Iravan - 1 books and stories free download online pdf in Gujarati

ઇરાવન - ભાગ ૧

મિત્રો, તમે સૌ પાંડુપુત્ર અર્જુન વિશે તો જાણતાં જ હશો. અર્જુન સર્વશ્રેષ્ઠ ધનૂરધર હતાં અને મહાભારતનાં યુદ્ધમાં ખૂબ અગત્યનાં યોદ્ધા હતાં. મહાભારતનાં તેમને શ્રીકૃષ્ણનો સાથ સહકાર મળ્યો હતો અને તેમનો મહાભારતનાં યુદ્ધમાં વિજય થયો હતો.

મહાભારત ગ્રંથમાં એકથી એક ચઢિયાતા શૂરવીરોનાં સાહસનું વર્ણન છે. એમાં આપણે સૌ અર્જુન, ભીષ્મ પિતામહ, કર્ણ, દ્રોણાચાર્ય, દુર્યોધન, અશ્વથામા જેવા યોદ્ધાઓને તો જાણીએ છીએ પરંતું મહાભારતમાં ઘણાં એવાં પરાક્રમી યોદ્ધાઓ પણ હતાં જેનાં વિશે લોકો નથી જાણતા કે પછી ઓછું જાણે છે. આજે આપણે એક એવાં જ શૂરવીર અને પરાક્રમી અર્જુનપુત્ર ઇરાવન (ઇરાવાન, અરાવન) વિશે થોડુ વિસ્તારમાં આ નોવેલમાં જાણીશું.

એ જ ઇરાવન વિશે જેને કિન્નરો પોતાનાં આરાધ્ય દેવ માને છે. કિન્નરો ઇરાવનની ફક્ત પૂંજા જ નથી કરતા પરંતું તેઓ ઇરાવન સાથે લગ્ન પણ કરે છે પરંતું આ લગ્ન ફક્ત એક જ દીવસ માટે હોય છે. બીજા દિવસે ઇરાવનની મોતની સાથે તેમનું વૈવાહિક જીવન પણ સમાપ્ત થઈ જાય છે. કિન્નરો તામિલનાડુનાં વીલ્લુપૂરમ જીલ્લામાં કૂવાગમ ગામમાં એકત્રિત થાય છે અને ત્યાં પોતાનાં સૌથી મહત્વનાં તહેવારનાં ભાગરૂપે ઇરાવન સાથે લગ્ન કરે છે. તેથી જ તામિલનાડુમાં કિન્નરોને અરાવની કહેવામાં આવે છે.

સૌથી રસપ્રદ વાત તો એ છે કે શ્રીકૃષ્ણએ પોતે સ્ત્રીરૂપ (મોહિની) લઇને ઇરાવન જ્યારે જીવિત હતાં ત્યારે લગ્ન કર્યા હતાં અને ઇરાવનનાં મૃત્યુ ઉપરાંત વિધવા સ્ત્રીની જેમ કલ્પાંત પણ કર્યો હતો. એટલાં માટે જ આ પાત્ર આટલાં મહત્વનું કહી શકાય.

ઘણાં લોકો અર્જુનની બે જ પત્નીઓ દ્રૌપદી અને સુભદ્રા વિશે જાણે છે પરતું ખરેખરમાં અર્જુનની ચાર પત્નીઓ હતી. દ્રૌપદી, સુભદ્રા, ચિત્રાંગદા અને ઉલુપી. ચારેય પત્નીઓથી અર્જુનને એક-એક પુત્ર હતાં. દ્રૌપદીથી શ્રુતકીર્તિ, સુભદ્રાથી અભિમન્યુ, ચિત્રાંગદાથી બબરૂવાહન અને ઉલુપીથી થયેલ પુત્ર એ જ ઇરાવન... જેનાં વિશે અત્યારે આપણે વાત કરી રહ્યાં છીએ.

ઇરાવનનાં પિતા અર્જુન વિશે તો આપણે સૌ જાણીએ છીએ પણ ઇરાવનની માતા નાગલોકની રાજકુમારી ઉલુપી વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. તો ઇરાવનની વાત જાણવા પહેલા આપણે ઉલુપી વિશે જાણવું પડે, કેવી રીતે અને કયા સંજોગોમાં અર્જુન અને ઉલુપીનાં લગ્ન થયાં હતાં અને ઇરાવનનો જન્મ થયો હતો.

તો વાતનો પ્રારંભ થાય છે દ્રૌપદી સ્વયંવરથી, અર્જુન પોતાનાં ધનુરવિદ્યાનાં કૌશલ અને પોતાના બળથી દ્રૌપદીનો સ્વયંવર જીતીને જ્યારે પોતાનાં ભાઈઓ સાથે માતા કુંતી સમક્ષ જાય છે ત્યારે વિનોદમાં એમ કહે છે કે "માતા અમે ભિક્ષા લઇ આવ્યાં" ત્યારે કુંતી ઘરકામમાં વ્યસ્ત હોવાને લીધે વગર જોયે કહી દે છે કે "બધાં ભાઇઓ આપસમાં વહેંચી લો". ત્યારબાદ માતૃવચન પાળવા માટે દ્રૌપદીએ પાંચેય પાંડવો જોડે લગ્ન કરવાં પડ્યા હતાં. આ બધું તો તમે જાણતા જ હશો એટલે ટૂંકમાં પતાવામાં જ ભલાઈ છે.

એક દીવસ બ્રહ્મશ્રી નારદ ફરતા ફરતા પાંડવોની રાજધાની ઇન્દ્રપ્રસ્થઁમાં આવી પહોંચ્યા અને પાંડવોને કહ્યુ કે તમે ભાઇઓ એક એવો નિયમ બનાવી લો કે દ્રૌપદીને લીધે તમારાં ભાઇઓ વચ્ચે ઝગડો થવાનો કોઈ અવસર ન આવે. અને આ વાત સારી રીતે સમજાવા માટે નારદજી એ પાંડવોને એક વાર્તા સંભળાવી. જે આ પ્રમાણે હતી.

પુર્વકાળમાં હિરણ્યકશીપુનાં વંશમાં નીકુમ્ભ નામનો મહાબલિ દૈત્ય હતો. તેનાં બે પુત્રો હતાં, શુણ્ડ અને ઉપશુણ્ડ. બન્ને ભાઇઓ શક્તિશાળી, પરાક્રમી અને ક્રૂર સ્વભાવનાં હતાં. તેં બન્ને ભાઇઓ એકબીજા વગર ન ખાતા હતાં ન ક્યાંય જતાં હતાં. આ બન્ને ભાઇઓએ ત્રણેય લોકો પર વિજય મેળવવાની ઈચ્છાથી વિધ્યાંચલ પર્વત પર જઇને તપસ્યા આરંભ કરી. તેઓની આ કઠોર તપસ્યા જોઇ પરમ પિતા બ્રહ્માજી વરદાન આપવા પ્રકટ થયા. ત્યારે શુણ્ડ અને ઉપશુણ્ડે પહેલાં બ્રહ્માજી પાસે અમર થવાનું વરદાન માંગ્યું હતું, જે બ્રહ્માજીએ આપવાની નાં પાડી હતી. ત્યારબાદ તેઓએ વરદાન માંગી લીધું હતું કે તેઓ સંસારમાં કોઈપણ પ્રાણી દ્રારા ન માર્યા જાય. તેઓ જ્યારે પણ માર્યા જાય ત્યારે એકબીજાનાં હાથોથી જ માર્યા જાય. વરદાન મળ્યા પછી બન્ને ભાઈ ત્રણેય લોકોને જીતવા નીકળી પડ્યા હતાં....

વધું આવતાં અંકે.......