Ayana - 28 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ 28)

"તારો આ ડિસીઝન ફાઈનલ છે...કે પછી કોઈ દબાવ માં આવીને કે ..." ક્રિશયે દેવ્યાની ના ખભે હાથ મૂકીને શાંતિથી કહ્યું... અને એના વાક્ય ને સમજી વિચારીને અધૂરું મૂકી દીધું ..

હળવું ડોકું ધુણાવી ને દેવ્યાની એ " હા ..." કહ્યું...

ક્રિશય ત્યાંથી ચાલીને લિફ્ટ તરફ આગળ વધ્યો...

"ફાઈનલી તે નક્કી કરી લીધું છે ને ...તો હવે બધું ક્લીઅર થઈ ગયું છે...." ખૂબ જ ઉત્સાહ માં આવીને અયાના એ દેવ્યાની ને ગળે વળગી લીધું...

"તું સાચું ખુશ છે ને..." સમીરા એ પૂછ્યું...

"હા સમીરા...જે પ્રેમ ન મળવાથી બધા સુસાઇડ કરવા ઉપર ઉતરી આવે છે કદાચ એવો પ્રેમ મને ક્યારેય વિશ્વમ સાથે થયો જ ન હતો..."

ત્યારબાદ દેવ્યાની અને અયાના બંને ત્યાંથી નીકળી ગઈ...સમીરા ત્યાં જ ઉભા રહીને વિચારમાં પડી ગઈ ...
' કદાચ અયાના ને પણ એવો પ્રેમ નહિ થયો હોય એટલે જ અયાના ક્રિશય ને ભૂલવા તૈયાર થઈ ગઈ હશે...'
પોતે એ બંને વચ્ચે નથી આવી એવું ધારવાથી સમીરા ના માથેથી ઘણો ભાર ઓછો થઈ ગયો હતો ...

રૂમ નંબર 56 માં આવીને વિશ્વમ પોતાનું કામ કરી રહ્યો હતો ...
"કંઈ બોલતો નહિ ...મને કોઈ પ્રોબ્લેમ નથી હું ખુશ જ છુ ..." ક્રિશય ને અંદર આવતા જોઇને વિશ્વમ બોલી ઉઠ્યો...

"શું વાત કરે છે...મે તો કાઈ પૂછ્યું નથી... મારે પૂછવું પણ નથી...અહીંયા મારું ઓછું છે કે તારું પૂછીને વધારું..."

"શું ઓછું છે..."

"ટેન્શન...."

"કેમ તારે શું થયું....એલા હા તું તો અયાના અને સમીરા વચ્ચે ફસાયેલો છે નહિ..." બોલીને વિશ્વમ હસવા લાગ્યો...

"હવે કાઈ ટેન્શન નથી ..."

વિશ્વમ ના ચહેરા ઉપર આછી સ્માઇલ આવી ગઈ...

ક્રિશયે ઘરે જઈને મોડી રાત્રે અયાના ને ફોન કરીને વાત ક્લીઅર કરી અને સમીરાને સવારે હોસ્પિટલ આવીને પૂછવાનું નક્કી કર્યું ત્યાંથી લઈને અયાના સાથે રસ્તા માં એક્સિડન્ટ થતાં થતાં બચી ગયો અને પાર્કિંગ માંથી પાછા ફરીને સામે મળતી સમીરા અને અયાના બંને કંઈ રીતે વર્તી ત્યાં સુધીની બધી વાત વિશ્વમને કહી સંભળાવી દીધી...
ક્રિશય ને એવું જ લાગતું હતું કે હવે બધું ક્લીઅર થઈ ગયું છે... અયાના તરફથી તો એને બધું ક્લીઅર લાગતું હતું બસ સમીરા ને પૂછીને સાવ ક્લીઅર જ કરવાનું હતું....

વિશ્વમ એકધારી નજરે ક્રિશય ને જોઈ રહ્યો હતો...

ક્રિશયે ચપટી વગાડીને વિશ્વમ ને ખુલી આંખથી ઊંઘતા બચાવ્યો...

"તે એક વાત નોટિસ કરી..."વિશ્વમ ઊંડાણ પૂર્વક વિચારીને બોલી રહ્યો હોય એવું લાગતું હતું...

"કેવી વાત..."

"તે મોડી રાત્રે અયાના ને ફોન કરવાનું વિચાર્યું પણ સમીરા ને કેમ ન કર્યો...?"
સાંભળીને ક્રિશય વિચારમાં પડી ગયો...એ હજુ કંઈ વધારે વિચારે એ પહેલા વિશ્વમે સામે બીજો સવાલ મૂકી દીધો...

" અયાના ની લીધે તું મને ભૂલી ગયો અને પાર્કિગમાં પાછી વળતી વખતે સમીરા સાથે એક મિનિટ પણ ઊભો કેમ ન રહ્યો...?"

"એ મારી ફ્રેન્ડ છે ..."

"એન્ડ સમીરા....?"

"અરે તું એ છોડ ને ...તારી રૂદ્ર સાથે મિટિંગ ગોઠવું...?"

રૂદ્ર નું નામ સાંભળીને વિશ્વમ ક્રિશય ને મૂકીને પોતાનું વિચારવા લાગ્યો...

"હા ગોઠવ..." થોડી વાર વિચાર્યા બાદ વિશ્વમે પરમિશન આપી...

"ઓકે ડન..."

પોતાનો વ્હાઇટ કોટ પહેરીને ક્રિશય અને વિશ્વમ બંને લિફ્ટ તરફ આવ્યા અને લિફ્ટ માંથી બહાર આવતા પહેલા વિશ્વમે કહી દીધું કે એ મિટિંગ સિક્રેટ રહેશે...એના કહ્યા મુજબ ક્રિશય પણ સમજી ગયો કે વિશ્વમ દેવ્યાની ના જાણ બહાર મિટિંગ ગોઠવવાનું કહેતો હતો...

હવે બધું બરોબર થઈ ગયું હોય એ રીતે બધા પોતપોતાનું કામ કરી રહ્યા હતા...રૂદ્ર ને મળીને વિશ્વમ પણ પોતાના મનનો વહેમ દૂર કરી લે એટલે બધું સરખું થઈ જશે...
સમીરા ને પૂછવાનું પણ ક્રિશયે ટાળ્યું...
અયાના અગત્સ્ય ને તો સાવ ભૂલી જ ગઈ હતી પોતાની ફ્રેન્ડ દેવ્યાની માટે એ ખૂબ ખુશ હતી....

અયાના ડોક્ટર સાથે પેશન્ટ સાથે વાતો કરી રહી હતી.... ત્યારે એને જાણ થઈ કે શેખપુર ગામના આશ્રમ માંથી એક પેશન્ટ ને અહીંયા શિફ્ટ કરવામાં આવ્યો છે....

અયાના દોડીને બહાર આવી ત્યારે એની સાથે આવેલા બધા સ્ટુડન્ટ્સ એક રૂમની અંદર અને બહાર ઊભા હતા...બધા ખૂબ ભીડભાડ કરી રહ્યા હતા જાણે કોઈ શાક માર્કેટ હોય...

અંદરથી પરાણે બહાર આવતી એક સ્ટુડન્ટ્સ બોલી...
" આ આપણી નજર થી કંઈ રીતે બચી ગયો...આને તો આપણે જોયો જ નહતો...."
અયાનાને થોડો થોડો ખ્યાલ આવી રહ્યો હતો કે આ બધા અગત્સ્ય ની જ વાત કરતા હતા...
અયાના અંદર જાય એ પહેલા બીજી એક સ્ટુડન્ટ્સ બહાર આવતા વેંત બોલી ઉઠી...
" વાઉ યાર કેટલો હેન્ડસમ છે..."
" આ તો આપણી હરીફાઈ માં આવી ગયો ...બધી છોકરીઓ આની પાછળ જ ગાંડી થવાની છે...." છોકરા ના મોઢેથી આ વાત સાંભળીને અયાના ને હવે પૂરેપૂરો ખ્યાલ આવી ગયો કે અંદર અગત્સ્ય જ હશે ...

અયાના અંદર જવા માટે ખૂબ ટ્રાય કરી રહી હતી પરંતુ ભીડ ના કારણે અંદર જઈ શકે એમ ન હતી ...

"આ હોસ્પિટલ છે કે શાક માર્કેટ...." પાછળ થી આવતા ડો.પટેલ બોલ્યા એટલે પાંપણ ફરકે એટલી વારમાં તો આખી રૂમ ખાલી થઈ ગઈ અને દરવાજો બંધ થઈ ગયો...
"અયાના પછી મને મારા કેબિનમાં આવીને મળજે..." એટલું બોલીને એના પપ્પા ત્યાંથી ચાલ્યા ગયા...

અયાના રૂમનું બારણું ધીમે ધીમે ખોલી રહી હતી ત્યાં અંદરથી કોઈકે જોરથી બારણું ઉઘાડ્યું...અંદર આવતા અયાના ને ખ્યાલ આવ્યો કે બારણું અંકલે ઉઘાડ્યું હતું અને બેડ ઉપર અગત્સ્ય બેહોશ થઈને પડ્યો હતો ... અયાના ની પાસે એના અંકલ ઊભા હતા ...એની આંખોમાં આછી નિરાશા દેખાતી હતી...

"શું થયું છે ..." અયાના એ પૂછ્યું ...

"તને યાદ છે એ સફેદ ગુલાબ નું ફૂલ હમેંશા હાથમાં રાખતો હતો એ ..." બોલીને અંકલ અયાના ની તરફ જોઈ રહ્યા ...

"હા..."

" બસ એ જ ફૂલ એનાથી ક્યાંક મુકાઈ ગયું હશે...અને પછી તો એણે ધાંધલ ધમાલ ચાલુ કરી હતી...પણ હેરાન કરનાર વાત એ હતી કે એ ફૂલ શોધતી વખતે એણે તારું નામ વારંવાર રટ્યું...ત્યારે મારી પાસે પરાણે તારી સાથે વાત કરવા ફોન કરાવ્યો હતો...તારો નંબર તો મળી ગયો પરંતુ એની પહેલા જ કાનાને તાત્કાલિક બેહોશીનું ઇન્જેક્શન આપવામાં અમે સફળ થઈ ગયા...મને તો લાગે છે તને મળ્યા બાદ કાનામાં ઘણો ફરક જોવા મળ્યો છે એટલે હવે તારે જ એની કાળજી લેવાની છે...તારા પપ્પા એ પણ એની જવાબદારી લીધી છે...તું કાળજી લઈશ ને દીકરા...?"

અંકલ ના સવાલમાં અયાના ને કંઇક અલગ જ ઈશારો નજર આવ્યો...જાણે અંકલ કહેતા હોય કે હવે એનું આ દુનિયા માં તારા સિવાય કોઈ નહિ રહે ...

અયાના એ ડોકું ધુણાવી ને હા પાડી...

"દસ બાર કલાક પછી એ હોશ માં આવાનો હતો હવે એકાદ બે કલાક માં તો આવી જશે ..." જૂની જમાનાની બ્લેક એન્ડ વ્હાઇટ હાથ માં પહેરેલ ઘડિયાળ માં જોઇને અંકલ બોલ્યા...

અયાના ની નજર બેડ ઉપર સુતેલા અગત્સ્ય ઉપર પડી...પહેલી નજર ના જોયેલા અગત્સ્ય કરતા આ અગત્સ્ય થોડો અલગ દેખાયો...ત્યારે એ થોડો ખુશ હોય એવું લાગી રહ્યું હતું અને અત્યારના અગત્સ્ય નો ચહેરો સાવ સુન થઈ ગયેલો હતો ...
અયાના ત્યાંથી નીકળીને ડો.પટેલ ની ઓફીસ તરફ આવી...

કાલે ડો.પટેલે આપેલી ફાઇલને ક્રિશય ક્યારનો શોધી રહ્યો હતો પરંતુ ફાઈલ મળવાનું નામ નહતી લેતી... ક્રિશય ખૂબ ટેન્શન માં આવી ગયો હતો કાલે કહેલ ડો.પટેલ ના શબ્દો એને યાદ આવ્યા...
( આ બધી ફાઈલ કાલે ચેક કરીને મારે એની જગ્યાએ જોઈએ...અને હા આ કામ જવાબદારી વાળું છે એટલે તને આપુ છું ધ્યાન રાખજે ... મારે કોઈ પણ ફાઈલ આડીઅવળી થવી ન જોઈએ....)

'ક્યાં મૂકી દીધી....' એકલો એકલો ક્રિશય બબડી રહ્યો હતો ત્યારે ત્યાં વિશ્વમ આવ્યો...
" શું ખોવાય ગયું...?"

" કાલે સરે ફાઈલ આપી હતી એ મને યાદ જ નથી ક્યાં મૂકી છે..."

"રૂમ નંબર 39..."

" હા કદાચ ત્યાં મળી રહેશે...." યાદ આવતા જ ક્રિશય દોડીને બહાર નીકળ્યો અને રૂમ નંબર 39 તરફ દોડ્યો....

ડો.પટેલે અગત્સ્ય વિશે અયાના સાથે થોડી ચર્ચા કરીને એને અગત્સ્ય નામના પેશન્ટ ની ફાઈલ લેવા માટે રૂમ નંબર 39 માં મોકલી...
અગત્સ્ય વિશે વિચારતી અયાના રૂમ નંબર 39 તરફ જઈ રહી હતી...

દેવ્યાની જ્યારે સમીરા પાસે આવી ત્યારે સમીરા હોસ્પિટલ ના રૂમ નંબર 39 ના પ્યુન ને કંઇક કહી રહી હતી ...

"અંદરની રૂમનો લોક તો ખરાબ થઈ ગયો છે..."
"હા મેમ, મને ખ્યાલ છે મે ફોન કરી જ દીધો છે...એક બે કલાક માં એ સરખો કરી જશે ..."

"સમીરા ...." દેવ્યાની એ સમીરા ને અવાજ લગાવ્યો ...
સમીરા એની તરફ ફરી...

"મારે તારું કામ છે ચાલ તો નીચે...."

રૂમ નંબર 39 એક એવો રૂમ હતો જ્યાં બધી ટાઇપના નાના મોટા કેસની ફાઈલો મૂકવામાં આવતી હતી...હોસ્પિટલમાં કોઈ ફાઈલ ખોવાય ગઈ હોય તો એ પણ આ રૂમમાં જ મળી રહેતી ...

(ક્રમશઃ)