Dhanushkodi books and stories free download online pdf in Gujarati

ધનુષકોડી

"ધનુષકોડી", તમિલનાડુના પંબન દ્વીપ પર વસેલ એક એવું ગામ જે લગભગ ૫૦ વર્ષ પહેલાં નષ્ટ થઈ ગયું હતું અને અત્યારે પોતાના અસ્તિત્વની સાબિતી માટે ઝઝૂમી રહ્યું છે.

જ્યારે આ સ્ટોરી લખવાનું વિચારી રહી હતી ત્યારે મે નહોતું વિચાર્યું કે હું જે ગામની કે સ્થળની કલ્પના કરી રહી છું તે એક વાસ્તવિકતા છે. મારી કલ્પનામાં રહેલ ગામની સ્થિતિ કેવી હોય છે, જેથી હું એનું વાસ્તવિક નિરૂપણ કરી શકું, એના માટે મે ઇન્ટરનેટ પર રીસર્ચ કરવાનું શરૂ કર્યું. તે દરમ્યાન મને ખરેખર એવાજ એક ગામ વિશે અને એના ઇતિહાસ વિશે ખુબજ રસપ્રદ અને અગત્યની માહિતી મળી આવી.

અહી મે "અર્ણવ" ના મારા કાલ્પનિક પાત્ર સાથે એક વાસ્તવિક ગામની સત્ય કહાની દર્શાવવાની કોશિશ કરી છે. મારાથી અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો. પણ જેમ જેમ હું આ ગામના ઇતિહાસ વિશે વાંચતી ગઈ અજાણતા હું પણ જાણે એની સાથે જોડાઈ રહી છું.

મારી આ કહાની "ધનુષકોડી" ની સચ્ચાઈ માટે એક તર્પણ છે.



*********************************

તે ધરતી ઉપર પગ પડતાજ શાંતિની એક અજબ લહેર એના પૂરા શરીરમાં પ્રસરી ઊઠી. હજુ ઘડી પહેલા જે ઉચાટ અને મનોવ્યથાના વાદળો એના મનમાં છવાયેલા હતા, તે જાણે એક પળમાં વિખરાઈ ગયા. કઈક એવું હતું આ ધરતીની માટીમા જેના સ્પર્શ માત્રથી એનું સમગ્ર અસ્તિત્વ જાણે પરમ શાંતિ અનુભવી રહ્યું. કલાકોના કલાકો સુધી રઝળતી એ સ્ત્રી પોતે પણ જાણતી નહોતી તે કેટલા દિવસોથી પ્રવાસ કરી રહી હતી. એના પગમાં છાલા પડી ગયા હતા, જોરજોરથી હાંફતી તે ઊંડા શ્વાસ ભરી રહી હતી. પણ ભીતરમાં પડેલા ઘા આગળ આ બાહરી ઘા એના માટે જાણે કઈ નહોતા.

સ્વાર્થી દુનિયાથી દુભાયેલી બધું છોડી ભાગી આવી હતી તે. પણ આ જગ્યા, આ ગામમાં આવતાં જ જાણે એને સુકુન મળ્યું હતું. પોતાની બધી તકલીફ હવામાં ઓગળતી જતી હતી અને આ માટીની મહેક એના શ્વાસમાં ભરતી તે રસ્તા વચ્ચે જ બેસી ગઈ અને એક મનોહર દૃશ્ય એની નજરોમાં છવાઈ ગયું.

પાતળી પટ્ટી જેવી કાચી સડક, ઠેર ઠેર ઉગેલા નાના મોટા વૃક્ષોની શૃંખલા, સડકની બંને બાજુ લહેરાતો મદમસ્ત એવો ઘૂઘવાટ કરતો દરિયો, છેક દૂર ક્ષિતિજે દેખાતું સમી સાંજનાં કેસરી રંગોથી રંગાયેલું આકાશ જેમાં ડૂબી રહેલ સૂરજ જાણે દરિયામાં સમાઈ જવા આતુર હતો. આટલું સુંદર દ્રશ્ય એણે ક્યારે નહોતું જોયું.

"મા...મા....." અચાનક એના કાનોમાં દૂર દૂરથી કોઈ અવાજ પડઘાઈ રહ્યો, એ ભલે દૂરથી આવી રહ્યો હતો પણ જાણે એવું લાગ્યું એના અંદરથી જ ક્યાંક બહાર નીકળવા મથી રહ્યો હતો. તે અવાજ ધીરે ધીરે એની નજીક, વધુ નજીક આવી રહ્યો હતો. એક ધૂંધળી આકૃતિ એક ટપકાંમાથી વધુ ને વધુ મોટી થઈ રહી હતી. એના હાથ આપોઆપ એ આકૃતિને પોતામાં સમાવી લેવા પહોળા થઈ ગયા.

"મા, ચાલ ને દરિયે રમવા જઈએ" એજ અવાજ એના કાનોમાં ફરીથી ગુંજી ઉઠ્યો. એક નાનકડું બાળક એના હાથ ખેંચી રહ્યું હતું.

ત્યાજ ફરી અચાનક આખું દ્રશ્ય બદલાઈ ગયું. દરિયા કિનારે વસેલા એ ગામમાં ખુબજ સાદા પણ સુંદર બનાવેલ ઘરના આંગણામાં બેઠેલી પોતાને જોઈ રહી. હજુ હમણાં તો આ ગામમાં આવી હતી, પણ વર્ષોથી આં ગામ પોતાના સાથે જોડાયેલું એને લાગ્યું. અને આ બાળક, જે એને મા કહી બોલાવી રહ્યું હતું, ફરી એનો હાથ ખેંચતો નાનકડા ગામની બહાર આવેલ એજ પાતળી સડક ઉપર લાવીને ઉભો રહ્યો. સાંજની જગ્યાએ સવારની સોનેરી કિરણોથી આખું આકાશ છવાઈ ગયું હતું, અને નીરવ શાંતિનું સ્થાન લોકોની કિલકારીએ લીધું હતું. એની આસપાસ ખુશખુશાલ જીવન ધબકી રહ્યું હતું.

પોતાનામાથી નીકળી એક સ્ત્રી જાણે ક્યારેક તે બાળકની સાથે આનંદ માણતી દરિયા કિનારે દોડી રહી, તો ક્યારેક ગામમાં આવેલ પોતાના ઘરમાં તે બાળક સાથે સંતાકૂકડી રમી રહી હતી. તો ક્યારેક ગામમાં રહેલ બાળકોને ભણાવતી તો ક્યારેક ત્યાં વસેલા લોકો સાથે ખુશખુશાલ વાતો કરી રહી.

પેલું બાળક, દરિયો અને બધાની કેન્દ્ર રહેલ આ ગામ અને ત્યાં વસતા લોકો, બધું એની આસપાસ ફરવા લાગ્યું. જાણે ધીરે ધીરે બધું એક મોટા ચક્રવાતમાં ફેરવાઈ ગયું. ગામ, દરિયો, ગામ લોકોની આંખો જાણે બધું એને પોકારી રહ્યું હતું એને કઈક કહેવા મથતું હતું. એના પેટમાં આંટી વળવા લાગી, એની છાતી ઉપર કોઈ ભાર એની ભીંસ વધારી રહ્યો હતો જેનાથી એનો શ્વાસ રુંધાવા લાગ્યો. એની સમગ્ર ચેતના જાણે હણાઈ રહી હતી અને અચાનક બધું એની આરપાર નીકળી ગયું અને તે સફાળો જાગી ગયો. એની આંખો ખુલી ગઈ પણ આ સ્વપ્ન હજુ પણ એના દીલોદિમાગ ઉપર હાવી હતું.

પોતાને જ સવાલ પૂછતા તેના મૌન શબ્દો વહી રહ્યા.

"કેમ મને જ આ સ્વપ્ન આવે છે, આ સ્ત્રી કોણ છે? આ દરિયો આ ગામ, ગામના લોકોની આંખોમાં શું છે?" જે એને પોતાની પાસે ખેંચવા મજબૂર કરી રહ્યું છે. આ સવાલ એને હજારો વાર થયા છે જ્યારે જ્યારે આ સ્વપ્ન એને આવ્યું છે.

અર્ણવ વિલ્સન, ન્યુયોર્ક શહેરના સૌથી ધનિક કહેવાતા જ્હૉન વિલ્સનનો એક લૌતો વારસદાર. 28 વર્ષનો ખુબજ સોહામણો યુવાન. ગોરો વાન, મજબૂત બાંધો, અને બ્લુઇસ રંગની આંખો જાણે એમાં સમુદ્ર લહેરાતો હોય એવું લાગે. એના આકર્ષક વ્યક્તિત્વ પાછળ ન્યુયોર્ક શહેરની ઘણી રૂપલલનાઓ મોહિત હતી. પણ આટલા મોટા શહેરમાં ઉછર્યો હોવા છતાં અર્ણવ નખશિખ પૂરો ભારતીય સંસ્કૃતિથી રંગાયેલ હતો. પોતાના અસ્તિત્વના મૂળથી બેખબર તે ક્યારે સમજી શકતો નહીં કે એક વિદેશી હોવા છતાં પોતાનું નામ એના માતા પિતાએ ભારતીય કેમ રાખ્યું. અને તે દેશ, ત્યાંની સંસ્કૃતિ પ્રત્યે એને આટલો લગાવ કેમ છે? જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે એની માતા કેલી વિલ્સન અસાધ્ય રોગથી મૃત્યુ પામ્યા હતા, અને જ્યારે તેણે પોતાના પિતા પાસેથી એનું નામ ભારતીય રાખવા પાછળ કારણ જાણવા પ્રયત્ન કર્યો, એમણે તેની પાછળ એની માતાની મરજી ગણાવી હતી.

મહત્વકાંક્ષી અર્ણવ 20 વર્ષ પૂરા થતા સુધી તો પિતાના બિઝનેસમાં જોડાઈ ગયો અને પોતાની હોંશિયારી અને કુનેહથી ખૂબ જલ્દી આગળ આવી ગયો હતો. એની મહેનત અને ખંતથી એનો બિઝનેસ અનેક દેશોમાં વિસ્તર્યો હોવાથી ઘણા બધા દેશોની ભાષા તે જાણતો હતો. આટલી બધી પ્રસિદ્ધિ મળવા છતાં તે ખૂબ અંતર્મુખી હતો અને લોકો સાથે ખુબજ ઓછો ભળતો. એના મિત્રો પણ લગભગ નહિવત હતા.

ખૂબ નાની ઉંમરમાં આટલો આગળ આવનાર અર્ણવ આટલો ધીરગંભીર અને બહારની દુનિયાથી કેમ અલિપ્ત છે તે કોઈ નહોતું જાણતું. અર્ણવ ક્યારે કોઈને પોતાની એટલી નજીક નહોતો આવવા દેતો. પોતાના આવા હોવાનું કારણ ફક્ત તે જ જાણતો હતો.

નાનો હતો ત્યારથી એને અજીબ અજીબ સ્વપ્ન આવતા હતા. ક્યારથી એતો એને પણ યાદ નહોતું, પણ જેમ જેમ તે સ્વપ્ન એને આવતા ગયા એનું મન વધારે મૂંઝાવા લાગ્યું હતું.

બસ ફરી ફરીને એક જેવાજ સ્વપ્ન એને લગભગ રોજ આવતા. ક્યારેક ધૂંધળા તો ક્યારેક વરસાદ પછીના ઉઘાડ જેવા અમુક દ્રશ્યો એના મસ્તિષ્ક ઉપર હાવી થઈ જતાં હતાં. અને છેલ્લે એની આગળ ઉપસ્થિત થતા ગામના નાના બાળકો, વૃદ્ધો, યુવાનો, અને પેલી સ્ત્રી, બધા એને વીંટળાઈ વળતા. જાણે દૂર દૂરથી આવતા એમના અસ્પષ્ટ કેટલાય અવાજ એને સંભળાયા કરતા. એ શું કહેતા એતો એને સમજાતું નહિ પણ એમની આંખો, જાણે એની ચેતનાને ખેંચી એમની તરફ બોલાવી રહી હોય એવું અર્ણવને લાગતું. કોઈ અલગ વેદના અને ભાવ એમની આંખો અને મોં ઉપર તરવરી રહેતા. પણ અર્ણવ ક્યારે એને આવતા આ સ્વપ્નોની વાત ન કોઈને કહી શક્યો ન એનું કારણ જાણી શક્યો, પણ એની અસરને કારણે તે વધારે ગંભીર અને ઓછાબોલો બનતો ગયો. એ જગ્યા અને તે માટીની મહેક એનામાં એટલા સમાઈ ગયા હતા કે, ઘણીવાર ન્યુયોર્ક જેવા ભરચક શહેરમાં હોવા છતાં, જે જગ્યાએ પોતે ક્યારે ગયો નહોતો કે તે ક્યાં આવીછે તેની જાણ ન હોવા છતાં તે ત્યાં પહોંચી જતો જોતો અને ખુદ એ ધૂંધળી ઘટનાઓનો હિસ્સો હોય એવું મહેસુસ કરતો. શરીરથી તો એ ન્યુયોર્કમાં રહેતો પણ એની આત્મા જાણે એ અજાણ્યા ગામમાં ભટકતી ફરી રહી હતી.

એણે ખૂબ પ્રયત્નો કર્યા પોતાના સ્વપ્નોમાં ઉપસી આવતા એ ગામને ઈન્ટરનેટ ઉપર શોધવાની, પણ એના દરેક પ્રયત્ન નિષ્ફળ નિવડતા. પોતાના સ્વપ્નોમાં અટવાયેલ અર્ણવના જીવનમાં વધુ એક તોફાન રાહ જોઈ રહ્યું હતું પણ છેવટે એજ તોફાન અર્ણવને એના અસ્તિત્વના મૂળ સુધી પહોંચાડવાનું હતું.

અર્ણવના પિતા જ્હૉન વિલ્સન એક રાતના સૂતા પછી સવારે ઉઠ્યા જ નહિ. ઊંઘમાં જ હૃદયરોગનો હુમલો થતા એમનું મૃત્યુ થયું. મૃત્ય બાદની બધી વિધિ પૂર્ણ કર્યા બાદ એના વકીલે એના પિતાએ બનાવેલ વિલની સાથે એક બંધ કવર આપ્યું. તે ખોલતા એમાં એક પત્ર હતો, તે બહાર નિકાળવા જતા ગળામાં પહેરવામાં આવતી એક સોનાની ચેઈન લસરી પડી. એમાં હૃદય આકારનું એક પેન્ડન્ટ હતું. તે ખોલતાં જ એમાં રહેલી બે તસ્વીર ઝળકી ઊઠી. એક તસવીરમાં નાનો બાળક હતો જેની આંખો તદ્દન એના જેવી બ્લુઈસ હતી, અને બીજી તસ્વીર એક સ્ત્રીની હતી. અસમંજસમાં મુકાયેલ અર્ણવ પત્ર હાથમાં લઈ વાંચવા લાગ્યો.


મારા વ્હાલા દીકરા, આ ચિઠ્ઠી તું વાંચી રહ્યો હોઈશ ત્યારે હું આ દુનિયામાં નહિ હોઉં. કેમકે મારા જીવતા હું ક્યારેય તને તારા જીવનનું એ સત્ય કહી નથી શકવાનો જે મે અહી લખ્યું છે. તારા પ્રેમ અને તારી મા એ આપેલ વચનને કારણે હું ક્યારે તને તારી સચ્ચાઈ કહી ના શક્યો, તેના બદલ બની શકે તો તારા આ પાલક માતા પિતાને માફ કરી દેજે.

આટલું વાંચતાં જ અર્ણવના પગ તળેથી જમીન જાણે સરકવા લાગી, અને એના હાથ ધ્રુજી ઉઠ્યા. પણ મનને મક્કમ કરી તે પત્ર આગળ વાંચવા લાગ્યો.

આજથી ૨૫ વર્ષ પહેલાં હું ને તારી મા દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા. ત્યા દક્ષિણ પૂર્વમાં આવેલ રામેશ્વરમમાં હતા ત્યારે ત્યાં દરિયામાં ભયાનક ચક્રવાત આવ્યું હતું. અમે ઊંચાળવાળા વિસ્તારમાં હોવાથી બચી ગયા પણ બાકી આસપાસના ઘણા વિસ્તારોમાં ખૂબ નુકશાન અને જાનહાનિ થઈ હતી. બધું શાંત પડતા અમે પણ બચાવ કામગીરીમાં લાગ્યા હતા. ત્યાં અમને ત્રણેક વર્ષનો ખુબજ સુંદર બાળક બેભાન અવસ્થામાં મળ્યો. તે ભાનમાં આવતા એટલા આઘાતમાં હતો કે ક્યાંનો છે અને કોણ છે એને કંઇજ યાદ નહોતું. ઘણી તપાસ કરવા છતાં તે બાળકનું નામ અને ગામની કોઈજ માહિતી ન મળી. અમને બંનેને તે બાળક ખુબજ પોતીકું લાગવા લાગ્યું હતું એટલે અમે તેને દત્તક લઈ લીધું અને અહી અમારી સાથે લઈ આવ્યા. તે બાળક એટલે તું મારો દીકરો, મારો વારસદાર. તારું નામ પણ અમે ભારતીય એટલે જ રાખ્યું હતું, અને સમુદ્રના તે વિનાશને કારણે અમને મળ્યો એટલે તારું નામ અર્ણવ રાખ્યું.

આ પત્રની સાથે એક ચેઈન અને એમાં રહેલ એક પેન્ડન્ટ મૂક્યું છે, જે તું મળ્યો ત્યારે તારા ગળામાં પહેરાવેલ મળ્યું હતું. એમાં તારી સાથે એક સ્ત્રીની તસ્વીર છે, કદાચ તારી સાચી મા હશે.

તારાથી આટલી મોટી હકીકત આજ સુધી છુપાવી, એના માટે હું તારો ગુનેગાર છુ. છતાં અમને તારા હૃદયમા માતા પિતાનું સ્થાન આપજે એ ઈચ્છા સાથે તારી વીદાય લઉં છું.

✍️તારો પિતા
જ્હૉન વિલ્સન


આખો પત્ર વાંચતા સુધીમાં અર્ણવની આંખોમાંથી વહેતા આંસુઓથી પત્ર પૂરો ભીંજાઈ ગયો હતો. આટલું મોટું સત્ય આમ જાણવા મળશે એની તેને કલ્પના સુદ્ધાં નહોતી. પણ એને પોતાના પાલક માતા પિતા વિરુદ્ધ કોઈ ફરિયાદ નહોતી રહી. તે ચેઇન એણે ગળામાં પહેરી લીધી.

અર્ણવના હાથમાં રહેલ પત્રમાં એના ધૂંધળા સપનાઓ જાણે એક પછી એક સ્પષ્ટ થઈ રહ્યા હતા અને વર્ષોથી તડપતા એના અસ્તિત્વને જાણે એક સત્ય મળી રહ્યું હતું. બધી કડી જોડતા તે સમજી ગયો હતો, સપનામાં આવતી પેલી સ્ત્રી જરૂર એની માતા હશે, નાનો બાળક તે પોતે, અને એનું ગામ કોઈ દરિયાની આસપાસ હતું પણ એને સમજાઈ નહોતું રહ્યું કે સપનામાં દેખાતું એ ગામ, ત્યાંના એ લોકો, નાના નાના બાળકો, દરેકની આંખો જાણે એને શું કહી રહી હતી? તે સ્ત્રી સિવાય એવું શું હતું તે ગામમાં જે એને આટલી તીવ્રતાથી એના તરફ બોલાવી રહ્યું હતું?

"મારે ઇન્ડિયા જઈ હવે આ વાતની જડ સુધી પહોંચવું પડશે", વિચારતો અર્ણવ જે પહેલી એરલાઈનની ટિકિટ મળી તે લઈ ઇન્ડિયા જવા નીકળી ગયો.

અર્ણવનું પ્લેન જ્યારે મદુરાઇ એરપોર્ટ ઉપર લેન્ડ થયું ત્યારે સૂરજ ઢળવા આવ્યો હતો. ત્યાંથી રામેશ્વરમ જવા માટેની ટ્રેન પકડવા તેણે રેલ્વે સ્ટેશન માટેની ટેક્સી ભાડે કરી લીધી.

રામેશ્વરમ નામ અને ગળામાં પહેરેલ લોકેટ બસ એની પાસે આ બે વસ્તુ હતી જે એને પોતાની હકીકત સુધી લઈ જઈ શકે એમ હતું. પણ આટલા વર્ષો પહેલા થયેલ ઘટનાની કડી તે સાંકળી શકશે કે નહિ એની જાણ તો એને પણ નહોતી. છતાં અર્ણવે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી દક્ષિણ પૂર્વના ખૂણે ખૂણા નહિ ફેંદીવળે ત્યાં સુધી તે હાર માનશે નહિ.

પંબન બ્રિજ પરથી ટ્રેન પસાર થતાજ બ્રિજની બંને તરફ વહેતા દરિયાની લહેરો અને ત્યાંની માટીની એક અલગજ સુગંધથી અર્ણવનું રોમરોમ પુલકિત થઈ રહ્યું હતું. ઝડપથી દોડી રહેલ ટ્રેનની સાથે એના અંતરમાં ફરીથી પેલા દૃશ્યો તરવરી રહ્યા હતા. પણ આ વખતે તે ધૂંધળા દૃશ્યો વઘુ સ્પષ્ટ થઈ રહ્યા હતા.

રામેશ્વરમ મંદિરના સંકુલમાં પગ મુકતાની સાથે પૂરા બે દિવસની મુસાફરીનો થાક જાણે સાવ ઉતરી ગયો એવું અર્ણવ અનુભવી રહ્યો. બહારથી જ એ અર્વાચીન એવા બેનમૂન આધ્યાત્મિક લાગતા રામેશ્વરમ મંદિરની ભવ્યતાથી અંજાઈ ગયો. આ મંદિર અને જગ્યા એને ક્યારેય સપનામાં નહોતા આવ્યા પણ જાણે આં જગ્યાનો એક એક ખૂણો એને પરિચિત લાગી રહ્યો હતો. જાણે કેટલીય વાર અહી આવ્યાના એના પગલાના અદ્રશ્ય નિશાન એના એક એક કદમ પડતા દ્રશ્યમાન થઈ રહ્યા હતા.

પોતાની મા અને ગામની શોધ ક્યાંથી અને કેવી રીતે કરવી એમાં પૂરો એક દિવસ નીકળી ગયો એનું અર્ણવને ધ્યાન પણ ન રહ્યું. આખરે ત્યાં મંદિર આગળ વસતા વયસ્ક સાધુઓને મળીને આજથી ૨૫ વર્ષ પહેલા રામેશ્વરમમાં આવેલ ચક્રવાત વિષે કોઈને જાણકારી છે કે નહિ તે જાણવા પ્રયત્ન કરવા લાગ્યો. અને સાથે સાથે ગૂગલ ઉપરથી તે ચક્રવાત દરમિયાન અસરગ્રસ્ત થયેલા વિસ્તારો વિષે માહિતી મેળવવા લાગ્યો એમાંથી ઘણાબધા વિસ્તારોના ફોટા એક પછી એક ફોટો જોવા લાગ્યો. પણ એકપણ ફોટો એને જાણીતો ન લાગ્યો.

અર્ણવનો બીજો એક દિવસ પણ આમજ નીકળી ગયો છતાં હજુ પણ એને કોઈ માહિતી નહોતી મળી. કેટલા દિવસથી એને કંઈ ખાધું હતું કે નઈ તે પણ યાદ નહોતું. એક બાજુ ભૂખ તરસ અને થાક એના શરીર ઉપર વર્તાવા લાગ્યા હતા તો બીજી તરફ એના મસ્તિષ્કમાં પેલા પડછાયા હાવી થઈ રહ્યા હતા. એના શરીરના એક એક અણુ છૂટા પડી જાણે પોતાની દિશા શોધી રહ્યા હતા. ધીરે ધીરે અર્ણવની આંખો આગળ અંધારા છવાઈ ગયા અને તે બેભાન થઈ ઢળી પડ્યો.

આંખો ખુલી ત્યારે તે કોઈ નાનકડા ઝુંપડી જેવા ઘરમાં સુતો હતો.
એની સામે એક વૃદ્ધ બેઠા હતા. અર્ણવે ઊભા થવાની કોશિશ કરી પણ અશક્તિને કારણે તે ઉભો ન થઇ શક્યો.

"અરે બેટા સાચવીને, હજુ તને આરામની જરૂર છે." પેલા વૃદ્ધ ચિંતા સાથે બોલ્યા.

"તમે કોણ છો? અને હું અહી કેવી રીતે આવ્યો?" અર્ણવ આસપાસ નજર ફેરવી પોતે ક્યાં છે તે જાણવા મથી રહ્યો હતો.

અર્ણવની બ્લૂઈસ આંખો જોતાજ જાણે તે વૃદ્ધની આંખોમાં એક અલગ ચમક આવી ગઈ પણ સ્વસ્થ થતાં એણે પૂછ્યું,

"બેટા મારું નામ આમુધ છે, હું અહી રામેશ્વરમમાં જ રહું છું.
તું મને અહી મંદિર પાસે બેભાન પડેલો મળ્યો, મે તને છેલ્લા બે દિવસોમાં અહી બે ત્રણ વખત જોયો હતો, મને તું ચિંતિત અને કોઈ શોધમાં હોય એવું લાગે છે. તું મને કહી શકે છે, કદાચ હું તને કોઈ મદદ કરી શકું."

કેવીરીતે વાતની શરૂઆત કરવી એની અર્ણવને સમજ નાં પડી પણ તે વૃદ્ધની આંખો એને પરિચિત લાગી રહી અને એના ધૂંધળા સપનાથી લઈને એના પિતાના પત્ર સુધી દરેક ઘટનાઓ આપોઆપ એક પછી એક દરેક વાત તેના મુખથી વહી રહી.


"ધનુષકોડી...." અર્ણવની વાત ખતમ થતાની સાથેજ આં નામ વૃદ્ધના મોંમાંથી સરી પડ્યા.

"શું.... શું બોલ્યા તમે? શું છે આ ધનુષકોડી? મને કંઈ સમજાયું નહિ."

પેલા વૃદ્ધને હવે આ અજાણ્યા યુવક અને એની બ્લૂઈશ આંખો જોઈ પોતાને કેમ જાણીતી લાગણી થઇ આવી હતી તે સમજાયું. અને એની વાતો પરથી હવે એમને પૂરી વાત સમજાઈ ગઈ.

"શું હું તારું પેલું પેન્ડન્ટ જોઈ શકું છું?"

અર્ણવે તરત ગળામાં પહેરેલી ચેઇન ઉતારી બેઝિઝક પેલા વૃદ્ધના હાથમાં રાખી દીધી.

એમાં રહેલ પેન્ડન્ટ ખોલતાં જ દેખાયેલ તસવીરો જોઈ પેલા વૃદ્ધના કાંપતા હાથોમાં જાણે નવું જોમ આવ્યું અને ખુશીના અતિરેકથી એમણે અર્ણવને ગળે વળગાડી દીધો.એમના હર્ષાશ્રુથી અર્ણવનો ખભો ભીનો થવા લાગ્યો.

દીકરા આખરે તું પણ તારી માની જેમ અમારા ગામની ખુશીઓ પાછી લાવવા માટે આવી ગયો. મને વિશ્વાસ હતો ભગવાન ઉપર અને અમારા ગામના નસીબ ઉપર તું જરૂરથી એક દિવસ પાછો આવીશ અને અમારા ગામનો ઉધ્ધાર કરીશ.

"તમે આ શું કહી રહ્યા છો? મને કંઈ જ સમજાતું નથી. તમારું ગામ, મારી મા, આં બધું શું છે?"

"દીકરા બેસ મારી પાસે, હું કહું તને બધી વાત." અર્ણવની આંખોમાં વ્યાકુળતા જોઈ વૃદ્ધ બોલ્યા.

આજથી ૨૫ વર્ષ પહેલાં આજ રામેશ્વરમમાં મોટું ચક્રવાત આવ્યું હતું. એમાં પંબન દ્વીપમાં આવેલા કઈ કેટલાય નાના ગામ અને દ્વીપ સમગ્ર વિનાશ પામ્યા હતા. એમાંથી એક ગામ તે ધનુષકોડી,
આપણા બંને ની જન્મભૂમિ.

ભારતના આખરી છેડે વસેલું, જેની એક તરફ બંગાળની ખાડી અને બીજી તરફ હિંદ મહાસાગર વહે છે એવું ધનુષકોડી ગામ, જે વર્ષો પહેલા ખુશખુશહાલ લોકો અને મોટા મોટા માલવાહક જહાજોથી ધમધમતું હતું. કુદરતનું અનુપમ સૌંદર્ય પામ્યું હતું આપણું ગામ. લગભગ ૩૦ જેવા વર્ષો પહેલા એક ઢળતી સાંજે ખબર નહિ પણ કોઈ મુસીબતની માર્યી યુવતી ક્યાંકથી આવી પહોંચી. હું ત્યારે તારાથી થોડો એવો વધારે ઉંમરવાળો હોઈશ કદાચ. પણ મને બધું બિલકુલ યાદ છે તે દિવસ.

અમે માછીમારી કરીને પાછા ઘર તરફ જઈ રહ્યા હતા ત્યાંજ દરિયા વચ્ચે આવેલ સડક ઉપર અમને એક યુવતી બેભાન અવસ્થામાં મળી આવી હતી. એ યુવતી તે સમયે ગર્ભવતી હતી.
અમે એને મારા ઘરે લઈ ગયા હતા, મારી મા અને પત્નીએ મળીને એની સારવાર કરી.

જ્યારે તે ભાનમાં આવી ત્યારે એની આંખોમાં રહેલ શરમ, સંકોચ અને દર્દને જાણી નાતો અમારામાંથી કોઈએ તેને કઈ પૂછ્યું નાતો તેણે અમને ક્યારેય એના વિશે કે એના ઘર પરિવાર વિશે કંઈ કહ્યું. ગામના બધા લોકોએ એને એની પરિસ્થિતિ સાથે સ્વીકારી લીધી હતી.

તે ખુબજ સુંદર હતી અને તારી આં આંખો પણ એના જેવીજ હૂબહૂ છે. અંગ્રેજી તો તે ખુબજ સરસ રીતે બોલતી. સાજી થયા બાદ પણ તે અમારા ગામમાં એક નાનકડા ઘરમાં રહી ગઈ. તે એટલી માયાળુ અને મળતાવડા સ્વભાવની હતી કે ધનુષકોડીમાં રહેતા એક એક વ્યક્તિની તે બહેન અને દીકરી બની ગઈ હતી જાણે. ગામમાં કોઈ શાળા નહોતી. પણ તારી માના આવ્યા બાદ તેણે ગામના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું અને સાથે અમને મોટાઓને પણ જરૂરી અક્ષરજ્ઞાન આપતી. એના આવ્યા બાદ જાણે પૂરા ગામની રોનક બદલાઈ ગઈ હતી. અને થોડાજ મહિના બાદ તારો જન્મ થયો. તારા જન્મ વખતે તો આખું ગામ ગાંડુ થયું હતું. ઘેર ઘેર મિષ્ઠાન્ન અને અનેક પકવાન બન્યા હતા. દરિયાની દેન હતો તું એટલે તારું નામ અમે બધાએ સાગર પાડ્યું હતું. આખા ગામનો લાડકો હતો તું. તારી માની જેમ તારામાં પણ ખૂબ આભા હતી, એટલે અમને બધાને તારાથી ખૂબ મોટી આશા હતી કે તું મોટો થઈ જરૂર આં ગામ અને એના વિકાસ માટે કઈક કરીશ.

દિવસો પાણીની જેમ વહી રહ્યા હતા. પણ કુદરતને જાણે અમારા સપનાઓ મંજૂર ન હોય એમ એકરાત્રે એનો પ્રકોપ તૂટ્યો. આજ રામેશ્વરમ સમુદ્રમાં ખૂબ ભયાનક ચક્રવાત આવ્યુ અને એની ભયાનકતા એટલી હતી કે લોકોને પોતાની જાન બચાવવા માટે વિચારવાનો પણ સમય ન મળ્યો.તે તોફાનમાં આખું ધનુષકોડી ગામ દરિયામાં ગરકાવ થઈ ગયું. હું અને મારો પરિવાર ઉંચાળવાળા વિસ્તારમાં હતા જેથી બચી ગયા. ખૂબ ઓછા લોકો બચ્યા હતા આપણા ગામના. મે મારી નજરો સમક્ષ આખું ગામ દરિયામાં ડૂબતું જોયું હતું. કેટલાક લોકોએ તારી માને છેલ્લા શ્વાસ સુધી બની શકે એટલા લોકોને બચાવતાં જોઈ હતી. પણ તારી ખબર કોઈને નહોતી. ત્યારબાદ હું મારા પરિવાર સાથે અને બીજા થોડા ઘણા બચેલા લોકો સાથે અહી જ રામેશ્વરમ રહેવા લાગ્યા. આટલું કહેતા તે વૃદ્ધની નજરે આખો ભૂતકાળ જાણે ફરી વહી રહ્યો.

"કાકા, મને મારી જન્મભૂમિ લઈ ચાલો", આંસુઓથી છલકાતી આંખે અર્ણવ આટલું માંડ બોલી શક્યો.

તરતજ વૃદ્ધ અને અર્ણવ એક ટેક્સી કરી ધનુષકોડી જવા નીકળી ગયા. આખા રસ્તે ન અર્ણવ કઈ બોલી શક્યો ન વૃદ્ધ.

ધનુષકોડી પહોંચતા જ અર્ણવ ગાડીમાંથી નીકળી ગયો અને એના કદમો આપોઆપ એ રસ્તા ઉપર આવી ઊભા જ્યાંથી એની માની આ ભૂમિ ઉપર સફર ચાલુ થઈ હતી. એના સ્વપ્નોમાં આવતો એજ પાતળો સાંકડો રસ્તો, બંને તરફ વહેતો એજ દરિયો, તે ત્યાજ રસ્તા ઉપર બેસી ગયો અને પોતાની બાંહો ફેલાવી જાણે દરિયામાંથી આવતી મહેક ખુદમાં ભરી રહ્યો. વર્ષોની એની તલાશ આજે ખતમ થઈ હતી. એક સુકુન મળ્યું હતું એને આજે. આ માટી જેના કણ કણમાં એની માની હયાતી હતી. કંઈ કેટલાય વર્ષોથી તે તડપી રહ્યો હતો, અને આજે જાણે તે સ્વપ્નોની મંઝિલ એની સામે ઉભી હતી ત્યારે શું કરવું એને સમજાતું નહોતું.

કેટલાય સમય સુધી તે ત્યાં બેસી રહ્યો, અચાનક પેલા વૃદ્ધના હાથ એના ખભે પડતા તે ભાનમાં આવ્યો અને ઊભો થઈ તે વૃદ્ધને વળગી રડી પડ્યો.

બેટા ઊભો થા, જો આ ગામ અને ગામના લોકો, આજે એમને તારી જરૂર છે. છેલ્લા ૨૫ વર્ષોથી જેનું નામો નિશાન ભારતના નકશામાંથી ભૂંસાઈ ગયું છે. કોઈએ ત્યારબાદ પાછળ ફરીને આં ગામ તરફ જોયું નથી. સરકારને આ ગામ ને ફરી ઉભુ કરવાનો કોઈ રસ નથી. એમણે તો આ ગામને લોકોના રહેવા માટે અયોગ્ય ઘોષિત કર્યું છે, પણ મછવારા ક્યારેય પોતાના જન્મદાતા દરિયાને અને ગામને છોડે નહીં. હવે અહી માંડ ૩૦૦-૪૦૦ લોકો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. અહી નથી વીજળી કે નથી પાણીની સગવડ, નાતો દવાખાના જેવી પ્રાથમિક સુવિધાઓ.

આ ગામ અને ગામલોકોની આંખોમાં હજુ ક્યાંક કોઈ એવા માણસની તલાશ છે જે આવીને એમનો હાથ ફરીથી પકડશે અને એમના બાળકો અને આ ગામને ફરીથી વિકસિત કરી ફરીથી એની ઓળખ પરત કરશે. અને આજે એમનો ફરિસ્તો તારા સ્વરૂપે મળી ગયો. આખરે તારે અહીં આવવાના લેખ વિધાતાએ લખ્યા જ હતા.

અર્ણવને આજે ખુદના અસ્તિત્વ સાથે એનું ધ્યેય મળી ગયું હતું. એના ચહેરા ઉપર અજબ તેજ છવાઈ ગયું સાથે પેલી આંખો જે એને સ્વપ્નમાં આવીને પોતાના તરફ બોલાવી રહી હતી તે હજારો આંખોને જાણે એનું નૂર પાછું મળ્યું હતું.

અર્ણવ દોડીને ગામના દરેક રસ્તાઓ ફરી રહ્યો, જ્યાં જ્યાં એના કદમોના નિશાન મટી ગયા હતા તે દરેક જગ્યાએ તે નિશાન ફરીથી ઉગી નીકળ્યા હતા અને તેની સાથે સાથે દરેક પગલે સમૃધ્ધિની કુંપણ ખીલી ઊઠી.


🌱વર્ષોથી જે ધરા સૂકી પડી હતી,
જોયું આજે તો ત્યાં કુંપણ ખીલી હતી....🌱


✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)