Micro Fiction Melo - 3 books and stories free download online pdf in Gujarati

માઈક્રોફિકશન મેળો - 3

હું સુંદર નથી?

એ થોડી શ્યામ હતી એટલે એને હંમેશા એવું થતું કે એ સુંદર નથી ને એનું નામ પણ શ્યામા હતું. ઘરમાં બધા એને શ્યામા નહીં પણ પ્રેમથી કાળી જ કહીને બોલાવતા.


શ્યામા એવરેજ છોકરી હતી. બીજી છોકરીઓની જેમ ટીપટોપ રહેવું એને ઓછું ગમતું. એ જે ઓફિસમાં કામ કરતી હતી ત્યાં બધી છોકરીઓ ટીપટોપ તૈયાર થઇને આવતી. કોર્પોરેટ ઓફિસમાં હોય છે એમ દરેક છોકરીનું ક્યાંકને ક્યાંક કોઈ ને કોઈ સાથે સેટિંગ હતુ સિવાય કે શ્યામા એટલે એને પોતાની સુંદરતા માટે ઇન્ફિરિયારીટી કોમ્પ્લેક્ષ હતો. એ પોતાને સુંદર ન્હોતી માનતી.


એક દીવસ ઓફિસમાં પુજા હતી . બધાએ સાડી પહેરીને આવવાનું નક્કી કર્યું હતું. એઝ યૂઝવલ શ્યામા એની મમ્મીની સાદી કોટન સાડી પહેરીને આવી હતી. પૂજા પત્યા પછી બધા ભેગા થઈ પાણીપુરી ખાવા ગ્યા. પાણીપુરી ખાતા હતાં ત્યાં લારીથી થોડે દુર એક ટોળું ભેગું થયું હતુ. શ્યામાને ટોળું જુવે એટલે અંદરનો પત્રકાર જાગી જાય ને શું બન્યુ છે એ જોવા પહોંચી જાય. એનું સૂત્ર હતુ " ક્યાંય પણ કાંઇ થયું હોય તો ઉભા રહીને જોઇ લેવું કદાચ કોઈ આપણું જ એમા હોય."


એ ટોળામાં ઘૂસી ગઈ ને જોયું તો એક ગાંડા જેવી સ્ત્રી હતી ને કાંઇક બબડી રહી હતી. એની ભાષા કોઈને સમજાતી ન્હોતી પણ બધાની નજર એ સ્ત્રી પર જ હતી કારણકે એ નગ્ન હતી ને ઘાટીલી હતી. એની ભાષા સાથે કોઈને કાંઇ લેવા દેવા ન્હોતી. ત્યાં એ ટોળામાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. જે એની દયા ખાતી "બિચારી બાપડીની કેવી હાલત છે ?" ક્યાંની હશે? અહી કેવી રીતે આવી હશે? એના કપડાં ક્યાં ને કેવી રીતે જતા રહ્યાં હશે? એની સાથે શું થયું હશે "વગેરે ચર્ચા કરી રહી હતી.

અચાનક શ્યામાએ પોતે પહેરેલી સાડી કાઢી ને પેલી બાઈને વીંટી દીધી પેલી બાઈ શાંત થઈ ગઈ, કદાચ એ કપડા જ માંગતી હતી.

શ્યામા હવે બ્લાઉઝ ને ચણીયાંમા હતી પણ કપડાંમા હતી. ત્યાંજ શ્યામાનાં શરીર પર પાછળથી પર એક શર્ટ આવ્યો. જોયું તો રોનક હતો એની સાથે કામ કરતો છોકરો.એણે તાળી પાડી ને એ સાથે જ ત્યાં ઉભેલા આખા ટોળાએ શ્યામાને તાળીઓથી વધાવી લીધી. શ્યામા ટોળાને ચીરતિ 181 મહિલા હેલ્પલાઇનને કોલ કરતી આગળ વધી.


શ્યામા એનાં એક્ટિવા પાસે આવી ને ચાવી એક્ટિવામાં લગાવી ત્યાં એની નજર એક્ટિવાના સાઈડ ગ્લાસ પર ગઈ ને સાઈડ ગ્લાસમાં પોતાને જોતાં ગાલ પર ફરકતી લટને સરખી કરતાં બોલી "શ્યામા તું ખરેખર ખૂબ સુંદર છે."


કેમ ગમું છું?

રૂપેશ ઓફિસથી આવ્યો ને નાહીને અરીસામાં જોઇ વાળ ઓળતો હતો ત્યાં જલ્પાં આવી ને કહેવા લાગી આજે બપોરે રૂપાલી ને અર્ચના આવ્યાં હતાં. રૂપેશે કહ્યુ સરસ. ઘણાં દિવસે તારી બહેનપણીઓ મળી મજા આવી હશે. જલ્પાએ કહ્યુ હા પણ અર્ચના થોડી ડિસ્ટર્બ લાગી. એ કહેતી હતી કે એનાં પતિનું ભાવિનનું ક્યાંક ચક્કર લાગે છે. એ રોજ મોડો આવે છે. ઘરે પણ મોબાઈલમાં જ રચ્યો પચ્યો રહે છે. બિચારી. તમને ખબર છે આજે ફરી રૂપાલી મને ચીડવતિ હતી કે કાગડી દહીંથરૂ લઇ ગઇ. રૂપેશ તું આટલો હેન્ડસમ છે તો મને છોડી તો નહીં દે ને? મને કહેને હું તને ગમું છું ? રૂપેશે કહ્યું હા ને તરત બોલ્યો કેમ ગમે છે? એવું ના પુછતી.

જલ્પા મહિનામાં દસવાર તો રૂપેશને આ સવાલ પુછતી જ હતી કે હું તને ગમું છું ? એ રૂપેશને ક્હેતી હું દેખાવે સુંદર નથી છતાં તને ગમું છું? રૂપેશ કહેતો હા ને તરત જ જલ્પાનો બીજો સવાલ આવતો " કેમ ગમું છુ? " રૂપેશ હંમેશા સ્માઈલ કરતો ને કહેતો " બસ એમજ." કોઇના ન ગમવાના હજાર કારણ હોય પણ ગમવાનાં કોઈ કારણ નથી હોતા. જલ્પા એનાં પર ચીડાતી હમેશા સ્માઈલ કરી ને મારી વાતને ઉડાવી દે છે.
જલ્પાએ ફરી એ જ વાતનો તંતુ સાંધતા રૂપેશને કહ્યું બધાં મને ચીડવે છે કે કાગડી દહીંથરૂ લઇ ગઇ. આજે તો તારે મને કહેવું જ પડશે નહીતો હું ય નહીં જમું ને તને ય નહીં જમવા દઉં . મમ્મી પપ્પાએ જમી લીધું છે એટલે એમનું ટેન્શન નથી.એમ કહીને જલ્પા જીદે ચઢી.

રૂપેશે શાંતિથી એનો હાથ હાથમાં લીધો ને એને બેસાડીને કહ્યું આજે ભાવિન મને મળવા આવ્યો હતો. એણે મને કહ્યું કે અર્ચના તારા ત્યાં આવે તો જલ્પાને કહેજે એને સમજાવે કે આખો દીવસ મોબાઇલ લઇને fb ને insta પર વિડીયો જોવે છે, what's app પર ચેટ કરે છે ને એની બ્યુટીનું જેટલું ધ્યાન રાખે છે એટલું ઘરમાં પણ ધ્યાન આપે. વાતે વાતે મારા માં બાપનું અપમાન કરે છે એ બંધ કરી દે. જો આમજ ચાલશે તો મારે ડિવોર્સ લેવા પડશે. જે હું નથી ઇચ્છતો. બિચારો રડવા જેવો થઈ ગ્યો હતો એટલે હવે એને મળે તો સમજાવજે.

જલ્પા ઓકે કહીને જવા લાગી ત્યાં રૂપેશે એનો હાથ પકડી લીધો ને કહ્યું સુંદર વ્યક્તિ સંસ્કારી જ હોય એવું ન પણ બને પણ સંસ્કારી વ્યક્તિ મનથી જરૂર સુંદર હોય છે જે તું છે. જવાબ મળી ગ્યો કાગડી? અને રોજની જેમ સ્માઈલ કરીને એણે એના કપાળે એક પપ્પી કરી ને જલ્પા બોલી ચાલ હવે મને બહુ ભુખ લાગી છે.


મોહભંગ

પીયૂષનાં ત્યાં બધા ભેગા થયા હતાં.એના બાપા રતિલાલભાઇનું સિવિયર એટેક આવવાથી મૃત્યુ થયું હતું.

બધા વાતો કરતા હતા કે હજી પઁદર દીવસ પહેલા તો એમને એટેક આવ્યો હતો ને દવાખાનામાં દાખલ કર્યા હતાં. ત્યાં પીયૂષ બોલ્યો હા ભાઇ પઁદર દીવસ પહેલા જ હાર્ટનાં સ્પેશયાલિસ્ટને ત્યાં દાખલ કર્યા હતાં બધુ સરસ થઈ ગયું હતુ ને આજે સવારે ચા સાથે છાપું વાંચતા હતાં ને શેરમાર્કેટનાં પેજ પર પહોંચ્યાં ને માથું ઢાળી દીધું .ચા ટ્રેમાં ને છાપું હાથમાં રહી ગયું. દવાખાનામાં સાડા ત્રણ લાખ ખર્ચો થ્યો ને આજે આ પઁદરમા દિવસે તો. ને સામે વાળો કહેતો હશે ભાઇ ઇશ્વરને ગમ્યું એ ખરું.એની આગળ ક્યાં આપણું ચાલે છે.

જે પણ આવતું એ એક જ વાત પૂછતું આ કેમનું બન્યુ? ને પીયૂષ આખી રામ કહાની પત્યા પછી અફસોસ સાથે કહેતો સાડા ત્રણ લાખ રૂપિયા ખર્ચો થ્યો.

આપણે ત્યાં કહેવામાં આવે છે કે માણસ મૃત્યુ પામે પછી એનો આત્મા દસ દીવસ મોહવશ ત્યાં જ એના સગાવ્હાલાની આસપાસ ફરતો હોય છે ને બધુ જોતો હોય છે. મોહભંગ થતાં બીજી યોનિમાં ચાલ્યો જાય છે.


થોડીવાર પછી પાછું કોઈ આવ્યુ. પાછું એ જ રતિલાલપુરાણ કરવામાં આવ્યુ ને છેલ્લે પીયૂષ અફસોસ સાથે એજ બ્રહ્મ વાક્ય ઉવાચ્યો. સાડા ત્રણ લાખ ખર્ચો થ્યો ને રતિલાલભાઈનો આત્મા બોલી ઉઠ્યો, "તુ તારા સાડા ત્રણ લાખને રોવે છે ભાઇ મે તને સાડાત્રણ લાખ ખરચવાને લાયક બનાવવા આખું જીવન ખર્ચી નાખ્યું એનું કાંઇ નહીં ? ને રતિલાલભાઈનો આત્મા એ જ દિવસે ત્યાંથી નીકળી ગ્યો બીજો જન્મ લેવા.

ખીચડી

રોકી બેઠો બેઠો રોતો હતો.પોલીસ તપાસ ચાલતી હતી.ઘરમાંથી શું શું ગયું એનું લિસ્ટ બનાવવામાં આવ્યુ. 25 તોલા સોનું 3 લાખ કેશ ને કેટલાંક આલ્બમ. રોકીનાં બાપા એની પર બગડ્યા હતા. રાકલા તને હમજાયોતો પણ તું મોન્યો જ નઈ. પોલીસ ઇન્સપેક્ટરે પુછ્યું રાકલા? આવડો આ રોકીને બતાવતા એનાં બાપા લાલજીભાઇ બોલ્યા આનું નામ રાકેશ છે અમે લાડમાં રાકલો કહીએ પણ ભાઈને પોતાનુ નામ નહી ગમતું જુનવાણી લાગે છે એટલે ભાઈએ પોતાનુ નામ રોકી રાખ્યું. ના પાડીતી લગન કરવાની પણ માને તો ને.બધુ ઉહેટીને લઇ જઇ મારી હાળી. બાપુજી ટાઢા પડો આ લો તમારી બી.પીની ગોળી. ઇન્સપેક્ટરે પૂછ્યું આ બેન કોણ? કામવાળી છે? લાલજીભાઈએ કહ્યું આ કામવાળી નહીં આ જ કામની છે પણ આ રાકલો હમજે તો ને. આ રાકલાની ઘરવાળી છે. ઇન્સપેક્ટરે પુછ્યું તો જે ચોરી કરીને ગઇ એ કોણ હતુ? લાલજીભાઇ બોલ્યા એ ફાસ્ટફૂડ હતુ. પિત્ઝા બર્ગર ને સેન્ડવીચ ને આ ખીચડી છે. ખબર નહીં ચોંથિ એ ધોળીને લઇ આયોતો.
પોલીસે જરુરી પુછપરછ કરી તપાસ પુરી કરી . જતાં જતાં ઇન્સપેક્ટરે રોકીને કહ્યું ભાઇ બે લાઇન કહીશ.
શિયાળે વસાણાં ભલાં, ઉનાળે દહીં છાશ, ચોમાસે ભલાં ગરમ ચા કોફી, હે મારી ખીચડી બારેમાસ.
પિત્ઝા બર્ગર ક્યારેક સારાં લાગે વધું ખાવ તો પેટ બગાડે બાકી ખીચડી બારેમાસ સ્વાસ્થ્ય માટે પણ સારી.
ફિલ્મી લવ

જેમ દરેક નામની એક સીઝન આવતી હોય છે એમ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે આવ્યુ ત્યારે લગન કરનાર ને બાળક ને જન્મ આપનાર મોટાભાગના માં બાપોએ પોતાના દિકરા દીકરીઓના આ નામ રાખ્યા હતાં રાજ ને સિમરન.આ નામની પણ એ સીઝન હતી.

સિમરન એક કલાકાર હતી ને રાજ એક નવો ઉભરતો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. બન્ને સિમરનનાં એક સ્ટેજ પરફોર્મન્સમા મળ્યા હતાં.જેમા રાજ સ્પોન્સર હતો. બન્ને મળ્યા ત્યારે સિમરનના રૂપથી ને રાજના ડ્રેસિંગથી બન્નેની આંખો ચાર થઈ. કેફે કોફી ડે થી શરુ થયેલી સફર સ્ટારબકસની કોફીમાં સમાપ્ત થઈ. કોફીના બિટર ટેસ્ટ સાથે.

રોજ રાજને સિમરન વચ્ચે કોઈને કોઈ બાબતે ઝઘડો થતો. રાજ સિમરનને કહેતો તુ પહેલી વખત મળી હતી એવી નથી રહી. તું જ્યારે સ્ટેજ પર હોય છે ત્યારે તને જોવી ગમે છે. તારી સિરિયલમાં તું કેવી સેક્સી લાગે છે. સિમરન કહેતી સ્ટેજ પર કે સિરિયલમાં એ સિમરન નથી હોતી. એ જે તે કેરેક્ટર હોય છે જેને હું પરફોર્મ કરૂ છું. શું હું આખો દીવસ મેકઅપમા જ રહું? એ કેવી રીતે બને? ને સામે સિમરન દલીલ કરતી કે તું લગન પહેલાં મારા દરેક શોમાં હાજર રહેતો. મને રિહર્સલમાં લેવા ને મુકવા આવતો.
રાજ બોલ્યો હું એ જ કરીશ તો કમાવા કોણ જશે? મારી ઉપર તારી એકલીની નહીં 45 માણસના સ્ટાફની પણ જવાબદારી છે. તુ સ્ટાફમા ગણતરી કરે છે મારી ?

આજે એ ઝઘડો ખૂબ વધી ગયો ને બન્ને જણની ગણતરી ને હિસાબો છેક એકાઉન્ટ કલોઝ કરવા સુધી પહોંચી ગઈ.

બન્ને છુટા પડ્યા કોર્ટમાં ને બહાર આવ્યા ત્યારે રેડિયો પર દિલવાલે દૂલ્હનીયા લે જાયેંગે નું ગીત વાગતું હતુ.
તુજે દેખા તો યે જાના સનમ....

રાજ બબડ્યો સારુ થયું દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેની સિક્વલ નાં બની.