Vasudha - Vasuma - 33 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ 33

વસુધા

પ્રકરણ-33

       વસુધા માં બનવાની છે એવાં એધાંણથી ઘરનાં બધાં ખૂબ ખુશ હતાં. પુરષોત્તમભાઇ અને પાર્વતીબેનનાં ચહેરાં પર આનંદ છવાયો હતો. પાર્વતીબેને કહ્યું તમે વેવાઇને ત્યાં ફોન લગાડી આપો… હું ભાનુબેનને વધાઇ આપી દઊં. પુરષોત્તમભાઇએ ટેલીફોન લગાડી આપ્યો અને ભાનુંબહેને કહ્યું શું વાત છે વેવાણ આજે સવાર સવારમાં ફોન ? પાર્વતીબેને કહ્યું વેવાણ વાતજ એવી મીઠી છે સાંભળો વસુધાને દીવસ રહ્યાં છે એ ખુશીનાં સમાચાર પહેલાં તમનેજ આપ્યાં છે. તમારાં ઘરમાં કુળદીપક આવશે અને એમને ઘર ભર્યું ભર્યુ લાગશે. અને હાં સરલાબેનને પણ જાણ કરજો. જમાઇરાજ લેવા આવશે ત્યારે.. પાર્વતીબેનને બોલતાં બોલતાં હર્ષનાં આંસુ આવી ગયાં.

       ભાનુબહેને કહે પાર્વતીબેન તમે ખૂબ આનંદનાં સમાચાર આપ્યાં તમારાં મોઢામાં સાકરગોળ આજથી અહીનું આંગણું આનંદ કિલ્લોલ કરશે અને ખોળાનો ખૂંદનાર આવશે ત્યારે તો મારી કલ્પનાઓ મને.. શું કહુ ખૂબ આનંદ થયો દીકરી વસુધાને ખૂબ સાચવીશું.. એનું ખાનપાન બધું ધ્યાન રાખીશું પીતાંબર અને એનાં પાપા તો ખુશીથી નાચી ઉઠશે.

       પાર્વતીબેન કહે દિવાળીફોઇએ અમને કહ્યું કે વસુધાને આ આવતા ઉબકા અને ઉલ્ટી સારાં સમાચારનાં એંધાણ છે ત્યારથી બધાને ખૂબ આનંદ છે. જમાઇને મોકલજો પછી વસુધા પાછી પીયર આવશે અમે પણ ખૂબ કાળજી લઇશું તમે કોઇ વાતે ચિંતા ના કરશો. ચાલો ફોન મૂકુ છું અને ફોન મુકાયો. પુરષોત્તમભાઇ આનંદથી કલ્પનાઓ કરવાં લાગ્યા.

       ભાનુબહેને બૂમ પાડી પીતાંબરને બોલાવ્યો અને કહ્યું તારા પાપાને બોલાવ ખૂબ આનંદના સમાચાર આપું. આમ પણ કાલે અગીયારસ છે વસુધાને તેડી આવ પહેલાં મારે સમાચાર આપવાં છે. પીતાંબરે પાપાને બોલાવી લાવ્યો.

       ગુણવંતભાઇએ કહ્યું ભાનુ એવી શું વાત છે કે આટલી આનંદમાં છે ? શું ફોન આવ્યો વેવાણનો ? પીતાંબર પણ આષ્ચર્યથી માં નાં બોલવાની રાહ જોઇ રહેલો.

       ભાનુબહેને કહ્યું વસુધાને દિવસ રહ્યાં છે આપણાં ઘરે કુળદીપક આવશે. સાંભળતાંજ પીતાંબર અને ગુણવંત ભાઇનાં ચહેરાં ખીલી ઉઠ્યાં ત્રણે જણાં આનંદથી એકબીજાની સામે જોઇ રહ્યાં. પીતાંબરે કહ્યું કાલે વસુધાને લઇ આવું અહીં ઉજવણી કરીશું. ભાનુબહેને કહ્યું હાં હાં કરીશું બસ કાલે વસુધાને તેડી આવ.

       અહીં વસુધાને પણ ખુશીનો પાર નહોતો પણ સાથે સાથે ડર લાગી રહેલો આ બધુ કેવી રીતે થશે ? બધું સારી રીતે પાર પડશે ને ? મને તો જ્ઞાન નથી કશી ખબર નથી પછી વિચાર્યું ફોઇ અને માં સાથે છે ને ? પીતાંબરને કેટલો આનંદ થશે ? ત્યાં માં અને પાપાનાં આશીર્વાદ મળશે મનમાં ને મનમાં કલ્પનાઓ કરવા લાગી એનો અનાયાસે હાથ એનાં પેટ પર ફરવા લાગ્યો.

       અગિયારશ થઇ ગઇ અને પીતાંબર ઉતાવળો તૈયાર થઇ ગયો. પીતાંબરથી ના રહેવાયું વસુધા સુવાવડ માટે પાછી પીયર જશે એ વિચારી માં ને કહ્યું વસુધાને અહીંજ ના રખાય ? ભાનુબહેને કહ્યું એય હરખપદુડા એતો જેમ રિવાજ હોય એમ થાય પછી તો એ બાળક લઇને અહીંજ આવવાની છે રહેવાની છે કેમ આટલો તું વરણાગ્યો થાય ?

       ભાનુબહેને માવાની મીઠાઇ મંગાવી અને પીતાંબરને કહ્યું જા તેડી આવ અને ગાડી સાચવીને ચલાવજે. ગુણવંતભાઇએ ભાનુબહેન કહે તમેય શું મને શીખ દો છો ? હજી હમણાં તો.. કંઇ નહીં હું સાથે જઊં છું અને પીતાંબર સાથે ભાનુબહેને પણ વસુધાને તેડવા નીકળ્યાં.

       રસ્તામાં ભાનુબહેન પીતાંબરને સમજાવતાં હતાં હવે એનું બધુ ધ્યાન રાખજો એને પજવતો નહીં એની જેટલી કાળજી લઇશું. એનાં માટે સારું જ છે.

       આમ વાતો કરતાં કરતાં વસુધાનાં ગામે આવી ગયાં ગાડી ઘર પાસે ઉભી રહી અને ઘરમાંથી પાર્વતીબેન અને દુષ્યંત દોડી આવ્યાં.

       પીતાંબર અને ભાનુબહેન ગાડીમાંથી ઉતર્યા. પીતાંબરની આંખો વસુધાને શોધી રહી હતી અને એ લોકો બધાં ઘરમાં આવ્યાં. પાર્વતીબેને એલોકોને બેસાડ્યાં ભાનુંબહેન કહે વેવાણ આપણાં નસીબ ખુલી ગયાં છે. દીકરીએ સારાં દિવસ દેખાડ્યાં. ક્યાં છે મારી વસુધા ?

       વસુધા રસોડામાંથી પાણી, લઇને શરમાતી બહાર આવી આવીને ભાનુબહેનને પગે લાગી ભાનુબહેને એનો ચહેરો પકડી કહ્યું વસુધા ખૂબ સુખી થાવ અને નંદગોપાલને જન્મ આપી ઘર ખુશીઓથી ભરી દે. વસુધા શરમાઇ ત્રાંસી આંખે પીતાંબર સામે જોવા લાગી એની આંખોમાં પ્રેમ અને શરમ ઉભરાતી હતી.

       આજે બંન્ને કુટુંબમા આનંદ છવાયો હતો. વ્યવહારીક રીતે બધાં વ્યવહાર સાચવી એકબીજાનાં મોં મીઠાં કરી વસુધાને સાસરે લઇ જવાની તૈયારી થઇ ગઇ. દિવાળીફોઇએ કહ્યું આજે આનંદનાં અવસરે બધાં ભેગાં થયાં એનો આનંદ છે . ભાનુંબહેને કહ્યું અમે હવે વિદાય લઇએ આમતો વસુધા પાછી અહીજ આવવાની જેટલો સમય અમારી સાથે છે અમે ખૂબ કાળજી લઇશું. તમે કોઇ ચિંતા ના કરશો. આણંદ સારાં ડોક્ટર પાસે લઇ જઇશુ. બધી તપાસ કરાવી જરૂરી ઉપચાર પણ કરાવીશું પણ મને ખબર છે મારી વસુધાને કંઇ અગવડ નહીં પડે ઇશ્વર બધુ સારુ કરશે. અમારે ઘરે પણ પહેલવહેલું બાળકનુ પાપા પગલી થશે બંન્ને કુટુંબ માટે આ આનંદનો અવસર હશે.

       જમી પરવારી ત્રણે પાછા નીકળવાની તૈયારી કરવા લાગ્યાં. દુષ્યંતે ફરજ પ્રમાણે બધો સામાન ગાડીમાં મૂકી દીધો વસુધા પાપા-ફોઇ અને માં ને પગે લાગી દુષ્યંતને કહ્યું તું ભણજે બરાબર. દુષ્યંતે કહ્યું જો દીદી હવે તો હું મામા બની જવાનો અને હસવા લાગ્યો. વસુધા શરમાઇ ગઇ પીતાંબર કહે વાહ તને ખબર પડી ગઇ બધી વાતમાં ? બહુ હુશિયાર છે. બધાં એક સાથે હસી પડ્યાં.

       બધાં કારમાં બેઠાં વસુધાનાં હાથમાં એક કાચની બરણી હતી જે કપડાંથી ઢાંકેલી હતી એ બેઠી પણ હાથવેતાંજ રાખી હતી. બધાએ વિદાય આપી. ભાનુબહેને કહ્યું બેટા આમ હાથમાં શું રાખીને બેઠી છે ? વસુધાએ કહ્યું. માં ગુલાબજાંબુ મેં બનાવ્યાં સાથે લીધાં છે બરણી કાચની છે કંઇ તૂટે નહીં એટલે હાથમાં રાખી છે.

       ભાનુબેન હસી પડ્યાં અને સમજી ગયાં વાહ પીતાંબરને ખૂબ ભાવતાં છે પછી મનોમન મલકાયા. પીતાંબરે સાંભળી કહ્યું વાહ તને યાદ રહ્યું વસુધા કહે રહેજને મને થોડી ભૂલું ?

************

            વસુધાને સાસરે આવે બે દિવસ થયાં હતાં અને ભાનુબહેને કહ્યું કાલે સરલા આવે છે પછી આપણે સારો દિવસ જોઇને ઘરમાં સત્યનારાયણની કથા રખાવીશું. તને ત્રણ મહિના થાય પછી તારે પીયર મૂકી આવીશું આમ થોડાં દિવસ સરલા સાથે રહેવાયને ?

       વસુધા ખુશ થઇ ગઇ બોલી સરલાબેન આવે છે ? મને ખૂબ ગમશે એ મારાં નણંદ કરતા સખી વધારે છે એની સાથે મને ખૂબ ફાવે છે.

       સરલા આવી ગઇ. એને તો સમાચાર સાંભળીને ખૂબ આનંદ થયો એણે વસુધાને કહ્યું તું તો મારાથી પહેલી થઇ ગઇ અને વસુધા શરમાઇ ગઇ. સરલાએ કહ્યું વસુધા તું મારી સખી છે ભાભી પછી તને કહું મારે દિવસ રહેલાં પણ... ગર્ભ ના ટક્યો ઓપરેશન કરાવવું પડેલું હવે ઇશ્વરની કૃપા થાય ત્યારે વાત પણ મને ખુશી છે આપણાં ઘરમાં ફરી ખુશી આવી છે. પણ ખૂબ ધ્યાન રાખજો મારાં જેવી ભૂલ ના થાય મારાંથી કાળજી ના લેવાઇ. મેં ભારે તબાસળું ઊંચકેલું હતું ઠોકર વાગી તબાસડાં સાથે પડી ગઇ એમાં ગર્ભ નંદવાઇ ગયેલો તારે કોઇ ભારે કામ નથી કરવાનું ખૂબ સાચવવાનું છે.

       ભાનુબહેન સાંભળી રહેલાં એમણે કહ્યું વસુધા સરલાની વાત સાચી છે એની ભૂલ થયેલી અને એનાં સાસરીયાઓની કાળજી ઓછી હતી મારે ના બોલવું જોઇએ પણ એ લોકોએ એની પાસે એવાં કામ ના કરાવવા જોઇએ ? ઠીક છે ઇશ્વરને ગમ્યુ એ ખરું. એનોય ખોળો ભરાઇ જશે.

       સરલાએ કહ્યું માં તે વસુધાનાં સારાં સમાચાર આપ્યાં ત્યારથી મેં બાધાજ લીધી છે એને ખોળે કુંવર આવે પછી હરસિધ્ધિનાં દર્શન જઇશું બધાં સાથે. એમ વસુધાને કંઇ થવાનું નથી. વસુધા ડર નહીં રાખવાનાં પણ કાળજી લેવાની અને હજી તું ઘણી નાની પણ છું.

       વસુધાએ કહ્યું તમે બધાં ઘરે મારી સાથે મારે શું ચિંતા ? માં તમે છો તમારો પ્રેમ અને કાળજીથી હું બધુ સાચવી લઇશ. ત્યાં પીતાંબર આવ્યો અને બોલ્યો બધાં ભેગાં થઇ શું ગૂસપૂસ કરો છો ?

       સરલાએ કહ્યું અરે શું ગૂસપૂસ ? તારાં રાજકુવરનાં આવવાની અને એની કાળજીની વાતો કરીએ છીએ તું પણ વસુધાને હેરાન ના કરતો સાચવજે.

       પીતાંબરે કહ્યું હું શું હેરાન કરવાનો ? તમે લોકો પણ મને ટોક્યાજ કરો છો. વસુધાનુંજ હવે બધાં ધ્યાન રાખવામાં મને ખબર છે હું પણ ખૂબ ધ્યાન રાખીશ.

       ભાનુબહેન કહે દીકરા હજી તું પણ નાનો છે વસુધા નાની છે પ્હેલીવાર માં બનવાની છે એટલે કહીએ છીએ અમારાં અનુભવો તમને ટકોર કરે છે બધુ આપણાં માટે સારુજ છે ને. વસુધા તીરછી નજરે હસતી હસતી પીતાંબર સામે જોઇ રહી હતી. પીતાંબર મલકાતો હતો.

આગળ આવતા અંકે - પ્રકરણ-34