Ruday Manthan - 15 books and stories free download online pdf in Gujarati

રુદયમંથન - 15

જુનીફળીમાં શાંત પડેલ મકાનમાં હવે હલચલ મચી ગઈ, બધા પોતાના નિયમો મુજબ કામે લાગી ગયા, દલાજી ઉજાસ થતાની સાથે ત્યાં આવી પહોંચ્યા, જોડે ત્રણ રુપાળી ગાયોની ટોળકી હતી, એમનાં દૂધની માફક શ્વેત રંગ એમાંય ક્યાંક ક્યાંક બદામી છાંટ, ભરાવદાર અને ઘંટાક્ણ એમનાં ઘંટ! ફળીમાં આવી દેશી ગાયો જોઈ બધા ખુશ થઈ ગયા, ગૌમાતા માટે પોતાના પાસે રહેલા થોડા પૂડા લઈ આવ્યા અને એમનું સ્વાગત કર્યું, જે લોકો ગૌમાતાનું જો આવા પ્રેમભાવથી સ્વાગત કરે તેવાં લોકોને નિર્દોષ ભાવના જોઈ બધા છક થઈ ગયા.
ફળીમાં આજે દેસાઈ પરિવાર આવ્યો છે તો ખુશનુમા માહોલ હતો,આજુબાજુની સ્ત્રીઓ ઘરમાં કઈ ખૂટતું મૂકતું હોય એની સંભાળ લેતા માધવીને પૂછી જતાં, અહીંના માહોલથી અજાણ શહેરી માનુનીઓને ચૂલો સળગાવવાથી લઈને બેડું કઈ રીતે માથે રાખવું, સુતરની સાડી કેમ કરીને ખબે રહે અને તે પહેરીને કઈ રીતે કામ કરવું એ બાબતે શીખવી દીધું, અગવડમાં પણ સગવડ કઈ રીતે થઈ શકે એનું સરળ રીતે માર્ગદર્શન આપી દીધું.
શિખાએ ચૂલામાં ઇંધણ મૂક્યું, મૂકતાંની સાથે એમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા, એને કંઈ સમજ પડી નહિ,એની આંખો બળવા માંડી, એ ગભરાઈ ગઈ,એને કંઈ સમજ ન પડી, એને મદદ માટે બૂમ પાડી, ત્યાં જ બાજુના કરે બેઠેલી ચિત્રા એની જોડે આવી અને એક લોખંડની ભૂંગળી જેવું હાથમાં લઈને ચૂલામાં ફૂંક મારવા લાગી, બે પળમાં એમાંથી નીકળતો ધુમાડો ગાયબ! આ તો શિખાને જાદુ જેવું લાગ્યું, એને એ ગમાર લાગી રહેલી સ્ત્રી સાથે સહાનુભૂતિ થઈ, કોઈની સાથે સારી રીતે વાત ના કરતી શિખા આજે માણસાઈના પાઠ ભણવા માંડી.
માધવીએ લીંપણ કરવા બેઠી, ખરડાયેલા હાથે એને કામ તો માથે લીધું પરંતુ આવડત ના હોવાથી એમાં એના હાથ બેસતાં નહોતા, ઉપરથી ગોબરની ગંધ એમાં અકળામણ ઉમેરતી હતી, ક્યારે આ કામ પતે અને રસોઈ વળગવું એ અજંપો એના મનમાં હતો, એણે ત્રિશાને ફળીમાંથી કોઈને બોલાવી લાવવા કહ્યું, ત્રિશા અને સ્વીટી ફળીમાં ગયા, એમને જોતાની સાથે ગલીબા એમની વહારે આવી ગયા, ગલીબા આવતાની સાથે માધવીને શાંતિ થઈ, કોઈ ઓળખાણ નહિ, ઉપરથી ભાષામાં તાલમેલ ઓછો છતાંય ગલીબા એમનાં ઘરડા સ્મિત સાથે લિમ્પણનો ભાત કરતાં શીખવી ગયા, ગલીબા અને માધવીના સાસુ શાંતિબા બાળપણમાં જોડે ખેતરે જતાં એ વાત કહી એમની નિકટતા દર્શાવી.
ત્યાં તો તૃપ્તિ ખેતરની પાળેથી તાજી તાજી તાંદલજાની ભાજી અને રવૈયા લઈને આવતાં દેખાઈ, જોડે બિરવા પાસે એક કંતાનની ગાંસડી હતી, લીંપણ પર બેસવાની વ્યવસ્થા કરીને આવ્યા એની ખુશી એ બંનેના મુખ પર તરવરી રહી હતી. નદી કિનારેથી ભરી આવેલા બેડાં એક ખૂણે મૂકેલા હતાં, એને વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવ્યા, ચૂલો હવે ધગી રહ્યો હતો, આંધણ મુકાયા અને રસોઈ થઈ રહી.
મોટા કિચન, ટચ સ્ક્રીનની ચીમની, માઇક્રોવેવ ઓવન કે કોઈ અત્યાધુનિક સુવિધાઓ વગર રસોડામાં કામ કરવું કેવું કપરું હતું એ હવે દેખાતું હતું, રોટલા બનાવતા બનાવતા તો બધાનાં નાકે દમ આવી ગયો,વારાફરતી બધાએ પોતાનો હાથ અજમાવ્યો પણ કઈ સરખો મેળ ન પડતો, ક્યાંક ગુજરાતનો નકશો તો ક્યાંક ભારતનો! તોય જાતે કરેલી મહેનત બધાને સોના જેવી લાગી રહી હતી,ગાયનું દોહેલું દૂધ આજે તો ના મળી શક્યું પરંતુ ફળીમાં કોઈના ત્યાં છાશવારો હતો તો છાશનો મેળ પડી ગયો, તાજી છાશ રોટલા અને શાક એ મુખ્ય મેનુ હતું, જોડે ગોળની ઢેપલીઓ એ મિષ્ટાન બન્યા હતા.
ખેતરે કામ કરવા ગયેલા પુરુષો બાર વાગ્યાની સાથે આવી ગયા, ફળીની પાછળનો ભાગે જ ખેતર હોઇ અને આજે પહેલો દિવસ હોવાથી મુનીમજી જોડે ખાસ ભલામણ સાથે બધા ફળીમાં આવ્યા, જોડે જમતાં આજે બધું મીઠું લાગી રહ્યું હતું, ખેતરે કરેલી મહેનતથી ઉઘડેલી ભૂખ અને તડકે તપીને આવ્યા હોઈ છાશની ટાઢક સૌને વહાલી લાગી રહી હતી, જાતે કરેલી મહેનતથી ભોજનનો સ્વાદ વધારે સ્વાદિષ્ટ બની ગયો, કોઈ દિવસ જોડે ના જમતાં સૌ આજે બપોરે જોડે જમ્યા, બધાને ભલે સાદું જમ્યા પણ એમાં જે સંતોષ હતો એ સંપનો હતો!
ધર્મદાદા હાજરીમાં જે શક્ય નહોતું બન્યું એ આજે એમની ગેરહાજરીમાં બન્યું, તેઓ મથતા રહેતા પરંતુ સૌ પોતાના સ્વાર્થમાં પરોવાયેલા રહેતાં, ડાઇનિંગ ટેબલ પર સાથે જમ્યા હોય એવું માંડ બનતું, ભલે જાહોજલાલી જોરે જતી પણ જોડે બેસીને જમવાની મજા તો આજે મળી હતી, સ્વીટીના નખરાં બધા હવાઈ ગયા, શિખા શાંત પડી ગઈ, બીજા જેમને વાંધો હતી તેઓ પણ એકસુરે રહેવા માંડ્યા.
એકબીજાથી હંમેશ છેડો ફાડવાની વાતોમાં રાચતા ત્રણે ભાઈઓ આજે બધું ભૂલીને એકભાણે ગોઠવાયા હતા, જે હતું એ માત્ર પૈસાનો વહેમ જ હતો એ વાત ધીરે ધીરે બધાંને સમજવા માંડી હતી.કોઈ નોકર નહિ, કોઈ ચાકર નહિ, સાવ સાદગીમાં બધા આજે સાચા અર્થમાં દેસાઈ પરિવારની શાન લાગી રહ્યા હતા.
"હું આવું જમવા?" - બારણે એક મીઠો અવાજ ટહુકી રહ્યો.
"આવ ને દીકરા!એમાં તો કઈ પૂછવાનું હોય?" - માધવીએ આવકાર આપતાં કહ્યું, બધાની નજર એ તરફ ગઈ, ઋતા હતી.
"આન્ટી, હું તો મોડાં જમીશ, આ તો માલતીમાસી એ પૂરણપોળી બનાવી છે, મુનીમકાકા કાલે યાદ કરતા હતા તો બનાવી છે, લો બધાને ભાવશે!" - ઋતાએ એક સ્ટીલનો ડબ્બો માધવીના હાથમાં આપતાં કહ્યું.
"અરે વાહ! પુરણપોળી, જામો પડી જશે!" - મુનીમજી ખુશ થઈ ગયા.
"માસી બહુ મસ્ત બનાવે છે." - ઋતાએ વખાણ કર્યા.
" તો લાવો...અમે પણ ખાઈશું." - મેઘએ માધવી જોડે માંગતા કહ્યું.
"હા બધા લેજો!" કહેતાં એ ડબ્બો એને પાસ કર્યો, બધા એ સેલ્ફસર્વિસ કરી લીધો.
"ઋતા તું પણ બેસ! જો તો ખરાં બધાને રસોઈ આવડી કે નહિ?" - આકાશે એને બેસાડી.
" અંકલ, એ તો આવડે જ ને! " કહેતાં એને છાબડીમાં પડેલા રોટલા સામે નજર કરી.
"જો આવું આવડે છે! આજે તો વિધાનના વિષયના રોટલા છે!" કહેતાં શિખાએ હાસ્યરસ રેલ્યો.
બધા ખળખળાટ હસી પડ્યા, ઋતા બધાને આમ ભેગા જોઈને ખુશ થઈ, કાલે રાતે આર્ટ ગેલેરીઓમાં કરેલી વાતોથી એકદમ વિરુદ્ધ વાતાવરણ એ જોઈ રહી, એને મુનીમજી અને કેસરીકાકા સામે જોયું. બન્નેએ આંખના પલકારા સાથે હકારાત્મક જવાબ આપ્યો.
ઋતાને કામ હતું, એ જતી રહી, આ બધાની વચ્ચે મહર્ષિ ઋતાને જોઈ રહ્યો, પણ એ કઈ બોલી ના શક્યો, માત્ર જોતો રહ્યો, બધાથી અજાણ એની આંખોમાં ઋતા ફરી રમવા માંડી, એ બંધ હોઠે પણ ઋતાની સાથે વાતો કરતો રહ્યો.

ક્રમશઃ