One night that changed my life. books and stories free download online pdf in Gujarati

એક રાત જેણે મારું જીવન બદલી નાખ્યું.

એ રાત કેમ કરીને ભૂલવી મારે અને કદાચ એ ભુલાશે પણ નહીં. એને ગોઝારી રાત કહેવી કે કુદરત નો ક્રમ પણ તેણે મારી આખી દુનિયા બદલી નાખી અને જિંદગી તહેસનહેસ કરી નાખી. ન જાણ્યું જાનકી નાથે કાલે શું થશે, એવું જ કઈક મારી સાથે બન્યું.

વાત છે ૧૧ જૂન ૧૯૮૯ ની કાળી રાત્રીની મારી સાથે મારા કુટુંબ નાં સભ્યો ના માથે વ્રજઘાટ થયો. જાણે કે કરોડો પાવર ની વીજળી પડી. ૧૧ તારીખે સવારે ૪ વાગ્યા હતાં, જૂન મહિનાની અકળાવનારી બાફ સહિત ની ગરમી હતી. એ વખતે અમે ઘરનાં ૬  સભ્યો એક જ મોટા  એરકન્ડિશન્ડ રૂમમાં સૂતા હતા.

હું નાનપણ થી જ મારા મમ્મી અને પપ્પા બંને વચ્ચે સૂતી હતી. બીજા બધા નીચે ગાદલાં પથારી માં સૂતા હતા. એ રાત્રે મને ઊંઘ નહોતી આવતી. પાસા બદલ્યા કરતી હતી. અચાનક ૪ વાગે મારી મમ્મી પથારી  માં બેઠી થઈ ગઈ હતી અને હું પણ. મેં તરત બધાં ને ઉંઘ માંથી જગાડી દીધાં. કારણ કે મારી મમ્મી ને સખત ગભરામણ થતી હતી છાતી માં દુખતું હતું. મારી બહેન મમતા એ મમ્મી ને પાણી આપ્યું અને મારા ભાઈ સ્વપ્નિલ એ પંખા ચાલુ કરી દીધાં. પપ્પા એ ધીરજ રાખવા જણાવ્યું. હું અને મારી નાની બહેન દિપાલી મમ્મી નો પગ દાબવા માંડ્યા અને બરડો પંપપાળવા  માંડ્યા. મોટી બહેન સંગીતા તો સાસરે  હતી અને તે ૧૦ તારીખે રાત્રે અમારી સાથે જમી  અને ૧૧.૩૦ વાગે અમને મળી ને તેના ઘરે ગઈ હતી.

૪.૩૦ વાગે સવારે છાતી માં દુઃખાવો વધતા પપ્પા  અને  ભાઈ  મમ્મીને  બાજુ ની રૂમમાં લઈ ગયા અને પપ્પા  એ મારા ભાઈ ને કહ્યું આપણા ફેમિલી ડોક્ટર ને બોલાવી લાવ. મારો ભાઈ સ્કૂટર લઈ ભાગ્યો  ડોક્ટર નજીક જ રહેતાં હતાં તેથી ૧૦ મિનિટમાં આવી ગયાં બન્ને જણા. ડોક્ટર ૪.૫૦ વાગે મમ્મી ને તપાસ્યા  અને હાર્ટ માં  ઈન્જેક્શન પણ આપ્યું.અને ૨  મિનિટ તેઓએ કહ્યું મીનાક્ષીબેન  ખૂબ જ ખતરનાક હાર્ટ એટેક આવ્યો હતો તેણી લગભગ ૪.૪૫ દેહાંત પામ્યાં છે. હું દિલગીર છું. અમે બધાં સૂનમૂન બેસી ગયા હતા અને કોઇ કશું બોલી ના શક્યું. અવાક બની ગયા અને મમ્મી ને આ શું થઈ ગયું હતું તેની કોઈને સમજણ પડતી ન હતી. મમ્મી ની ઉમર ૫૪ વર્ષ ની હતી તેને ઘણો ડાયબિટીસ રહેતો હતો. આથી તેણી નું હાર્ટ બેસી ગયું. મારી ઉમર ૨૩ વર્ષ અને બીજા ભાઈ અને બહેનો વચ્ચે ૨ વર્ષ નું અંતર. કુટુંબ માં કોઇ મરણ જોયું નહોતું. તરત મોટી બહેન, કાકાઓ  ફઈબા ઓને ફોન કરીને બોલાવ્યાં. ભાઈ એ તેના મિત્રો ને ફોન કર્યા. તે વખતે મોબાઇલ ફોન નહોતા. મમ્મી ના ક્રિયા કરમ ની વિધિ ચાલુ થઈ ગઈ. જે ૪. ૪૪  સુધી જીવતી જાગતી હતી તેની ૫ વાગે મારી સામે લાશ પડી હતી. અમારા કોઈ ના ગળે આ વાત જ નહોતી ઉતરતી કે મમ્મી અમને છોડી ને અનંત સફરે ચાલી ગઈ હતી.

હું કે જે એક પળ પણ મમ્મી વિના રહી નહોંતી શકતી તેને હવે પછી આખું જીવન મમ્મી વિના પસાર કરવાનું છે.

મારી બુધ્ધિ બહેર મારી ગઈ હતી અને ભાઈ બહેનો ખૂણા માં રડી રહ્યાં હતાં. મારું જીવન સૂનું થઈ ગયું હતું. પપ્પા

બોલ્યાં દર્શિતા શું કામ રડે છે તેઓ મને કહેતાં હતાં પરંતુ હું બેભાન જેવી જ હતી. હમેશાં હસતી મારી મમ્મી સદાયે માટે મૌન થઈ ગઈ હતી. તેઓએ મને કહ્યું કે આજ થી હું તારી મમ્મી અને પપ્પા. કોઈ ચિંતા કરવાની નથી.

હું અને મારા ભાઈ અને બહેનો બધાં ગ્રેજ્યુએટ થઈ ગયા હતા. અને

પોસ્ટ ગ્રેજ્યુએટ ભણતાં હતાં. મમ્મી જાણે અમને ભણાવી ગણાવી અને મોટા કરાવવાની જવાબદારી પૂરી કરવા સુધી ની રાહ જોતી હતી અને જેવા અમે પગભર થઈ ગયા તે પોતાના સફરે ઉપડી ગઈ.

મને નાનપણ થી પોલિયો હતો તેથી મારી દુનિયા મારા મમ્મી અને પપ્પા જ હતાં. મમ્મી મને ખૂબ સાચવી તથા કસરત માં લઈ જતી, ભણાવતી, ભરત ગૂંથણ - ઘરકામ શીખવતી, ચિત્રો - પેઇન્ટિંગ  કરતી અને મને શિખવાડતી, કવિતા લખતી હતી તેથી મને કવિતા લખતા આવડતું. મારું ડાબું અને જમણું અંગ એટલે મારા મમ્મી પપ્પા. મારું એક અંગ જતું રહ્યું. મારો આત્મા કકળી ઉઠયો. હું મારી દુનિયા મમ્મી વિના ની કલ્પી શકતી નહોતી.

૧૧ જૂન ની રાત્રે મારી જિંદગી બદલી નાખી હવે મારે મારી લાગણી ઓ પર કાબૂ મેળવી હસવાનું હતું મારા પપ્પા માટે. મેં વિચાર્યું જો હું તેઓ સામે રડીશ તો તેઓ દુઃખી થશે અને તેમની તબિયત બગડશે તેઓ અસ્થમા ના દર્દી હતાં. પણ મમ્મી ના ગયા બાદ તેમણે પોતાનું સ્વાસ્થય સંભાળી લીધું.

એમ પણ કહી શકાય કે પપ્પા એ મારા માટે અને મારે પપ્પા માટે આંસુ પી જવાના હતા. સગા સંબંધીઓ ચાર દિવસ આશ્વાસન આપી પોતપોતાના ઘરે પહોંચી ગયા. પણ અમારે અમારી દુનિયા અને ઘર સાચવીને ચલાવવા ના હતાં. મેં સ્વસ્થ થઈ પપ્પા ની ખુશી માટે આગળ ભણવાનું શરૂ કર્યું, કસરત માં જવાં લાગી અને પપ્પા સાથે ઓફિસ પણ જવાનું ચાલુ કરી દીધું. પપ્પા અને ભાઈ - ભાભી - બહેનો - તેમનાં બાળકો - મિત્રો ની મદદ થી મારું જીવન આગળ ધપાવવા માંડ્યું. મેં મારું ધ્યાન ભગવાન તરફ વળી દીધું સમાજ સેવા કરવા લાગી.

હું પપ્પા સામે રડી શકતી નહોતી અને કોઈ ને દુઃખ કહેતી નહોતી પરતું મારી બહેનપણી ના કહેવા થી મેં દર્દ ને કવિતા માં ઉતારવા માંડ્યું. અને મેં લખવાનું ચાલું કર્યું. એ રાત પછી હું કવિયત્રી, લેખિકા અને સમાજ સેવિકા બની ગઈ.

કાટે નહીં કટતા એક પલ યહા

કેસે કટેગી એક उम्र અબ ભલા