Tu Mera Dil - 1 books and stories free download online pdf in Gujarati

તુ મેરા દિલ.. - 1

ભાગ -- ૧,

એ....કરાર દિલનો..
બે.....કરાર તને જોઈ થયો..
નજરોનાં... કરાર થી બેહાલ થયો...
પ્રેમનાં.... કરારથી આબાદ થયો.

ગણગણતો આરવ હાથમાં ગુલાબનું ફૂલ છુપાવીને ઉભો હતો. આપું નાં આપું ની અસમંજસમાં હતો ત્યાં જ અનાયાએ ચોરી પકડી લીધી, કાતિલ સ્મિતથી અને આંખના ઉલાળાથી કહી દીધું હવે, ઇંતજાર કબ તક હમ કરેંગે ભલા !!!

આરવે મધમધતા ગુલાબની જેમ, દિલથી પ્યારનો એકરાર કર્યો, દિલમાં પ્યારનાં અનેક રંગો ભરી દિલ દઈ બેઠો, ચાહતની નજર ભરી, ગુલાબને, ગુલાબ દઈ બેઠો.

અનાયા મીઠાં પ્રેમનાં સ્પંદનો મમળાવતી, પ્રેમરસ પી રહી હતી, દરેક ઘૂંટડામાં આરવનો પ્રેમ છલકતો ને હોઠોને દબાવી રસ માણતી રહી. આજે ગુલાબમાં પ્યારનો રસ ઠાલવી આરવે દિલમાં જાણે કેદ કરી દીધી. અનાયા આ પળોને ખૂબસુરતીથી આરવની બાહોમાં માણતી રહી.

ગુલાબમાં ભર્યો મેં પ્રેમરસ,
પાંદડીએ ટપકયો અમીરસ,
સ્નેહ નીતરતો સ્નેહરસ,
તારો ને મારો દિલનો રસ.

આરવ થોડો અંતર્મુખી હતો. જલ્દી બીજા સાથે એડજસ્ટ થતાં વાર લાગતી. વાત હૈયા પર હોય પણ હોઠો સુધીનાં આવે એટલે તો અનાયાને લાંબો ઇંતજાર કરવો પડ્યો. અલગારી જીવ, પોતાનામાં મસ્ત, હું ખુશ છું તો બધાં ખુશ છે. દુનિયામાં ક્યાં કોઈ દુઃખ છે ? એવું દ્રઢપણે માનતો. સમસ્યા જીવનનો ભાગ છે એ દુઃખ નથી, પણ સુખ માટેનો રસ્તો સાફ કરતો એક મુશ્કિલ રાહનો પ્રવાહ છે. અનાયા એની આ ફિલોસોફી પર જ ફિદા હતી. જવાબદારીથી નહીં છટકનારો, હસતાં હસતાં સમસ્યાનું નિવારણ એજ માનવ ધર્મ. આરવને એક બહુ જ મોટાં લેખક બનવાનું સ્વપ્નું હતું. અને તેની નવલકથાઓ પરથી પિક્ચર અને સિરિયલો બને. એના માટે એ પોતાની વાર્તા લઈને મીડિયા અને ગ્લેમર વર્લ્ડમાં ફરતો રહેતો. નાં નાં સાંભળીને થાક્યો નહતો પણ કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી. આ વાક્ય પર જ એ અડીખમ ઉભો હતો.

અનાયા એક ચુલબુલી નટખટ છોકરી હતી. મીડિયામાં ટોક શૉ કરતી. પોતાનાં દરેક ઇરાદામાં પાક્કી, કોઈની વાતમાં જલ્દી આવી નાં જાય. દરેક નિર્ણયો જીવનનાં ખુદના જ હોવાં જોઈએ જેથી તમે બીજાને તમારાં જીવન માટે દોષનાં કરી શકો.

બન્નેનું વ્યક્તિત્વ અલગ અલગ હતું, પ્રેમ પણ બેશુમાર હતો. અનાયાની ટિખળી હરકતોથી આરવ ખુશ રહેતો, પ્રેમરસ છલકતો રહેતો. જીવન જીવંત લાગતું. દરેક પળ મુસ્કુરાતી લાગતી. જીવનની ગાડી હાસ્યોથી ભરપૂર દોડતી રહેતી હતી...

જીવનની નૈયાને હલેસાં મારવાં બન્નેના સાથની જરૂર પડી, સપ્તપદીના સાત ફેરામાં, જન્મોજન્મનાં કોલ થયા, મધુરા બંધનમાં બંધાઈ બે દિલ એક થયાં.

શું તારું, શું મારું,
આપણું સહુ સહિયારું,
હું બનું અવાઝ તારી,
તું મારી કલમની શ્યાહી...


આરવ અને અનાયાનાં મસ્તીભર્યા દિવસો પસાર થઈ રહ્યા હતાં જ્યાં ફક્ત પ્રેમ જ પ્રેમ હતો.

પ્રેમ પણ ક્યારેક ગૂંગળાતો હોય, એને પણ થોડી હવાની જરૂર પડે. પ્રેમથી પેટની ભૂખ શાંત નાં થાય, હા દિલ સાથે મન પ્રેમમાં શાંત રહે. પણ પેટની અગ્નિ પ્રદીપ્ત થતાં દિલ અને મનમાં વ્યાપેલો પ્રેમ જઠરાગ્નિમાં સ્વાહા થઈ જાય.

પ્રેમની મૌસમથી જરા બહાર નજર કરી ત્યાં જિંદગીની સચ્ચાઈ રાહ જોતી ઉભી હતી. બંને પોતાનાં કામમાં લાગી ગયા. એકબીજાને સમય આપવા મરણિયા થઈને કામ કરતાં પણ હસીન પળોને થોડામાં ઘણું માની જીવી લેતાં. જીવનની ગાડી રફતારથી તેજ ભાગતી હતી તેમાં અનાયાનાં નસીબનો સાથ અને તેનો પુરુષાર્થ મળીને ટોપ લેવલના ટોક શો કરતી રહેતી ખુબજ નામનાં મળી. આરવની ગાડી હજી સ્પીડ પકડતી નહતી. કલમ એની ધારદાર થવાની બાકી હતી. વાસ્તવિકતા લખવાથી એ દૂર ભાગતો. અનાયા સમજાવતી દરેક પ્રકારનું તું લખાણ લખ. દરેકના ટેસ્ટ અલગ હોય છે. દરેકને થોડું થોડું બધું જોઈતું હોય. અતિરેક ક્યારેય કોઈને પસંદ નથી. અલગારી આરવ ક્યાં કોઈની વાત માનતો. મસ્તીથી જીવનારો જીવ કોશિશ કરનેવાલો કી હાર નહીં હોતીમાં માનનારો પડી પડીને ઉભો થતો.

અનાયાને ટોક શો માટે ક્યારેક ટ્રાવેલિંગ કરવું પડતું તો આરવ હમેંશા સાથે જ રહેતો. આજે આવા જ ટોક શો માટે ક્રુઝ પર કળશ ઢોળાયો હતો. બન્ને પહેલીવાર ક્રુઝની મજા માણવાના હોઈ ખૂબ ઉત્સાહી હતાં. શાનદાર ક્રુઝની એન્ટ્રી લીધી અને એક જાણે આખું સિટી જોઈ લો એવી ભવ્યતા. દસ માળની ક્રુઝના ટોપ ફ્લોર પર સીફેસની ભવ્ય રૂમ અને એમાંથી દેખાતો શાનદાર ભવ્ય નજારો. જે ચાર દિવસ માણવાનો હતો.

બંને ફ્રેશ થઈને ડેક પર લટાર મારવા આવ્યા. સાગરની આવતી જતી લહેરોને એકીટશે જોયાં કરી બન્નેએ. શું થાકતી નહીં હોય લહેરો ? કિનારો મળે તો ફીણ ફીણ થાય અને જ્યાં કાંઈ નાં હોય ત્યાં ક્ષીણ થાય. તે છતાં પોતાની મોજ છોડતી નથી. નિજાનંદ માણતી તે અવિરત ગતિ કરે છે. ખુશ થાય તો ઉંચે સુધી ઉછળે, પવનનો સંગ માણતી, સૂર્યપ્રકાશમાં અનેક રંગો વિખેરતી, માનવીનાં વિચારોની જેમ સતત ઊછળકુદ કરતી, લહેરાતી, બલખાતી લહેરોને ખૂબ માણી. ઉંચે ઉઠતી વાંછટોથી બંને મન અને તનથી ખૂબ ભીંજાયા. વ્હાલનું પુર આવતું ત્યારે અચાનક પ્રેમનો વરસાદ વરસી પડતો. પ્રેમાગ્નિમાં જ્યારે પેટની અગ્નિ પ્રદીપ્ત થઈ ત્યારે આલીશાન રેસ્ટોરન્ટમાં જઇ ભૂખ ઠારી. નિંદર રાણીનાં આગમન સાથે ડિસ્કોથેક પર કાલે જઈશું નાં વાયદા સાથે રૂમમાં પરત આવ્યા. ડેક પર માણેલી પળો વાગોળતાં નિદ્રાધીન થયા નવી સવારની નવી શરૂઆત માટે...

ક્રમશ : ...

""અમી""