Triveni - 21 books and stories free download online pdf in Gujarati

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૧

નોવોટેલ હોટલ, અમદાવાદ

હોટલના બીજા માળે રૂમ નંબર ૨૦૪માં શ્વેત વન-પીસ ગાઉનમાં સજ્જ વૃંદા સોફા પર બિરાજેલ હતી. થોડી અકળામણ થતી હતી. જેનું કારણ વિશાળ ઓરડામાં બરોબર મધ્યમાં તે એકલી બિરાજેલી તે હતું. અત્યંત શાંત વાતાવરણ હતું. દુધ જેવા વસ્ત્રથી આવરિત દુધ જેવી વૃંદાના ચહેરા પર ચિંતાના આવરણો મલાઇની માફક કરચલીઓ બનાવી રહ્યા હતા. તન કરતા ત્રણ ગણા વિશાળ સોફાના ટેકે વૃંદા પગ પર પગ ચડાવી ક્રોસ અવસ્થામાં બેઠેલી. જે દર્શાવી રહ્યું હતું કે તે સમયની કિંમત કરતી નારી હતી. શાંત મન સાથે વચનોને બદ્ધ તેના વ્યક્તિત્વની ઝાંખી તેની બેસવાની પદ્ધતિમાં થતી હતી. જમણો હાથ ક્રોસ પગથી બનતા ઢોળાવ પર અને ડાબો હાથ સોફાના હાથા પર આંગણીઓ રમાડી રહેલો. આંખોને પ્રતીક્ષા હતી તે વ્યક્તિની જેણે મુલાકાત માટે ફોન કર્યો હતો અને સંદેશ પણ મોકલ્યો હતો. તેની બરોબર ડાબી તરફ દરવાજો હતો, જે ૨૦૪ના શયન કક્ષ તરફ જતો હતો. થોડીક જ ક્ષણોમાં દરવાજો અંદરની તરફ ખૂલ્યો અને અલ્પ માત્રામાં પાણીનો ભારો ધરવાતા વાદળો જેવા રાખોડી રંગના પેંટ અને તેવા જ રંગના શર્ટમાં સજ્જ વ્યક્તિ વૃંદાની આંખોમાં ર્દશ્યમાન બની. વૃંદા સોફા પરથી ઉઠી અને તેની સામે તીવ્ર વેગે આવતી તે વ્યક્તિને તાકતી જ રહી. તે વ્યક્તિએ વૃંદાની સામે આવી, બેસવાનો ઇશારો કર્યો, અને બરોબર વૃંદાની સામે જ બિરાજી. વૃંદાની સામે બિરાજેલ છબી હતી હસતી આંખોની, મલકાતા હોઠોની, આંશિક લંબગોળ, પણ ભરાવદાર એક વ્યાપારીને છાજે તેવા ચહેરાની. તેટલામાં જ કોલેજના પહેલા વર્ષમાં જ અભ્યાસ કરતી હોય તેવી પાતળી સરખી છોકરી પણ ઓરડામાં પ્રવેશી. આવતાંની સાથે જ તેણે ઓળખાણ આપી. વૃંદા વિષે તો તે હસતો ચહેરો ધરાવતી વ્યક્તિ જાણતી જ હતી, પરંતુ તેને વૃંદા જાણતી નહોતી. આથી જ તેના વિષે જણાવું જરૂરી હતું. વૃંદાને મુલાકાત માટે આવકારનાર વ્યક્તિ હતી શિલ્પા... શિલ્પા ચૌહાણ... અમદાવાદના ધનિક વ્યાપારીઓમાં પોતાનું એક આગવું સ્થાન કાયમ કરનાર વ્યક્તિ. પુરૂષોથી ઘેરાયેલા નાણાકીય સહાયના વ્યવસાયમાં કમળની માફક ખીલી ઉભરી આવેલ વ્યક્તિ. સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ પ્રત્યેક ઇમારતમાં પોતાની હિસ્સેદારી ધરાવતી વ્યક્તિ. અમદાવાદની ઘણી ખરી હોટલમાં પાર્ટનરશીપ ધરાવતી વ્યક્તિ. વૃંદા જે રૂમમાં હાજર હતી, તે બારે માસ જેના માટે બુક રહેતો હતો તે વ્યક્તિ. વૃંદાએ હાથ મિલાવવા માટે આગળ વધાર્યો, શિલ્પાએ પણ અત્યંત ઉષ્માભર્યા આવકારથી હાથ લંબાવ્યો, અને તેના ઇશારા સાથે વૃંદા ફરી સોફા પર બેઠી. શિલ્પાના સોફાની પાસે જ ઊભેલી તે પાતળી છોકરીએ વૃંદાના હાથમાં શિલ્પાની કંપનીનું કાર્ડ આપ્યું. કંપનીનું નામ હતું, “રચિતા ફાઇનાન્સ”.

વૃંદાની નજરો હજુ શિલ્પા પર જ અટકેલી હતી. તેની અવાકતાને દૂર કરવા શિલ્પાએ વાત શરૂ કરી, ‘જુઓ... આપે શાર્ક ટેન્કમાં જે રજૂઆત કરી, તે મારા આસીસ્ટંટ દ્વારા મને મોકલવામાં આવી હતી, તેમને તમારી રજૂઆતમાં કંઇક નવું દેખાયું, અને મને પણ લાગ્યું કે આપના વિચાર નવા વ્યાપાર તરફ લઇ જઇ શકે તેમ છે. માટે જ મેં તમને મુલાકાત માટે આમત્રંણ આપ્યું.’

શિલ્પા જેવી પ્રતિભાશાળી વ્યક્તિની વાકસુંદરતાથી વૃંદા અચરજ પામી. નરમાશ ભર્યા હળવા શબ્દો સાથે શરૂ થયેલી વાતે વૃંદામાં પણ વિશ્વાસને મજબૂત બનાવ્યો. વૃંદાએ ફક્ત માથું ધુણાવી હકારાત્મક પ્રતિભાવ આપ્યો. તેને તો સપનાને જાણે ચાર સફેદ ઘોડા ધરાવતો રથ મળી ગયો હોય તેવું પ્રતીત થવા લાગ્યું. ઘોડાની દોડને શિલ્પાના અવાજે અટકાવી, ‘હું માનું છું ત્યાં સુધી આપને મારી સાથે કામ કરવામાં કંઇ વાંધો નહિ હોય...’, વૃંદાએ ફરીથી હામી ભરી, અને વાત આગળ વધી, ‘વધુ માહિતી તમને મારી આસીસ્ટંટ આપી દેશે... આજે તમારી જેમ જ મારે બીજી બે વ્યક્તિઓને પણ મળવાનું છે... માટે હું તમને વધુ સમય આપી નહિ શકું.’ આટલું બોલતાં જ આસીસ્ટંટે વૃંદાને ઇશારો કર્યો, અને બન્ને જણાં રૂમની બહાર નીકળવા માટે તૈયાર થયા. શિલ્પા સોફા પર જ બેઠી રહી. વૃંદાની ખુશીનો તો પાર જ નહોતો. આસીસ્ટંટના કહેવા મુજબ તેણે ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રતીક્ષા કરવાની હતી, માટે જ તેણે લિફ્ટ પાસે આવી લિફ્ટને આહવાન કરવા અર્થેની કળ દબાવી.

ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ રોકાતાંની સાથે જ ઝડપથી તે બહાર નીકળી. તેની આંખો શિલ્પા જે બે વ્યક્તિઓને મળવાની હતી, તેમને શોધવા લાગી. તેની નજર સમક્ષ પ્રવેશદ્વાર પર એક સ્ત્રી જમીન પર ઢોળાયેલા પેપર એકઠી કરી રહી હતી, અને તેની આસપાસ મદદ માટે આવેલા હોટેલના વેઇટરોનું આવરણ રચાયેલ ર્દશ્ય દેખાયું. બીજી તરફ ટેબલની પાસે ફસડાઇને પડી ગયેલી બીજી એક સ્ત્રીની મદદ માટે પણ વેઇટર્સ હાજર હતા, ત્યાં થતા અવાજે વૃંદાનું ધ્યાન ખેંચ્યું. જેના લીધે તેનું ધ્યાન ગ્રાઉન્ડ ફ્લોર પર ગોઠવેલા સોફા તરફ જતા માર્ગ પર ના રહ્યું, અને તે ફ્રુટ જ્યુસ પીરસવા જઇ રહેલા વેઇટર સાથે ટકરાઇ. અચાનક થયેલ અથડામણે વેઇટરનું સંતોલન ગુમાવ્યું, અને જ્યુસનો પ્યાલો વૃંદા તરફ ઢળ્યો. ઢળતા પ્યાલાએ મોસંબીના જ્યુસનું પૂર સર્જ્યુ અને તે પૂરે વૃંદાના શ્વેત વન-પીસને રંગી નાંખ્યો. વેઇટર માફી માંગવા લાગ્યો. પરંતુ વૃંદા જાણતી હતી કે ભૂલ તેની હતી. એટલામાં તો મેનેજર પણ આવી પહોંચ્યો. તેણે સ્ટાફ વતી માફી માંગી. એકબીજાની સામે માફી સ્વીકરવાની ગતિવિધિ દરમ્યાન જ વૃંદા અજાણતા જ તેની જગા પર થોડી થોડી પાછળની તરફ ખસી રહેલી. જ્યુસનો પ્યાલો જે રથ પર સવાર હતો, તે રથરૂપી પ્લેટ જમીન પર પડેલી, અને વૃંદાનો પગ તેના પર પડ્યો, અને પ્લેટ તૂટવાના અવાજ સાથે જ, તે હેબતાઇ અને ભોંય પર રેલાયેલ મોસંબીના તળાવમાં લપસી. તે જમીન પર પટકાઇ. તે ત્રીજી સ્ત્રી હતી, જેની આસપાસ પણ મદદ માટે વેઇટર્સ આવરિત થઇ ચૂકેલા. એક સહાયકના હાથના સહારે વૃંદા ઊભી થઇ, પેપર નેપકીનની મદદથી મોસંબી જ્યુસના થરને સાફ કર્યો, અને જે જામી ગયેલા થર હતા, તેને દૂર કરવા તેણે વોશરૂમ તરફ પ્રયાણ કર્યું. શ્વેત ડ્રેસનો અમુક ભાગ કેસરી બની ચૂકેલો. દસેક મિનિટના અંતે તે બહાર આવી. ગ્રાઉન્ડ ફ્લોરનું વાતાવરણ શાંત થઇ ચૂક્યું હતું. મેનેજરે વૃંદાને ત્રિકોણ બનાવતા ત્રણ સોફામાંથી ખાલી સોફા પર બિરાજવાનો ઇશારો કર્યો, જેમાંથી બે સોફા પર પહેલેથી જ બે સ્ત્રીઓ બિરાજેલી હતી. એક હતી, પ્રવેશદ્વાર પર પેપર એકઠા કરનારી સ્ત્રી અને બીજી હતી, ટેબલ પાસે પટકાઇ હતી તે સ્ત્રી. વૃંદાએ બન્નેની તરફ જોયું, અને મલકાતી આંખો સાથે ચહેરો સહેજ નમાવી અભિવાદન કર્યું.

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏