Ruday Manthan - 19 books and stories free download online pdf in Gujarati

રુદયમંથન - 19

ઋતા મહર્ષિ જોડે સચ્ચાઈ ભરેલી વાત પર વિશ્વાસ ન કરી શકી, એનો ઉદ્દગાર સ્પષ્ટ કહી શકતો હતો, આગળ મુનીમજી અને વકીલસાહેબે કહેલું પરંતુ આજે એ વાત એમનાં જ સદસ્યમાંથી કોઈ એ વાત કબુલતા એને ખરેખર નવાઈ લાગી, મુનીમજી એ કોઈ પર વિશ્વાસ ન કરવા સૂચવેલી ઋતા મહર્ષિ પર વિશ્વાસ કરવો કે નહીં એને લઈને અવઢવમાં મૂકાઈ ગઈ.
"તમને જોઈને તો નથી લાગી રહ્યું કે તમે પૈસાનાં પૂજારી છો?" - ઋતાએ મહર્ષિની સામે જોતાં પૂછ્યું, વેધક તીર જાણે દિલમાં ખુંપી ગયું હોય એવા સવાલનો ઉત્તર આપવો રહ્યો.
"પણ આ જ સત્ય છે!" - મહર્ષિએ ઋતાને નીચી નજરે કહ્યું.
"ધર્મદાદાના સંસ્કાર પર મને વિશ્વાસ છે, તેઓ આવું તો ના કરે!"
"ધર્મદાદાના સંસ્કાર ત્યારે હોય જ્યારે તેઓને દાદાનો સહવાસ હોય!"
"પણ એમનું લોહી એમનાં ગુણો વગર રહ્યે ક્યાં ખપે?' - ઋતાએ એના મનમાં ચાલી રહેલા વંટોળમાં સવાલો ઉપરાછાપરી વેરવા માંડ્યા.
"ગુણો તો દરેકમાં છે, પણ એ ગુણો ખોટી દિશામાં સ્ફુરી ગયા હોય તો એને કંઈ રીતે કાબૂમાં કરી શકાય?" - મહર્ષિએ કહ્યું.
"તમે માનો છો તમે પણ ઉદ્ધત થઈ ગયા છો?"- ઋતાએ મહર્ષિને માત્ર એના પોતાના વિશે પૂછ્યું.
"જો હું ઉદ્ધત ના હોત તો દાદા મને અહી પૈસાનો પાવર એ માત્ર ક્ષણભંગુર હોય છે અને સાચું જીવન માટીની સોડમ સાથે છે શીખવવા ના લઈ આવ્યા હોતે!"
"પણ તમને જોઈને લાગતું નથી કે તમે માત્ર ગાડીઓ અને બંગલામાં જ રહીને જીવન વિતાવ્યું હોય!"
"હું દાદા સાથે કોઈ કોઈ વાર બેસતો, એમનાં બગીચામાં, એમની લાયબ્રેરીમાં!" મહર્ષિએ દાદાને યાદ કરતાં કહ્યું.
"હા દાદા બહુ વાંચતા, અહી જ્યારે પણ નવરાશના સમયે એમનાં હાથમાં પુસ્તક જ હોય!" ઋતાએ કહ્યું.
"ખેર, દાદા તો ગયા પરંતુ એમની આશા અધૂરી રહી ગઈ, તેમના પુત્રો એમનાં માર્ગે ના જઈ શક્યા." - મહર્ષિએ નિસાસો નાખતાં કહ્યું.
"કોણે કહ્યું કે એમની આશા અધૂરી રહી ગઈ? તમે સૌ અહી આવ્યા અને અહી રહ્યા એ એમનાં માટે આનંદદાયક જ હશે."
" પરંતુ અહી બધા એમનાં વીલનાં લખાણના કારણે જ આવ્યા છે, જો ના આવે તો સંપત્તિ હાથમાંથી જાય!" મહર્ષિએ તેઓનું આવવાનુ મૂળ કારણ કહ્યું.
" તો સારું ને એ બહાને બધા અહી આવ્યા અને જો આવ્યા જ છો તો બધાનું રુદયપરિવર્તન થાય તો દાદાની આશા પૂર્ણ થાય!" - ઋતાએ એક આશ જગાવી.
"આઈ હોપ! બધું સારું થાય!" - મહર્ષિ બોલ્યો.
" એક વાત પૂછી શકું?" - ઋતાએ મહર્ષિને પૂછ્યું.
"હા શ્યોર!" - મહર્ષિએ ઋતાની સામે જોઇને કહ્યું.
પણ ઋતા કંઈ પૂછે ત્યાં તો સ્વીટીની બુમ સંભળાઈ, દૂરથી બૂમ પાડતી સ્વીટી એક ખખડધજ સાઇકલ લઈને આડાઅવળા રસ્તા પર આવતી હતી, માત્ર રિવરફ્રન્ટ પર ગિયરવાળી ટકાટક સાયકલથી સાયકલિંગ રેસ કરેલી એને આવા ઉબડખાબડમાં માંડ માંડ ફાવતું હતું, ક્યાંક પડી જાય એનું જોખમ અને પડી જાય તો વાગે અને ઢીંચણ છોલાઈ જવાનું વધારે જોખમ!
બંનેની વાત ત્યાં અટકી ગઈ, સવાલ અધૂરો રહી ગયો, પણ અધૂરો સવાલ મહર્ષિને વિહ્વળ કરી રહ્યો હતો.
"હજી તમે અહી જ અટક્યા છો? બધું ઓકે તો છે ને?" - સ્વીટીએ બન્નેને પૂછ્યું .
મહર્ષિ કઈ બોલી જ ન શક્યો, ઋતાએ જવાબ આપતા, "અરે હા! બ્રેકમાં કઈક લોચો લાગે છે, એટલે ઊભા રહીને જોતાં હતાં."
ઋતા આવું જુઠાણું ચાલવી શકે છે એ જોઈને મહર્ષિ વધારે દંગ રહી ગયો, પણ એનું જુઠાણું એને ગમ્યું, ઋતાએ મહર્ષિ સામે જોયું અને આંખ મીંચીને વાતને સાનમાં સમજી જવા ઇશારો કર્યો, બંનેની વાત ક્યાંય આગળ જશે નહિ એ વાતની ખાતરી એની આંખોએ કરાવી દીધી.
"તો થયું? અહી તો કોઈ મિકેનિક પણ નહિ હોય ને પાછું?" - સ્વીટીએ કહ્યું.
"હા ડિયર, અહી તો આપણે જાતે જ મિકેનિક!" - ઋતાએ વાસ્તવિકતા કહી.
"તમને ફાવે?" - ઋતાએ આશ્રર્ય સાથે પૂછ્યું.
"માણસો ને સુધરતાં સુધરતાં હવે મશીન સુધરતાં પણ શીખી ગઈ છું." - ઋતાએ હસતાં હસતાં કહ્યું.
"શીખો ભાઈ, આ ઓલરાઉન્ડર મહોતરમાં પાસેથી કંઇક!" - સ્વીટીએ મહર્ષિને ટોણો મારતા કહ્યું.
" હા હું પણ તને એ જ કહેતો હતો." મહર્ષિએ પણ એની ફિરકી લીધી.
"ચાલો એ તો બધાને બધું આવડતું જ હોય, માત્ર પરિસ્થિતિ સામે ના આવી હોય એટલે ના કર્યું હોય!" - ઋતાએ એનું જ્ઞાન પીરસ્યું.
"સાચી વાત! હવે આવડી ગયું હા મને!" - મહર્ષિએ ઋતા સામે જોતા કહ્યું.
" ભાઈ, મને આ સાયકલ નથી ફાવતી, તમે લઈ લેશો?" - સ્વીટીએ કહ્યું.
"હા, તું જતી રહે એક્ટિવા પર!" - મહર્ષિએ સ્વીટી પાસે પડેલી સાયકલ લેતા કહ્યું.
" પણ તું આ બાબા આદમના જમાનાની કોની સાયકલ લઈને આવી ગઈ?"- ઋતાએ સ્વીટીને પૂછ્યું.
" આ તો ઘરે જૂનીફળીમાં ઘરમાં પડી હતી, ત્યાં ઓલા ઘરડા બા કહેતાં હતાં કે આ દાદા ચલાવતાં હતાં નાના હતા ત્યારે!" - સ્વીટીએ બધી વાત એકી શ્વાસે કહી દીધી.
" એવુ છે? મે કોઈ દિવસ જોઈ નતી એટલે પૂછ્યું." - ઋતા બોલી અને એક્ટિવાનો સેલ માર્યો અને ધૂળિયા રસ્તે પૂરપાટ વેગે દોડાવી, એની સરખામણીએ સાયકલ બિચારી ગોકળગાય લાગી રહી,મહર્ષિ ઉડતી ધૂળની પાછળ સાયકલસવારીએ જઈ રહ્યો.
એના મનમાં ચાલી રહેલી વાતો પણ એ ધૂળ સાથે ઉડતી રહી, ઋતાને કહેલી બધી વાતો, એની ઋતાના મનમાં શું છાપ પડશે એની ચિંતા અને સૌથી વધારે ઋતા એના વિશે શું વિચારતી હશે એ વાતની કલ્પના આ બધું સમેટીને એ ધૂળિયા કહી શકાય એવા રસ્તે ધૂળના ઢેફાં ભાગતો સાયકલ ચલાવી રહ્યો.

ક્રમશ: