કેતનને ભેટી પડ્યો અને જાનકીએ અસલમને બે હાથ જોડી નમસ્કાર કર્યા.

" આવો બેસો. " અને બન્ને જણાં સોફા ઉપર બેઠાં ત્યાં અસલમની વાઈફ મુનિરા પણ બહાર આવી અને બંનેનું હાથ જોડીને સ્વાગત કર્યું.

" બોલ નાસ્તામાં શું લઈશ આજે ? " અસલમે પૂછ્યું.

" નાસ્તાની મને કે જાનકીને ખરેખર ટેવ નથી અસલમ. " કેતન બોલ્યો.

" ભાભી પહેલીવાર મારા ઘરે આવ્યાં છે. ચા-નાસ્તા સાથે સ્વાગત તો કરવું જ પડે કેતન "

" ભાભી તમારે રાજકોટ ના ગાંઠિયા ખાવા છે કે પછી બીજું કાંઇ મંગાવુ ? સૌરાષ્ટ્રમાં મહેમાનોનું સ્વાગત ગાંઠિયા ફાફડા થી જ કરવામાં આવે છે. " અસલમે હસીને જાનકીને પૂછ્યું.

" અમે તમારાં મહેમાન છીએ તો પછી એ જ મંગાવો." જાનકીએ પણ હસીને કહ્યું.

અને અસલમે ઈમરાન ને બજરંગના ફાફડા લઈ આવવાનું સૂચન કર્યું.

" ફટાફટ લે કે આના. એક કામ કર. ૫૦૦ ફાફડા ઓર ૫૦૦ જલેબી ભી લે કે આના. " અસલમે કહ્યું.

" જી ભાઇજાન " કહીને ઇમરાન બાઈક લઈને નીકળી ગયો.

અસલમે મુનિરાને ચા બનાવવાનું કહી દીધું.

ઇમરાન આવ્યો ત્યાં સુધી બંને મિત્રો પાછા વાતે વળગ્યા. કોલેજની વાતોમાં તો જાનકી પણ જોડાઈ.

" ગમે તેમ પણ કેતન હોસ્પિટલ તો કોઈની નજર લાગી જાય એવી અદભૂત બની છે. ઉદઘાટન સમારંભ પણ માશાલ્લાહ !! " અસલમ દિલથી બોલ્યો.

" હા અસલમ એ મારું એક સ્વપ્ન હતું જામનગર આવ્યો ત્યારે. અને કોઈ દૈવી કૃપાથી જ આટલો ભવ્ય સમારંભ થયો. મારે બીજું ઘણું કરવું છે પરંતુ એકલા હાથે પહોંચી વળતો નથી." કેતન બોલ્યો.

" જો કે મને સ્ટાફ ઘણો સરસ મળ્યો છે એટલે મારી પોણા ભાગની જવાબદારી તો મારા માણસોએ પોતાના માથે લઈ લીધી છે. શાહ સાહેબને હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ બનાવ્યા છે અને ખરેખર એ એક કાબેલ માણસ છે. મારે કંઈ જોવા જેવું નથી. હોસ્પિટલમાં જઈને થોડા કલાકો બેસું છું પરંતુ હું પોતે મેડિકલ લાઈનનો માણસ નથી એટલે મારી પાસે કોઈ કામ હોતું જ નથી. " કેતન બોલ્યો.

" એક આયુર્વેદ ચિકિત્સાલય પણ બની રહ્યું છે. જે ચાર પાંચ મહિનામાં કાર્યરત થઈ જશે. બસ સેવાની પરબ મૂકી દીધી છે. " કેતને કહ્યું.

" તારા વિચારોને ખરેખર હું સલામ કરું છું કેતન. અબજોપતિનો દીકરો હોવા છતાં લાઈફને એન્જોય કરવાના બદલે તું સેવાનો ભેખધારી બની ગયો છે. તારું દિલ પણ ખૂબ વિશાળ છે. હેટ્સ ઓફ ટુ યુ !! " અસલમ લાગણીથી બોલ્યો.

એટલામાં તો ઇમરાન પણ જલેબી ફાફડા લઈને આવી ગયો એટલે એ લોકોની વાતો બંધ થઈ. ઇમરાને ટેબલ ઉપર ગાંઠિયા જલેબી ડિશમાં ગોઠવી દીધા સાથે ચટણી અને તળેલાં મરચાં પણ.

ચા-નાસ્તો કર્યા પછી અસલમે કેતન અને જાનકીને પોતાનું આખું મકાન ફરીને બતાવ્યું. કેતન ગયા વખતે આવ્યો ત્યારે અસલમના જે બેડરૂમમાં આરામ કર્યો હતો એ જ સુંદર બેડરૂમ કેતન અને જાનકીને આજે સોંપી દીધો.

૧૨:૩૦ વાગ્યા એટલે અસલમે ઇમરાનને ગાડી બહાર કાઢવાનું કહ્યું. ગેટ આગળ ગાડી આવી ગઈ એટલે અસલમ કેતન અને જાનકીને લઈને બહાર આવ્યો. પોતે ઇમરાનની બાજુમાં આગળની સીટ પર બેઠો. કેતન અને જાનકી પાછળ ગોઠવાયાં.

" ગ્રાન્ડ ઠાકર લે લે. " અસલમે ઇમરાનને સૂચના આપી.

" આ મારો પ્રિય ડાઇનિંગ હોલ છે. જ્યારે ગુજરાતી થાળી જમવાની ઇચ્છા થાય ત્યારે હું અહીં જ આવું છું. " ગ્રાન્ડ ઠાકર ડાઇનિંગ હોલમાં જમતાં જમતાં અસલમ બોલ્યો.

" હા ગયા વખતે પણ આપણે અહીં જ આવેલા. " કેતને કહ્યું.

જમીને એ લોકો ઘરે આવ્યા ત્યારે પોણા બે વાગી ગયા હતા. કેતન જાનકીને લઈને અસલમના બેડરૂમમાં ગયો.

જાનકી બેડરૂમ જોઈને ચકિત થઈ ગઈ. વોલ ટુ વોલ કારપેટ હતી. સીલીંગ ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસનું સુંદર આર્ટવર્ક હતું. વચ્ચે ઝુમ્મર પણ લટકાવેલું હતું. મન પ્રસન્ન થઇ જાય એવું રૂમ સ્પ્રે છાંટેલું હતું. શિયાળાના દિવસો ચાલતા હતા એટલે એસી બંધ હતું.

કેતન અને જાનકી આરામ કરીને ચાર વાગે નીચે આવ્યાં. અસલમ સોફા ઉપર જાગતો જ બેઠો હતો.

" અરે ઇમરાન અંદર ચાય કા બોલ દો ના જરા. " અસલમે ઇમરાનને બૂમ પાડી.

" જી ભાઇજાન " કહી ઇમરાન અંદર ગયો.

" હવે બોલ કેતન... તું શું કહેતો હતો ? " અસલમે પૂછ્યું.

" મારી વાત ધ્યાનથી સાંભળ. તેં મારા માટે આટલું બધું કર્યું. મારો જીવ બચાવ્યો. ગુંડાઓના ટેન્શનમાંથી મને મુક્ત કર્યો. તો મારી પણ ફરજ બને છે કે મારે તને કોઈ સારો મોકો આપવો. આજે તારી પાસે એક બિઝનેસ પ્રપોઝલ લઈને આવ્યો છું. તને જો ઇચ્છા હોય તો તું મારી સાથે જોડાઈ શકે છે. "

" હું એક મેડિકલ સ્ટોર ખોલી રહ્યો છું. એક તો હોસ્પિટલનો મેડિકલ સ્ટોર છે. એટલે હોસ્પિટલમાં જ ૨૪ કલાક દવાઓ ઇન્જેક્શનો ગ્લુકોઝ અને સેલાઈનની બૉટલોની સતત માંગ રહેવાની. આ ઉપરાંત ઓપીડીમાં આવતા તમામ પેશન્ટોને દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર મેડિકલ સ્ટોર ઉપરથી જ લેવી પડે. " કેતન બોલ્યો.

" તું માની નહીં શકે પણ મારી આ હોસ્પિટલના મેડિકલ સ્ટોરનું રોજનું દોઢ થી બે લાખનું કાઉન્ટર એટલે કે વકરો થશે. એટલે મહિનાના ૫૦ થી ૬૦ લાખ રૂપિયાની દવા ઇન્જેક્શન ગ્લુકોઝ અને સેલાઈનની બોટલો મારે મારી હોસ્પિટલ માટે માર્કેટમાંથી ખરીદવી પડે. ૨૫ થી ૩૦ ટકા એમાં ચોખ્ખો પ્રોફિટ છે. મતલબ કે તું જો આ દવાઓ, ઈન્જેકશન અને બોટલો મને સપ્લાય કરે તો દર મહિને ઓછામાં ઓછા ૧૫ લાખ રૂપિયા પ્રોફીટ તને મળે. " કેતન બોલ્યો.

" હું સમજ્યો નહીં. હું તને કેવી રીતે સપ્લાય કરું ? " અસલમ અસમંજસ માં પડી ગયો.

" તારે એક હોલસેલ દવાઓની કંપની ખોલવી પડે. કોઈ ફાર્માસિસ્ટને તારે તારી સાથે રાખવો પડે. એક ગોડાઉન પણ રાખવું પડે. મુંબઈમાં પ્રિન્સેસ સ્ટ્રીટ પાસે લોહાર ચાલમાં દવાઓનું મોટું માર્કેટ છે. મારો એક મિત્ર ત્યાં હોલસેલ દવાઓનો મોટો સ્ટોકિસ્ટ છે. જુદી જુદી ફાર્મા કંપનીઓની એની પાસે એજન્સી છે. " કેતને કહ્યું.

" હું તારી ઓળખાણ કરાવી દઉં. તું એજન્સી લઈ લે. મારા તમામ ડોક્ટરો પાસેથી દવાઓ લખાવીને એનું એક કોમન લિસ્ટ તને આપી દઉં. મારો ફ્રેન્ડ તને તમામ માલ મોકલી આપશે. અમારી હોસ્પિટલ તને જે રીતે ઓર્ડર આપે એ રીતે તારે જામનગર સપ્લાય કરવાનો. " કેતને સમજાવ્યું.

" મોટાભાગની એન્ટીબાયોટિક્સ, પેઈન કિલર્સ અને સ્ટીરોઇડ દવાઓ તેમ જ ઇન્જેક્શનો તો ફિક્સ જ હોય છે જે તમામ ડોક્ટરો હોસ્પિટલમાં વાપરતા હોય છે. ગ્લુકોઝ અને સલાઈન બોટલો પણ ફિક્સ જ હોય છે. હોસ્પિટલમાં સોકસની પણ બહુ જરૂર પડે છે. દરેક નર્સો ડગલેને પગલે હાથમાં પહેરવાના ડિસ્પોઝેબલ મોજાં વાપરે છે એટલે આ બધી ફિક્સ વસ્તુઓનો મોટો સ્ટોક તું રાખી શકે. " કેતન બોલ્યો.

" અરે કેતન તેં તો આ જબરદસ્ત વાત કરી છે. મારા તો અમુક બ્લેક પૈસા પણ આમાં વ્હાઇટ થઈ જાય. તારી પ્રપોઝલ મને મંજુર છે દોસ્ત. વર્ષે ૬ થી ૭ કરોડનું ટર્ન ઓવર થયું. " અસલમ ખુશીથી નાચી ઉઠ્યો.

" આ તો મેં તને માત્ર મારી હોસ્પિટલની જ વાત કરી. તું સેલ્સમેનો રાખીને રાજકોટ જામનગર જેવાં સૌરાષ્ટ્રનાં બીજા શહેરોની હોસ્પિટલોમાં માર્કેટિંગ કરે અને ડિસ્કાઉન્ટથી દવાઓ સપ્લાય કરે તો તારું ટર્નઓવર ધીમે ધીમે ૨૦ ૨૫ કરોડનું થઇ જાય. જસ્ટ થિંક અબાઉટ ધિસ ." કેતન બોલ્યો.

" અરે વાહ કેતન... તમારી પાસે આટલું બધું નોલેજ આવ્યું ક્યાંથી ? મને તો આવી ખબર જ નહીં. તમે કેટલું બધું વિચારો છો !! " જાનકી કેતનની વાતો સાંભળીને આશ્ચર્ય પામી ગઈ.

" મેડિકલ લાઈનમાં પડ્યો છું તો આ બધું નોલેજ મારે મેળવવું જ પડે. પરમ દિવસે હોસ્પિટલની ઓફિસમાં બેઠાં બેઠાં મેં મારા મુંબઈના મિત્ર વિનોદ માવાણી ને ફોન કરેલો. એ લોહાર ચાલમાં દવા બજારમાં છે. મેં એને આપણી નવી હોસ્પીટલની વાત કરી તો એણે મને આ બધું ગણિત સમજાવ્યું. એના કહેવા પ્રમાણે ૫૦ ૬૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય તો ઓપીડી સાથે મેડિકલ સ્ટોરમાં રોજનું દોઢથી બે લાખની દવાઓનું વેચાણ થાય. " કેતને કહ્યું.

" તેં મારા માટે આટલું બધું વિચાર્યું એ બદલ દિલથી તારો આભાર માનું છું કેતન. તેં ખરેખર મિત્રતા નિભાવી જાણી. હું ગમે એટલું રોકાણ કરવા તૈયાર છું. " અસલમ બોલ્યો.

" હવે બોલ... પ્રોફિટમાંથી તારો હિસ્સો કેટલો રાખવો ? " અસલમ બોલ્યો.

" અરે ભલા માણસ મારે ક્યાં કોઈ પ્રોફિટ કરવો છે ? તને તો પૂરેપૂરા પૈસા મળી જશે. એક રૂપિયો પણ ડિસ્કાઉન્ટ મારે જોઈતું નથી. હું તો ટ્રસ્ટના ફંડમાંથી જ આ દવાઓ ઇન્જેકશનો અને બોટલો ખરીદવાનો છું અને દર્દીઓને તો સાવ ફ્રી માં જ આપવાનો છું. " કેતન હસીને બોલ્યો.

" અરે કેતન આર યુ સિરિયસ ? " અસલમ બોલ્યો.

" જી બિલકુલ. હું કેતન જગદીશભાઈ સાવલિયા મારા પુરા હોશો હવાશમાં, કોઈપણ જાતના દબાણ વગર મારી રાજીખુશીથી અસલમ શેખને આ જવાબ આપી રહ્યો છું કે હું મારી હોસ્પિટલના દર્દીઓને તમામ દવાઓ ફ્રી આપવાનો છું. બોલો સ્ટેમ્પ પેપર ઉપર લખી આપુ ? " કહીને કેતન હસી પડ્યો.

" ભાભી આ કેતન કઈ માટીનો બનેલો છે ? " અસલમને તો હજુ પણ વિશ્વાસ આવતો ન હતો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)