ANUBANDH - 2 books and stories free download online pdf in Gujarati

અનુબંધ - 2

પ્રકરણ :2

                                                                                                       દિલ તો પાગલ છે 

મેં સાંજે મારા વતન જવાનું નક્કી કર્યું.હમણાં બે-ત્રણ દિવસ કોલેજ નહીં જઇ શકું.ઋત્વિકાને નિહાળી શકાય અથવા તેનો અવાજ સાંભળી શકાય એવી કોઈ વસ્તુ આજના દિવસ માટે તો શક્ય નહોતી.અનિચ્છાએ અમદાવાદ છોડ્યું.બસની સફરમાં મહેબૂબાની ધૂંધળી ઝાંખીઓ યાદ કરતો રહ્યો.બસની ગતિ સાથે મારા વિચારોનો વેગ પણ ઝડપથી ચાલતો હતો.ગામડું આવી ગયું તેની જાણ આંખથી નહીં પરંતુ ભીની માટીની સુગંધથી થઈ.હું બસસ્ટોપ પર ઊતર્યો,ઘર તરફ જવા પગને ઉપાડ્યા.રસ્તામાં ધીરૂચાચાનું ઘર આવતું હતું.તેમણે મળીને "જયશ્રીકૃષ્ણ" કહ્યા.આવી ગયો ભઇલા,તેમણે કહ્યું.અમારા ઘરની બાજુમાં એક ગોર રહેતા હતા.એમની સાથે અમારે ઘર જેવો સંબંધ હતો.એમની ત્રણ દીકરીઓમાંથી એક વચેટ દીકરી દર્પણા મારી બહેન સમાન હતી.હું એની સાથે હંમેશા ઝઘડતો જ રહેતો હતો.અમે બંને ઝઘડીએ નહીં ત્યાં સુધી ચેન નાપડે.દર્પણા મમ્મીની અવારનવાર કાળજી લેતી હતી.અત્યારે જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે દર્પણા મમ્મીનું માથું દબાવતી હતી.તેણે મમ્મીને કહ્યું,પ્રથમાભૈયા આવી ગયા.મમ્મીની તબિયત પૂછી,તાવ થોડોક ઊતર્યો હતો.તે થોડીક બેઠી થવા જતી હતી. 

             તું સૂતી રહે.હું મારી રીતે બધું કરી લઇશ,મેં કહ્યું.રાત્રિના દર્પણાએ આવીને ખાવાનું પીરસ્યું,ત્યારે  તે પણ મને આડા-અવળા પ્રશ્નો પૂછવા લાગી કે,પ્રથમભાઇ,આજે તો તમે મારી સાથે ઝઘડ્યા પણ નહિ અને સીધા ડાહ્યાં છોકરા બનીને જમવા બેસી ગયા.શું વાત છે?મને ચીડાવવા લાગી મઝાકમાં કહી રહી હતી કે,કોઈને દલડું દઈ દીધું કે પછી  કોઈ લૂંટારી લૂંટી ગઈ?બોલો,જવાબ આપો.મેં કહ્યું, અત્યારે મને પરેશાન ન કરીશ.નહિ તો મારો ગુસ્સો સાતમા આસમાને પહોચી જશે.એવામાં મારી મમ્મીએ દર્પણાને કહ્યું, રહેવા દે એને રંજાડયા વિના. કેમ તને પણ તેની સાથે      ઝઘડયા વિના કોળિયો ગળે ઊતરતો નથી.એણે કહ્યું,"પણ આન્ટી...."ત્યાં મેં તેનું મોંઢ્યું દાબી દીધું અને આંખના ઇશારાથી મેં તેને ના પાડી. જમીને ઊભો થયો.મમ્મીને દૂધ અને દવા આપીને હું  થોડુંક બહાર ફરી આવ્યો. જેથી રિલેક્સ થઈ જાઉં.છતાં પણ મારી મહેબૂબાની દરેક પળે એવી યાદ આવતી હતી કે મન ઘરમાં ચોટતું જ નહોતું. ફરીને આવીને મેં વાંચવાનું વિચાયું.પરીક્ષાને અઠવાડિયું બાકી હતું એટલે વિચાર ઝબક્યો કે અહીંથી મન ઉખાડીને ચોપડીમાં ચોંટાડું,નહીંતર ફેઇલ થઈ જવાશે અને મમ્મીના અરમાનો પણ તૂટી જશે.આમ વિચારતા મેં વાંચવામાં મન લગાડ્યું. આમ છતાં અડધું ચિત્ત વાંચવામાં અને અડઘું ચિત્ત ઋત્વિકામાં હતું.શું કરું હૈયું શોકમાં ડૂબેલું હતું.     

.           બે-ત્રણ દિવસથી પણ વધારે દિવસ હું વતનમાં રોકાયો હતો અને હવે મમ્મીની તબિયત પણ સુધારા પર હતી.એટલે મેં અમદાવાદ જવા મમ્મીની મંજરી માંગી.વતન છોડતા પેહલાં દર્પણા એ મને મજાક માં કહ્યું, પ્રથમા ભૈયા પેલી લૂંટારીને મારી યાદ આપજો હોં કે....એવામાં  મમ્મીએ દર્પણાના શબ્દો સાંભરી જતાં કહ્યું કોણ લુંટારી ? મેં  કહ્યું,"એતો મજાકમાં બોલે છે.આટલા દિવસ રહ્યો પણ તેની સાથે ઝાઝું ઝગડ્યો નથી ને,એટલે મને ખીજવવા આમ બોલે છે."જેથી કરીને જતાં જતાં એની સાથે ઝગડું કેમ દર્પણા ?," એમ બોલીને હું મમ્મીને"જય શ્રી ક્રુષ્ણ" કહીને આમદાવાદ આવવા ઉપડ્યો.મારા ગયા પછી દર્પણા રડવા લાગી ત્યારે મમ્મીએ કહ્યું, ગાંડી છે તું દરવખત આમ રડે છે, પંદર દિવસ પછી પાછો આવવાનો જ છે ને ...! ચાલ તું પણ તારા ભણવામાં ધ્યાન પરોવ.બસસ્ટેન્ડે જઈને અમદાવાદની બસ પકડી.બસમાં બેઠા-બેઠા વિચારતો હતો,વિત્યા તો ચારથી પાંચ દિવસ છે,પણ લાગે છે જાણે એક યુગ થઈ ગયો હોય.આખા પંથકમાં તેના વિચારોમા જ  ધેરાયેલો રહયો.ચાંદલોડીયા કાકાનું રહેઠાણ હતું એટલે ચાંદોલોડીયાની બસ પકડી અને કાકાને ઘરે પહોંચ્યો.જમવાની ઇચ્છા નહોતી એટલે ઉપર ફ્લોર પર ગયો અને પુસ્તક  લઈને આડો પડ્યો.એવામાં ગળું ખંખેરતા કાકાના દીકરા નંદુએ આવીને કહ્યું " પ્રથમેશભાઇ આજે બપોરે તમારા એક મિત્ર આવ્યા હતા.તેમણે નામ તો જણાવ્યું હતું,પણ હું ભૂલી ગયો છુ.તેમણે આવતીકાલે તમને અચૂક કૉલેજ પર જવાનું કહ્યું છે.નંદુ જતો રહ્યો પછી હું વિચારે ચઢયો કે કોણ હશે તે!ઋષિકેશ જ હોવો જોઈએ... ખેર,એવું તો શું હશે ખાસ કે આવતીકાલે જવું  પડશે જો ,આવતીકાલે ખાસ કોલેજ પર જવાનું છે જ તો ઋત્વિકા પણ જરૂરથી આવવાની જ.....તે વિચારોથી મારું  રોમ રોમ  પ્રફુલ્લિત બની ગયું.આમ વિચાર્યા પછી હું ફરીપાછો  વાંચવામાં એકમગ્ન બની ગયો.મોડીરાત સુધી વાંચતો રહ્યો.જયારે કાકાએ બૂમ મારી ભઇલા હવે સૂઈ જા. ત્યારે હું પથારીમાં જઈને સૂઈ ગયો.     

            મારો મિત્ર ઋષિકેશ ઘાટલોડીયામાં રહેતો હતો.બસ પકડીને તેના ઘરે પહોંચ્યો.અમે બન્નેએ ફાજલ થોડીક ચર્ચા કરી.એવામાં મેં એને પૂછયું,"ઋષિકેશ,તું  મારા ઘરે આવ્યો હતો...?હા,બસ તને આજે કોલેજ પર ખાસ આવવા માટેના સમાચાર આપવાના હતાં.આપણી એક્ઝામ નજીક આવી રહી છે. એટલે સૌ કોઈ સરે એક્સ્ટ્રા લેક્ચર ગોઠવ્યા છે.પેપર સોલ્વ કરાવે છે.તું આટલા બધા દિવસથી દેખાયો નહીં,એટલે મેં વિચાર્યું કે,તારી  ખબર પણ કાઢી આવું અને આ સમાચાર આપું.એક કાંકરે બે પક્ષી મરાશે. અરે,હા,તારા ઘરેથી જણાવ્યું કે,તારી મમ્મી બીમાર છે આટલે તું વતનમાં ગયો છુ તો હવે તારી મમ્મીની તબિયત કેવી છે ....?,ઋષિકેશે કહ્યું.સુધારા પર છે,મેં કહ્યું.થોડીક વાતચીત કર્યા પછી અમે વાંચવાની ચોપડી હાથમાં લીધી.વાંચવામાં મગ્ન અમને ક્યારે સંધ્યાનો સૂરજ અસ્ત થઈ ગયો એની ખબર જ ના રહી.એક પછી એક સિગ્નલ પસાર કરતું અમારું બાઇક કોલેજ તરફ આગળ દોડતું હતું.જેમ કોલેજનો રસ્તો  નજીક આવતો ગયો તેમ તેમ મારું દિલ વધુને વધુ જોરથી ધબક્વા લાગ્યું.આજે તો મારી દિલની ધડકન કંઈક વધારે તીવ્ર ગતિથી ચાલી રહી છે,એવો મને અહેસાસ થતો હતો.જાણે દિલ જોરથી ધબકીને કહી રહ્યું હતું કે તું ઋત્વિના પ્રેમમાં છું.યસ યુ આર ઇન લવ....કૉલેજમાં પ્રવેશ્યા બાદ અમે સીધા કલાસમાં ગયા.પ્રવેશતાંની સાથે જ  હું પૂરેપૂરો પરસેવાથી રેબઝેબ  થઈ ગયો.ઋત્વિકા બોર્ડ પર કંઈક લખી રહી હતી અને એની ફ્રેન્ડ એને સાથ આપી રહી હતી.મેં એ સમયે જ્યારે ઋત્વિકાને જોઈ ત્યારે હું તેને આટલી સરસ રીતના પામીશ તેનો ખ્યાલ જ ક્યાંથી હોય? ચાંદ આજે ધાર્યા  કરતાં વધારે સુંદર લાગતો  હતો. મારા પગ તો કલાસના બારણાંમાં જ સ્થિર થઈ ગયાં.એવામાં ઋષિકેશે કહ્યું,ઓ...હ... અંદર તો ચાલ, વાંધો નહીં.આ બન્ને તો રોજ આવી શેતાનિયત કરતાં હોય છે.હું થોડોક સંકોચ અનુભવતો હતો.ઋષિકેશ તો "હાય ઋત્વિકા, હાય કુંજલિકા" કહી ને અંદર દાખલ થઈ ગયો. ત્યાં લેકચરનો બેલ વાગ્યો..

સર કલાસમાં દાખલ થયા.પ્રથમ ટેસ્ટની મેથડ સમજાવવાની શરૂઆત કરી.આખા લેકચરમાં મને એક જ વાત ધુમરાતી રહી, ઋષિકેશ  ઋત્વિ સાથે મિક્સઅપ કેવી રીતે થઈ ગયો!ચહેરા પરથી તે તો બધાની સાથે લિમિટેડ વાતચીત કરતી હતી. આમ... કેમ... કેમ કરીને બન્યું હશે...! તેનું તથ્ય હું આખા લેકચરમાં શોધતો રહ્યો..લેકચર પૂરું થયું અને બેલ વાગી ગયા પછી મને ચેતના આવી. આજે મને મારા  દુર્બળ મન પર અફસોસ થતો હતો.પરીક્ષાના સમયમાં પણ કેવા વિચારોમાં ખોવાઈ જાઉં છું હું પાગલ ...આવું જ રહ્યું તો હું પરીક્ષા પણ સારા પ્રકારે પાસ નહીં કરી શકું.મારે મનને વધુ મજબૂત બનાવવું જ રહયું.મારે એષણાને દબાવી રાખવી પડશે.હું મારી જ્ગ્યાએથી ઊભો થઈને મારા મિત્રો  સર સાથે  ચર્ચા કરતાં હતા તેમની સાથે જોડાઈ ગયો.આદતથી મજબૂર મારી દ્રષ્ટિ ચર્ચા દરમ્યાન ઋત્વિકા સામે તો ફેરવાઇ જ જતી હતી.અત્યારે પણ મારા લોચનો કહી રહ્યાં છે  

                 નજરને કહી દો કે નીરખે ના એવું

                 નાહક મારુ મન પાગલ  બને છે

                 અમથી  જીગરમાં આંધી ચઢે છે ને

                 આંખો બિચારી વાદળ બને છે અને

                 વાદળ બનેલી આંખો મારી વરસી

                 પણ નથી શક્તી કે જે

                 તારી પાછળ દીવાની બની છે.

     

              હું  ઋત્વિના પ્રેમમાં એટલો મોહાંધ બની ગયો હતો કે એક પળ પહેલા લીધેલા નિર્ણયને હું અમલમાં મૂકી શકતો નહોતો. ખરેખર મને મારા વિચારો પર દયા આવતી હતી.શા માટે હું હરખધેલાં વિચારો કરીને મારા તન-મનને કષ્ટ આપી રહ્યો છું?એવામાં ચર્ચા પૂરી થઇ અને મારા અર્ધજાગ્રત મન સાથે કલાસની બહાર નીકળ્યો,ત્યાં ઋષિકેશે મને મોટેથી બૂમ મારી...આપણે બન્ને સાથે જ નિકળીએ છીએ. હું તને તારા ઘરે મૂકી જાઉં છુ.હું ધીમી ચાલે પગથિયાં ઉતરતો હતો એવામાં મારી દ્રષ્ટિ અચાનક ઋત્વિકા પર ગઈ.મેં તેને એકલી ઊભેલી જોઈ.મારૂ મન ઝાલ્યું ન રહ્યું.તેની જોડે વાતો કરવા તલપાપડ થવા લાગ્યું.હું થોડીક હિમંત એકઠી કરી નોટ માગવાના બહાને નજીક ગયો, પરંતુ અફસોસ તેની સહેલીએ તેને બોલાવી એટલે તે જતી રહી. મને એટલો બધો ગુસ્સો આવી ગયો તેની એ સહેલી પર કે ના પુછો વાત. મુશ્કેલીથી એક મોકો મળ્યો હતો તે પણ ....તેની સહેલીએ ઝૂંટવી લીધો. નસીબના પડિયા કાણાં હોય ત્યાં દાળ ગળે જ નહીં ને...? મેં મારા ક્ષણિક આવેગને અળગો કર્યો.કોઈ બાત નહીં....હજી એવા ધણા મોકા આવશે તેની સાથે વાત કરવાના, અને કદાચિત આવેલા અવસર હાથમાંથી નીકળી પણ જાય તો શું....તરકીબ કામે લગાડીને પણ મારા પ્યારના બાટલમાં આ જળકૂકડીને તો ઉતારીને જ શ્વાસ લઇશ.એ માટે મારે તકસાધુ બનવું પડે તો પણ બનીશ.વિચારોની ઘટમાળની સાથે હું કોલેજના કમ્પાઉન્ડમાં ઊભો હતો ત્યાં ઋષિકેશ આવી ગયો.રસ્તામાં એણે પૂછ્યું પ્રથમેશ, હમણાં ધણા સમયથી તારું ચિત્ત ઠેકાણે રહેતું નથી એવો મને ભાસ થાય છે.કેમ એવું પૂછ્યું,મેં એને કહ્યું.અરે,ક્લાસમાં ચર્ચામાં તારું ધ્યાન લાગતું નહોતું.એમ તું કેવી રીતના કહી શકે ? કારણ મેં તને બે થી ત્રણ વાર એકનો એક સવાલ પૂછ્યો હતો.પણ શી ખબર તારું શરીર ચર્ચામાં અને ચિત્ત ચકડોળે ચઢેલું હતું.જો પ્રથમેશ,એવી કોઈ વાત હોય તો મને વિના સંકોચે જણાવજે. કોઈ અગત્યની વાત તો નથી ને!ના....ના દોસ્ત,એવું નથી આ તો મમ્મીને તાવમાં મૂકીને અહીં આવ્યો છું, એટલે જરા વિચારો મને ધેરી વળ્યા.મેં કહ્યું.ઘર આવતાં જ હું તેની બાઇક પરથી  નીચે  ઊતર્યો.બાય કહીને મેં ગેટ ખોલ્યો.મેં જરા રાહતનો શ્વાસ લીધો હાંશ,આજે  તો બચ્યો.મેં વિચાર્યું,ક્યાંક ઋષિકેશને મારા પ્યાર પર શક તો નથી ગયો ને !અને જો  શક ગયો હશે,તો  તે મારી પાસેથી વાત કઢાવવા  પ્રયત્ન જરૂર કરશે. 

                 ગેટમાં  દાખલ થતાંની સાથે આજના દિવસમાં ફરીથી અચંબામાં પડી ગયો.કાનમાં મમ્મી જેવો અવાજ સંભરાતો હતો...પહેલાં તો થયું કે,આ મારો ભ્રમ હશે,પરંતુ અંદર ઝાંખીને જોયું, તો મમ્મી કાકી સાથે વાતો  કરતી હતી. હું આનંદમાં આવી ગયો.મમ્મીને પગે લાગ્યો અને તેની પાસે જઈને ગોઠવાયો.મમ્મીના આવવાથી સારું લાગ્યું હતું.સાંજનું વાળું લઈને  હું અને મમ્મી ઉપરના  ફ્લોર પર આરામ કરવા ગયા.મેં મમ્મીને પુછ્યું, કેમ તું અચાનક આવી ? મમ્મીએ કહ્યું આપણાં નજીકના સગાનું અવસાન થયું છે. તેમનું આવતીકાલે બેસણું રાખ્યું છે.કાકાનો ફોન આવ્યો હતો.મેં વિચાર્યું કે,આમ પણ તારી પરીક્ષા નજીકમાં છે, તેથી તારો સમય બગડશે અને મારે અમદાવાદના બે થી ત્રણ કામ હતા તે પણ ભેળા પતાવી દઇશ.મેં અને મમ્મીએ તો બાપુ,મોડી રાત સુધી વાતો ખેંચી.મમ્મીએ કહ્યું ચાલ,બેટા હવે ઊંઘી જા અને હું પથારીમાં આડો પડતાં વિચારે ચઢ્યો.શહેર અને ગામડાની વચ્ચેનાં અંતરને ઓછું કરવું તે પત્થર પર લકીર દોરવા સમાન છે. ક્યાં ગામડાનું સીધું સરળ જીવન, અને કયાં શહેરનું ભભકાદાર જીવન.આમ,વિચારતાં મને ક્યારે ઉંધ આવી ગઈ તેની ખબર જ ન રહી.છેક સવારે જ્યારે મમ્મીએ મને જગાડયો ત્યારે મને ખબર પડી કે,અરે,સવાર થઈ ગઈ.હું રોજની માફક મોર્નિંગવોકમાં ગયો.આવીને નિત્યક્રમ પતાવીને ફ્લોર પર મારા રૂમમાં વાંચવા ગયો.મમ્મી અને કાકા-કાકી બેસણામાં ગયા.એક વિષયનું પરીક્ષાલક્ષી બઘું વાંચીને હું જરા આડો પડ્યો.બપોર થઈ ગઈ હતી.મમ્મીએ આવીને મને જગાડયો અને કહ્યું,ચાલ જમવા પછી તારે મારી સાથે આવવાનું છે .

          કયાં  જવાનું છે"?મેં મમ્મીને પૂછ્યું.તારી દીદીની તબિયતના સમાચાર પૂછવા બાપુનગર જવું છે.પછી તું બાપુનગરથી તારી કોલેજ જતો રહજે. બાપુનગર દીદીના ઘરે પહોચ્યા.સાંજ  થઈ ગઈ હતી અને મારે કોલેજ જવાનું લેટ પણ થતું હતું,એટલે મેં જીજાજી ને કહ્યું,તમે મમ્મીને કાકાના ઘર સુધી મૂકી આવજો.આમ પણ હું મારી કોઈપણ અંગત વાત હોય તો મારા આ જીજાજીને જ કરતો હતો.બસ પકડી.બસમાં પણ પાછા ઋત્વિકાના વિચારે મને પાછો ઘેરી લીધો,પણ આ વખતે  મારુ મન કંઈક જુદૂં જ વિચારી રહ્યું હતું.વિચારતું હતું કે,ગમે તે  થાય  આજે  તો મારે ઋત્વિકા સામે નજર કરવી જ નથી. એની નખરાળી આંખો મને ભાન ભૂલાવી મૂકે છે.ક્લાસમાં આવીને જોયું તો મારા સહાધ્યાયીઓ  વિષયલક્ષી ચર્ચાવિચારણા કરતાં હતાં. હું પણ ચર્ચામાં તે  જોડાયો.એવામાં લેકચર શરૂ થવાનો બેલ વાગ્યો.આજનો લેકચર ડિફીકલ્ટીનો હતો એટલે  બધાએ સરની પાસે પોત-પોતાની ડિફીકલ્ટી સોલ્વ કરાવી.

                                                                                           

 

                                                                                                                                                                                                    : ક્રમશ :