Vasudha-Vasuma - 40 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-40

વસુધા

પ્રકરણ-40

       ગુણવંતભાઇ કરસન અને મનુભાઇની મદદથી પીતાંબરને શહેરમાં સીટી હોસ્પીટલમાં તાત્કાલીક સારવાર વિભાગમાં દાખલ કરે છે ત્યાં ઇમરજન્સીમાં ડોક્ટર એની સ્થિતિ જોઇ સારવાર તો ચાલુ કરે છે પણ સાથે સાથે તાકિદ કરે છે કે આ અકસ્માતનો કેસ છે પોલીસને પણ જાણ કરવી પડશે. કરસન કહે છે ડોક્ટર તમે તાત્કાલીક સારવાર ચાલુ કરો પોલીસ કંમ્પલેન થઇ ચૂકી છે. હમણાં પોલીસ અહીં આવતીજ હશે હમણાં મારાં મિત્રને સારવાર મળવી જરૂરી છે.

       સીટી હોસ્પીટલમાં ઇમરજન્સી વોર્ડમાં પીતાંબરની સારવાર ચાલી રહે છે. ગુણવંતભાઇ વોર્ડની બહાર ચિંતાગ્રસ્ત ચહેરે બેઠાં છે મારાં પીતાંબરને આ શું થઇ ગયું ? એ ક્યો નરાધમ હતો જેણે સમજીને આ અકસ્માત કર્યો છે જે હશે એને હું નહીં છોડું બસ એકવાર પીતાંબર ભાનમાં આવી જાય. મારાં દિકરાને ખૂબ વાગ્યું છે એમ વિચારતાં એમની આંખો ભરાઇ આવી અને ડૂસ્કુ નંખાઇ ગયું બાજુમાં બેઠેલાં મનુભાઇએ કહ્યું ગુણવંતભાઇ હિંમત રાખો દીકરાને સારુંજ થઇ જશે તમે તો વડીલ છો તમે હિંમત ગુમાવશો તો બીજાઓનું શું થશે ? કોણ કોને આશ્વાસન આપશે હજી ઘરે તો....

       પીતાંબરનાં ઘરે અકસ્માતનાં સમાચાર આવ્યાં છે ત્યારથી રડારોળ ચાલી રહી છે. વસુધાનાં આંસુ સૂકાતાં નથી એ ધુસ્કે ને ધ્રુસ્કે રડી રહી છે એ ચીસ જેવા અવાજે બોલી મને એમની પાસે લઇ જાવ... મારે દવાખાને જવું છે મારે એમને જોવા છે એ કયો કાળમુખો સામે રાક્ષસ બનીને આવ્યો... મને એમની પાસે લઇ જાઓ...

       ભાનુબહેનની સ્થિતિ પણ દયામણી થઇ ગઇ હતી રડી રડીને આંખો સૂજી ગયેલી એક સરલાજ હતી જે હિંમત રાખી બધાને સાચવી રહેલી એણે એનાં પતિ ભાવેશને ફોન કરી બોલાવી લીધો. વસુધાનાં ઘરે સમાચાર મોકલાવ્યા. ત્યાંથી પુરષોત્તમભાઈ, પાર્વતીબેન દુષ્યંત બધાં અહીં આવવા નીકળી ગયાં હતાં. આજુબાજુનાં અને ગામની સ્ત્રીઓ ઘર પાસે એકઠી થવા લાગી હતી.

       વસુધા રડી રડીને સાવ નંખાઇ ગઇ હતી એની આંખોમાં આંસુ સૂકાતાં નહોતાં એ દેવસેવામાં મહાદેવની તસ્વીર સામે જોઇને આંસુ સારી રહી હતી એણે કહ્યું મારાં દેવ.. મારાં મહાદેવ એમને કશું ના થવું જોઇએ જોજો મારી શ્રધ્ધા ભાંગશો નહીં મારો વિશ્વાસ કદી તોડશો નહી.. પ્રભુ એમને સાજા કરી દો...

       વસુધાનાં ઘર પાસે આવીને ભાડાની જીપ ઉભી રહી ગઇ એમાંથી પુરસોત્તમભાઇ, પાર્વતીબેન અને દુષ્યંત ત્થા દીવાળીફોઇ ઉતર્યા. બધાની આંખોમાં આંસુ હતાં. વસુધાએ જેવાં એનાં પાપાને જોયા એ ઉઠીને દોડી અને એમને વળગી ગઇ પાપા..પાપા.. એમને દવાખાને લઇ ગયાં છે પાપા મને પીતાંબર પાસે લઇ જાઓ પાપા.. હું અહીં એકલી નહી રહું મને એમની પાસે પાપા.. હું અહીં એકલી નહી રહું મને એમની પાસે લઇ જાવ. સરલા વસુધા પાસે આવી અને રડતી રડતી બોલી.. "વસુધા ખમ્મા કરો આમ હિંમત હારે નહીં. ચાલે મારાં ભાઇને કંઇ થવાનું નથી સાજો નરવો થઇને ઘરે આવી જશે. એ એક્સીડેન્ટ કરનારને છોડીશ નહીં.. હું... હું.. ત્યાં પુરષોત્તમભાઇએ કહ્યું ચાલો આપણે દવાખાને જઇએ હું સાથે જીપ લાવ્યો છું બધાં સાથેજ જઇએ.

       પાર્વતીબેને કહ્યું ના બધાને હમણાં જવાની જરૂર નથી તમે વસુધા, ભાનુબેન અને સરલાબેન જાવ અમે અહીં ઘરે રહીએ છીએ અહીંની કોઇ ચિંતા ના કરસો.

       પાર્વતીબેનને જોઇને ભાનુબેન રડતાં રડતાં વળગીજ પડ્યાં. પાર્વતીબેને કહ્યું મહાદેવ પર ભરોસો રાખો બધુ સારું થશે. તમે આમ ભાંગી પડશો તો આ છોકરાઓને કોણ સંભાળશે ? રડશો નહીં તમે હોસ્પિટલ જઇ આવો.

        દિવાળી ફોઇએ કહ્યું બેન આમ ઢીલાના થશો સારું થઇ જશે. તમે જઇ આવો તમે નજરે જોશો તો સંતોષ થશે.

       ભાનુબેન-વસુધા-સરલા અને પુરષોત્તમભાઇ બધાં જીપમાં બેઠાં. ડ્રાઇવરને કહ્યું શહેરની સીટી હોસ્પીટલ લઇ લે. અને જીપ શહેર તરફ ચાલી.

****************

       દવાખાને પહોચી ચારે જણાં તાત્કાલીક સારવાર વિભાગમાં ગયાં ત્યાં પીતાંબરની સારવાર ચાલતી હતી. ગુણવંતભાઇ પુરષોત્તમભાઇને જોતાંજ ઉભા થઇ ગયાં અને નીક્ટનાં મિત્ર મળ્યાં હોય એમ વળગી ગયાં બંન્નેની આંખો ભરાઇ આવી હતી. પુરષોત્તમભાઇએ પૂછ્યું કેમ છે પીતાંબરને ? બહુ વાગ્યું છે ? ભાનમાં આવ્યાં ?

       ગુણવંતભાઇએ કહ્યું બહુ વાગ્યુ છે માથામાં વધુ વાગ્યું છે અને કેડ નીચેનાં ભાગમાં બેઠો માર પડ્યો છે.

       એની સારવાર ચાલુ છે પણ હજી ભાન આવ્યું નથી. વેવાઇ એ ભાનમાં આવી જાય એકવાર... લોહી બહુ વહી ગયું છે ઘા વાગ્યા છે એ રૂઝાઇ જશે પણ મગજ પર મરણતોલ ફટકો પડ્યો છે એ દીકરો મારો ભાનમાં આવી જાય બસ. ગુણવંતભાઇ બોલતાં બોલતાં રડી પડે છે.

       વસુધા પાપાની સામે જુએ છે પછી સરલા સામે જુએ છે એ આંખો બધાં પ્રશ્નો પૂછી રહી છે અને સાથે સાથે આંસુ વહાવી રહી છે એણે કહ્યું હું અંદર જઉં ? મને અંદર જવાદો એમને જોવા દો... મારું કહ્યું માનો.. ગુણવંતભાઇએ કહ્યું દીકરા અંદર એની સારવાર ચાલે છે અંદર કોઇને જવા નથી દેતાં હમણાં પોલીસ આવી હતી એમને પણ ના જવા દીધાં. એકવાર એને ભાનમાં આવી જવા દે પછી તું અંદર જજે. એનાં શરીરમાંથી લોહી બહુ વહી ગયુ છે એને લોહીનાં બાટલાં પણ ચઢાવ્યા છે.

       પુરષોત્તમભાઇની વાતો સાંભળતાં નજર ગુણવંતભાઇ નાં હાથ પર પડી એમણે કહ્યું તમારે લોહી આપવું પડ્યું ? ગુણવંતભાઇએ કહ્યું હાં.. સારું ને મારું લોહી મારા પીતાંબરને કામ લાગ્યું હજી જેટલું જોઇએ આપવાં તૈયાર છું મને કશું નથી થવાનું.

       ભાનુબહેને બધી વાતચીત સાંભળીને ખૂબ રડે છે એરેરે મારાં ઘરમાં આ શું થઇ ગયું ? કોની નજર લાગી ગઇ ? મારાં હસતાં રમતાં ઘર ઉપર ? મારો દીકરો સારો થઇ જશેજ મેં મારાં મહાદેવની માનતા માની છે.

       આમને આમ બે કલાક નીકળી ગયાં અને અંદરથી ડોક્ટર બહાર આવ્યાં. ગુણવંતભાઇ તરત એમની પાસે ગયાં સાથે સાથે વસુધા પણ ગઇ. ડોક્ટરે કહ્યું લોહી બંધ થઇ ગયું છે એની સારવાર સારી રીતે થઇ રહી છે એ ભાનમાં આવે પછી તમે અંદર જઇ શકો છો થોડી રાહ જોવી પડશે. આવાં કેસમાં દર્દી બે ત્રણ કલાકમાં ભાનમાં આવી જાય છે થોડી રાહ જુઓ અને હાં આ બધી દવાઓ મંગાવી લો જે થોડીવાર પછી જરૂર પડશે.

       કરસને તરતજ કાગળ લઇ લીધું અને કહ્યું હું દવાઓ લઇ આવું છું તમે લોકો બેસો. ભાનુબહેને અને વસુધા સાથે સાથે બેઠાં છે બધાંની નજર રૂમ તરફ મંડાયેલી છે. કરસન દવાઓ લઇને આવે છે અને વસુધા ઉભી થાય છે એની આંખો રડી રડીને હવે કોરી થઇ ગઇ છે એણે કહ્યું પાપા હું અંદર પીતાંબર પાસે જઊં છું મને રોકશો નહીં. પીતાંબરનાં માથે હું હાથ ફેરવીશ એને ભાન આવી જશે ભાનુબહેન કહે ચાલ વસુધા અંદર છોકરો મારો ભાનમાં આવી જશે.

       ગુણવંતભાઇએ કહ્યું ચાલો અંદર, ડોકટર આવે એમને.. હજી આંગળ સમજાવે પહેલાં વસુધા અને ભાનુબહેન પીતાંબરનાં રૂમમાં પહોચી જાય છે.

       વસુધા પીતાંબરનાં રૂમમાં આવે છે પીતાંબરનાં માથે મોટાં પાટા બાંધેલા છે શરીરમાં ઘણી જગ્યાએ ડ્રેસીંગ અને પાટા બાંધેલા છે એની આંખો બંધ છે અને શાંત ચિતે જાણે સૂઇ રહ્યો છે.

       વસુધા અને ભાનુબહેન પીતાંબર પાસે જાય છે. ભાનુબહેન પહેલાં હળવે હાથે પીતાંબરને સ્પર્શ કરે છે અને બોલે છે પીતાંબર.. એય દીકરા.. આંખ ખોલને... જો તને જોવા મળવા આવ્યાં છીએ આ તારી વસુધા તો રડી રડીને જાણે નંખાઇ ગઇ છે તું આંખો ખોલ એને જો.. એય પીતાંબર ત્યાં વસુધા પીતાંબર તરફ આગળ વધે છે અને એનો હાથ પીતાંબરનાં કપાળ પર ફરે છે પીતાંબરની આંખો થોડીક આહટ જાણી હોઇ હોય એમ ફરકે છે પાછી શાંત થઇ જાય છે.

       વસુધાએ કહ્યું એમને મારો સ્પર્શ સમજાઇ ગયો. મને ઓળખી લીધી છે હવે ભાનમાં આવશે માં તમે મહાદેવને પ્રાર્થના કરો... માં.. અને વસુધા પીતાંબરની નજીક આવીને એકદમ ધીમેથી બોલી પીતાંબર મારાં પેટમાં તમારો દીકરો છે તમે એની સાથે વાતો નહીં કરો ? તમે તો કાયમ દીકરો આવવાનો દીકરોજ આવવાનો એવી વધામણી અને ઓધામણી આપ્યાં કરો છો તો હવે બોલોને પીતાંબર.. પીતાંબર… એમ બોલી ફરીથી રડી પડે છે એણે પીતાંબરનાં હાથમાં એની હથેળી મુકી... અને ધીમાં સ્વરે બોલી પીતાંબર ઉઠો હજી તમારે ઘણાં કામ કરવાનાં બાકી છે ત્યાં સરલાએ કહ્યું ભાઇ તું જોને કોણ આવ્યુ છે ?

 

આગળ આવતા અંકે - પ્રકરણ-41