Mehndi books and stories free download online pdf in Gujarati

મહેંદી


તેણે એની મહેંદી લાગેલી હથેળીને ચુંબન કર્યું, અને સ્મિત કરતા, સીમાની આંખમાં જોયું, તે શરમાઈ રહી હતી. હર્ષલે એનો હાથ પોતાના હાથમાં રાખ્યો, અને પ્રેમથી કહ્યું, "સીમા, તારા હાથમાં મહેંદી કેટલી શોભે છે, અને તારી સુગંધ સાથે મહેંદીની સુગંધ ભળી જતા, તારી હથેળીનો ભીનો સ્પર્શ, મને ગાંડો કરી મુકશે. એવું લાગે છે, કે બસ તારી મહેંદી લાગેલી હથેળીને નિહાળતો રહું."
આ સાંભળી, સીમાનું હૈયું હરખાય ગયું. "હર્ષલ, મને મહેંદી લગાડવી ખૂબ જ ગમે છે. આપણા લગ્નમાં હું કોણી સુધી લગાડીશ."
હર્ષલે કપાળે હાથ માર્યો અને ફરિયાદ કરી, "એટલે મારે આખી રાત મહેંદીમાં મારુ નામ શોધવામાં કાઢવી પડશે?" આ વાત ઉપર બંને હંસી પડયા.

ઘરના મોટાઓ એ એમનું સગપણ ગોઠવ્યું હતું, અને બંને ખુશ હતા. સગાઈના એક વર્ષ પછી, હવે વિવાહને ફક્ત ત્રીસ દિવસ બાકી હતા, તેથી સ્વાભાવિક છે કે બંને ને એક થવાની આતુરતા હતી. સમય ઝડપથી પસાર થઈ ગયો અને જોતજોતામાં લગ્નનો દિવસ આવી પહોંચ્યો. દુલ્હન બની, સીમા પાનેતરમાં સોળ શણગાર કરી તૈયાર થઈ રહી હતી, જ્યારે હર્ષલે એને ફોન કર્યો.
"સીમા, કેવી લાગે છે?"
"કોણ?"
"તું અને તારી મહેંદી."
સીમા શરમાઈ ગઈ અને ફોનમાં હર્ષલને કહ્યું, "એ તો તમે મને જોઈને કહેશો."
"અચ્છા કાંઈક હિંટ તો આપ, મારુ નામ મહેંદીમાં ક્યાં લખેલું છે."
"જરા પણ નહીં. થોડી મહેનત તો કરવી જ પડશે. બસ બસ, ફોન મુકો, જલ્દી મળીએ."

પણ નસીબના લેખ લખેલા કોણ ટાળી શકે?

* * * * *

બાજુના રૂમમાં બચ્ચાઓની દોડધામ અને કિલકારી કાનમાં પડતા, હર્ષલનું હૃદય ફરી કડીએ કડીએ કપાણું. જો સમયના પાસા સીધા પડ્યા હોત, તો આજે આ ખુશી એના અને સીમાના ઘરની રોનક હોત. પરંતુ, પાંચ વર્ષ પહેલાં, લગ્નના દિવસે મંદિર પહોંચતા પહેલા જ કાર અકસ્માતમાં સીમાનું અવસાન થઈ ગયું. એના મહેંદીવાળા હાથને લોહી લોહાણ જોઈને હર્ષલની આખી દુનિયા વેરવિખેર થઈ ગઈ. આજે વર્ષો પછી પણ એ કરુણાંત દુર્ઘટનાનો ઘાવ ભલે ભરાઈ ગયો હશે, પરંતુ તેનો દાગ હજી પણ હર્ષલના હૃદયમાં ક્યાંક ઊંડાણમાં વસી ગયો હતો.

હોલમાં હર્ષલની મમ્મી અને રાજકોટથી આવેલી તેની દૂરની બહેન, હીના વચ્ચે જે વાતચીત ચાલી રહી હતી, તેનાથી તે સાવ અજાણ હતો.
"સીમા સારી છોકરી હતી, અને એમના ભાગીદારની દીકરી હતી, એટલે મને હર્ષલના પપ્પાના નિર્ણય સામે નમવું પડ્યું. પણ હીના, મને ઘણી વાર વિચાર આવે છે, કે હર્ષલના લગ્ન તારી સાથે કર્યા હોત, તો આજે મારા દીકરાની જિંદગી ખુશખુશાલ હોત."
હીના ચૂપ રહેતા નજર નીચી કરી નાખી. હેતલ માસીના શબ્દોએ નવેસરથી જુના જખમ તાજા કરી નાખ્યા હતા. હેતલબેને હીનાનો હાથ પકડતા આગળ વાત વધારી, "હીના, તારી કસમે મને આટલા વર્ષ ચૂપ રાખી, પણ હવે મને એક વાત જાણવી છે. સાચું બોલજે."
"શું માસી?"
હેતલબેને આશાની સાથે પૂછ્યું, "તે હજી લગ્ન નથી કર્યા. તો શું તું આજે પણ હર્ષલને પ્રેમ કરે છે?"
હીના કોઈ જવાબ આપે, તે પહેલાં હેતલબેનને પોતાના શબ્દો ડંખવા લાગ્યા, "માફ કરજે દીકરી, હવે તને ક્યાં મોઢે પૂછું!"

હીનાએ હેતલબેનના ખભે હાથ મૂકીને ધીમેથી કહ્યું,
"માસી, જો હર્ષલ માની જાય, તો હું આજે પણ આ ઘરની પુત્રવધુ બનવા તૈયાર છું."
"હીના!! શું ખરેખર?"
એમણે હીનાના કપાળે ચુંબન કર્યું અને ઉલ્લાસથી એને આશીર્વાદ આપ્યો,
"જીવતી રહે દીકરી. હું આજે જ હર્ષલ સાથે વાત કરીશ."
"માસી, બસ એટલું ધ્યાન રાખજો, દબાણ નહીં કરતા. મને હર્ષલનો પ્રેમ બનવું છે, સમાધાન નહીં."
"હા હા. તું ચિંતા ના કર."

* * * * *

હર્ષલે ના પાડી દીધી, અને માં દીકરા વચ્ચે ખૂબ દલીલ થઈ. પણ રૂમની બહાર જતી વખતે હેતલબેન એવું કાંઈ બોલ્યા, કે હર્ષલ એના નિર્ણય પર વિચારવા માટે વિવશ થઈ ગયો.
"હર્ષલ, મરનાર સાથે મરી નથી શકતા, અને જીવતા લોકોની ઇચ્છઓને મારી પણ નથી શકતા. દુનિયામાં બહુ ઓછા લોકો હશે, જેને જીવનમાં સાચો પ્રેમ બે વાર નસીબ થાય. એની કદર કર."

ઘણું લાબું વિચાર્યા પછી, છેવટે હર્ષલ હીના સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો, પરંતુ લગ્ન પહેલા, એને એક વાર હીના સાથે વાત કરવી હતી.
"હીના, મને ખબર જ નહોતી, કે તું મને આટલા વર્ષોથી પ્રેમ કરે છે. આજે હું તારા પ્રેમને માન આપતા, એને સ્વીકારું છું. અને તને વચન આપું છું, કે સીમાની યાદોને આપણા વચ્ચે નહીં આવવા દઈશ. બસ, મારી એક વિનંતી છે."
"શું?"
"લગ્નના દિવસે મહેંદી નહીં લગાડજે."
હીનાને આઘાત લાગ્યો, પણ તે હર્ષલનું દુઃખ સમજતી હતી, અને તેની ખુશી માટે માની ગઈ.

તેમ છતાં, જ્યારે હેતલબેનને આ વાત ખબર પડી, તો તે હર્ષલ ઉપર વરસી પડ્યા,
"મહેંદી લગાડવું દરેક દુલ્હનનું ફક્ત સપનું નથી હોતું, એનો અધિકાર પણ હોય છે. મહેંદી તો એક લાડીની ગરિમા કહેવાય, એના માટે તું કેવી રીતે ના પાડી શકે? આ હીનાની મહાનતા છે, કે તે દુઃખ પી ગઈ અને ચુપચાપ માની ગઈ."

વિવાહના બે દિવસ પહેલા, હીનાના ઘરે ઘંટી વાગી. દરવાજો ખોલ્યો, તો એક સ્ત્રી હાથમાં ફૂલોનો ગુલદસ્તો અને એક પત્ર લઈને ઉભી હતી.
"નમસ્તે, હું સેજલ, મહેંદીવાળી. આ તમારા માટે છે."
હીના ચોંકી ગઈ અને સેજલને અંદર આવવાનું કહ્યું. પત્ર વાંચતા વાંચતા તે એકદમ ભાવુક થઈ ગઈ, અને દિલ આનંદિત થઈ ઉઠ્યું.

"વ્હાલી હીના,
જેનું નામ જ હીના હોય, એનાથી મહેંદી લગાડવાનો હક કેવી રીતે આંચકી શકાય? જો હું તારા પર કોઈ પણ બંધીશ મુકીશ, તો એનો અર્થ એ છે કે મેં તને સંપૂર્ણ પણે નથી અપનાવી. મારે એવું નથી કરવું. હું પોતાને તને સમર્પિત કરું છું. મારુ નામ તારી મહેંદીમાં શોધવાની આતુરતા રહેશે.
ફક્ત તારો,
હર્ષલ.

હીનાની મહેંદીના રંગની સાથે એના વિશ્વાસ અને પ્રેમનો રંગ એવો ચડ્યો, કે એનું અને હર્ષલનું આખું જીવન હર્ષોલ્લાસથી ભરાઈ ગયું.

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
________________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow Me On My Blog

https://shamimscorner.wordpress.com/