Ruday Manthan - 22 books and stories free download online pdf in Gujarati

રુદયમંથન - 22

ઋતા અને મહર્ષિ આર્ટગેલેરીમાં વાતો કરી રહ્યા હતા, ત્યાં તો મુનીમજી અને કેસરીભાઈની જુગલજોડી આવી, ચારેય અહી ભેગા થયા, ચાર સદવિચાર સાથે મળ્યા તો કઈક સારું જ થશે એ નક્કી હતું.
" આવી શકીએ અમે?" - મુનીમજીએ બારણાં પાસે ઊભા રહીને પરવાનગી માંગી.
"અરે આવો ને કાકા! એમાં તમારે ક્યાં પૂછવાનું હોય?" - ઋતાએ હસતાં વદને બન્નેને આવકાર આપ્યો.
" હા, પણ તમે કઈ કોઈ ગૂઢ વાતોમાં લાગેલા લાગ્યા એટલે પૂછ્યું." - કેસરીભાઈ બોલ્યાં.
"હા આ વાતને લઈને અમે તમારી જોડે આવવાનું વિચારતાં જ હતા પરંતુ તમે જ સામેથી આવી ગયા તો સોનામાં સુગંધ ભળી ગઈ."- ઋતા બોલી.
" શું વાત છે?" - મુનિમજી બોલ્યાં.
" વાત એ છે કે કેસરીદાદાના રતનપુરાના ઉદ્ધરના સપનાને સાકાર કરવાના દિવસો આવી ગયા છે, મહર્ષિ એમાં મારો સાથ આપવા તૈયાર છે." - ઋતા ખુશ થતા બોલી.
" મહર્ષિ!!" - કેસરીભાઈએ મહર્ષિ સામે જોતા બોલ્યાં.
" હા કાકા! હું એના માટે મારા ભાગમાં આવતી બધી પ્રોપર્ટી પણ આપવા તૈયાર છું."- મહર્ષિ બોલ્યો.
મુનિમજી અને કેસરીભાઈના મોઢા પર આ વાત સાંભળતાની સાથે ખુશાલી છવાઈ ગઈ, ધર્મદાદાની ધરાએ મહર્ષિનું હદય પરિવર્તન કરી નાખ્યું હોય એમ લાગ્યું, લાગણીઓની ભીનાશ પહેલેથી એનામાં હતી જ પરંતુ અહીંની પરિસ્થિતિ એ એને પીગાળી દીધો.
" આજે મહર્ષિ અને સ્વીટી મારી જોડે આરોગ્ય કેન્દ્ર આવેલા, બધાં પીધેલા વ્યસનીઓનું કાઉન્સીલિંગ કર્યું, તો એમનાં ઉદ્ધાર માટે કઈક કરવું જોઈએ એ આઈડિયા લઈને મહર્ષિ અહી આવ્યા છે." - ઋતા બોલી.
"તો શું વિચાર્યું છે તમે?" - કેસરીભાઈએ પૂછ્યું.
ઋતા અને મહર્ષિએ એમની આખી વ્યૂહરચના કહી સાંભળવી, મુનીમજી ખુશ થઈ ગયા, પરંતુ કેસરીભાઈને થોડી અવઢવ હતી કે એનું માર્કેટિંગ સફળ રહેશે કે નહિ.
" મહર્ષિ, તારી માર્કેટિંગનો આઈડિયા સારો છે પણ તું એ કંઈ રીતે કરીશ?" - કેસરીભાઈએ પૂછ્યું.
" કાકા મને પણ ખબર છે આજકાલ લોકો પુરાણી વસ્તુઓ નથી વાપરતી પરંતુ મારું માર્કેટિંગ આ બધી વસ્તુઓ વપરાશન હેતુથી નહિ રહે!" - મહર્ષિએ એના મનમાં ચાલી રહેલો એનો યુનિક આઈડિયા આપ્યો.
" તો લોકો વાપરશે નહિ તો શું કરશે?" - કેસરીભાઈના ભવા ઊંચા થઈ ગયા.
" જો આ વસ્તુ હોમડેકોર અને શો પીસમાં વપરાય તો?" - મહર્ષિ બોલ્યો.
" પણ એ બનતા બહુ વાર લાગી જાય!" - ઋતા બોલી.
" ભલે, પણ એ વસ્તુ લેનાર વર્ગ
મો માંગ્યા ભાવ આપે તો શું ફરક પડે? જો સામાન્ય વર્ગમાં છાબડીઓ વેચીએ તો દસ વીસ રૂપિયાથી વધુ ના ઉપજે, પરંતુ એ જ વસ્તુ શો પીસમાં વેચાય તો એની કદર થાય, અને મારું માર્કેટિંગ માત્ર ઇન્ડિયા પૂરતું નહિ પરંતુ એક્સપોર્ટ લેવલનું રહેશે!" - મહર્ષિએ એની વ્યૂહરચના કહી.
" પણ એના માટે માર્કેટિંગની સારી ટીમ જોઈએ ને!" - ઋતાના મનમાં વિચાર આવ્યો અને એ બોલી ગઈ.
" તો અમદાવાદમાં આટલો ફાલેલો ધંધો શું કામ આવશે? ત્યાંની માર્કેટિંગની ટીમને આમાં લગાવી દઈશું, પછી જુઓ રતનપુરાનો ડંકો વિશ્વમાં વાગ્યે છૂટકો નહિ રહે!" - મહર્ષિના આંખમાં ચમક ઉભરી આવી.
" વાહ ભાઈ વાહ....આમ કે આમ, ગુટલીઓ કે ભી દામ!" - મુનીમજી હરખાઈ ગયા.
" મહર્ષિ બેટા, તું તો ધર્મદાદાનો સાચો હીરો પાક્યો!" - કેસરીભાઈ પણ ખુશ થઈ ગયાં.
" તો પછી ક્યારે ચાલુ કરવું છે આ કામ?" - ઋતાએ પૂછ્યું.
" શુભ કામ મે દેરી કિસ ચીજ કી!, રાતે બધાને ભેગા કરીએ અને ટીમ બનાવી દઈએ!" - મહર્ષિએ પહેલ દર્શાવી દીધી.
" ભલે, તો રાતે બધાનું અહી જમવાનું રાખીએ, એ બહાને શાંતિથી બેસીને ચર્ચા થાય."- ઋતા બોલી.
" પણ આ તો અમારા નિયમોની વિરુદ્ધ થશે!" - મહર્ષિએ મુનીમજી સામે જોયું.
" ચાલો આજે મેં છૂટ આપી, બધાંને લેતો આવજે!" - કહીને મુનીમજી હસ્યા.
" એવુ સમજ એ તારા ઉમદા કાર્યના નિર્ણયની પાર્ટી છે!" - કહી વકીલસાહેબ હસ્યા, ને મહર્ષિ સાચે કોઈ જંગ જીતી ગયો હોય એમ ખુશ થતો ત્યાંથી જૂનીફળી તરફ વળ્યો.
એ ગયો, ને ઋતા, મુનીમજી અને કેસરીભાઈએ ફરી એ રાતે ચાલી રહેલી વાતને વિસરાવી, ઋતાએ મહર્ષિ તરફથી જાણવા મળેલા તથ્ય વિશે જણાવ્યું, મહર્ષિની સચ્ચાઈ આગળ આજે એ ઝૂકી ગઈ, મહર્ષિનો સ્વભાવ એના જહનમાં એક ભીની જગ્યા કરી ગયો.
" કાકા, મહર્ષિ તો તમે કહ્યું એ રીતનો નાં નીકળ્યો, એ તો સાવ એમાંથી વિરુદ્ધ છે!" - ઋતાએ કેસરીભાઈને પૂછ્યું, કેસરીભાઈ તો કઈ બોલ્યાં નહિ પરંતુ મુનીમજી એમનાં ખટપટિયા સ્વભાવને અનુરૂપ બોલી ગયા.
" આ એક જ હીરો છે આમાં, બાકી તો કોલસા છે, બધા કોલસામાં સળગીને એ પાક્યો છે!" - મુનીમજી બોલ્યાં.
" તું માત્ર એની પર જ વિશ્વાસ કરી શકીશ એ હું પણ કહું છું, પણ બીજાથી ચેતજો!" - કેસરીભાઈ બોલ્યાં.
" મને નહિ લાગતું."- ઋતા બોલી.
" સારું, તો પરખ કરી લેજે, આજે રાતે પ્રોપર્ટીના ભોગે આ કાર્ય કરવાની પ્રસ્તાવના રાખીએ તો જોઈ લેજે બધાનાં સાચા રંગ!" - મુનીમજીએ કહ્યું.
" એ વખતે તું બધાનાં બહાનાં જોજે ને! એકદમ ફિલ્મી સ્ટાઇલ!"- કેસરીભાઈએ ઉમેર્યું.
"એ તો રાતે જોઈશ!" - ઋતા એ કહ્યું.
"ભલે, ચાલ હવે અમે જઈએ, બધાંનું કામકાજ કેટલે પહોંચ્યું એ જોતાં આવીએ!" - મુનીમજી બોલી જવાની પરવાનગી માંગી.
" હા સારું, પણ સમયસર આવી જજો!" - ઋતા બોલી.
" હા પાક્કું, દીકરા તું બોલાવે અને ના આવીએ એવું થોડી બને!" - કેસરીભાઈએ કહ્યું અને ત્યાંથી નીકળી ગયા.
ઋતા પણ રસોડા તરફ ગઈ, માલતીબેનને રાતની તૈયારી કરવા કહેવા માટે!

ક્રમશ