Triveni - 17 books and stories free download online pdf in Gujarati

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૭

વૃંદાની શાર્ક ટેન્કમાં રજૂઆત

શાર્ક ટેન્કના મંચ સુધી લઇ જતા માર્ગનો દરવાજો બંધ હતો. ઘેરા કથ્થાઇ રંગના દરવાજાની બીજી તરફ વૃંદા દ્વાર ખુલવાની પ્રતીક્ષામાં હતી. મંચ પરથી વૃંદાના નામની ઘોષણા થઇ, દરવાજો ખૂલ્યો. દરવાજો ખૂલતાંની સાથે જ પીળા રંગના તેજ પ્રકાશે વૃંદાની આંખો અંજાવી નાંખી. મંચ તરફ ડગલા ભરતી વૃંદાના ધબકારા ધીમા થઇ ગયેલા, નસોમાં વહેતા રૂધિરની ઝડપ ઘટી ગયેલી. આખરે તે બરોબર સાત શાર્કની સામે આવી. સાતેવ શાર્ક કાળી ખુરશીઓ પર બિરાજમાન હતા. સાતેવના હાથમાં નોંધ કરવા માટે કાગળ અને પેન હતી. સાતેવ વૃંદાને જોઇને અચંબિત થયા, ખુશ થયા, અને તેમના ચહેરા પર હોઠ મલકાવવાથી ચમક આવી. તેનું કારણ હતું, વૃંદાનો પહેરવેશ. તે ગુલાબી ચણિયા-ચોળીમાં ઉપસ્થિત થઇ હતી. ખભાના ટેકે રહેલી ઘેરા ગુલાબી રંગની કાચના ગોળ આભલાંઓથી જડેલી ચોળી, કે જે પીઠ તરફ લટકતા લાંબાં દોરાંઓની મદદથી બાંધેલી હતી. દોરાંઓના અંત ભાગમાં પાછું સુશોભન કરેલું હતું. કમરના ભાગથી શરૂ થતો વિવિધ આભલાંઓ જડિત, ચોક્કસ અંતરે લટકણો ધરાવતો ઘેરદાર ચણિયો વૃંદાને જાજરમાન બનાવતો હતો. અંધકારમાં આકાશમાં વહેતા વાદળો ચમકતા તારાઓમાંથી અમુક તારાઓને છુપાવી દેતા હોય છે, તેમજ જાળીદાર ગુલાબી દુપટ્ટો ચણિયા-ચોળી પર જડિત અમુક ચોક્કસ આભાલાંઓ છુપાવી દેતો હતો. સેટ પર ફેલાયેલો પ્રકાશ આભલાંઓને કારણે વધુ પ્રકાશમય બન્યો હતો. આ ઉપરાંત થોડાંક ઢીલા ઓળેલા વાળ સાથેનો સાગર ચોટલો વૃંદાને વધુ રૂપ બક્ષતો હતો. ચમકતા કપાળ પર સૂર્યરૂપી ચાંદલો, હાથોમાં હાથીદાંતની સફેદ ચમકતી બંગડીઓ, પગમાં ઝમઝમ કરતી ઝાંઝરો, દર્શાવતી હતી કે વૃંદા કયા વિષય પર રજૂઆત કરવા આવી હતી.

‘તમારા વિષે કંઇ જણાવો...’, મંચ પર પ્રસરેલી રૂપશાંતિને વૃંદાની સામે ડાબી તરફ બિરાજેલ શાર્કે ડહોળી. વૃંદાએ પોતાની ઓળખ જણાવી. આંશિક માહિતી આપી.

વૃંદાની બરોબર સામે બિરાજેલ શાર્કે વખાણ કર્યા, ‘યુ લુક સ્ટનીંગ...ટુડે...’, તેણે પાણીનો ઘૂંટ લીધો, ‘તમારા પહેરવેશ પરથી તો લાગે છે, કે આપ કોઇ ડાન્સના પ્રોગ્રામમાં ભાગ લેવા આવ્યા છો.’

‘ના... સર...! મારી રજૂઆત મારા પહેરવેશને કારણે મજબૂત બનશે. આથી...’, વૃંદા અટકી. પહેલી વખત સાત તજજ્ઞો સામે બોલતા તેની જીભ થોડી થોથવાઇ.

‘આપ…પહેલાં નિશ્ચિંત થઇ જાવ...’, વૃંદાની સામે જમણી તરફ બીજા ક્રમે બિરાજેલ શાર્કનો અવાજ આવ્યો, ‘અને પછી, આપની યોજના વિષેની રજૂઆત અમને સમજાવો.’

વૃંદાએ થોડીક ક્ષણો માટે આંખો મીંચી. આંખો સામે શિક્ષકનો પ્રશ્ન તરવર્યો, ‘તને શું ગમે છે, બેટા?’, અને તેણે આપેલા જવાબ, સાથે સાથે શિક્ષકે ઉચ્ચારેલા શબ્દો યાદ આવ્યા,‘મને પણ...’. વૃંદાની આંખો સામે બાલાસિનોર ખાતે સ્પર્ધા જીતી હતી, તે દિવસ પણ દેખાયો, અને સંભળાયો સરયુને આપેલ જવાબ, ‘મારી મનગમતી પ્રવૃત્તિની’. આખરે વૃંદાની બંધ આંખો સામે અમદાવાદ જીલ્લા કક્ષાએ મેળવેલ જીત પણ આવી. વૃંદાના મુખમાંથી શબ્દો સરી પડ્યા, ‘ગરબા...’, ધીમે ધબકતું હ્રદય તેના મૂળ ધબકારા પર આવી ગયું. રૂધિરની ઝડપ નિયત્રંણમાં આવી ગઇ, વૃંદાએ આંખો ખોલી અને યોજના બાબતે જણાવવાનું શરૂ કર્યું, ‘મારી યોજના છે, “ગરબા”.’

ડાબી તરફ ત્રીજા ક્રમે બેઠેલ શાર્ક થોડી અકળાઇ, ‘ગરબા... એ એક ડાન્સ ફોર્મ છે, અને જો તમે તેને શીખવાડવા બાબતની યોજના સાથે આવ્યા હોવ તો, આઇ એમ સોરી... અહીં જ અટકી જાવ અને તમારો અને અમારો સમય વેડફશો નહીં.’

શાર્કની અકળામણ વાજબી હતી. કારણ કે તેણે વૃંદાની રજૂઆત સાંભળ્યા વિના જ પહેરવેશને ધ્યાને લઇ તેણે અનુમાન લગાવી દીધેલું. વૃંદાના હોઠ મલકાયા અને તેણે શાર્ક સામે જોયું, ‘મારી યોજના ગરબા શીખવાડવાની નથી. મારી યોજના છે, ગરબા દ્વારા શરીરને તંદુરસ્તી બક્ષવાની.’, વૃંદાએ પ્રત્યેક શાર્ક તરફ નજર ફેરવી, બધા શાંત હતા, અને તેને સાંભળી રહ્યા હતા. આથી તેણે રજૂઆત આગળ ધપાવી, ‘સામાન્ય રીતે, ગુજરાત, ભારત અને વિશ્વ એવું જ માને છે કે ગરબા નવરાત્રી સમયે રમવામાં આવે છે. અંબે માતાના ચોકમાં ગરબા રમી માતાનું સ્મરણ કરવામાં આવે છે, યાદ કરવામાં આવે છે, માતાને પોતાની જાત અર્પણ કરવામાં આવે છે. પરંતુ તેના વૈજ્ઞાનિક કારણ વિષે કોઇએ વિચાર્યું જ નથી. ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં દરરોજ બપોર હોય કે રાત હોય જમણ એક જ પ્રકારનું હોય છે. ભાદરવાની ગરમી અને ભોજન બન્નેની જે અસર શરીર પર થાય છે, તેને દૂર કરવા માટે કસરત કરવી જરૂરી છે. જે પ્રત્યેક વ્યક્તિ નથી કરતો.’, વૃંદાના અવાજમાં આત્મવિશ્વાસ વધી રહ્યો હતો, તેના હાથનું હલનચલન વિશ્વાસથી ભરેલું હતું. વારાફરતી પ્રત્યેક શાર્કની આંખો સાથે આંખો મેળવી તેની રજૂઆતે ગતિ પકડેલી, ‘માટે જ... શરીરને શ્રમ આપવા માટે જ છે ગરબા... જો આપ સૌએ ધ્યાનથી જોયું હોય, જાણ્યું હોય તો... સામાન્ય ગરબામાં, ઘુમવા માટે પગની રમઝટ જરૂરી છે, એટલે કે કમરથી નીચેના અંગોને કસરત મળે છે. હીંચ લેવા માટે કમરને પણ પગની રમઝટ જેટલો જ શ્રમ આપવો પડે છે. ત્રણ તાળીમાં પગ, કમર, હાથ અને હથેળી, બધાનું હલનચલન થાય છે. તેમજ આગળપાછળ, ડાબેજમણે ફરવાનું હોવાથી ગરદનને પણ તેટલી જ કસરત મળી રહે છે. આ બધાનો સરવાળો કરીએ, અને ગરબાની પ્રત્યેક વિવિધતાને એકઠી કરીએ તો ગરબા રમતી વખતે શરીરનું દરેક અંગ કસરત કરે છે. તાળી પાડતી વખતે આપણે તે જ કરીએ છે, જે ચીનમાં સારવાર માટે સોયો ભોંકીને કરવામાં આવે છે...“ એક્યુપંક્ચર”, હથેળીમાં રહેલી પ્રત્યેક નસો હ્રદય સાથે જોડાય છે, જ્યારે તાળી પડે એટલે રૂધિરનો પ્રવાહ બદલાય અને તે નસોમાં આવતી અડચણોને દૂર કરે છે. વળી, તાળીઓના અવાજથી ઉત્પન્ન થતાં તરંગો વિષાણુઓનો નાશ કરે છે. ગરબારૂપી કસરત કરવા માટે શક્તિની જરૂર પડે, અને આથી જ આરતી પછી પ્રસાદ સ્વરૂપે સાકરીયા, શીરો જેવી મીઠી વસ્તુ, સીંગ જેવી પ્રોટીનસભર વસ્તુ આપવામાં આવે છે. આમ, ધાર્મિક મહત્વ ધરાવતો ગરબો વૈજ્ઞાનિક ર્દષ્ટિએ પણ આગવું મહત્વ ધરાવે છે. અત્યારના સમયમાં લોકો ફિટનેસને વધુ મહત્વ આપવા લાગ્યા છે, અને માટે જ ઠેર ઠેર વ્યાયામ શાળા(જિમ) ખૂલી ચૂકી છે. તેઓ પણ ઍરોબિક્સ નામની કસરત કરાવે છે, જે સંગીતના તાલે કરવામાં આવે છે. ઍરોબિક્સ ગરબાનો જ એક પ્રકાર છે, તો પછી ગરબાથી જ કસરત કેમ ના કરીએ. ઍરોબિક્સ બધાને આવડે નહીં, શીખવું પડે છે, જયારે ગરબા તો ઢોલ વાગતાંની સાથે જ સો માણસોમાંથી નવાણું લોકોને રમવા માટે મજબૂર કરી નાંખે છે. આથી મારી યોજના છે કે એવું સ્થળ ખોલવું કે જ્યાં આવનાર દરેક સભ્ય પ્રતિદિન સંગીતના તાલે ગરબા રમે અને સાહજીક, સામાન્ય કસરત કરીને શરીરને ફીટ રાખે...’, વૃંદા અટકી. પ્રત્યેક શાર્કે રજૂઆતને તાળીઓના અવાજથી વધાવી લીધી. હવે વારો હતો આર્થિક રોકાણ બાબતે ચર્ચા કરવાનો. યોજના કેટલા અંશે સફળ થશે તે બાબતે વિચારવાનો. માટે જ શાર્કે વૃંદાને થોડો સમય પ્રતીક્ષા કરવાનું જણાવ્યું. વૃંદાએ મંચ છોડી પ્રતીક્ષાકક્ષ તરફ પગ માંડ્યા.

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏