Dark circle books and stories free download online pdf in Gujarati

ડાર્ક સર્કલ

"Mom come on, why you are taking so much time to getting ready? All the guests are already there at down stairs and waiting for you to celebrate your 25th wedding anniversary", અનન્યાએ અવાજની દિશામાં જોયું તો તેની ૨૦ વર્ષની દીકરી નૈનસી રૂમનાં દરવાજા આગળ હળવી મુસ્કાન સાથે ઊભી હતી.

"You looks so beautiful mom, તારે આટલું તૈયાર થવાની જરૂર નથી તું મેકઅપ લગાવ્યા વિનાજ એટલી સુંદર લાગે છે", પોતાની માની સુંદરતાના વખાણ કરતી નૈનસી અનન્યાની પાસે જઈ વળગી ગઈ.

સામે ઊભેલો અરીસો અચાનક અનન્યાની આંખો નીચે જામેલા સમયના પડને ખોદી રહ્યો અને વયસ્ક અનન્યા નાનકડી અનુમાં પલટાઈ ગઈ.

અનુની જગ્યાએ અરીસામાં પોતાની જાતને નિહાળી રહી તેની મા હંમેશની જેમ નિર્મળ હાસ્ય રેલાવતી બેઠી હતી.

આટલી તકલીફો વચ્ચે પણ મા આટલી સ્વસ્થ અને હસતી કેવી રીતે રહી શકે છે તે વાત નાનકડી અનુને ક્યારે સમજમાં આવતી નહિ. માને અનુએ હમેશાં ઘરના વડીલો દ્વારા વાતવાતમાં મેણા ટોણા સાંભળાતી જ જોઈ હતી. વડીલો તો ઠીક અનુનો પિતા પણ તેની મા સાથે સરખી રીતે વાત નહોતો કરતો અને ઝઘડ્યા કરતો.

ઘરમાં એક દીકરાની ખોટની ભરપાઈ અનુની માએ કરવી પડે છે તે વાતથી અજાણ અનુ જ્યારે પણ માને તેની સાથે થતાં દુર્વ્યવહારની વાત પાછળ રહેલ કારણ જાણવા પ્રયત્ન કરતી ત્યારે, તું જ્યારે એક છોકરીમાંથી સ્ત્રી બનીશ એટલે તને બધું સમજાઈ જશે એટલું કહી તેની મા આંખો નીચેના કુંડાળાને આંખોમાં હાસ્ય ભરી સિફતાથી છૂપાવી દેતી.

સમયની સાથે મોટી થતી અનુને ધીરે ધીરે આ રૂઢિવાદી સમાજ અને તેના જડ નિયમો સમજાવા લાગ્યા અને સાથે પોતાની માની આંખો નીચે પડતાં કાળા કુંડાળા પણ. માની જેમ જ સુંદર આંખો પામેલી અનુએ પોતાની આંખો નીચે ક્યારે એ ઘનઘોર કુંડાળા નહિ પડે અને પોતે એક સ્વતંત્ર અને સશક્ત વ્યક્તિત્વ ધરાવતી અલગ ઓળખ બનાવશે એમ નક્કી કરી લીધું હતું.

માના વધતા જતાં કાળા કુંડાળાની ઉંમરની સાથે અનુની ઉંમર પણ વધી રહી હતી. અનુમાંથી બનેલ અનન્યાએ પોતાની આગવી ઓળખની સાથે મનપસંદ જીવનસાથીની પસંદગી પણ જાતે કરીને આ જડ બનેલ રૂઢિઓની જંજીરોનાં વળ ઢીલા કરવાની શરૂઆત આચરી દીધી હતી.

"Mom, where are you lost?" નૈનસીએ અનન્યાને ઢંઢોળતા તે વાસ્તવિકતામાં પાછી ફરી.

"યાર મોમ, તમે લેખકો ગજબ હોવ છો, ગમે ત્યારે બીજી દુનિયામાં ખોવાઈ જાવ." નૈનસી અનન્યાના ગાલ ખેંચતી બોલી.

"અરે મારી વ્હાલી, અમેતો સપનાઓના દરિયામાં નવી દુનિયાને ખેડીએ છીએ. અને તારા જેવા એસ્ટ્રોનટ અમારી એ અતરંગી દુનિયાને બ્રહ્માંડમાં શોધે છે", અનન્યા બોલી.

"મોમ હું હજુ એસ્ટ્રોનટનું ભણી રહી છું, એસ્ટ્રોનટ બની નથી" નૈનસી મોં ફુલાવીને બોલી.

"અને તું એ જરૂર બનીશ. તું નસીબદાર છે, હું તારી ઉંમરની હતી ત્યારે સ્ત્રીઓને તો સપનાઓ જોવાની પણ છૂટ નહોતી. મે મારી માને મારા અસ્તિત્વ અને હક માટે ઝઝૂમતા જોઈ છે, જેના કારણે મને સપનાઓ જોવા અને પૂરા કરવાની હિંમત મળી, અને આજે હું આ મુકામ ઉપર પહોંચી જ્યા મારી એક ઓળખ છે. પણ તને ખબર છે ત્યારે મારો સૌથી મોટો શત્રુ પુરુષ પ્રધાન સમાજના પુરુષો નહિ પણ સ્ત્રીઓ હતી.

હા કેટલાક પુરુષો હતા જે મને આગળ વધતા રોકતા, પણ તેમની સંખ્યા મારી ઓફિસ અને ઘર પરિવારના કેટલાક પુરુષો સુધી સીમિત હતી. પણ હું ઘરની બહાર નીકળતી ત્યારે મારી ચારેકોર અસંખ્ય સ્ત્રીઓની નજરો મારો પીછો કર્યા કરતી. મારી ઘર પરિવારને સાંભળવાની સાથે બહારની દુનિયામાં મારી ઓળખ મેળવવા માટેની જહેમતને એમણે મને સ્વાર્થી અને સ્વકેન્દ્રીત સ્ત્રીનું નામ આપી દીધું હતું.

આજે ઘણી સ્ત્રીઓ બહાર નીકળતી થઈ છે જેના કારણે તે એક હાઉસ વાઇફની સાથે સાથે કામ કરતી સ્ત્રીને પડતી મુશ્કેલી સમજતા થઈ છે. તમને કોઈપણ મુશ્કેલીમાં પડતી તકલીફ ત્યારે જ સમજાય છે જ્યારે તમે પોતે એ સમસ્યામાંથી પસાર થાઓ છો", એકી શ્વાસે બોલીને અનન્યાએ આખરે વિરામ લીધો.

"તું ગ્રેટ છે, વાતો કરવામાં તો મારી લેખક મોમને કોઈ ન પહોંચી શકે.અને હા આ તારી આંખો નીચે જો, મે ફાઇનલી ડાર્ક સર્કલ પકડી પાડ્યા. લાવ હું ત્યાં થોડો મેકઅપ કરી આપુ", હાથમાં મેકઅપ બ્રશ લેતા નૈનસી બોલી.

"મારી ઢીંગલી આ ડાર્ક સર્કલ તો મને સમય સામે ઝઝૂમવા માટે મળેલ નિશાની છે. તે મને હંમેશા મારી મા અને મે આ સમય અને સમાજ સામે લડવા માટે આદરેલ લડતની યાદ અપાવતા રહેશે. મારે તેને મિટાવવા નથી પણ તેને જોઈને મારી બીજી પેઢીઓને પણ લડવા માટે હિંમત આપવી છે, આટલું બોલતા અનન્યા ઊભી થઈ નીચે જવા લાગી.

અરીસામાં અદ્રશ્ય થતાં અનન્યાના પ્રતિબિંબમાં તેની માની આંખો નીચેના કાળા કુંડાળાના પડ પણ એક પછી એક અદ્રશ્ય થતાં નૈનસી જોઈ રહી.

✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)