Triveni - 24 books and stories free download online pdf in Gujarati

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૪

નોવોટેલ હોટલ, અમદાવાદ

રૂમ નંબર ૨૦૪માં નિશા દાખલ થઇ. દરવાજાની બરોબર સામે જ ગોઠવેલ સોફા પર શિલ્પા બિરાજમાન હતી. નિશાએ શિલ્પાના કિનાયને અનુસરી સોફા પર સ્થાન ગ્રહણ કર્યું, જે સોફો બરોબર શિલ્પાની સામે જ હતો. નિશાએ ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલ ઘટના વિષે સવિસ્તાર વાત કરી. વાત કરી કે કેવી રીતે તેના ટેબલ પર કૉફીનો પ્યાલો ઢળ્યો? કેવી રીતે તેના બનાવેલ પ્રપોઝલને ધરાવતા લૅપટોપે તેનો સાથ છોડી દીધો? કેવી રીતે તેના પગમાં ઇજા પહોંચી? કેવી રીતે તે સંપૂર્ણ રજૂઆત બતાવવા માટે અસમર્થ બની હતી? છતાં પણ નિશાના ચહેરા પરથી જુસ્સો ઘટ્યો નહોતો. આત્મવિશ્વાસથી ચહેરો છલકાતો હતો. તેણે શિલ્પાને રજૂઆત અર્થે તે વાત કરી શકશે તે બાબતે વાત કરી. ભવિષ્યના આવનાર વર્ષો બાબતે તેનું પ્રોજેક્શન પણ જણાવવા પ્રયત્ન કર્યો.

શિલ્પાએ નિશાની વાતને સાંભળી અને જણાવ્યું કે નિશાની રજૂઆત અર્થે તેને લૅપટોપની કોઇ જરૂર નહોતી. નિશાની યોજના બાબતે તેણે શાર્ક ટેન્કના પ્રસારણમાં જોયું હતું. શિલ્પાએ એ પણ જણાવ્યું કે તે પોતે પણ વિવિધ પ્રકારની વાનગીઓ આરોગવાની શોખીન હતી. પરંતુ વ્યવસાયિક દોડધામ અને વ્યસ્તતાને કારણે શરીરને ટકાવી રાખવા માટે ઘણા પ્રકારની ખાદ્ય ચીજોથી તે પરેજ પાળતી હતી. અવારનવાર હવાઇ મુસાફરી, ટ્રેનની મુસાફરી થતી હોવાને કારણે ખોરાકમાં અત્યંત ધ્યાન રાખવું શિલ્પા માટે ઘણું મહત્વનું હતું. નિશાના પ્રપોઝલમાં એટલે જ શિલ્પાને રસ પડ્યો હતો, કેમ કે શિલ્પાની માફક જ ઘણાં બધા ધનિકો માટે મુસાફરી, સમયની વ્યસ્તતા નિત્ય ક્રમમાં રૂપાંતરીય થઇ ચૂકેલ. શિલ્પાએ એક વેપારીને છાજે તેમ સીધી રેખામાં જ વાત કરી અને તેનો રસ દર્શાવ્યો. નિશાના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઇ રહી હતી. તેની આંખો ચમકવા લાગેલી. ચહેરો મક્કમ બન્યો હતો, અને કોઇ ર્દઢ નિશ્ચય કરવાનો હોય તેમ તે તૈયાર હતી. શિલ્પાએ નિશાને પણ વૃંદાની જેમ જ ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રતીક્ષા માટે કહ્યું, કારણ કે તેને હજુ ત્રીજી વ્યક્તિને મળવાનું બાકી હતું. નિશા ૨૦૪માંથી શિલ્પાની રજા લઇને લૉબીમાં આવી.

નિશા ગ્રાઉન્ડ ફ્લોર પર કાજલ અને વૃંદાની સામેના ખાલી સોફા પર બિરાજી. કાજલ કંઇ પૂછે તે પહેલાં જ મેનેજરે તેને રૂમ નંબર ૨૦૪માં મુલાકાત માટે જવા જણાવ્યું. થોડીક જ મિનિટો પછી કાજલ તે જ સોફા પર બિરાજેલી જેના પર નિશા બિરાજી હતી, અને સામે શિલ્પા તેની લાક્ષણિક અદામાં બિરાજમાન હતી. શિલ્પાના ડાબા હાથમાં ચાનો કપ હતો. તેની પસંદીદા ચા. તેણે કાજલને વાત રજૂ કરવા બાબતે આંખોથી જ સંમતિ દર્શાવી. કાજલે પણ નિશાની જેમ જ ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલ ઘટના બાબતે પહેલા જણાવ્યું. તેના અમુક ડ્રોઇંગ ધરાવતા પેપર ફાટી ગયેલા, જે દુરસ્ત હતા તે તેણે શિલ્પાને બતાવ્યા. કાજલે બનાવેલ પ્રત્યેક ડીઝાઇન એવી રીતે બનાવવામાં આવી હતી કે તે મુજબ શિલ્પ બનાવવામાં આવે તો માનવ કોઇ પણ જાતના શારીરીક શ્રમ વિના યોગ કરી શકે. બસ તેને કંડારેલ શિલ્પ અનુરૂપ પોતાની જાતને ગોઠવવાની જ રહે. કાજલે તે મુજબના પ્રોટોટાઇપ બનાવી તેના પરીક્ષણ બાબતે પણ વાત કરી. પ્રોટોટાઇપ એ એક સિદ્ધાંત અથવા પ્રક્રિયાને ચકાસવા માટે બનાવેલ ઉત્પાદનનો પ્રારંભિક નમૂના, મોડેલ અથવા પ્રકાશન હોય છે. કાજલે શાર્ક ટેન્કમાં કરેલ રજૂઆત સવિસ્તાર કહી સંભળાવી. શિલ્પાએ પણ ધ્યાનપૂર્વક વાત સાંભળી, અને બસ એટલું જ કહ્યું કે આજના આધુનિક યુગમાં સફળતા, ખ્યાતિ, પૈસા, શક્તિ પાછળ દોડતો માનવ આ બધા કરતાં અત્યંત મહત્વના તેના જ દેહને ભૂલ્યો હતો. કાજલને પણ શિલ્પાએ ગ્રાઉન્ડ ફ્લોર પર થોડી વાર પ્રતીક્ષા અર્થે જણાવ્યું.

આશરે દસેક મિનિટ બાદ કાજલ જ્યારે વૃંદા અને નિશા સામે આવીને બિરાજી. ત્રણેવ જણા વચ્ચે તેઓની શિલ્પા સાથેની મુલાકાત વિષે ચર્ચા ચાલુ થઇ. ત્રણેવ જાણી ચૂક્યા હતા કે તેઓની નવા સાહસ બાબતની યોજનાની સાર્થકતા થોડી વારમાં જ ખબર પડવાની હતી. કૉફીની પ્રત્યેક ચૂસ્કી ત્રણેવના વિચારોની ગતિને તીવ્રતા બક્ષી રહ્યા હતા. આ અથાક વિચારોના ઘોડાઓની લગામ ખેંચી શિલ્પાના આસીસ્ટંટના અવાજે, તેણે જણાવ્યું કે મૅડમ પોતે ગ્રાઉન્ડ ફ્લોર પર મુલાકાતે આવી રહ્યા હતા. તેનું વાક્ય પૂરૂ થાય તે પહેલાં જ લિફ્ટનો દરવાજો ખૂલ્યો, અને શિલ્પા લિફ્ટમાંથી બહાર આવી. હોટલનો મેનેજર તુરત જ તેની પાસે પહોંચ્યો. શિલ્પા ત્રણેવના ટેબલ તરફ ગતિમાં હતી. શિલ્પા ટેબલ સુધી પહોંચે તે પહેલાં તો ચોથા સોફાની ટેબલ પાસે જ ગોઠવણ થઇ ગઇ હતી. સોફાને શિલ્પાએ શોભાવ્યો, અને તેને આવતા નિહાળી ત્રણેવ જણા તેમની જગાએથી ઉઠ્યા હતાં, તેઓને પણ બેસવાનો ઇશારો કર્યો.

ત્રણેવના બેસતાંની સાથે જ શિલ્પાએ વાત શરૂ કરી, ‘જુઓ... મેં તમારા ત્રણેવના પ્રપોઝલ સાંભળ્યા... અને તેના પરથી હું એક ચોક્કસ વાત પર પહોંચી છું કે શાર્ક ટેન્કમાં કેમ તમારો સ્વીકાર ન થયો?’, ત્રણેવ એકબીજાંની સામે જોવા લાગ્યા, તેમનું ધ્યાન શિલ્પાના અવાજે ફરીથી શિલ્પા તરફ ખેંચ્યું, ‘મૂંઝવાયાને... હું તમને કહું... એ એટલા માટે કે તમારી પોતાની વૈયક્તિક રજૂઆતને વેપારી ક્ષેત્રે જોઇએ તેવી સફળતા મળે તેમ નથી... ગરબા... આરોગ્યપ્રદ ખોરાક... અને યોગા... સૅપરેટલી ક્લાસીસ ચાલે જ છે... અને દરેકના સભ્યો પણ સારા એવી સંખ્યામાં હોય છે... માટે હું પણ એવું માનું છું કે વ્યક્તિગત રીતે વિભિન્ન રજૂઆતમાં રોકાણ કરવું અઘરૂ છું, કારણ કે વળતરની તકો ઘટી જાય છે.’ ત્રણેવના ભવાં સંકોચાયા, ચિંતાના ઘેરા વાદળો રીતસર ચહેરા પર દેખાવા લાગ્યા. બીજી તક પણ કોઇ સફળતા અપાવશે તેવી ત્રણેવની ધારણા ખોટી પડવા જઇ રહી હોય તેવું લાગવા માંડ્યું હતું. હાથ પગ ઠંડા પડવા લાગ્યા, ઉત્સાહ ઓસરાવા લાગ્યો, ઘરેથી બીજી વખત મળેલ પરવાનગી પણ વ્યર્થ જશે તે બાબતનો ડર પજવવા લાગ્યો, પરંતુ આ બધાને રોક લગાવી શિલ્પાના આગળ વધતા શબ્દોએ, ‘તો’ શિલ્પાએ બન્ને હાથની આંગળીઓ એકબીજામાં પરોવતાં કહ્યું, ‘કેમ નહિ... તમે એક જ રજૂઆત બનાવો, અને તેમાં તમે ત્રણેવ પોતપોતાના ખ્યાલને પરોવો... અને એક સજ્જડ યોજના સાકાર કરો... હું કહું તો તમે એવી કોઇ જગા પસંદ કરો કે સવારસવારમાં યોગ થાય... જેના કારણે ઉદ્દભવતી ભૂખને સંતોષવા આપ વાનગી બનાવો…સંપૂર્ણ દિનચર્યા બાદ રાતે ગરબા થાય, જે અનુક્રમે કાજલ, નિશા અને વૃંદાના શોખને તો સંતોષજે પણ સાથે સાથે રોજીંદી કાર્યપ્રણાલી સાથે તનને તંદુરસ્ત રાખી શકાય તે વાતને પણ સમર્થન મળશે. મારા તરફથી તમને આ સલાહ છે, જો તમે તૈયાર હોવ તો હું રોકાણ કરવા તૈયાર છું.’ ત્રણેવે થોડો સમય માંગ્યો. શિલ્પા ઉઠી અને જતાં જતાં તેણે ત્રણેવને નિર્ણય અને સાહસ અર્થે નામ પણ વિચારી તેની આસીસ્ટંટને સંમતિ સાથે જણાવવા કહ્યું.

શિલ્પાની જતાંની સાથે જ ત્રણેવે પળવારમાં જ નક્કી કરી લીધું કે તેઓ શિલ્પાની સલાહને અનુસરવા તૈયાર હતા. તેઓએ તેટલી જ ઝડપથી નામ પણ નક્કી કરી લીધેલું, અને શિલ્પાની આસીસ્ટંટ થકી પૃછા થતાં ત્રણેવ એક સાથે નામ બોલી ઉઠ્યા... “વૃનિકા ફિટનૅસ ક્લબ”

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏