Ruday Manthan - 8 books and stories free download online pdf in Gujarati

રુદયમંથન - 8

નીતરતા નેવા નીચે દેસાઈ પરિવાર આખા દિવસની મુસાફરીના થાકથી નીતરી રહ્યો હતો, નસીબ એમનું એટલું સારું હતું કે અમદાવાદી કાળઝાળ ગરમીના બળાપા કરતાં રતનપુરાની વરસાદી શીતળતાએ એમનાં ઉકળાટમાં થોડી રાહત આપી હતી.
"પધારો બાપજી! અચાનક કે આવી ચઇડા?" ઉભેલા બધા માણસોમાંથી એક ચહેરાએ પૂછી લીધું.
"રુખા! આ જેસંગ મુનીમજી સે! આપડા ધરમદાદાની હાથે આવતાં કે ની? ઓલઇખા કે ની?" - દલાજીએ રુખાને મુનીમજી સામે આંગળી ચીંધતા કહ્યું.
"રામ રામ!" રુખાએ જેસંગજીને આવકાર્યા.
"મુનીમજી, આ કોણ સાથે? મે આમને કો દી ની જોયેલા!" દલાજીએ દેસાઈ પરિવારની સામે જોતા કહ્યું.
"આ આપના ધર્મદાદાનો આખો પરીવાર છે જે અમદાવાદ રહે છે એ!" - બધાની સામે જોતા કહ્યું, કબીલામાં બધા ખુશ થઈ ગયા, બધાયને માટે મોટા મહેમાન આવ્યા હોય તેવી વાતો થવા માંડી.
"પણ ધરમદાદા? એ કા સે?" - એમાંથી એકાદ બોલ્યું.
"ધર્મદાદા હવે આપણી દુનિયામાં નથી! ચાર દિવસ એમનું દુઃખદ અવસાન થયું છે!" કેસરીભાઈએ સૌને સમાચાર આપ્યા.
"હે? એવુ ની બને! દાદાતો બો હારા હુતા ને!" દલાજીને ધ્રાસકો પડ્યો અને બધા ઉભેલા પુરુષોમાં સોપો પડી ગયો જાણે એમનાં માથેથી બાપનો હાથ હટી ગયો હોય એમ! તેઓ માથે હાથ દઈને પોતાના નસીબને કોસવા માંડ્યા કે એમનાં ધરમદાદા એમને મૂકીને કેમ ચાલ્યા ગયા, પછીતની પાછળ ઘુમ્મટમાં છૂપાયેલી સ્ત્રીઓ ભેગી થઈને રોળકકળ કરવા માંડી, એમનું રુદને વાતાવરણને ગમગીન કરીને મૂકી દીધું, એમનાં માટે ગ્રામજનોની આટલી બધી લાગણી જોઈને આકાશ અને માધવી અચંબામાં પડી ગયા, આવો ભાવ તો કદાચ એમનાં પરિવારમાં પણ કોઈને નહિ હોય!
"ઈશ્વરને ગમ્યું એ ભલું" - કહીને કેસરીભાઈએ દલાજીને આશ્વાસન આપ્યું.
"હમારા તો માઈબાપ અમુને એકલાં મૂકીને કેથે ચાઇલા ગિયા?" - દલાજીએ આંસુ લૂછતાં લૂછતાં કહ્યું.
"દલાજી, એ તો પાછા નહિ આવે, પણ જુઓ એમણે એમનો આખો પરિવાર અહી મોકલ્યો છે!" - કહીને આશ્વાસન આપ્યું.
બધાએ દેસાઈ પરિવાર સામે જોયું, પરીવારમાં એમનાં દીકરા-વહુઓ સામે ઊભેલા જોઈ સૌને વંદન કર્યા, કબિલામાં હવે ધરમદાદાના વારસો આવ્યા એ જોઈને સૌને શાતા વળી. બધાએ સૌને આશ્વાસન આપ્યા, આજુબાજુના છાપરેથી બે ચાર સ્ત્રીઓ ભેગી થઈને પાણીના લોટા લઈને આવી, બધાએ ખરખરો કર્યો,ત્યાં સુધી આવેલા મહેમાનો માટે પાથરણા પાથર્યા, બે ચાર તૂટેલા ફૂટેલા ખાટલામાં પુરુષોને સ્થાન અપાયું અને શેતરંજીના જેવી વાંસની સાદળીમાં સ્ત્રીઓને!
દેસાઈ પરિવાર ક્યારેય એવા સ્થાને બેઠો નહોતો પરંતુ આજે થાકના લીધે બેસી ગયો, અહીંના લોકોની આત્મીયતાએ એમની મોટાઈની જાણે હત્યા કરી નાખી.બધા બેઠાં હતાં, ત્યાં એક સુંદર યુવતી દૂરથી આવતી દેખાઈ.
એની છટા અહીંના કબીલા કરતાં સાવ જુદી હતી, જુવાન હતી એના કરતાંય વધુ જુવાન એ દેખાઈ રહી હતી, આશરે તેવીસ-ચોવીસ વર્ષની જેવી એની વય કળી શકાય! એણે પહેરેલ ચુડીદાર ડ્રેસ અને એની ડ્રેસિંગસેન્સ કઈક અલગ જ દેખાઈ રહી હતી, એનો એકવડિયો બાંધો અને રૂપાળો રંગ એની આભાને આંજી રહ્યા હતા, વરસાદમાં રંગબેરંગી છત્રીઓ આડમાં એનું યૌવન સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું, લહેરાતા ખુલ્લા વાળને વરસાદની લહેરખીઓ છેડી રહી હતી અને ભીંજવી રહી હતી, ભીંજાયેલી લટો એના ચહેરાં પર આવીને શોભા વધારી રહી હતી.
એ નજીક આવતી દેખાઈ, બધાયને નજર એની સામે મીટ માંડીને બેઠી હતી, વેરાન રણમાં પાણીનો ફુવારો મળી જાય એવું અહી લાગી રહ્યું હતું, સાવ આદિવાસી પ્રજા જ નજરે પડી એમાં શિક્ષિત અને સંસ્કારી યુવતી જોઈને બધાને સારું લાગ્યું.
"લે.... અલા ઋતા દિકા તું કેમ આઈવી, બો વરહાદ હે તો?" - દલાજીએ એને આવા વરસાદમાં આવવાનું કારણ પૂછ્યું.
એ મંદ હસી, એની મુસ્કાને જાણે ચારેય કોર સોડમ પ્રસરાવી દીધી, એની આંખોની ઝૂકેલી પલકો અને અણિયાળી આંખોએ વાતાવરણને આંજી દીધું.
"જય શ્રી કૃષ્ણ કાકા!"- એણે મુનીમજીને કાકા કહીને સંબોધ્યા અને હાથ જોડી અભિવાદન કર્યું.
"દલાબાપા, મને તો મુનીમકાકા એ બોલાવી એટલે આવી છું" - એણે દલાજીને એકદમ સરળ અને શુદ્ધ ભાષામાં ઉત્તર આપ્યો, એની બોલવાની છટા લયબદ્ધ હતી અને એ લયબદ્ધતમાં એની વાણીના સ્વર મધુરતા રેડતા હતા.
"જય શ્રી કૃષ્ણ ઋતાબેટા!" મુનીમજી એ એને પ્રેમથી આવકારી.
"આપ દેસાઈ પરિવારનું રતનપુરામાં ભાવભીનું સ્વાગત છે! આ વરસાદમાં હું તમારા સૌ માટે કંઈ ખાસ તૈયારી ના કરી શકી એ બદલ માફી ચાહું છું."- એણે દેસાઇ પરિવારનું સ્વાગત કરતાં કહ્યું.
"ભલે દીકરા! પણ તું અમને સૌને કેવી રીતે ઓળખે છે?" - આકાશે એને આશ્ચર્ય સાથે પૂછ્યું.
"એ તો ધર્મદાદાને લીધે! કાલે મુનીમકાકા નો ફોન આવેલો કે આપ સૌ અહી આવવાના છો એટલે!"- ઋતાએ કહ્યું.
"બરાબર! પણ તારી ઓળખાણ ના પડી!" આકાશે એને પરોક્ષ રીતે એની ઓળખાણ પૂછી.
ઋતા કઈ જવાબ આપે એ પહેલાં મુનિમજી એ એમને વચ્ચેથી અટકાવ્યા,"ઋતા, બધી વ્યવસ્થા થઈ ગઈ છે?"
"હા કાકા, ચાલો!" એણે એ આવી હતી એ રસ્તા તરફ ઈશારો કર્યો.
" તો ચાલો બધા, થોડું પલડાશે પરંતુ થાક ઉતારવો પણ જરૂરી છે!" મુનીમજીએ બધા પર દયા ખાતા કહ્યું.
ઋતા આગળ ચાલતી થઈ, એની પાછળ મુનીમજી અને કેસરીભાઈ, એ બધાની પાછળ આખો દેસાઈ પરિવાર! એમને સૌને મૂકવા દલાજી અને ગામના બીજા બે ચાર સદસ્યો એમની પાછળ લાઠી લઈને જઈ રહ્યા હતા.વરસાદથી થયેલો ગારો બધાનાં બ્રાન્ડેડ શૂઝ અને ચપ્પલને રગદોળી રહ્યા હતા ને સાથે બધાનો ઘમંડ પણ!ગામના પરિજનોના મોઢાં પર જાણે ઉત્સવ હોય એવી લાગણી હતી પરંતુ સાથે ધર્મદાદા એમને મૂકીને સ્વર્ગે સિધાવ્યા એ વાતનું પારાવાર દુઃખ પણ હતું.
દેસાઈ પરિવાર ગયો ત્યાર બાદ ગામની સાત આઠ સ્ત્રીઓ ભેગી થઈ ગઈ, શું વાત છે એ બાબત પર અટકળો કરવા માંડી, એમની વાતોમાં માત્ર જીજ્ઞાસા જ હતી કોઈ સ્વાર્થ ભરી ચુગલી નહિ.એમની લાગણીઓ હજીય ભીની હતી ધર્મસિંહના ગયાના સમાચારથી.
ધર્મસિંહ રતનપુરા આવતા ત્યારથી જ અહીંના દરેક વ્યક્તિ જોડે એ હળીમળી જતાં, બધા જોડે મન મૂકીને વાતો કરતાં, બધાની મુશ્કેલીઓ સાંભળતા અને સાચી સલાહ આપતાં અને જરૂર જાણતાં એમને મદદ પણ કરતાં. વર્ષે એકાદ બે વાર એમનું અહી આગમન બધા માટે સુખકારી જ રહેતું, અભણ અને નિર્દોષ પ્રજાના ઉદ્ધાર માટે તેઓ બને એટલી હદે મહેનત કરતા આથી એમનું માન આજેય ગ્રામજનોના મનમાં અકબંધ છે.

ક્રમશ:
જુઓ આગળના ભાગમાં....
ઋતા કોણ છે?
ઋતા દેસાઈ પરિવારને ક્યાં લઇ જાય છે?
ધર્મસિંહ અને ઋતાનો શું નાતો છે? એ રતનપુરા ગામમાં કેમ છે?